Saturday, May 16, 2020

જીવોની શારીરિક રચના, ઇશ્વર અને ઉત્ક્રાંતિ



પ્રસિધ્ધ ઇંગ્લિશ ફિલોસોફર વિલિયમ પૈલી દ્વારા 1802 માં લિખિત પુસ્તક Natural Theology: Evidences for Existence & Attributes of the Deity માં વિલિયમે એક ઘડિયાળનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે.....અગર તમને રસ્તામાં એક ઘડિયાળ પડેલું મળે છે, તો ઘડિયાળની જટિલ આંતરિક મશિનરીને જોઇને તમે સહજ અંદાજો લગાવી શકો છો કે ઘડિયાળ પોતાની મેળે આપોઆપ હવામાં પ્રગટ નથી થઇ શકતી. જો ઘડિયાળ મૌજૂદ છે તો ઘડિયાળના નિર્માતાના અસ્તિત્વની પુષ્ટિ આપોઆપ થઇ જાય છે. વિલિયમના આ પ્રસિધ્ધ તર્કને The Watchmaker Argument કહેવામાં આવે છે. વિલિયમના કહેવાનો મતલબ સ્પષ્ટ હતો કે અગર સૃષ્ટિ છે તો તેનો સર્જનહાર પણ અવશ્ય હોવો જ જોઇએ કેમકે તમે સૃષ્ટિમાં જ્યાં પણ જુઓ, તમને એક અદભુત સંપૂર્ણતા અને નિયમબધ્ધતાનો સાક્ષાત્કાર થશે. કિટકો....વૃક્ષો/વેલાઓના પરાગોને દૂરદૂર સુધી ફેલાવીને તેમના પ્રજનનમાં મદદ કરે છે. તો બદલામાં વનસ્પતિઓ કિટકોને ફૂલોનો રસ પ્રદાન કરે છે.
-
આપણાં દ્વારા ખવાયેલ ભોજનમાંથી પોષકતત્વો પાચનતંત્ર દ્વારા શોષી લેવામાં આવે છે અને અપશિષ્ટ પદાર્થ મળ-મૂત્ર રૂપે બહાર ઉત્સર્જીત કરી નાંખવામાં આવે છે. આપણાં ફેફસાઓ, શ્વાસ દ્વારા લેવાયેલ હવામાંથી ઓક્સિજન અલગ કરી લોહીમાં ટ્રાન્સફર કરે છે. જ્યાંથી ઓક્સિજન આગળ કોષિકાઓ સુધી પહોંચાડવામાં આવે છે. આપણી કિડની લોહીમાંથી કચરો નિરંતર અલગ કરી આપણને સ્વસ્થ રાખે છે. અગર આપણને ગર્મી લાગે તો શરીરની આંતરિક ઉષ્મા પરસેવા રૂપે બહાર નીકળી જાય છે. ઠંડી લાગે તો શરીર આપમેળે ધ્રુજી, ગતિ કરીને આપણને ગરમી આપવાનો પ્રયાસ કરે છે. અગર બહોળા સ્તરે તમે શરીરને જોશો તો તમને થશે કે શરીરનું હર અંગ કોઇ વિશેષ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા માટે કોઇ બુદ્ધિમાન દૈવીય શક્તિ દ્વારા નિર્મિત હોવાનું પ્રતિત થાય છે. પણ.....અગર શરીરનું સુક્ષ્મ અવલોકન કરીએ તો? તો આ જીવન નિર્માતા દૈવીય શક્તિને ઘણી ફરિયાદો કરવાનું મન થાય. તેની કાર્યપ્રણાલી શંકાના ઘેરાવામાં આવી જાય. કઇરીતે? એના માટે આપણે થોડાં રોચક ઉદાહરણો જોઇશું તેમજ તેના ઉત્તરો ઉત્ક્રાંતિ દ્વારા મેળવીશું.

