Saturday, August 1, 2020

ઇવોલ્યુશન


ઇવોલ્યુશન એટલેકે ઉત્ક્રાંતિ એટલેકે ક્રમિક વિકાસ શું છે? તેના સાક્ષ્યો(પુરાવા) શું છે? વૈજ્ઞાનિક સમુદાય શું કહે છે? કેમ ઘણાં લોકો તેનો વિરોધ કરે છે? લોકોમાં તેના વિશે કેવી-કેવી ગેરમાન્યતાઓ છે? આટ-આટલાં વિરોધ છતાં શા માટે અધિકતર વૈજ્ઞાનિક સમુદાય એવું માને છે કે આ થીઅરી બ્રહ્માંડની અત્યારસુધીની સૌથી બેસ્ટ થીઅરી છે? ચાલો વાંચીએ લગભગ અત્યારસુધી ન વાંચેલા તથ્યોને..
-
ઇવોલ્યુશન શું છે એની ચર્ચા આપણે ઘણી વખત કરી ચૂક્યાં છીએ, છતાં ટૂંકમાં..... ઇવોલ્યુશન વાસ્તવમાં જીવોના વિકાસની પ્રક્રિયાની વ્યાખ્યા કરે છે, જીવનના મૂળની નહીં. ઇવોલ્યુશન આપણને એ બતાવે છે કે જીવ કઇરીતે સમય સાથે સરળ રૂપથી જટિલ પ્રાણીઓમાં રૂપાંતરિત પામ્યો. જીવની ઉત્પત્તિ કઇરીતે થઇ તે ઇવોલ્યુશન નથી બતાવતું. આ ભેદ સમજી લ્યો. ઇવોલ્યુશન જીવોના વિકાસની વ્યાખ્યા કરતી એક સર્વમાન્ય વૈજ્ઞાનિક થીઅરી છે. પરંતુ એક વૈજ્ઞાનિક થીઅરી કહેડાવવા માટે એ આવશ્યક છે કે તે પ્રાયોગિક સ્તરે પણ ખરી ઉતરે. ટૂંકમાં તેને ભૌતિક સ્તરે પારખવામાં આવે. ઉત્ક્રાંતિનો અર્થ ફરી એકવાર સમજી લ્યો....ઉત્ક્રાંતિ જીવોના વિકાસની એક એવી પ્રક્રિયા છે જેમાં જીવિત રહેવા યોગ્ય જીવોની પસંદગી નેચરલ સિલેક્શન વડે થાય છે. અર્થાત ઉત્ક્રાંતિ પ્રક્રિયા તેજ, સુસ્ત, કમજોર, બળવાન વગેરે હર પ્રકારના જીવોને જન્મ આપે છે. કયા જીવો જીવશે? તે એ બાબત ઉપર નિર્ધારિત છે કે કયા જીવો પોતાની આસપાસ મૌજૂદ પ્રાકૃતિક પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવી શકવા સક્ષમ છે.
-
ઇવોલ્યુશનની સૌથી આધારભૂત માન્યતા છે કે પ્રાકૃતિક વિકાસ ધીમેધીમે સ્ટેપ બાય સ્ટેપ થાય છે. જીવ નવી નવી શારીરિક વિશેષતાઓ ખુબજ લાંબા સમયે ગ્રહણ કરે છે. ઇવોલ્યુશન હવામાં ચમત્કારની જેમ અચાનક કોઇ શારીરિક વિશેષતા પ્રગટ નથી કરી શકતું બલ્કે પુરાણી વિશેષતાઓને જ સંશોધિત અને રૂપાંતરિત કરે છે. ઇવોલ્યુશન એક બેહદ ધીમી પ્રક્રિયા છે. જીવોમાં બદલાવ લાખો વર્ષોમાં આવે છે. એવું ક્યારેય નથી થતું કે એક ગરોળી એક ઉંદરને જન્મ આપે અથવા એક માછલી કોઇ કાચબાને. ઇવોલ્યુશન ડીએનએ માં સમય સાથે ખુબજ મામૂલી બદલાવ કરવામાં સક્ષમ છે. કોઇ મોટા બદલાવના સાક્ષાત્કાર માટે આપણે ઇવોલ્યુશનને ઘણો લાંબો સમય ફાળવવો પડે. ઇવોલ્યુશન પ્રક્રિયામાં ડીએનએ દ્વારા પુરાણી વિશેષતાઓ સુષુપ્ત થઇ જાય છે અને તેમાં ફેરફાર થઇ નવી વિશેષતાઓ જીવ ગ્રહણ કરે છે. આ આધારે જો અગર ઇવોલ્યુશન સાચું છે તો નીચે મુજબની પાંચ શરતો ઉપર તે ખરૂં ઉતરવું જોઇએ(આ પાંચેય શરતોનું વારંવાર અધ્યયન કરી લ્યો કેમકે આ શરતોજ ઇવોલ્યુશનનો આધાર છે).
