Wednesday, May 6, 2020

વાયરસ



વાયરસ સજીવ છે કે નિર્જીવ? પૃથ્વી ઉપર કેટલાં વાયરસ છે? શું આપણે તેમનો સંપૂર્ણ નાશ કરી શકીએ છીએ?
-
જ્યારે જ્યારે પૃથ્વી ઉપર સંતુલન ખોરવાય છે ત્યારે પ્રકૃતિ પોતાનું સંતુલન જાળવવા થોડું પડખુ ફરે છે અને સ્થિતિને અંકુશમાં લે છે. ફરીથી સંતુલન મેળવવાની સ્થિતિને Ecology કહેવામા આવે છે. 1958 માં એક જીવવિજ્ઞાની Joshua Lederberg કહ્યું હતું કે માણસને અગર પૃથ્વી ઉપર કોઇ ચેલેન્જ કરી શકે એમ હોય તો તે ફક્ત વાયરસ છે. માણસના અસ્તિત્વને ઘૂંટણીયે પાડવાની તાકાત ફક્ત વાયરસમાં છે.
-
ખેર, મુખ્ય ચર્ચા ઉપર આવીએ. પૃથ્વી ઉપર કેટલાં વાયરસ છે? મનુષ્યએ અત્યારસુધી 5560 વાયરસોને શોધ્યા છે. પૃથ્વી ઉપર મૌજૂદ કુલ વાયરસોની વસ્તીનો આંકડો મગજને ચક્કર આવી જાય એટલો છે અને તે છે એક પાછળ એકત્રીસ મીંડા. સરેરાશ આપણે હર વાયરસનું કદ 100 નેનોમીટર માની લઇ તેમને એક પછી એક લાઇનમાં મુકતા જઇએ તો લાઇન 20 કરોડ પ્રકાશવર્ષ દૂર જશે(એક પ્રકાશવર્ષ એટલે કેટલાં કિલોમીટર થાય તે જરા ગુગલ કરી જુઓ).
-
આપણે ચોતરફ વાયરસથી ઘેરાયેલા છીએ પરંતુ ઘણાં વાયરસો એવા છે જે આપણને નુકસાન નથી કરતાં; ઘણાં વાયરસો એવા છે જે આપણને થોડું ઘણું નુકસાન પહોંચાડે છે. જેમકે શરદીનો વાયરસ; કેટલાંક વાયરસો એવા છે જેની કોઇજ દવા નથી પરંતુ તેઓ આપણાં શરીરની અંદરજ રહે છે, બહાર નથી નીકળતા(સંક્રમિત થયા પછી). જેમકે HIV વાયરસ. HIV નો વાયરસ ફક્ત આપણાં શરીરના immunity system(પ્રતિરક્ષા તંત્ર) ઉપર અસર કરે છે. શરીરના બાકી અંગોને તે નુકસાન નથી પહોંચાડતો. માટે તેનાથી તુરંત મૃત્યુ નથી થતું પણ ધીમેધીમે પ્રતિરક્ષા તંત્ર નબળુ પડતુ જાય છે. છેવટે તંત્ર એટલું બધુ નબળુ પડી જાય છે કે શરીરમાં સામાન્ય રોગો પણ વકરીને જાનલેવા સાબિત થાય છે અને આપણે તેને એઇડ્સથી થયેલ મૃત્યુ કહીએ છીએ.
-
વાયરસ સજીવ છે કે નિર્જીવ બાબતે મતમતાંતર છે. ઘણાં તેને સજીવ તો ઘણાં નિર્જીવ માને છે. ફિલહાલ તેને ગ્રે કેટેગરીમાં મુક્યા છે. મતલબ સજીવ નિર્જીવ. મિત્રો, વનસ્પતિના બીજ વર્ષો સુધી પડેલા રહી શકે છે. તેમને ફ્રીજમાં રાખો, ડબ્બામાં રાખો અથવા અન્ય કોઇ જગ્યાએ....તેઓ પોતાની વૃદ્ધિ આપમેળે નથી કરી શકતાં પરંતુ જેવી તેમને ખેતીલાયક જમીન, પાણી, સૂર્યપ્રકાશ વગેરે મળી જાય તો તેમાંથી વનસ્પતિનું નિર્માણ થઇ જાય છે. વાયરસનું પણ બિલકુલ આવુ છે. તો શું આપણે તેમનો સંપૂર્ણ નાશ કરી શકીએ છીએ? જવાબ છે.......નામુમકિન. તેમની સંખ્યા એટલી બધી છે અને અધુરામાં પુરૂ તેઓને આપણે જોઇ નથી શકતાં. ફક્ત તેમનાથી બચવાનો ઉપાય શોધી શકીએ છીએ મારવાનો નહીં. હાં, એક વાયરસ છે જેને આપણે પૃથ્વી ઉપરથી લગભગ નાબુદ કરી દીધો છે અને તે છે શીતળાનો વાયરસ.(યાદરહે વાયરસ/બેક્ટીરિયા વિના આપણું તેમજ સમગ્ર પૃથ્વીનું જીવન નષ્ટ થઇ જશે.)
-
એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસ ચામાચીડિયામાંથી આવ્યો છે. ચામાચીડિયામાં લગભગ 137 જાતના અલગ-અલગ વાયરસ વસવાટ કરે છે. પરંતુ શું ફક્ત આજ વાયરસો છે જેનાથી આપણે ડરવુ જોઇએ? ના......ઇબોલા, સાર્સ કરતાં પણ ખતરનાક અને જાયન્ટ વાયરસો ધ્રુવો ઉપર મૌજૂદ બરફની ચાદરો નીચે તબાહી મચાવવા માટે પોતાનો વારો આવવાની રાહ જોતા ઢંકાયેલા પડ્યા છે. લગભગ પંદર હજાર વર્ષથી તેઓ ત્યાં કેદ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે જેમજેમ બરફ પીગળશે તેમતેમ અસુરો તાંડવ મચાવવા હાજર થઇ જશે.


No comments:

Post a Comment