-

  
(1) મનુષ્યોના અંડકોષ(Testicles):- નર માનવોમાં શુક્રાણુઓના નિર્માણ કરવાવાળા અંડકોષ(વૃષણ) એક થેલી જેવી સંરચનાઓમાં કેદ હોય છે જેને આપણે અંડકોષની થેલી(Scrotum) કહીએ છીએ. પરંતુ આપણાં સર્વેના અંડકોષ જન્મથીજ સ્ક્રોટમના અંદર નથી હોતાં(what???). તો પછી ક્યાં હોય છે? સચ્ચાઇ જાણીને નવાઇ લાગશે કે જન્મના થોડાંજ સમય પૂર્વ આપણાં બધાના અંડકોષ પેટની અંદર હોય છે(shocked??). જી હાં, બિલકુલ સાચું સાંભળ્યું આપે. જન્મ પહેલાં/બાદ આપણાં પેટમાં મૌજૂદ આ બંન્ને અંડકોષો બે નળીના માધ્યમે ધીરેધીરે નીચે તરફ એટલેકે સ્ક્રોટમ તરફ સરકવાનું શરૂ કરે છે. આ બંન્ને નળીને Inguinal Canal કહે છે(જુઓ નીચેની ઇમેજ). ઘણીવાર અંડકોષોની આ યાત્રા દરમિયાન Inguinal Canal ની દિવાલો કમજોર પડી જાય છે અને શરીરના માંસપેશીય આવરણમાં ઘણાં weak spots બની જાય છે. જે બાદમાં Inguinal Hernia ને જન્મ આપે છે(જુઓ ઉપરની ઇમેજ). 



-
Inguinal Hernia માં આંતરડા કમજોર થઇ ઉદર માંસપેશીઓને કારણે બહારની તરફ નીકળવા માંડે છે. શરીરમાં સોજારૂપી ગાંઠો બની જાય છે. રોગીને અસહ્ય દર્દ થાય છે. સમય પર જો સર્જરી ન કરાવીએ તો મૃત્યુ જ છેલ્લો ઉપાય બચે છે. મેડિકલ આંકડાઓ અનુસાર ફક્ત ભારતમાંજ પ્રતિવર્ષ હર્નિયાના એક કરોડથી વધુ દર્દીઓ હોસ્પિટલાઇઝડ થાય છે. વિશ્વના 25% યુવાનો જીવનમાં ક્યારેક ને ક્યારેક Inguinal Hernia નો દર્દ અવશ્ય મહેસુસ કરે છે. આ ભયાવહ આંકડાઓની સૌથી રોમાંચક વાત એ છે કે Inguinal Hernia કોઇ રોગ નથી બલ્કે આપણાં અંડકોષોના બનાવટની ખામી છે. વિશ્વની અધિકાંશ પુરૂષોની આબાદી ઉપર સતત લટકતી આ તલવાર આપણને જન્મથી વિરાસતમાં મળી છે.
-
સામાન્યરીતે અંડકોષ જન્મના થોડાં સમય પહેલાં સ્ક્રોટમમાં સ્થાનાંતરિત થઇ જાય છે પરંતુ પ્રીમેચ્યોર ડિલીવરીના કારણે જન્મેલ અવિકસિત શિશુ અંડકોષને પેટમાં લઇને જ જન્મે છે. લાખો કેસ એવા પણ પ્રકાશમાં આવે છે જેમાં સમય સાથે અંડકોષોનું સ્ક્રોટમમાં સ્થાનાંતરણ નથી થઇ શકતું અને અંતે ડોક્ટરે સર્જરીનોજ સહારો લેવો પડે છે. ઘણાં કેસો તો એટલાં પેચીદા હોય છે કે સર્જરી પણ પીડિતનું જીવન બચાવવા અસમર્થ હોય છે.
-
હવે અહીં સવાલ એ ઉઠે છે કે આખરે આપણાં અંડકોષોને પેટની અંદર જન્મ લેવાની અને પછી સ્ક્રોટમની યાત્રા કરવાની શું જરૂર છે? અગર આપણો નિર્માતા(ઇશ્વર) ઇચ્છતે તો આપણાં અંડકોષોને સીધેસીધા સ્ક્રોટમમાં જન્મ આપી આપણને આ દર્દનાક અંડકોષીય યાત્રાની તકલીફથી બચાવવાની સાથેસાથે લાખો-કરોડો જીન્દગીઓને પણ બચાવી શક્યો હોત. શું આપ અંદાજો લગાવી શકો છો કે મેડિકલ સાયન્સના ઉદભવ પૂર્વે કેટલાંઓ મનુષ્યોએ હર્નિયાના દર્દથી ઝઝુમતા પોતાના પ્રાણ ગુમાવી દીધાં હશે? આખરે તેમની મૃત્યુ માટે જવાબદાર કોણ? એકપણ તર્ક એ વાતનું સમર્થન નથી કરતો કે આપણાં અંડકોષોને કોઇ સમજદાર દેવીશક્તિએ ડિઝાઇન કર્યા છે. પરંતુ હાં, આપણાં અંડકોષોને ઉત્ક્રાંતિના સંદર્ભે જોઇએ તો તેઓની વિસંગતિતા એકદમ તાર્કિક છે. 