-
(1) Transitional Fossils:- આપણને જૈવિક પરિવારોમાં એકબીજાના નજીકની જીવ શાખાઓના જીવાશ્મોમાં શારીરિક વિશેષતાઓ મળવી જોઇએ. અર્થાત, અગર એક જીવ પ્રજાતિ બીજી જીવ પ્રજાતિમાં રૂપાંતરિત થાય છે તો આપણને બંન્ને પ્રજાતિઓ મધ્યેની કડી રૂપે એવા જીવાશ્મો મળવા જ જોઇએ જેમાં તે બંન્ને ભિન્ન પ્રજાતિઓની શારીરિક વિશેષતાઓ મૌજૂદ હો. (2) Vestigial Organs:- આપણને હર જીવના શરીરમાં એવા અવશેષી અંગો મળવા જોઇએ જે જેતે જીવના પૂર્વજોમાં કોઇ વિશેષ કાર્યને પાર પાડતા હતાં પરંતુ સમય જતાં તે અંગો નિષ્ક્રિય થઇ ગયાં અથવા પોતાના મૂળ કાર્યથી હટી નવા કાર્યને સંપન્ન કરવામાં ઉપયોગી થઇ રહ્યાં હો. (3) DNA Similarity:- આપણને વિવિધ જીવોના જીનોમમાં સામ્યતા મળવી જોઇએ. (4) Atavism:- ઇવોલ્યુશન સંપૂર્ણપણે એક ભૌતિક પ્રક્રિયા છે જે ડીએનએ દ્વારા સંચાલિત છે અને કોઇપણ ભૌતિક પ્રક્રિયામાં ત્રુટીઓ સ્વાભાવિક છે. માટે એવા કિસ્સાઓ આપણી સામે આવવા જ જોઇએ જેમાં પૂર્વજોથી પ્રાપ્ત સુષુપ્ત જીન અચાનક જાગ્રત થઇ કોઇક જીવમાં એવા ગેરજરૂરી બદલાવ કરે જે જેતે જીવના પૂર્વજોમાં લાભકારી હતાં. (5) Dead Genes:- ઉપર જોયું એમ જીવ પોતાની પુરાણી વિશેષતાઓને સંપૂર્ણપણે ત્યાગી નથી શકતો ફક્ત તેમાં સંશોધન કરી શકે છે. માટે આપણને કોઇપણ જીવના ડીએનએમાં એવા ઘણાં સુષુપ્ત મૃત જીન્સ મળવા જોઇએ જે જેતે જીવના પૂર્વજોમાં કોઇ વિશેષ કાર્યને સંચાલિત કરી રહ્યાં હતાં.
-
ઇવોલ્યુશનનું કહેવું છે કે પૃથ્વી ઉપર જીવનની પ્રક્રિયા સરળથી લઇને જટિલતા તરફ જાય છે. અર્થાત એકકોશિય જીવથી બહુકોશિય જીવ તરફ. આપણે મનુષ્યો સ્તનધારી જીવ છીએ જે પ્રાઇમેટ શ્રેણીના હોમિનોડિયા વર્ગમાં ચિમ્પાન્ઝી, ગોરિલા તથા ઓરંગ્યુટન સાથે હોમિનિડ પરિવાર અંતર્ગત આવીએ છીએ. આ પરિવારમાં આપણાં સૌથી નજીકના શાખારૂપે આધુનિક ચિમ્પાન્ઝી મૌજૂદ છે. આજ કારણ છે કે આપણાં અને ચિમ્પાન્ઝીના ડીએનએ આશ્ચર્યજનક રૂપે 98% સમાન છે. આપણો વિકાસ વાંદરાઓમાંથી થયો આ તદ્દન ખોટું વિધાન છે. આવી ભ્રમપૂર્ણ વાતો એવા લોકો ફેલાવે છે જેમણે ઇવોલ્યુશનનું અધ્યયન નથી કર્યું. જ્યાં મનુષ્યો હોમિનોડિયા વર્ગ સાથે સબંધ ધરાવતા હતાં ત્યાં વાંદરાઓ સર્કોપીથીકોડિયા(Cercopithecoidea) વર્ગ સાથે સબંધ ધરાવતા હતાં. એવું કહેવું પણ ખોટું છે કે મનુષ્યોનો વિકાસ ચિમ્પાન્ઝીમાંથી થયો. વાસ્તવમાં આવું કહેવું એ પ્રમાણેજ ખોટું છે કે તમારો જન્મ તમારા ભાઇ દ્વારા થયો. હકિકતે મનુષ્યો અને ચિમ્પાન્ઝી બંન્નેનો વિકાસ એકજ પૂર્વજમાંથી થયો છે. લગભગ 60 લાખ વર્ષ પૂર્વે થયેલાં તે પૂર્વજથી બે શાખાઓનો જન્મ થયો. એક શાખામાં ચિમ્પાન્ઝીઓનો વિકાસ થયો અને બીજી શાખામાં મનુષ્યોનો.
-
વર્તમાનમાં જીવોની લગભગ 87 લાખ પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. આપણી પાસે હાલમાં લગભગ 250000 પ્રજાતિઓના જીવાશ્મો અધ્યયન હેતુ મૌજૂદ છે. અઢળક પાનાઓ ભરીને લખાય તેટલાં ઉદાહરણો મૌજૂદ હોવા છતાં આપણે ફક્ત માનવ સબંધિત સાક્ષ્યોની જ ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ ચર્ચા......
Vestigial Traits:- માનવ શરીર ઇવોલ્યુશનરી ઇતિહાસનું હરતું-ફરતું મ્યુઝિયમ છે. આપણું શરીર એવા અવશેષી અંગો વડે ભર્યું છે જે આપણને પૂર્વજો પાસેથી પ્રાપ્ત થયાં છે, પરંતુ વર્તમાનમાં તેઓ આપણી માટે ખાસ કોઇ ઉપયોગી નથી. જેનું સૌથી પ્રસિધ્ધ ઉદાહરણ છે.....
>>>અપેન્ડિક્સ(આંત્રપુચ્છ). જે આપણાં મોટા આંતરડાના એક છેડે મૌજૂદ Caecum સાથે જોડાયેલ હોય છે(જુઓ ઇમેજ). તેની લંબાઇ એક ઇંચથી લઇને એક ફૂટ સુધીની હોય શકે છે. ઘણાં મનુષ્યો હાલની તારીખે એપેન્ડિક્સ વગર પણ જન્મ લે છે. તો પછી એપેન્ડિક્સની જરૂર જ શું છે? ચાલો સૌપ્રથમ આ પ્રશ્ન ઉપર નજર કરી લઇએ.....
