Thursday, May 28, 2020

ઇન્ટરનેટ અને પ્રદુષણ





શું ઇન્ટરનેટ પૃથ્વીને ખતમ કરી રહ્યું છે? વેલ, આનો જવાબ છે......હાં અને ના બંન્ને. સૌપ્રથમ જોઇએ કે ઇન્ટરનેટ કઇરીતે હાનિકારક છે? તમારા કિબોર્ડ અથવા માઉસનું હર ક્લિક તેમજ તમારા ફિંગરની હર સ્વાઇપ/સ્ક્રોલ ધરતીને પ્રદુષિત કરી રહી છે. કઇરીતે? એક દિવસમાં લગભગ 350 કરોડ ગુગલ સર્ચ થાય છે, 30 કરોડથી વધુ ફોટાઓ હરરોજ ફેસબુક ઉપર અપલોડ થાય છે, ટ્વિટર ઉપર રોજીંદી 50 કરોડ ટ્વિટ થાય છે, યુ-ટ્યુબ ઉપર હરદિવસ લગભગ 500 કરોડ વીડિયો જોવાય છે. સઘળુ થાય છે ઇન્ટરનેટના પ્રતાપે. તો સૌપ્રથમ જાણીએ કે ઇન્ટરનેટનું સમગ્ર સિસ્ટમ કઇરીતે કાર્ય કરે છે?
-
ઇન્ટરનેટના મુખ્ય બે ભાગ હોય છે (1) Data Center (2) Network Communication System. ડેટા સેન્ટર તે ભાગ હોય છે જ્યાં ઇન્ટરનેટ ઉપર મૌજૂદ સઘળા ડેટાને સ્ટોર કરી રાખવામાં આવે છે અને નેટવર્ક કમ્યુનિકેશન સિસ્ટમ તે ભાગ હોય છે જે ડેટાને ડેટા સેન્ટરથી આપણાં સુધી પહોંચાડે છે અથવા આપણાં ડેટા ડેટા સેન્ટરને પહોંચાડે છે. થોડું વિગતવાર જોઇએ.
-
(1) ડેટા સેન્ટર:- આજે દુનિયાના 440 કરોડ લોકો ઇન્ટરનેટથી જોડાયેલા છે. ઇન્ટરનેટ ઉપર કેટલો ડેટા મૌજૂદ છે તેની વાત જવા દો. ફક્ત ગુગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ફેસબુકના કુલ ડેટાનો જુમલો 12 લાખ પેટાબાઇટ છે. પણ ફક્ત accessible ડેટા છે, વેબસાઇટની કોડિંગ વગેરે હિડન ડેટા તો અલગ. અંદાજો છે કે ઇન્ટરનેટનો ટોટલ ડેટા લગભગ 44 ઝેટાબાઇટ છે. એક ઝેટાબાઇટ એટલે મિલિયન, બિલિયન નહીં એક ટ્રિલિયન ગીગાબાઇટ થાય છે. સઘળો ડેટા, ડેટા સેન્ટરમાં રાખવામાં આવે છે. એક ડેટા સેન્ટરનું કદ લગભગ દસ ફૂટબોલના મેદાન બરાબર હોય છે અને ખાલી ગુગલના 16 જેટલા ડેટા સેન્ટર છે. ડેટા સેન્ટરને કાર્યરત રાખવા માટે ખુબ મોટા પાયે વીજળીની જરૂર પડે છે. એક અંદાજ મુજબ દુનિયાના સઘળા ડેટા સેન્ટર હરવર્ષ લગભગ 416 terawatt hours ની વીજળી ખાય જાય છે. દુનિયાની કુલ વીજળીની ખપતના 3% છે.
-
