Saturday, July 1, 2023

ઉત્ક્રાંતિનો વધુ એક પુરાવો

 



26 એપ્રિલ 1986 માં ચેર્નોબિલ ન્યૂક્લિઅર પ્લાન્ટના રિએક્ટર નંબર 4 માં જોરદાર ધડાકો થયો. ધડાકો સ્કેલ 7 નો હતો. મોટા રેડિઓ એક્ટિવ અકસ્માતો થાય તેને સ્કેલ 7 માં રાખવામાં આવે છે(જુઓ નીચેની ઇમેજ). ધડાકાની તીવ્રતા 400 હિરોશિમા બોમ્બ બરાબર હતી. 5% જેટલું રેડિઓ એક્ટિવ કોર હવામાં દૂર-દૂર સુધી ફેલાયું. ધડાકાની અસર યુરોપ તેમજ આફ્રિકાના કેટલાક વિસ્તાર સુધી પ્રસરી. ધડકાથી ફેલાયેલ રેડિઓ એક્ટિવિટિ જ્યારે રાખ સ્વરૂપે વિવિધ ખેતરો/વનસ્પતિઓ ઉપર પડી અને તેને જે પ્રજાતિએ ખાધી તેમને વિવિધ બીમારીઓ થઇ. લગભગ 4000 મનુષ્યોને થાઇરોઇડના કેન્સર થયાં. ઘણાં લોકો મૃત્યુ પામ્યા તેમજ ત્રણ લાખ પચાસ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.



-

ત્રીસ વર્ષ સુધી અહીં વન્યજીવન નષ્ટ થઇ ગયું અથવા એમ કહો કે નજીવી માત્રામાં હતું પરંતુ ત્રીસ વર્ષ પછી હવે ધીમેધીમે અહીં વન્યજીવન વિકસિત થઇ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે સજીવોમાં મૌજૂદ DNA ને રેડિઓ એક્ટિવ રેડિએશન નુકસાન પહોંચાડે છે. તેને ચેન્જ કરી શકે છે અને જ્યારે DNA ચેન્જ થાય છે ત્યારે તેમાં મ્યૂટેશન આવે છે તેમજ શરીરમાં વિવિધ ફેરફારો થાય છે. બિલકુલ આવું થયું ત્યાની પ્રજાતિઓ સાથે.

-

ત્યાંના દેડકાઓ કે જેઓ સામાન્યપણે લીલા રંગના હતાં પરંતુ વૈજ્ઞાનિકોની એક ટીમ 2016 માં ત્યાં સંશોધન અર્થે ગઇ તો તેમને ઘણાં એવા દેડકાઓ મળ્યા કે જેઓનો રંગ કાળો હતો. કાળો રંગ ક્યાંથી આવ્યો? જ્યારે આપણે તડકામાં જઇએ છીએ ત્યારે આપણો રંગ ધીમેધીમે કાળો થતો જાય છે. કેમ? કારણકે આપણી ત્વચામાં એક ખાસ પ્રકારનું pigment(રંગદ્રવ્ય) ઉત્પન્ન થાય છે જેને Melanin કહેવામાં આવે છે. જેમજેમ Melanin ની માત્રા વધતી જાય તેમતેમ ત્વચાનો રંગ ઘાટ્ટો થતો જાય છે. તો રેડિઓ એક્ટિવિટિ હો અથવા સૂર્યના ultraviolet કિરણો હો, તેઓ ત્વચાને નુકસાનકર્તા હોવાથી ત્વચામાં Melanin બનવાનું શરૂ થઇ જાય છે.

-

હવે Melanin ક્યાંથી આવે છે? મનુષ્યની ત્વચાના ત્રણ પડ/સ્તર(layer) હોય છે(જુઓ નીચેની ઇમેજ-1). સૌથી ઉપરના સ્તર epidermis ના નીચેના ભાગમાં જુઓ તો ત્યાં તમને નાના-નાના કોષ નજરે ચઢશે જેને melanocyte કહે છે. કોષ Melanin ને ઉત્પન્ન કરે છે. જેવા કોષ ઉપર ultraviolet કિરણો અથવા રેડિઓ એક્ટિવ રેડિએશન પડવાના શરૂ થાય કે તુરંત તેઓ એક રંગ છોડવાનું શરૂ કરે છે. રંગ નીચેથી લઇને ધીમેધીમે ઉપર(બાહ્ય ત્વચા) તરફ ગતિ કરવાનું શરૂ કરી ત્વચાને ઘાટ્ટા રંગની કરી દે છે(જુઓ નીચેની ઇમેજ-2). ઘાટ્ટો/કાળો રંગ રેડિએશન વિરૂધ્ધ શરીરને રક્ષણ આપે છે. રંગ રેડિએશનની ઉર્જાને શોષી પરાવર્તિત કરી નાંખે છે. જેના કારણે કોષોને ઓછામાં ઓછું નુકસાન થાય છે.




-

ત્યાંના 200 નર દેડકાઓને 12 વિવિધ તળાવોમાંથી એકઠાં કરવામાં આવ્યા. અધ્યયન કરતા જણાયુ કે તેઓની ત્વચામાં ધીમેધીમે બદલાવ આવ્યો હતો(જુઓ નીચેની ઇમેજ). અકસ્માત બાદ દેડકાઓની દસ પેઢી વીતી ચૂકી છે અને હવે કાળા રંગના દેડકાઓ ત્યાં વધુ નજરે ચઢે છે. રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે. ઉદાહરણ દર્શાવે છે કે કઇરીતે બાહ્ય વાતાવરણમાં થનારા ફેરફાર વિરૂધ્ધ અસ્તિત્વ ટકાવવા સજીવોમાં બદલાવ આવે છે. જેને નેચરલ સિલેક્શન કહે છે.



 

https://pubmed.ncbi.nlm.nih.gov/36187188/#:~:text=Our%20results%20suggest%20that%20exposure,coloration%20in%20Chornobyl%20tree%20frogs.

 


 

No comments:

Post a Comment