-

મુખ્યત્વે વનસ્પતિ અને પાંદડાઓ ચાવીને, સેલ્યુલોઝને સુગરમાં પરિવર્તિત કરી ઉર્જા પ્રાપ્ત કરતાં જીવો જેમકે સસલાં, કાંગારૂ વગેરેમાં એપેન્ડિક્સ તથા caecum નો આકાર મોટો હોય છે. આપણાં Orangutan જેવા સબંધી જેઓ પાંદડા ખાવાના બહુ ઇચ્છુક નથી હોતાં, માટે તેમના એપેન્ડિક્સનું કદ નાનુ હોય છે. એપેન્ડિક્સનું મુખ્ય કાર્ય સેલ્યુલોઝને સુગરમાં પરિવર્તિત કરવાનું હોય છે. જેની આપણને આવશ્યકતા જ નથી. આપણે મનુષ્યો પાંદડાઓને બિલકુલ નથી ખાતા તેમજ પાંદડાઓમાં મૌજૂદ સેલ્યુલોઝને પચાવી પણ નથી શકતાં. એટલા માટે આપણાં શરીરમાં એપેન્ડિક્સ વિલુપ્ત થવાના આરે છે.
-
કેટલાંક લોકોનો તર્ક છે કે એપેન્ડિક્સ માનવો માટે નિરર્થક નથી. અગર એપેન્ડિક્સ આપણાં શરીરનું અનિવાર્ય અંગ હોત તો એવું શા માટે સંભવ છે કે મનુષ્યની ઘણીખરી આબાદી વગર એપેન્ડિક્સે જન્મ લે છે? એપેન્ડિક્સને સર્જરી દ્વારા કઢાવી નાખવાથી માનવ શરીર ઉપર કોઇજ દુષ્પરિણામ નથી થતું. બલ્કે જોવા જઇએ તો એપેન્ડિક્સનું હોવું શરીર માટે ફાયદાકરક કરતાં નુકસાનકારક વધુ છે. કઇરીતે? એપેન્ડિક્સનો એક છેડો બંધ અને બીજો છેડો ખુલ્લો હોવાના કારણે ખોરાકના ટુકડા અથવા ઘાતક બેક્ટિરિયા એપેન્ડિક્સની અંદર ગયા બાદ બહાર નીકળી જ નથી શકતાં. જેનાથી એપેન્ડિક્સમાં સોજો અને ચેપ સામાન્ય વાત થઇ પડે છે. તાવ, ઉલ્ટી, પેટમાં દુખાવો એપેન્ડિક્સના સામાન્ય લક્ષણો છે. સંક્રમણ જો વધી જાય તો એપેન્ડિક્સ ફાટી પણ શકે છે અને સમયસર સર્જરી ન કરાવીએ તો વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. આજે દુનિયાની ઘણી વસ્તિ એપેન્ડિસાઇટિક્સથી પીડિત છે. મેડિકલ સુવિધાઓને ધન્યવાદ આપવો પડે કે આજે એપેન્ડિસાઇટિક્સથી થનારી મૃત્યુદર ફક્ત 1% છે. પેટમાં મૌજૂદ આ ટાઇમ બોમ્બનું ન હોવું જ બહેતર છે.
-
હવે અહીં લાખ રૂપીયાનો સવાલ એ ઉભો થાય છે કે તો પછી ઉત્ક્રાંતિએ એપેન્ડિક્સને માનવ શરીરમાંથી વિલુપ્ત કેમ ન કરી નાંખ્યું? જવાબની ખબર નથી. પરંતુ જેમ આપણે ઉપર જોઇ ગયા એમ ઘણાં મનુષ્યો વગર એપેન્ડિક્સે પણ જન્મ લે છે. તો બની શકે કે માનવોમાં એપેન્ડિક્સ વિલુપ્તિ તરફ અગ્રેસર હો. બની શકે કે એપેન્ડિક્સનું વર્તમાન કદ વિલુપ્તિની પ્રક્રિયાનું અંતિમ ચરણ હો. અહીં સાફ છે કે એપેન્ડિક્સનું હોવું એ ન હોવા કરતાં વધુ નુકસાનકારક છે.
-

>>> Tailbone અથવા Coccyx...... માનવ શરીરમાં કરોડરજ્જુની નીચે Sacrum સાથે જોડાયેલ ત્રિકોણાકાર વાળી માનવપૂંછના અવશેષો જોવા મળે છે. જેને Tailbone અથવા Coccyx કહે છે(જુઓ ઇમેજ). યાદરહે ગર્ભમાં આપણે સૌ વિકસિત પૂંછ સાથેજ જન્મીએ છીએ પરંતુ ભ્રૂણ વિકસિત થવાના કેટલાંક અઠવાડિયા બાદ આ પૂંછ શરીર દ્વારા ફરી શોષી લેવામાં આવે છે અને તેનું ફક્ત આધારરૂપ હાડકુ જ શેષ બાકી રહી જાય છે. આપણે જાણીએ છીએ કે ઇવોલ્યુશન એક પરફેક્ટ પ્રક્રિયા નથી. જેથી ઘણાં નવજાત શિશુઓ પૂંછ સાથે પણ જન્મે છે. જેને સર્જરી દ્વારા હટાવી દેવામાં આવે છે.
-
>>> શિયાળા કે અમુક ભાવુક અવસ્થામાં આપણાં રૂંવાટા ઉભા થઇ જાય છે. જેને Goosebumps કહે છે. આની માટે જવાબદાર Arrector Pili નામક નાની માંસપેશિઓ છે(જુઓ નીચેની ઇમેજ). જેનું સંકોચન વાળોને ઉભા કરી નાંખે છે. મનુષ્યોને આ માંસપેશિઓની કોઇજ જરૂર નથી પરંતુ અન્ય સ્તનધારીઓમાં તે Insulation નું કાર્ય કરે છે. સાથેસાથે તે જીવનો આકાર પણ વધારી દે છે, જે અન્ય આક્રમણકારી સામે લાભકારક નીવડે છે. 