(2) નેટવર્ક કમ્યુનિકેશન સિસ્ટમ:- ઇન્ટરનેટ કોઇ વાયરલેસ સિસ્ટમ નથી બલ્કે વાયરો વડે જોડાયેલ સિસ્ટમ છે. વાયરો સમુદ્રોની અંદર થઇ એક દેશથી બીજા દેશને જોડે છે. સર્વે મુજબ દુનિયાભરના સમુદ્રોમાં લગભગ 11 લાખ કિ.મી. લંબાઇના ઓપ્ટીકલ ફાઇબર બિછાવેલ છે. વાયરોને પણ વીજળીની જરૂર પડે છે. હરવર્ષ વાયરોનું જંગલ લગભગ 354 terawatt hours ની વીજળી ઓહિયા કરી જાય છે.
-
સઘળી વીજળી માટે કેટલું અશ્મિભૂત ઇંધણની જરૂર પડતી હશે? એક અંદાજ મુજબ ઇંધણ દ્વારા નીકળનારા કાર્બનડાયોક્સાઇડ(co2)નો હિસ્સો કુલ વૈશ્વિક co2 ઉત્સર્જનના 2% થી પણ વધુ છે. અગર આંકડો નાનો લાગતો હોય તો એટલું જાણીલો કે દુનિયાભરના જે વિમાનો, પ્રાઇવેટ જેટ, હેલિકોપ્ટર અને લશ્કરી વિમાનો ઉડી રહ્યાં છે, તેઓ પણ આટલોજ co2 ઉત્સર્જીત કરે છે. મતલબ ઇન્ટરનેટથી થતું પ્રદુષણ સઘળા એર ટ્રાફિક બરાબર છે. તમારા દ્વારા થયેલ હર ગુગલ સર્ચ 5 થી 7 ગ્રામ અને એક ઇમેલ 20 ગ્રામ જેટલો co2 વાતાવરણમાં ઠાલવે છે. જ્યારે તમે ઘરમાં લગાવેલ એક 100 watt ના બલ્બને સતત એક કલાક સુધી સળગતો રાખો ત્યારે તેમાંથી 20 ગ્રામ જેટલો co2 ઉત્સર્જીત થાય છે.
-
અહીં ઘણાં વિચારતાં હશે કે મારા ઇમેલ મોકલવાથી શું ફરક પડશે, ઇન્ટરનેટ તો આમેય ચાલુ છે ને? અહીં જણાવવું પડે કે જે કમ્યુનિકેશન સાધનો છે તે ત્યાંસુધી ઉર્જાની ખપત નહીં કરે જ્યાંસુધી તમે તેને કોઇ કાર્ય કરવા મજબૂર કરો. તો શું ઉપરથી એવું તારણ કાઢવું કે ઇન્ટરનેટ નકામી વસ્તુ છે? આપણે જાણી જોઇને વાતાવરણને બગાડી રહ્યાં છીએ? તેને નુકસાન પહોંચાડી રહ્યાં છીએ? વેલ, આવું વિચારવું પણ ખોટું છે. કેમકે આપણે ઇન્ટરનેટ થકી ઘણે અંશે પૃથ્વીને બચાવી પણ રહ્યાં છીએ.
-
થોડાં ઉદાહરણો જોઇને તમે ખુદ નક્કી કરો કે કયો માર્ગ ધરતી માટે ફાયદાકારક હશે......કોઇપણ વ્યક્તિને વોટ્સ એપ કે ઇમેલ થકી સંદેશો મોકલવો કે પછી કાગળ ઉપર પેન વડે પત્ર લખવો? ઇન્ટરનેટથી ઇબુક ડાઉનલોડ કરી તેને વાંચવુ કે પછી કોઇ દુકાને જઇ પ્રિન્ટેડ બુક ખરીદવું? કોઇ મિત્ર કે સગાસબંધીને મળવા/જોવા/વાતચીત કરવા માટે વીડિયો કોલ કરવું કે કોઇ વાહન દ્વારા રૂબરૂ તેમના ઘરે જવું?


No comments:

Post a Comment