Thursday, August 6, 2020

Dark Web

આજે ઇન્ટરનેટ આપણાં માટે ઓક્સિજન સમાન છે. સોશ્યલ મીડિયા, ગુગલ, યુ-ટ્યુબ, ઓનલાઇન ગેમ્સ વગેરે હરેક ચીજને આપણે ઇન્ટરનેટ ઉપર explore કરીએ છીએ. wait......wait......હરેક ચીજને નહીં. શાયદ તમને ખ્યાલ નહીં હોય પરંતુ જે ઇન્ટરનેટનો તમે વપરાશ કરો છો અથવા કરી શકો છો, તે તો ફક્ત સંપૂર્ણ ઇન્ટરનેટનો 4 થી 5% જ ભાગ છે. ઇન્ટરનેટ ઉપર એવું ઘણું બધુ છે જેના વિષે તમે નથી જાણતાં. આ ઇન્ટરનેટની તે કાળી દુનિયા છે જેને હરકોઇ access(જોઇ) નથી કરી શકતો, જે ભયજનક તેમજ રહસ્યોથી છલોછલ છે. જેને Dark Web(ડાર્ક વેબ) કહેવામાં આવે છે. વેલ, આપણે એની ચર્ચા નથી કરવી કે ડાર્ક વેબમાં કેવાકેવા કાર્યો થાય છે પરંતુ તેની શરૂઆત કેવીરીતે થઇ? તેની ઉપર નજર કરીશું.
-
ઇન્ટરનેટની દુનિયા ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે. (1) General Web(World Wide Web):- જેને આપણે આસાનીથી ગુગલ તેમજ વેબ બ્રાઉઝર મારફત જોઇ શકીએ છીએ. જેના માટે કોઇપણ પ્રકારના એકાઉન્ટ કે પાસવર્ડની જરૂર નથી હોતી. ટૂંકમાં દુનિયાનો હર માનવી સીધીરીતે તેને જોઇ શકે છે. (2) Deep Web:- આ ઇન્ટરનેટનો સૌથી મોટો ભાગ છે. આ એવા વેબ પેજ હોય છે જ્યાં તમારી પર્સનલ માહિતીઓ સંગ્રહિત હોય છે. જેને જોવા માટે આપણને પાસવર્ડની જરૂર પડે છે. જેમકે online banking, medical sites વગેરે. ડીપ વેબ સંપૂર્ણપણે કાયદેસર હોય છે. (3) Dark Web:- એકરીતે આ ડીપવેબનો જ હિસ્સો છે. કહેવા માટે તો આ ડીપ વેબનો 1% જેટલો પણ હિસ્સો નથી પરંતુ અહીં ઘણુંખરૂં ગેરકાયદેસર હોય છે. જેને તમે તમારા નોર્મલ બ્રાઉઝરથી ઓપન નથી કરી શકતાં. થોડુ બેકગ્રાઉન્ડ જોઇએ...
-
ડાર્ક વેબે થોડાં સમયથી સામાન્ય માણસોમાં ચર્ચાનો વિષય બનવાનું શરૂ કર્યું પરંતુ એનો મતલબ એવો નથી કે તે પહેલાં અસ્તિત્વ ધરાવતું ન હતું. ડાર્ક વેબ એટલુંજ પુરાણું છે જેટલું ઇન્ટરનેટ ખુદ. 1969 માં અમેરિકાના સંરક્ષણ વિભાગે ARPANET(Advance Research Projects Agency Network) ની રચના કરી. ARPANET એક એવું નેટવર્ક હતું જે બાદમાં ઇન્ટરનેટનો આધાર બન્યું. બેશક ARPANET એ ડાર્ક વેબ ન હતું પરંતુ તેનો ઉદ્દેશ્ય પણ લોકોથી સિક્રેટને છુપાવવાનો જ હતો. આ ટેકનોલોજીનો સૌપ્રથમ દૂરપયોગ 1972 માં જોવા મળ્યો. જ્યારે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેટલાંક વિદ્યાર્થીઓએ આની મદદથી પોતાના કેટલાંક સાથીદારોને ઓનલાઇન મેરેજુઆના ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું. જોકે ખરા અર્થમાં ડાર્ક વેબના અસ્તિત્વની શરૂઆત માર્ચ 2000 માં થઇ.
-
જ્યારે સ્કોટલેન્ડની એડનબર્ગ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી Ian Clark એ પોતાના ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ્સના રૂપે free net ને જન્મ આપ્યો. free net એક સેન્સરશીપ રઝીસટન્સ કમ્યુનિકેશન પ્લેટફોર્મ છે જેનો ઉદ્દેશ્ય હતો ઇન્ટરનેટ ઉપર freedom of speech ને ઉત્તેજન આપવું. અહીં લોકો પોતાની ઓળખાણને છીપાવીને કંઇપણ કરી શકતા હતાં. મતલબ ન કોઇ સરકારનો ડર ન કોઇ અન્યનો. આને બનાવવા પાછળ ચાહે ગમે તેવો ઉદ્દેશ્ય રહ્યો હોય, પરંતુ હવે લોકોને એક એવું પ્લેટફોર્મ મળી ચૂક્યુ હતું જેમાં કોઇ ટેન્શન વગર ગેરકાયદેસર પોર્નોગ્રાફી તેમજ પાયરેટેડ કન્ટેન્ટ બેઝીઝક ખુલ્લેઆમ શેર કરી શકાય એમ હતાં. કેમકે ત્યાં કોઇપણ એ જાણી શકતું ન હતું કે સામગ્રી કોણે અપલોડ કરી છે?
-
અહીં જોકે સમસ્યા એ ઉદભવી કે virtual દુનિયામાં તો તે સામગ્રી સુરક્ષિત હતી પરંતુ વાસ્તવિક દુનિયામાં આ સામગ્રીને ક્યાં સાચવવી? ટૂંકમાં તેના સર્વર ક્યાં રાખવાં? આવા લોકો માટે મસીહા બનીને આવ્યાં માઇકલ રોય બેટ્સ કે જેઓ U.K પાસે સીલેન્ડ નામક એક સ્વતંત્ર ક્ષેત્રના રાજકુમાર હતાં(જુઓ નીચેની ઇમેજ). હકિકતે સીલેન્ડ કોઇ દેશ નથી પરંતુ સમુદ્ર વચ્ચે બે ટાવર ઉપર ઉભેલ એક પ્લેટફોર્મ છે. જેને માઇકલ બેટ્સના પિતા Paddy Roy Bates એ ચાલાકીથી છીનવી લીધું હતું. આ ક્ષેત્ર ઇન્ટરનેશનલ વોટરમાં હતું માટે કોઇપણ દેશ તેની ઉપર હક જતાવી શકતો ન હતો.

