મનુષ્યોને આજે સૌથી વધુ ડર જો કોઇ બીમારી વિષે હોય તો તે છે...કેન્સર પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે હાથીઓને કેન્સર ખુબજ ઓછું થાય છે. વૈજ્ઞાનિકો વર્ષોથી એ જાણવાના પ્રયાસમાં હતાં કે હાથીઓમાં આખરે એવું તે શું હોય છે જેના કારણે તેઓને કેન્સર ખુબજ જૂજ માત્રામાં થાય છે? તેમજ હાથીઓની જેમ કેન્સર વિરૂધ્ધ સશક્ત શરીર બનાવવા માટે માનવ શરીરમાં કેવા ફેરફાર કરવા પડે? ચાલો જાણીએ...
-
કેન્સર શું છે તેની ઉપર આપણે અગાઉ ઘણી વખત વિસ્તૃત ચર્ચા કરી છે. માટે થોડી ઉપરી નજર કરી વિષય ઉપર આગળ વધીશું. માનવ શરીર આશરે 37.2 ટ્રિલિયન કોષ(cell) વડે બન્યું છે. આ કોષોની અદલાબદલી(replacement) થવી પણ જરૂરી છે. એક દિવસમાં આપણે 330 બિલિયન કોષને replace કરીએ છીએ. મતલબ 80 થી 100 દિવસની અંદર આપણે શરીરના લગભગ તમામ કોષ બદલાવી નાંખીએ છીએ. જ્યારે આ કોષ નવા આવી રહ્યાં હોય છે અથવા તેમનું વિભાજન થઇ રહ્યું હોય છે ત્યારે કોઇક કારણોસર જો તેમાં ક્ષતિ(error) આવી જાય(જો કે મોટાભાગની ક્ષતિને શરીર સુધારી લે છે) ત્યારે તે નિરંકુશ થઇ જાય છે અને આખરે તે એક ટ્યુમર(કેન્સર) નું રૂપ ધારણ કરી લે છે.
-
હવે આવીએ હાથી ઉપર.....હાથીના શરીરમાં લગભગ 1000 ટ્રિલિયન કોષ હોય છે. જો તેઓના કોષ પણ આપણાં દરે replacement થતાં રહે(યાદરહે સઘળો મામલો ગાણિતિક છે સાયન્ટિફિકલી સાબિત નથી થયો) તો, તેનો મતલબ એવો થયો કે હાથીમાં કોષનું ઉત્પાદન ખુબજ વધુ દરે થઇ રહ્યું છે. અર્થાત ત્યાં ક્ષતિની વધુ શક્યતાઓ હોવી જોઇએ. મતલબ હાથીઓમાં કેન્સરનું પ્રમાણ વધુ હોવું જોઇએ પરંતુ એવું થતું નથી. કેમ?
-
વાતને સમજવા માટે નીચેની ઇમેજ-1 જુઓ, જેમાં હાથી અને મનુષ્યની તુલના કરાઇ છે. તેમાં સૌથી ધ્યાનાકર્ષક વાત છે કેન્સરથી થતાં મૃત્યુ. ઉંડાણમાં જવું હોય તો નીચે મૌજૂદ એક રિપોર્ટની PDF ની લિંક ઉપર નજર દોડાવો. હવે આપણે જઇએ Dr. Joshua Schiffman તરફ(જુઓ નીચેની ઇમેજ-2)...જેમણે 2015 માં એક પ્રખ્યાત પબ્લિકેશન દ્વારા Peto's paradox આપ્યો. આ paradox નું કહેવાનું તાત્પર્ય એ છે કે હાથીઓના કદ અને તેઓના કેન્સર થકી મૃત્યુના દરમાં કોઇપણ પ્રકારનું connection નથી. અર્થાત કોષનું ઉત્પાદન જે હાથીઓમાં ઘણું ઝડપી થઇ રહ્યું છે તે હાથીઓમાં કેન્સરનું ઉદભવનું કારણ નથી. અન્ય શોધમાં એ પણ સામે આવ્યું છે કે વિશાળ માછલીઓમાં કેન્સરની શક્યતા ખુબજ નહિવત હોય છે પરંતુ નાના સ્તનધારી જીવોમાં કેન્સરની શક્યતા વધુ રહે છે.