-
>>> અગર આપ હાથ લગાડ્યા વિના પોતાના કાનોને હલાવી શકવામાં સમર્થ હો તો આપ ઇવોલ્યુશનનું જીવતું જાગતું ઉદાહરણ છો. આપણી ખોપડીની નીચે કાનો સાથે જોડાયેલ ત્રણ એવી માંસપેશિઓ છે જે આપણને કાન હલાવવામાં મદદ કરે છે. બિલાડી, ઘોડા જેવા અન્ય જાનવરોમાં આ માંસપેશિઓ કાનને આમતેમ હલાવી પોતાના બચ્ચાઓ અને આક્રમણકારીઓની હલચલો જાણવામાં મદદરૂપ થાય છે. પરંતુ મનુષ્યોમાં આ માંસપેશિઓ ક્ષણિક મનોરંજન પ્રદાન કરવા સિવાય કોઇજ કામમાં નથી આવતી.
-
ઉદાહરણો અઢળક છે. પ્રકૃતિમાં શાહમૃગ, પેગ્વિન જેવી પ્રજાતિઓ જોવા મળે છે જેઓ ઉડી નથી શકતાં પરંતુ અવશેષી અંગોરૂપી પાંખોને ધારણ કરે છે. કરોળિયાઓ જોવામાં સક્ષમ નથી છતાં આઠ આંખો તેઓ ધારણ કરે છે. Cave fish, Salamanders, Beetles વગેરેઓ આંખો ધરાવે છે છતાં જોઇ નથી શકતાં. સમુદ્રી વ્હેલમાં સ્થળચર પ્રાણીઓ સમાન પેલ્વિસ તેમજ પગના હાડકાઓ મૌજૂદ છે. અવશેષી અંગોના અઢળક દાખલાઓ પ્રકૃતિમાં ચારેતરફ જોવા મળે છે.
-
Atavism and Dead Genes:- શું તમને આવું સાંભળીને આશ્ચર્ય થયું છે કે મરઘાઓને પણ દાંત હોય છે અથવા માનવ શિશુ પૂંછડી સાથે જન્મી શકે? આ પ્રકારની ઘટના બેહદ સામાન્ય છે. કેમકે મરઘાઓ પક્ષીવર્ગ સાથે સબંધ ધરાવે છે અને પક્ષીવર્ગનો વિકાસ દાંત ધરાવતા સરિસૃપવર્ગ માંથી થયો. મરઘાઓના જીનોમમાં દાંત બનાવવાવાળી પ્રક્રિયાને આખરી ઓપ આપનાર જીન મૌજૂદ છે પરંતુ મ્યુટેશનના કારણે એક આવશ્યક પ્રોટીનના ગાયબ થઇ જવાથી જીન સુષુપ્તાવસ્થામાં મૌજૂદ છે. એ પ્રોટીનને જીનમાં ફરી ભેળવી દેવાથી મરઘાઓના દાંત પ્રયોગશાળામાં કેટલીય વખત ઉગાડવામાં આવ્યા છે.
-
ઇવોલ્યુશન પ્રક્રિયા ઉર્જા ઉપયોગની બાબતે ખુબજ કંજૂસ છે. જીવોના વિકાસમાં જે શારીરિક વિશેષતાઓ ઉપયોગી નથી હોતી, તેને ઇવોલ્યુશન વિલુપ્ત કરવાનું શરૂ કરી દે છે. પરંતુ તે પ્રક્રિયાઓ અથવા અંગોને સંચાલિત કરનાર જીન્સ આપણાં ડીએનએ માંથી ગાયબ નથી થઇ જતો બલ્કે મ્યુટેશન દ્વારા મૂળરૂપથી થોડા બદલાઇ સુષુપ્ત થઇને ડીએનએમાં મૌજૂદ રહે છે. આવા જીનને મૃત જીન કહે છે. અગાઉ જોયું એમ ઇવોલ્યુશન એક ભૌતિક પ્રક્રિયા છે જેમાં વિસંગતિઓ સંભવ છે. માટે મૃત જીનનો ડીએનએ મ્યુટેશનના ફળસ્વરૂપ અચાનક જાગ્રત થઇ જીવોમાં તેમના પૂર્વજોના ગુણધર્મોને જન્મ આપે એ સામાન્ય વાત છે. આ પ્રક્રિયાને Atavism કહે છે.  

-
મૃત જીનનું એક ઉદાહરણ GLO જીન છે. જે સ્તનધારી જીવોના શરીરમાં સુગરમાંથી વિટામિન C ના નિર્માણ હેતુ આવશ્યક એન્જાઇમનું નિર્માણ કરે છે. વિટામિન C આપણાં શરીરના metabolism(ચયાપચય) માટે બેહદ આવશ્યક છે. તેની ઉણપથી સ્કર્વી નામનો રોગ થઇ શકે છે. જેમાં પેઢામાં સોજો, દાંતનું પડવું, હાથ-પગમાં સોજા, ત્વચા ઉપર ચકામા પડવા વગેરે લક્ષણો મુખ્ય હોય છે. જોકે લગભગ સઘળા સ્તનધારીઓમાં આ જીન ક્રિયાશીલરૂપે મૌજૂદ હોય છે છતાં સઘળા સ્તનધારી પ્રાઇમેટો વિટામિન C સીધું ભોજનમાંથી જ મેળવી લે છે. એટલામાટે હવે આપણાં શરીરને GLO જીનની આવશ્યકતા નથી. તેમ છતાં આપણાં શરીરમાં GLO જીન મૌજૂદ છે.