-
ખેર, થયું એવું કે માઇકલ બેટ્સે Heaven Co. નામક એક કંપની બનાવી. જે લોકોની ગેરકાયદેસર અને સંવેદનશીલ સામગ્રીને છુપાવવામાં મદદ કરતી હતી અને આ બધુ થતું હતું સીલેન્ડમાં. જ્યાં કોઇપણ દેશનો કાયદો લાગુ પડતો ન હતો. પછી શું???

-

ડાર્ક વેબ ઝડપથી પોતાના પગ ફેલાવવા માંડ્યુ અને 2002 આવતા સુધીમાં તેને કંઇક એવું મળ્યું જે તેના માટે માઇલસ્ટોન સાબિત થયું. વાત થઇ રહી છે TOR એટલેકે The Onion Router ની. એજ બ્રાઉઝર છે જે ડાર્ક વેબની જાન છે. બ્રાઉઝર ડાર્ક વેબને access કરવા માટેનું સૌથી પ્રખ્યાત પ્લેટફોર્મ છે. જેમ નોર્મલ વેબ બ્રાઉઝર ઉપર વેબસાઇટના ડોમેન .in, .co, .uk, .com હોય છે, તેવી રીતે TOR ઉપર જે વેબસાઇટ હોય છે તેની પાછળનું ડોમેન નેમ .Onion હોય છે. ડોમેન નામની વેબસાઇટને આપણે નોર્મલ બ્રાઉઝર વડે ઓપન નથી કરી શકતાં.