-
(2) Laryngeal Nerve:- સંવાદ કરવું તથા બોલવું માનવીય જીવનનું અભિન્ન અંગ છે. બોલવા માટે આપણાં મગજથી ઇલેક્ટ્રીકલ સિગ્નલ આપણાં ગળામાં મૌજૂદ સ્વરગ્રંથિ(Larynx) માં પહોંચે છે. ત્યાં મૌજૂદ સ્વરગ્રંથિઓમાં ઉત્પન્ન કંપનોને આપણે સ્વરમાં પરિવર્તિત કરીએ છીએ. મગજથી Larynx સુધી ઇલેક્ટ્રીકલ સિગ્નલોને પહોંચાડવાનું કામ Recurrent Laryngeal Nerve નામક એક નળી કરે છે. અહીં સ્વાભાવિક વાત છે કે Laryngeal Nerve ને મગજથી શરૂ થઇને ગળા એટલેકે Larynx પાસે ખતમ થઇ જવું જોઇએ.
-
પરંતુ એવું થતું નથી. Laryngeal Nerve આપણાં મસ્તિષ્કથી શરૂ થઇને હ્રદય સુધી જાય છે. ત્યાં મૌજૂદ એક મહા ધમની(Aorta) ના ચારેતરફ લપેટાઇને ચક્કર લગાવતી ઉપર તરફ વધે છે અને અંતે Larynx પાસે ખતમ થાય છે(જુઓ
નીચેની ઇમેજ). આવી અર્થ વગરની રચનાનો કોઇ અર્થ ખરો? મસ્તિષ્કથી શરૂ થઇને ગળા પાસે ખતમ થનારી એક નસે હ્રદય પાસેથી થઇને ઉંધો ચકરાવો મારવાની શું જરૂર છે? આ નસની અનાવશ્યક લંબાઇ તેને બેહદ કમજોર બનાવે છે. તેમજ હ્રદય ઉપર આઘાત લાગવાથી વ્યક્તિનો અવાજ હંમેશા માટે જતો રહેવાનો ખતરો પણ મંડરાયેલો રહે છે. એક સમજદાર દેવીશક્તિથી આ પ્રકારની મૂર્ખતાભરી ઉમ્મીદ કરીજ નથી શકાતી. પરંતુ ઉત્ક્રાંતિના સંદર્ભે જોવા જઇએ તો Laryngeal Nerve નો ઉટપટાંગ પથ એકદમ સાચો પ્રતિત થાય છે.