-
ગંધને સૂંઘવાની શક્તિ જીવોને સર્વાઇવલ હેતુ પ્રકૃતિ તરફથી મળેલ અનમોલ ઉપહાર છે. જીવો odor molecules નો સ્ત્રાવ કરે છે. જે નાકની અંદર મૌજૂદ ઓલફેક્ટરી ન્યૂરોન કોશિકા(Olfactory Receptors) સાથે ટકરાય છે. પ્રત્યેક ઓલફેક્ટરી કોશિકા એક ભિન્ન ઓડોર અણુને ઓળખવા હેતુ ડિઝાઇન થયેલી હોય છે. અણુના ટકરાવાથી જે તે અણુની સૂચના ઇલેક્ટ્રીકલ સિગ્નલના રૂપે મસ્તિષ્કમાં જાય છે અને જીવ જાણી શકે કે તે શું સૂંઘી રહ્યો છે. ઓલફેક્ટરી ન્યૂરોન એક પ્રકારના વિશેષ પ્રોટીન વડે બનેલા હોય છે. જેનું નિર્માણ કરવાવાળા જીનને OR જીન કહે છે. ઉંદરમાં લગભગ 1000 જાગ્રત OR જીન મળી આવે છે. આપણે મનુષ્યો આજે ગંધથી વધુ દ્રશ્ય શક્તિ ઉપર નિર્ભર કર્યે છીએ. માટે આપણાં જીનોમમાં ફક્ત 400 જ જાગ્રત OR જીન મળી આવે છે. પરંતુ સાથેસાથે 400 જેટલાં સુષુપ્ત OR જીન પણ આપણાં જીનોમનો હિસ્સો છે. અગર આપણાં મૃત OR જીનનો તુલનાત્મક ચાર્ટ બનાવીએ તો ખ્યાલ આવે કે આપણાં સુષુપ્ત જીન આપણાં સૌથી નજીકના સ્તનધારી પ્રાઇમેટની લગભગ સમાન છે. જ્યારે દૂરના સબંધી સ્તનધારીઓથી સામ્યતા ઓછી હોય છે. એજ પ્રમાણે ઓર દૂરના સબંધી સરીસૃપવર્ગ સાથે જીનની સામ્યતા એજ અનુપાતમાં નગણ્ય થતી જાય છે.
-
સુષુપ્ત જીનનું સૌથી જાણીતું ઉદાહરણ ડોલ્ફિન માછલી છે. ડોલ્ફિનમાં પણ સેંકડો OR જીન સુષુપ્તાવસ્થામાં મૌજૂદ છે, જ્યારે તેમને સૂંઘવાની આવશ્યક્તા દૂરદૂર સુધી નથી. વધુમાં તેમના OR જીન સ્તનધારી જીવો જેવા જ છે. ઇવેલ્યુશનના સંદર્ભે આવુ થવું બિલકુલ તાર્કિક છે કેમકે આપણે ડીએનએ, જીવાશ્મ, શારીરિક વિશેષતાઓના અધ્યયનથી જાણીએ છીએ કે ડોલ્ફિન તથા વ્હેલ જેવા જીવોનો વિકાસ સ્થળચર સ્તનધારીઓથી થયો. અન્યથા એક ડોલ્ફિનમાં તદ્દન બિનજરૂરી OR જીન હોવાનો શું મતલબ?
-
ઇવોલ્યુશનની આલોચના સ્વરૂપ ઘણાં લોકો દ્વારા તર્ક આપવામાં આવે છે કે ઇશ્વરે હરેક પ્રાણીઓને એક જ પ્રકારના રો મટિરિયલ વડે બનાવ્યા. માટે એક પ્રાણીમાં અન્ય જીવોની વિશેષતા પ્રગટ થવું સ્વાભાવિક છે. અગર આ કથનમાં રતિભાર પણ સત્યતા છે તો મનુષ્યોમાં પાંખ નિર્માણ કરવાવાળા જીન કેમ મૌજૂદ નથી? આપણે જાણીએ છીએ કે સરીસૃપ અને સ્તનધારી વર્ગના અલગ થવાથી સરીસૃપ વર્ગથી પક્ષીઓનું નિર્માણ થયું. અર્થાત જીવનવૃક્ષમાં પક્ષી અને માનવ બે અલગ-અલગ બિંદુ છે, જેની કોઇ સામ્યતા સંભવ નથી. એટલામાટે મનુષ્યોમાં પક્ષીઓની કોઇ વિશેષતા મળવી અસંભવ છે. જેનો વિકાસ સ્તનધારી તથા સરીસૃપ વર્ગથી અલગ થયા પછી થયો. છતાં અગર તમે ઇવોલ્યુશનને ખોટું સાબિત કરવા માંગો છો તો માનવોના જીનોમમાં પક્ષીની પાંખના જીન શોધી કાઢો. આવું કરવાથી તમને આલોચના ના બદલે નોબલ પુરષ્કાર પ્રાપ્ત થશે. વિજ્ઞાનની આજ ખુબસુરતી છે કે તે વિજ્ઞાનની માન્યતાઓને ખોટી સાબિત કરવાવાળાને વિશેષ પ્રશંસાના પાત્ર બનાવે છે.  

-

Embryology(ગર્ભવિજ્ઞાન):- શું તમે ગર્ભના શરૂઆતી અઠવાડિયાઓમાં એક માછલી તથા મનુષ્યના ભ્રૂણ વચ્ચે કોઇ અંતર પારખી શકો?(જુઓ ઇમેજ) જવાબ છે નહીં. મત્સ્ય, ઉભયચર, સરીસૃપ, પક્ષી, સ્તનધારી જીવો ગર્ભના શરૂઆતી ચરણમાં એક જેવાજ પ્રતિત થાય છે તેમજ તેમનામાં કોઇ ખાસ ફરક જોવા નથી મળતો. અગર તમે ગર્ભધારણથી લઇને જન્મ સુધી શિશુના શરીરમાં આવેલ પરિવર્તનોને નોંધો તો તમે જોશો કે ગર્ભાવસ્થાથી જન્મ સુધી હર જીવ પૃથ્વી ઉપર જીવનના લગભગ ચાર અબજ વર્ષના ઇતિહાસને દોહરાવે છે. અર્થાત એક સ્તનધારી જીવનું ભ્રૂણ શારીરિક સંરચનામાં માછલીના સમાન જ હોય છે. ત્યારપછી આ રૂપ બદલાતું ઉભયચર, સરીસૃપ વગેરે વર્ગોના ગુણધર્મો અને શારીરિક વિશેષતાઓને પ્રદર્શિત કરી અંતે સ્તનધારી જીવમાં પ્રગટ થાય છે.