-

શું આપ જાણો છો કે ડાર્ક વેબનો જે અવતાર છે તેને કોણે બનાવ્યો? તેને પણ અમેરિકાની ઇન્ટેલિજન્ટ એજન્સી સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ બનાવ્યો હતો. જેને પછીના વર્ષે પબ્લીક માટે સાર્વજનિક કરવામાં આવ્યો. હવે ડાર્ક વેબનો પાયો મજબૂત બનાવવા માટેની સઘળી કડી એક પછી એક જોડાઇ રહી હતી. ધણાં ગેરકાયદેસર કામ આવી વેબસાઇટો ઉપર ખુલ્લેઆમ થઇ રહ્યાં હતાં. પરંતુ હજુપણ એક વસ્તુની ખોટ વેબસાઇટોને કનડી રહી હતી. અને હતી......પૈસો. આની ઉપર તમે પૈસાની લેવડ-દેવડ કઇરીતે કરશો? કેમકે કોઇપણ બેન્કીંગ વેબસાઇટ તમને તમારી ઓળખાણ વિના પૈસા ટ્રાન્સફર નથી કરવા દેતી.

-

આનો પણ તોડ નીકળી ગયો વર્ષ 2008 માં. જ્યારે Satoshi Nakamoto બીટકોઇનને જન્મ આપ્યો. રીતે ડાર્ક વેબની છેલ્લી કડી પણ જોડાઇ ગઇ. યાદરહે બીટકોઇન એક ક્રિપ્ટોકરન્સી હોય છે. જેને આપ આભાસી ચલણ પણ કહી શકો છો. કેમકે તેનું વાસ્તવમાં કોઇ અસ્તિત્વ નથી હોતું. તેની તો કોઇ નોટ હોય છે સિક્કો. 2010 આવતા સુધીમાં તો TOR અને ક્રિપ્ટોકરન્સીના ખતરનાક ગઠબંધને ઓનલાઇન બ્લેક માર્કેટને જન્મ આપ્યો. આવું એક જાણીતું બ્લેક માર્કેટનું નામ હતું.....Silk Road.

-

આને 2011માં Ross Ulbricht બનાવ્યું. સિલ્ક રોડ ઉપર શું શું થતું હતું જાણ્યા બાદ આપને ખબર પડશે કે ડાર્ક વેબની અસલિયત શું છે? અહીં ઓનલાઇન gambling(જુગાર), child pornography, ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ, હેકિંગ, fake(બનાવટી) લાયસન્સો વેચવું, ચોરાયેલ ક્રેડિટ કાર્ડ, જ્વેલરી તેમજ મોંઘી વસ્તુઓ તો હતી , સાથેસાથે અહીં બ્લેકમાં એકથી એક ચઢિયાતા હથિયારોનું પણ વેચાણ થતું હતું. જે આંતકવાદીઓ માટે ખુબજ સારી વાત હતી. ઓક્ટોબર 2013 માં અમેરિકાની FBI આને બંધ કરવામાં સફળ રહી પરંતુ ફક્ત ત્રણ વર્ષના ગાળામાંજ સિલ્ક રોડ લગભગ ચાર કરોડથી વધુનો વ્યાપાર કરી ચૂકી હતી અને સઘળો વ્યાપાર બીટકોઇન મારફત થયો હતો.