-
(3) Pharynx:- મનુષ્યોના ગળામાં સ્થિત આ પાઇપરૂપી સંરચના છે. આપણે શ્વાસ લેવા અને ભોજન કરવા માટે એકજ પાઇપનો ઉપયોગ કરીએ છીએ. ગળાથી નીચે આ પાઇપ બે અલગ-અલગ ભાગોમાં વહેંચાય જાય છે. આપણાં ગળામાં Epiglottis નામે એક ફ્લેપ જેવી સંરચના હોય છે. જે ખોરાક ગળતી વખતે શ્વાસનળીને ઢાંકીને બંધ કરી દે છે. જેથી ખોરાક ભૂલથી શ્વાસનળીમાં ન ચાલ્યો જાય(જુઓ
નીચેની ઇમેજ). આજ કારણ છે કે મનુષ્યો માટે શ્વાસ લેવું અને ખોરાક ગળવું એકસાથે સંભવ નથી. પરંતુ ખાતી વખતે વાત કરવાની ટેવને કારણે ઘણીવાર Epiglottis પોતાના કાર્યને સમયસર ન્યાય નથી આપી શકતું. જેથી ખોરાક શ્વાસનળીમાં ચાલ્યો જાય છે અને વ્યક્તિને ખાંસીનો ભયંકર ઝાટકો લાગે છે જેને choking કહે છે. આ choking ના કારણે મૃત્યુ પણ નીપજી શકે છે. તો ફરી સવાલ એ ઉઠે છે કે શ્વાસ માટે અને ભોજન માટે બે અલગ-અલગ નળી કેમ નથી? ફક્ત આટલો વિચાર આપણાં નિર્માતાને આવ્યો હોત તો choking ના ફળસ્વરૂપ લાખો લોકોએ પોતાનું જીવન ગુમાવ્યુ ન હોત.

-
આવા અઢળક ઉદાહરણો છે. જેમકે સ્ત્રીઓને અંડાશય અને ફેલોપિયન ટ્યૂબ વચ્ચે આપેલ ખાલી સ્થાન જે કેટલીય સ્ત્રીઓ માટે જાનલેવા સાબિત થયું. આપણે લઘુદ્રષ્ટિ અને ગુરૂદ્રષ્ટિએ પીડાઇએ છીએ તે પણ રેટિનાના ખોટા આકારને કારણે. પુરૂષોને છાતી ઉપર નિપ્પલ, મોઢામાં ડહાપણની દાઢ વગેરે.


તો ચાલો આનો જવાબ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ મેળવીએ....
-

વાત કરીએ અંડકોષની....સર્વે જીવોનો વિકાસ માછલીમાંથી થયો છે. માછલીઓના જનનાંગ સમગ્ર જીવન દરમિયાન પેટની અંદર હોય છે. એટલામાટે આપણાં બધાના જનનાંગો પેટની અંદરજ વિકસિત થવાનું શરૂ કરે છે. જોકે આપણે સ્તનધારી જીવો માછલીઓની તુલનાએ ગરમ લોહી(Warm Blood) વાળા છીએ, માટે આપણાં શરીરનું તાપમાન સ્વસ્થ શુક્રાણુ માટે બેહદ ગરમ હોવાના કારણે પ્રતિકૂળ છે. માટે આવશ્યક છે કે આપણાં અંડકોષ શરીરના ગરમ વાતાવરણથી દૂર બહાર ઠંડા વાતાવરણમાં રહે. એટલામાટે ઉત્ક્રાંતિના આગળના ચરણમાં પેટની અંદર મૌજૂદ અંડકોષોને બહાર નીકળવા માટેનો માર્ગ નિર્ધારિત થયો. પરિણામ આપણી સામે છે.
-
એજ રીતે Laryngeal Nerve નું પણ છે. આપણો વિકાસ માછલીઓમાંથી થયો. માછલીઓમાં મૌજૂદ Laryngeal Nerve પણ હ્રદય પાસે મૌજૂદ ધમનીઓને વીટળાયને મગજ સુધી પહોંચે છે(જુઓ નીચેની ઇમેજ). પરંતુ માછલીનો આકાર ઘણો નાનો હોય છે તેમજ માછલી ગર્દનહીન હોય છે. માટે તેની માટે કોઇ સમસ્યા નથી. પરંતુ માછલીઓમાંથી વિકાસ પામેલ નવા જીવોની ગરદન લાંબી થતી ગઇ. માટે મસ્તિષ્કનું સ્થાન ઉપર તરફ અને હ્રદયનું સ્થાન નીચે તરફ સ્થાનાંતરિત થતું ગયું. જીરાફ માટે તો અંતર લગભગ 15 ફૂટ જેવું થઇ ગયું(જુઓ નીચેની ઇમેજ). આનાથી મૂર્ખતાપૂર્ણ શારીરિક વિસંગતિનું ઉદાહરણ બીજું શું હોય શકે?




