Saturday, September 10, 2022

Glass Ceiling(patriarchy)

 



 

ભારતીય વિજ્ઞાન સંસ્થાના પ્રમુખ સી.વી. રામન પાસે કમલા સોહિની નામની એક મહિલાએ તેમના માર્ગદર્શન હેઠળ ભૌતિકીમાં સંશોધન કરવા માટે અનુરોધ કર્યો પરંતુ સી.વી. રામને ફક્ત એટલા માટે તેમના આવેદનને રદ કર્યુ કેમકે તે એક મહિલા હતી. તેમણે કહ્યું કે તેઓ એક મહિલાને સંસ્થામાં પ્રવેશ નહીં આપી શકે. ગ્રેજ્યુએશનમાં સૌથી વધુ માર્ક મેળવ્યા છતાં કમલા સોહિનીને દાખલો મળ્યો. તેમણે પડકાર ફેંક્યો કે જો તેને સંસ્થામાં અભ્યાસ કરવાની તક મળશે તો તે ડિસ્ટિંક્શન સાથે પરિક્ષા પાસ કરશે.

-

બાદમાં તેમને એક વર્ષ માટે કેટલીક શરતોને આધીન પ્રવેશ અપાયો. જેમકે તેમના કાર્યને ત્યાંસુધી માન્યતા નહીં મળે જ્યાંસુધી ડિરેક્ટર તેમના કાર્યથી સંતુષ્ટ નહીં થાય. સાથેસાથે તેમને એમ પણ કહેવામાં આવ્યું કે તેમની હાજરીથી ત્યાંના પુરૂષ સંશોધકોનું ધ્યાન ભટકવું જોઇએ નહીં. 1936 માં કમલા સોહિનીએ ડિસ્ટિંક્શન સાથે માસ્ટર ડિગ્રી મેળવી. સાથે તેમણે વધુ સંશોધન અર્થે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ પણ મેળવી અને પીએચડીની પદવી પણ હાંસિલ કરી તેમજ વિજ્ઞાનમાં પીએચડીની પદવી હાંસિલ કરનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં. આનું પરિણામ આવ્યુ કે ત્યાર પછીના વર્ષે સી.વી. રામને સંસ્થાના દરવાજા મહિલા વિદ્યાર્થીઓ માટે પણ ખોલી નાંખ્યાં. આજે રિસર્ચની દુનિયામાં કમલા સોહિનીનું કાર્ય લાજવાબ મનાય છે.

-

એક સભા(કે જે ભારતીય મહિલા વૈજ્ઞાનિક સંઘ દ્વારા આયોજીત કરાઇ હતી) માં તેમણે પોતાની ઉદાસી વ્યક્ત કરતા કહ્યું કે, “પ્રોફેસર સી.વી.રામનને નોબલ પુરષ્કાર મળ્યો હોવા છતાં, માનવ તરીકેનો તેમનો દ્રષ્ટિકોણ ખુબજ સંકુચિત હતો. તેમણે મારી સાથે તિરસ્કારપૂર્ણ વર્તન ફક્ત એટલા માટે કર્યું કારણકે હું એક મહિલા હતી.”

-

બિલકુલ આજ પ્રમાણે કલકત્તા યુનિવર્સિટીના પ્રોફેસર D.M.Bose, વિભા ચૌધરીને પોતાના રિસર્ચ ગ્રુપમાં સામેલ નહોતાં કરવા માંગતા કેમકે તેમની પાસે મહિલાઓ માટે યોગ્ય સંશોધન પ્રોજેક્ટ હતાં. આજે વિભા ચૌધરીના પાર્ટિકલ ફિઝિક્સ અને કોસ્મિક કિરણો પર થયેલા કાર્યોને ઐતિહાસિક ગણવામાં આવે છે. International Astronomical Union એક white dwarf star ને તેમનું નામ પણ એનાયત કર્યુ છે.

-

ડેટા દર્શાવે છે કે આજે તમામ કામ કરતી મહિલાઓમાંથી 95% મહિલાઓ informal sector (અનૌપચારિક ક્ષેત્ર) માં કામ કરે છે, જ્યાં તેમને આર્થિક કે સામાજીક કોઇપણ પ્રકારની સુરક્ષા મળતી નથી. STEM(science, technology, engineering, math) સંસ્થાઓમાં માત્ર 20% મહિલાઓ છે. જેમકે IIT મદ્રાસમાં 314 પ્રોફેસરમાંથી માત્ર 31 મહિલાઓ અને IIT બોમ્બેમાં 143 માંથી 25 મહિલા પ્રોફેસર છે. આંકડા એટલા માટે દર્શાવ્યા છે કેમકે કેટલાક મહાનુભાવોનું કહેવું છે કે મહિલાઓ તો ખુબ પ્રગતિ કરી રહી છે તમે ખોટી બળતરા કરો છો.

-

ટૂંકમાં ડાર્વિન હોય, સી.વી. રામન હોય કે અન્ય સુશિક્ષિત વિજ્ઞાની....અન્ય મુદ્દાઓ ઉપર ભલે તેઓ પોતાના સમય કરતા ઘણાં આગળ રહ્યાં હોય પરંતુ સ્ત્રીઓ વિષેની તેમની વિચારસરણી તેમને પોતાની સદી કરતાં ઘણી પાછળ લઇ જાય છે. આને glass ceiling કહે છે. મતલબ પિતૃસત્તા દેખાતી નથી પરંતુ દરેક જગ્યાએ તમે તેને મહેસુસ કરી શકો છો, શરત એટલી છે કે જોતા આવડવું જોઇએ.

जो लोग ये समझ नहीं पाते कि औरत क्या चीज है, उन्हें पहले ये समझने की जरुरत है कि- औरत चीज नहीं है! (सआदत हसन 'मंटो')

 


 

 

No comments:

Post a Comment