-
વધુમાં ઉંડાણપૂર્વક Dr. Joshua Schiffman લખે છે કે, સૂંઢ ધરાવતા જાનવરો પાસે એક એવા જીન હોય છે જે કેન્સરના કોષને ખતમ કરી શકે છે,જેને કહેવામાં આવે છે P53. આ જીન આપણી પાસે પણ હોય છે પરંતુ ફરક માત્ર એટલો જ છે કે માનવ પાસે આની માત્ર એક જ નકલ(copy) હોય છે. જ્યારે હાથીઓ પાસે આની વીસ કોપી હોય છે. મનુષ્યોમાં આ જીન અલગ રીતે કાર્ય કરે છે. જેમકે કોષનું વિભાજન થઇ રહ્યું છે અને કોઇક કારણોસર કોષનું ઉત્પાદન વધુ થઇ રહ્યું છે/DNA માં થયેલ કોઇક ક્ષતિ થકી કોષનું ઉત્પાદન વધુ થઇ રહ્યું છે, ત્યારે P53 તાબડતોબ તે કોષમાં થયેલ ગરબડીનો પત્તો લગાવે છે તેમજ ત્યાં જઇ જે તે કોષોનું repairing કરવાનું શરૂ કરી દે છે. તકલીફ અહીંજ શરૂ થાય છે. કેમ? વાંચો આગળ...
-
આ જીન ઘણાં જાનવરોમાં કોષોને repair કરી રહ્યું હોય છે(યાદરહે ફક્ત repair કરી રહ્યું હોય છે, નાશ નથી કરતું!). જેના પ્રતાપે બગાડ કરતાં સેલ ધીમેધીમે કેન્સરને વધારતા રહે છે. નોટ:- આ રિસર્ચ University of Chicago સાથે સંબંધિત Vincent Lynch એ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે P53 એક મારકણું જીન(killing gene) છે. હાથીઓમાં આ જીન કેન્સર કોષોને કેવળ repair જ નથી કરતું બલ્કે તેમને મારવાનું પણ શરૂ કરે છે. પરંતુ!! વૈજ્ઞાનિકોને એ સમજાતું નહોતુ કે P53 આખરે કેન્સર કોષોને મારવા માટે કયા મેકેનિઝમનો ઉપયોગ કરે છે?
-
ડો. વિન્સેન્ટે નાના જાનવરો અને હાથીઓના જીનનો બારીકાઇથી અભ્યાસ કરી તેમની સરખામણી કરી ત્યારે તેમને જીનનો એક સેટ મળ્યો. જેને LIF(Leukemia Inhibitory Factor) કહે છે. હાથીઓમાં આ સેટની 11 કોપી હોય છે જ્યારે મનુષ્ય અને નાના જાનવરોમાં આ સેટની કોપી ખુબજ ઓછી હોય છે. એમનું કહેવું છે કે LIF હાથીઓના જીન સેટમાં સૌપ્રથમ વખત 59 મિલિયન વર્ષ પહેલાં સામેલ થયું. ત્યાંસુધી તે એક વિખેરાયેલ જીન(જેને ઝોમ્બી જીન કહે છે) હતું પરંતુ જેમજેમ હાથીઓ વિકસિત થતાં ગયા તેમતેમ LIF પણ વિકસિત થતું ગયું.
-
હાલના સમયે LIF, P53 ના નીચે બીરાજમાન છે. મતલબ કે P53 નું કામ કેન્સરના સેલને ઓળખવા તેમજ તેમને મૃત્યુદંડનો હુકમ સંભળાવવાનું છે(અર્થાત ફક્ત ઓર્ડર આપવાનું છે), જ્યારે LIF નું કામ તેની અમલવારીનું છે(અર્થાત તે કેન્સરના સેલને મારે છે, તેમની મરમ્મત નથી કરતું) (જુઓ નીચેની ઇમેજ). હવે આખરે સવાલ એ ઉદભવે છે કે શું આપણે આપણા શરીરમાં P53 અને LIF ની વધુ કોપી ઉત્પન્ન કરી શકીએ છીએ? જવાબ ખબર નથી આની ઉપર ઘણું રિસર્ચ થઇ રહ્યું છે. લાગે છે કે મનુષ્ય ખુબજ જલ્દી કેન્સર ઉપર કાબૂ મેળવવામાં સક્ષમ થઇ જશે.
https://drive.google.com/drive/my-drive




No comments:
Post a Comment