-
મતલબ અહીં ઇશ્વરરૂપી દૈવીય શક્તિનો છેદ ઉડી જાય છે. કેમકે અગર તેણે જો સર્વે જીવોની રચના કરી હોય તો પછી પણ માનવું પડે કે તે કોઇ સુપર ઇન્ટેલિજન્ટ હોઇને એક મૂર્ખ વ્યક્તિત્વ હોવું જોઇએ. ઓકે, તો પછી હવે શંકાની સોય ઉત્ક્રાંતિ તરફ વળે છે કે શા માટે ઉત્ક્રાંતિએ આવી મૂર્ખતાપૂર્ણ પ્રક્રિયા જે અજીબોગરીબ ખામીઓથી ભરેલ છે તેને યોગ્ય અને સરળ બનાવી?
-
આનો જવાબ ખુબજ સરળ છે. ઉત્ક્રાંતિ એક ભૌતિક પ્રક્રિયા છે જે સતત સંશોધનના આધારભૂત સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ઉત્ક્રાંતિનો મુખ્ય કાર્યસિદ્ધાંત perfection(સંપૂર્ણતા) નથી બલ્કે improvements(સુધારાઓ) છે. માટે પ્રાપ્ત પરિણામ અથવા જીવ સર્વશ્રેષ્ઠ થઇને ફક્ત કામચલાઉ હોય છે. બહોળા સ્તરે જોતા ઉત્ક્રાંતિથી ઉત્પન્ન પ્રાણી perfectly design હોવાનું પ્રતિત થાય છે પરંતુ સૂક્ષ્મરીતે જોઇએ તો સ્પષ્ટપણે પ્રતિત થાય કે ઉત્ક્રાંતિ ઘણે અંશે એક મૂર્ખતાપૂર્ણ પ્રક્રિયા છે. સ્વાભાવિક છે કે ઉપરોક્ત ખામીઓને ઠીક કરવા માટે પ્રકૃતિએ શરીરના આધારભૂત ઢાંચામાં અનાવશ્યક બદલાવ કરવા પડશે અને નવા અંગોના નિર્માણથી શરીરનો ઉર્જાવ્યય પણ વધશે. સાથેસાથે નવા શરીરનો ઢાંચો અગર કેટલાંક અર્થોમાં લાભપ્રદ હશે તો કેટલાંક નવા હાનિકારક પ્રભાવો પણ ઉત્પન્ન થશે. આજ ઉત્ક્રાંતિનો કાર્યસિદ્ધાંત છે કે ઉત્ક્રાંતિ ફક્ત કામચલાઉ સંરચનાઓ ઉત્પન્ન કરી શકે છે, સર્વશ્રેષ્ઠ નહીં.
-
ટૂંકમાં સંદેશો સાફ છે કે પ્રકૃતિમાં ઘણાં વિરોધાભાસ મૌજૂદ છે જેને ફક્ત અને ફક્ત ઉત્ક્રાંતિના સંદર્ભે સમજી શકાય. પ્રકૃતિમાં વ્યાપ્ત વિસંગતિઓને વાંચ્યા પછી પણ જો તમારા મગજમાં એવો વિચાર આવતો હોય કે સૃષ્ટિ કોઇ દૈવીય શક્તિના હસ્તક્ષેપનું પરિણામ છે તો તમારે પણ સ્વીકારવું પડશે કે ઇશ્વરે જૈવિક અંગોનું નિર્માણ સીમિત વિકલ્પો સાથે કર્યું છે અને આવાજ સીમિત વિકલ્પો વડે ઉત્પન્ન થયેલ મનુષ્યોને ઇશ્વરના પ્રિય પુત્ર કહેડાવવાનો પણ કોઇજ નૈતિક અધિકાર નથી.

(મિત્ર વિજય દ્વારા)



No comments:

Post a Comment