-
આપણે સૌ જાણીએ છીએ કે અવશિષ્ટ પદાર્થોના નિરાકરણ હેતુ હર કોર્ડેટા વર્ગના પ્રાણીમાં કિડની હોય છે. કિડનીના પણ ત્રણ પ્રકાર હોય છે. Pronephric તથા Mesonephric કિડની પ્રારંભિક સ્તરના જળચર તથા ઉભયજીવી જીવોમાં જોવા મળે છે. જ્યારે મનુષ્યો જેવા જટિલ જીવોમાં જોવા મળતી કિડની Metanephric કહેવાય છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે માનવ ગર્ભમાં પણ ત્રણ પ્રકારની કિડનીઓનું નિર્માણ થાય છે. સર્વપ્રથમ ભ્રૂણમાં ક્રમબદ્ઘરૂપે ઉપર જણાવેલ બે કિડનીઓ ઉત્પન્ન થાય છે(જેનો ઉપયોગ આપણાં પૂર્વજો કરતાં હતાં) અને નાટકીયરૂપે શરીરમાં થતાં બદલાવો બાદ અંતે ત્રીજા પ્રકારની કિડની ઉત્પન્ન થાય છે. આવું શા માટે થાય છે? જવાબ અગાઉ જોઇ ગયા એજ છે કે ઇવોલ્યુશન એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે જે પુરાણી નિર્માણ સામગ્રીમાં સંશોધન કરી નવા જીવોને જન્મ આપે છે. અગર કોઇ દૈવીય શક્તિએ હર જીવને અલગ-અલગ બનાવ્યા હોત તો ભ્રૂણમાં આપણે શરૂઆત નાના માનવ ભ્રૂણ(શારીરિક ગુણો) સાથે કરી શકતાં હતાં. પરંતુ એવું થતું નથી. કેમ? કેમકે ત્રીજો માળ બનાવવા માટે પ્રથમ અને દ્વિતિય માળ અનિવાર્ય છે. ઇવોલ્યુશન પણ આજ adding new stuff on old one સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે.
-
એક-બે અપવાદોને છોડી લગભગ સર્વે સ્તનધારી ગર્ભમાં નવજાતને ગર્ભનાળ(Placenta) દ્વારા પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે પરંતુ સરીસૃપ કે જેમનાથી આપણો વિકાસ થયો છે તેઓ શિશુઓને ઇંડા સ્વરૂપે જન્મ આપે છે. જેમાં ભ્રૂણના ચારેતરફ મૌજૂદ એક જરદી થેલી Yolk Sac શિશુઓને પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે. પરંતુ આપણા જીનોમમાં હજી પણ તે જીન મળી આવે છે જે સરીસૃપ વર્ગના પ્રાણીઓમાં થેલીના નિર્માણ માટે ઉપયોગી પ્રોટીન Vitellogenin નું નિર્માણ કરે છે. ગર્ભમાં શરૂઆતી ચાર અઠવાડિયામાં મનુષ્ય સહિત સઘળા સ્તનધારીઓ આ થેલીનું નિર્માણ કરે છે અને બીજા મહિનામાં ભ્રૂણથી અલગ થઇ જાય છે.
-
ઇવોલ્યુશનનું સૌથી બહેતરીન ઉદાહરણ ગર્ભાવસ્થામાં શિશુના શરીરને ઢાંકી રાખતી ઘાટ્ટા વાળો વાળી સંરચના જેને Lanugo કહે છે. આપણે મનુષ્યોને ઘણી વખત Nacked Apes કહેવામાં આવે છે, કેમકે અન્ય પ્રાઇમેટ સબંધી જીવોની તુલનાએ આપણાં શરીર ઉપર વાળ ઘણી ઓછી માત્રામાં હોય છે. પરંતુ ગર્ભના છઠ્ઠા મહિનામાં માનવ શિશુનું શરીર ઘાટ્ટા વાળો વડે ઢંકાય જાય છે(જુઓ
નીચેની ઇમેજ). જે પ્રસવના એક મહિના પૂર્વ શરીરથી અલગ થઇ જાય છે. આજ પ્રક્રિયા આપણાં નિકટના સબંધી વાનરવર્ગના શિશુઓમાં પણ દોહરાવાય છે પરંતુ તેમના વાળ ખરવાને બદલે સુરક્ષિત રહે છે. અગર આપણને વાળોની આવશ્યક્તા જ નથી તો પછી વાનરો જેવા ઘાટ્ટા વાળો ઉત્પન્ન જ શા માટે થાય છે? એટલા માટે કેમકે આપણો અને અન્ય વાનર જીવોનો જૈવિક ઇતિહાસમાં બેહદ નજીકનો સબંધ છે. 

