મેડિકલ ક્ષેત્રમાં સંશોધકોએ એવો કારનામો કરી બતાવ્યો છે જે પહેલાં કોઇએ સ્વપને પણ વિચાર્યો ન હતો. હાલમાં જ એન્જિનિઅરોએ એક એવું સૂક્ષ્મ પેસમેકર બનાવ્યું છે જે પ્રકાશ વડે ચાલે છે. આ પેસમેકર એટલું સૂક્ષ્મ છે કે, ડોક્ટરો આને ઇન્જેક્શન દ્વારા પણ શરીરમાં દાખલ કરી શકે છે. તેનું કદ ચોખાના દાણા કરતા પણ નાનું છે(જુઓ મુખ્ય ઇમેજ). સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, જ્યારે આની જરૂરિયાત નહીં રહે ત્યારે તે પોતે જ શરીરમાં ઓગળી (dissolve થઇ) જાય છે.
-
આગળ વધતા પહેલા એ જાણવું જરૂરી છે કે, આખરે આ પેસમેકર શું હોય છે અને તેનું કાર્ય શું હોય છે? પેસમેકર દરઅસલ એક ઇલેક્ટ્રોનિક સાધન હોય છે જે હ્રદયના ધબકારાને નોર્મલ રાખે છે. આ સાધન એવા વ્યક્તિઓને લગાડવામાં આવે છે, જેમના હ્રદયના ધબકારા ક્યાં તો ધીમા હોય અથવા અનિયમિત હોય. ધબકારાની ખરાબીના કારણે ચક્કર આવવા, થાક લાગવો અથવા બેહોશ થઇ જવું જેવા લક્ષણો દેખાવા માંડે છે.
-
આ નવા પેસમેકરને ચલાવવા માટે એક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે જેને દર્દીની છાતી ઉપર બાંધી દેવામાં આવે છે(જુઓ નીચેની ઇમેજ). જેવા ધબકારા અનિયમિત થયાં કે આ સાધન પ્રકાશરૂપી સિગ્નલ પેસમેકરને મોકલે છે અને પેસમેકર હ્રદયના ધબકારાને નિયમિત કરી નાંખે છે. આ પેસમેકરને northwestern university સ્થિત મટીરીયલ સાયન્સ, બાયો મેડિકલ એન્જિનિયરિંગ અને ન્યુરોલોજીકલ સર્જરીના પ્રોફેસર જ્હોન રોજર્સની આગેવાનીમાં બનાવવામાં આવ્યું.
-
જન્મથી હ્રદયની બીમારીવાળા નવજાત શિશુઓ માટે આ શોધ આશિર્વાદરૂપ છે કેમકે સાધન જેટલું નાનું તેના વજનનો બોજ શિશુ ઉપર ખુબ ઓછો પડે છે. લગભગ 1% જેટલા શિશુઓ હ્રદયની બીમારી સાથે જન્મે છે. જો કે, સારી વાત એ છે કે, સર્જરીના સાત દિવસ સુધીમાં અધિકતર શિશુઓનું હ્રદય આપમેળે જ નોર્મલ થઇ જાય છે પરંતુ તે સાત દિવસ ખુબ મહત્વના હોય છે.
-
અત્યારસુધીના પેસમેકરોને લગાડવા માટે સર્જરીની આવશ્યકતા રહેતી અને કેટલાક વાયરો પણ લાગેલ રહેતા, જે દર્દીના શરીરની બહાર એક છિદ્ર વાટે બાહરી સાધન સાથે જોડાયેલા રહેતા. જ્યારે આ પેસમેકરની જરૂરિયાત સમાપ્ત થઇ જતી ત્યારે તે વાયરોને દર્દીના શરીરની બહાર કાઢવામાં આવતા. આ પ્રક્રિયા દરમિયાન કેટલીક પેશીઓ(tissue) ને નુકસાન પહોંચતું હતું તેમજ રક્તસ્ત્રાવનું પણ જોખમ રહેતું હતું. કેટલાક કિસ્સાઓમાં તો પ્રક્રિયા જીવલેણ પણ સાબિત થતી હતી કેમકે વાયરો પેશીઓમાં ફસાઇ જતા હતા. ચંદ્ર ઉપર સૌપ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગનું મૃત્યુ આ કારણે જ થયું હતું. નવું પેસમેકર આ બધી ઝંઝટમાંથી મુક્તિ આપે છે(વિસ્તૃત જાણકારી માટે નીચે આપેલ રિસર્ચ પેપરની લિંક તપાસો...)
https://www.nature.com/articles/s41586-025-08726-4


No comments:
Post a Comment