-

ઘટના બાદ સામાન્ય નાગરિક ડાર્ક વેબને જાણવા ઉત્સુક બન્યો તેમજ ગેરકાયદેસર વિચારો ધરાવતા લોકો વધુને વધુ વેબનો ઉપયોગ કરવા લાગ્યાં. આજે ડાર્ક વેબ દ્વારા દુનિયાભરમાં ગેરકાયદેસર ધંધા તેમજ ગુના આચરી શકાય છે. આતંકવાદની પ્રવૃત્તિઓને ફેલાવવામાં પણ ડાર્ક વેબનો બહુ મોટો હાથ છે. અહીંથી તેઓને ફક્ત ગેરકાયદેસર હથિયારો મળી રહે છે પરંતુ આની મારફત અલગ અલગ દેશોમાંથી આંતકવાદીઓને બોલાવવા, તેમને ટ્રેનિંગ આપવી, તેમને ભડકાવવા વગેરે કાર્યો ખુબજ આસાનીથી થઇ શકે છે. એક ઉદાહરણ ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ઉપર થયેલ હુમલાના છેડા પણ ડાર્ક વેબ સાથેજ જોડાયેલા છે. એક અંદાજ અનુસાર ડાર્ક વેબના ગેરકાયદેસર વપરાશના કારણે હરદિન દુનિયાભરના લગભગ દસ લાખ લોકો પ્રભાવિત થાય છે. અગર ભારતની વાત કરીએ તો ડાર્ક વેબના ગેરકાયદેસર ઉપયોગથી ભારત હરવર્ષ લગભગ બે હજાર કરોડ ડોલરનું નુકસાન વેઠી રહ્યું છે.

-

ડાર્ક વેબ ઉપર આપણું location ટ્રેક નથી થતું, તો પછી કોઇપણ દેશમાં તે કાયદેસર હો કે ગેરકાયદેસર શું ફરક પડે? હાલના સમયની વાત કરીએ તો એવું કહેવાય છે કે ડાર્ક વેબ ખતમ થઇ રહ્યું છે. ઘણાં દેશોની ખુફીયા એજન્સીઓને તેની ગેરકાયદેસર sites તેમજ તેમના ધંધાઓને બંધ કરવામાં સફળતા મળી છે. પરંતુ સવાલ ફરી ફરીને ત્યાંજ આવે છે કે આના કદનું કોઇ મહત્વ નથી. અગર જૂજ વ્યક્તિઓ પણ જો આનો વપરાશ કરે છે તો બાકીના લોકોને આનું નુકસાન વેઠવું પડશે. હેકર્સનું એક નાનું અમથું ગ્રુપ મળીને પણ મોટામાં મોટી કંપનીને ઘૂંટણીયે પાડી શકે છે અને તેને સંપૂર્ણપણે કંગાળ કરી શકે છે.

-

હવે મિત્રો અંતમાં સવાલ ઉદભવે છે કે ડાર્ક વેબ જો એટલુંજ ખતરનાક હોય તો આપણે તેને સંપૂર્ણપણે બંધ કેમ નથી કરી શકતાં? વેલ, હર દેશની સરકાર ઇચ્છે છે કે ડાર્ક વેબનો અંત થાય પણ....જરા વિચારો!! સરકારની ખુફીયા એજન્સીઓ માટે પણ તો ડાર્ક વેબ એટલીજ જરૂરી છે જેટલી તેમની પ્રાઇવસી. મતલબ સાફ છે કે જ્યાંસુધી ઇન્ટરનેટ રહેશે ત્યાંસુધી ડાર્કવેબ પણ રહેશે. ટૂંકમાં ચોર-પોલીસની લડાઇ ક્યારેય ખતમ નહીં થાય. યાદરાખો ડાર્ક વેબનો ઉપયોગ કરવો ગેરકાયદેસર વાત નથી પરંતુ ત્યાં જે તેના feature છે તેની મદદ વડે ગેરકાયદેસર કાર્ય કરવું તે ખોટું છે. માટે હે મિત્રો!! બની શકે તો ડાર્ક વેબથી દૂર રહો.

No comments:

Post a Comment