-
Transitional fossils and distribution of species:- ઇવોલ્યુશનનો મુખ્ય સિદ્ધાંત છે કે પૃથ્વી ઉપર સૌપ્રથમ એકકોશિય સરળ જીવોની ઉત્પત્તિ થઇ અને ત્યારબાદ જટિલ બહુકોષિય જીવોનો વિકાસ થયો. ઇવોલ્યુશનના આ સિદ્ધાંતને પૃથ્વી ઉપર મૌજૂદ ખડકોના સ્તરના અધ્યયન વડે પારખી શકાય છે. ખડકોમાં સૌથી ઉપરનું સ્તર બિલકુલ નવું હોય છે અને નીચેના સ્તરો એજ રેશ્યોમાં જૂના થતાં જાય છે. માટે જો આ સિદ્ધાંત સાચો છે તો ફોસિલ રેકોર્ડમાં આપણને એક ક્રમબધ્ધતા દેખાવી જોઇએ. અર્થાત સૌથી જૂના ખડકોમાં ફક્ત સરળ જીવોના અવશેષો જ મળવા જોઇએ અને નવા ખડકો તરફ પ્રયાણ કરવાથી જટિલ જીવાશ્મોની પ્રાપ્તિ થવી જોઇએ. આ વાત પૃથ્વી ઉપર મળેલ તમામ ખડકોના સ્તરના અધ્યયનમાં શતપ્રતિશત સાચી સાબિત થઇ છે. એવું ક્યારેય નથી થયું કે એક હાથી અથવા મનુષ્યનો જીવાશ્મ ડાયનાસોર સાથે અથવા કોઇ પક્ષીનો જીવાશ્મ એકકોષિય જીવોના સ્તરમાં મળી આવે. અગર પૃથ્વી ઉપર સર્વે જીવોની ઉત્પત્તિ એકસાથે થઇ હોત તો આપણને પૃથ્વીના કોઇપણ હિસ્સાના ખડકોમાં પ્રાપ્ત જીવાશ્મોમાં સર્વે પ્રજાતિના અંશો સરખા અનુપાતમાં મળવા જોઇએ પરંતુ એવું નથી.
-
DNA evidence:- સૃષ્ટિમાં મૌજૂદ સઘળા જીવ-જંતુ તથા વનસ્પતિ એકજ ડીએનએ ભાષા(ACTG) ઉપર નિર્ભર કરે છે. સર્વે જીવોના ડીએનએ આપસમાં આશ્ચર્યજનક સામ્યતાઓ પ્રદર્શિત કરે છે. ઉદાહરણ જોઇએ....વાયરસ સૃષ્ટિના સંભવિત સૌથી સુક્ષ્મ જીવ હોય છે. વાયરસ સ્વયં પ્રજનન કરવામાં અસમર્થ હોય છે માટે તે અન્ય જીવોના શરીરમાં અતિક્રમણ કરી તેમની કોષિકાઓમાં મૌજૂદ ડીએનએમાં ભળી સ્વયંને દ્વિગુણિત કરે છે અને જીવના શરીરમાં સારા અથવા ખરાબ પ્રભાવો પાડે છે. એઇડ્સ નામક રોગ પણ એક વિશેષ પ્રકારના વાયરસ દ્વારા જ ઉત્પન્ન થાય છે. સામાન્યપણે વાયરસરૂપી બાહરી આક્રમણ થવાથી શરીરના પ્રતિરક્ષાતંત્ર તરફથી સિગ્નલ મળતાજ કોષિકા આત્મહત્યા કરી સ્વયંને સમાપ્ત કરી શરીરને વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે.
-
પરંતુ કેટલીક દુર્લભ ઘટનાઓમાં વાયરસ અંડાણુ અથવા શુક્રાણુઓને પણ પ્રભાવિત કરી જીવનની આ પ્રથમ કોષિકાઓમાં પોતાનું સ્થાન બનાવી લે છે. જો આવું બને તો ટેકનિકલી એનો અર્થ એવો થાય કે વાયરસનું ઇન્ફેક્શન જીવનની પ્રથમ કોષિકામાં થયું અને પ્રથમ કોષિકા આત્મહત્યા નથી કરી શકતી. માટે નવા જન્મ લેતાં સંતાનોના શરીર વાયરસથી છૂટકારો મેળવવામાં અસમર્થ હોય છે. પરિણામ સ્વરૂપ તે વાયરસ નવા સંતાનોના ડીએનએ નું અભિન્ન અંગ બની જાય છે અને તે સંતાનથી ઉત્પન્ન સર્વે ભાવી પેઢીઓમાં તે વાયરસ કરોડો-અબજો વર્ષો સુધી સંગ્રહિત રહે છે. આ વિશેષ પ્રકારના વાયરસને Endogenous Retro Virus(ERV) કહેવામાં આવે છે. સામાન્યપણે વાયરસનું સેક્સ કોષિકાઓને પ્રભાવિત કરવું દુર્લભ ઘટના છે પરંતુ આપણે ચારેતરફ થી વાયરસો વડે ઘેરાયા છીએ, એ હિસાબે વાયરસોની સંખ્યા અને પૃથ્વી ઉપર જન્મેલ અબજો પ્રજાતિઓની સંખ્યાના રેશ્યોનું અધ્યયન એ વાત તરફ નિર્દેશ કરે છે કે આવી દુર્લભ ઘટનાઓ ઘણી વખત ઘટિત થઇ હોવી જ જોઇએ. આ ફક્ત અનુમાન નથી પરંતુ આનો સઘળો ચાર્ટ ઉપલબ્ધ છે પરંતુ તે ચાર્ટને સમજવામાં ઓછામાં ઓછી બે થી ત્રણ પોષ્ટ લખવી પડે. માટે આખો વિષય વાચક મિત્રોની જીજ્ઞાસા ઉપર છોડી દઇએ.
-
Chromosome(ક્રોમોઝોમ):- આપણે જાણીએ છીએ કે મનુષ્યોના જીનોમમાં કુલ 46 ક્રોમોઝોમ હોય છે. સામે ચિમ્પાન્ઝી અથવા વાનરસમૂહોની અન્ય પ્રજાતિઓના જીનોમમાં 48 ક્રોમોઝોમ હોય છે. અગર મનુષ્યોનો વિકાસ વાનર કુળથી થયો છે તો મનુષ્યોના જીનોમમાં બે ક્રોમોઝોમ ઓછા કેમ છે? ક્યાં ગયા એ બે ક્રોમોઝોમ? ઇવોલ્યુશન સુચનાને તો નષ્ટ નથી કરી શકતું!! માટે અંતે એકજ સ્થિતિ બચે છે કે શાયદ!! પ્રાચીનકાળમાં કોઇ વાનરવર્ગના પ્રાણીમાં બે ક્રોમોઝોમની જોડીઓ આપસમાં ફ્યુઝ થઇને જોડાઇ ગઇ હો અને શાયદ ડીએનએમાં થયેલ આ ઉથલ-પાથલે વાનરવર્ગથી આપણે મનુષ્યોની એક નવી શાખાને જન્મ આપ્યો હોય? આમ જોવા જઇએ તો આજ એક એવી સ્થિતિ છે જે આપણાં ખોવાયેલ ક્રોમોઝોમની વ્યાખ્યા કરવા સક્ષમ છે. અગર આપણાં જીનોમમાં આપણને આ બે પ્રાચીન ક્રોમોઝોમના જોડા આપસમાં જોડાયેલ નથી મળતા તો આ ઇવોલ્યુશનની સત્યતા ઉપર ગંભીર પ્રશ્ન ઉઠાવવાની સાથેસાથે ચિમ્પાન્ઝીઓથી આપણાં જૈવિક સબંધોને પણ સંદેહની નજરે જોવા મજબૂર કરે છે. વેલ, આનો જવાબ છે ક્રોમોઝોમ સેટ નંબર-2!!
-


કોઇપણ ક્રોમોઝોમમાં બે સંરચનાઓ મળી આવે છે. મધ્યમાં સ્થિત સેન્ટ્રોમીયર(Centromere) નામક સંરચના ક્રોમોઝોમની જોડીને નવી કોષિકાઓમાં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. જ્યારે ક્રોમોઝોમના બંન્ને છેડે મૌજૂદ સુરક્ષાકવચ રૂપી ટેલોમીયર(Telomere) કોષિકાના દ્વિગુણીત થવાની પ્રક્રિયા દરમિયાન ડીએનએ ને ક્ષતિગ્રસ્ત થવાથી બચાવે છે. અહીં સરપ્રાઇઝ આવે છે કે મનુષ્યોના ક્રોમોઝોમ નંબર-2 માં આશ્ચર્યજનક રૂપે બે સેન્ટ્રોમીયર તથા ક્રોમોઝોમ વચ્ચે એક અતિરિક્ત(વધારાની) ટેલોમીયરની સંરચના મળી આવી. આવું ત્યારેજ સંભવ છે જ્યારે ક્રોમોઝોમ-2 કોઇક બે પ્રાચીન ક્રોમોઝોમના ફ્યુઝનનું પરિણામ હો. તમને જાણીને નવાઇ લાગશે કે મનુષ્યોના ક્રોમોઝોમ-2 નો જીનોમ ચિમ્પાન્ઝીઓના બે ક્રોમોઝોમની જોડી સાથે સંપૂર્ણ મેચ થાય છે. ડીએનએ અધ્યયનના આધારે સ્પષ્ટ છે કે મનુષ્યોના ક્રોમોઝોમ-2 લગભગ 60 લાખ વર્ષ સંપન્ન થયે બે પ્રાચીન ક્રોમોઝોમના ફ્યુઝનનું પરિણામ છે. ચિમ્પાન્ઝીઓમાં ક્રોમોઝોમ ફ્યુઝ્ડ નથી. માટે સ્પષ્ટ છે કે ક્રોમોઝોમ ફ્યુઝનની ઘટના મનુષ્યતાની ઉદભવનું એક મોટું કારણ હોય શકે છે.
-
હવે મહત્વપૂર્ણ વાત....ઇવોલ્યુશન એક સ્થાપિત સત્ય છે. જે ડીએનએ, ફોસિલ્સ, એનાટોમી, જ્યોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્પીશીઝ, અર્થ સ્ટ્રાટા સ્ટડી વગેરે વિજ્ઞાનની અનેક શાખાઓમાં કરાયેલ સ્વતંત્ર શોધો વડે પ્રમાણિત છે. આજ કારણ છે કે ઇવોલ્યુશનને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ અને પ્રામાણિક થીઅરીનો ખિતાબ મળેલ છે. ઘણાં લોકોને એવા દાવા કરતાં જોવામાં આવ્યાં છે કે ઇવોલ્યુશન ખતરામાં છે. એવા લોકોની જાણકારી અર્થે ફક્ત એટલુંજ કહેવાનું કે દુનિયાના અનેક પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલોમાં ઇવોલ્યુશનની પ્રામાણિકતાઓના સબંધમાં આજસુધી લાખો શોધો પ્રકાશિત થઇ ચૂકી છે. સામે વિરોધમાં પ્રકાશિત થયેલ શોધોની સંખ્યા શૂન્ય છે. વિશ્વના 99.9999% વૈજ્ઞાનિક ઇવોલ્યુશનમાં વિશ્વાસ કરે છે. ઇવોલ્યુશન અગર ક્યાંય ખતરામાં છે તો તે ફક્ત ચટપટી ખબરો પરોસવાવાળા ઓનલાઇન ઇન્ટરનેટ પોર્ટેલ્સમાં છે.
-
સામાન્ય માણસમાં ઇવોલ્યુશનને લઇને પાયાની સમજ અને જાગરૂકતાનો અભાવ છે. સામાન્ય માણસને ઇવોલ્યુશનની ફક્ત એટલીજ ભ્રમિત જાણકારી છે કે વાનરોથી મનુષ્યોનો વિકાસ થયો છે. ઇવોલ્યુશનને એજ નકારી શકે જેણે યા તો ક્યારેય ઇવોલ્યુશનને વાચ્યું નથી યા વાચ્યું હોય તો સમજી શક્યાં હો.....

 (મિત્ર વિજય દ્વારા)



No comments:

Post a Comment