અનિરુદ્ધ આચાર્યએ કહ્યું કે....હવન અને યજ્ઞમાં એક તોલા(દસ ગ્રામ) ગાયનું ઘી બાળવાથી એક ટન ઓક્સિજન ઉત્પન્ન થાય છે. ચાલો તેમની આ વાતનું થોડું વિશ્લેષણ કરીએ...
-
ઘી અને તેલના મુખ્ય ઘટક ટ્રાઇગ્લિસરાઇડ્સ હોય છે અન્ય ઘટકો લગભગ નહિવત હોય છે. વિટામિન વગેરે જેવી અન્ય વસ્તુઓ હોય છે તે ફક્ત તેમાં ઉમેરણ(additive) તરીકે હોય છે. ટૂંકમાં, શુદ્ધ ઘી કે તેલ ટ્રાઇગ્લિસરાઇડ્સ જ છે. આ ટ્રાઇગ્લિસરાઇડ, ગ્લિસરોલ અણુના હાઇડ્રોક્સિલ જૂથ દ્વારા ત્રણ ફેટી એસિડ અણુઓના એસ્ટરિફિકેશન દ્વારા રચાય છે. જ્યારે ઘી અથવા તેલ એટલે કે ટ્રાઇગ્લિસરાઇડ, શરીરની અંદર જૈવિક રીતે બળે અથવા શરીરની બહાર આગમાં બળે એટલે કે ઓક્સિડાઇઝ્ડ થાય ત્યારે નીચેની ક્રિયા થાય છે...
C55 H104 O6 + 78 O2 = 55
CO2 + 52 H2O + Energy
-
વાત થોડી ટેકનિકલ લાગી હશે પરંતુ હવે પછીનું વર્ણન સરળ છે. ટ્રાઇગ્લિસરાઇડનો એક અણુ ઓક્સિજનના 78 અણુઓ સાથે ક્રિયા કરી, 55 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને 52 અણુ પાણીના બનાવે છે અને સાથે ઊર્જા મુક્ત થાય છે. જો આપણે આ રાસાયણિક પ્રતિક્રિયાના સમીકરણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુના વજન(દળ) મૂકીએ, તો આપણને ખબર પડશે કે 860 ગ્રામ ઘી 2496 ગ્રામ ઓક્સિજન સાથે ક્રિયા કરી 2420 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 936 ગ્રામ પાણી બનાવે છે. આને આપણે એક તોલા એટલે કે 10 ગ્રામમાં વ્યક્ત કરીએ, તો એમ કહી શકીએ કે 10 ગ્રામ ઘી 29 ગ્રામ ઓક્સિજન સાથે ક્રિયા કરી 28 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 11 ગ્રામ પાણી બનાવે છે.
-
હકીકતમાં આ દહન પ્રક્રિયામાં એક ગ્રામ ઓક્સિજન પણ ઉત્પન્ન થતો નથી, એક ટન ઓક્સિજન તો દૂરની વાત છે. જેમ આપણે જોયું તેમ, આ પ્રક્રિયામાં ઓક્સિજન ઉત્પન્ન થતું નથી પરંતુ તેનો માત્ર વપરાશ થાય છે અને ઊર્જા મુક્ત થવાની સાથેસાથે માત્ર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. શરીરની અંદર, આ ઊર્જા ATP (એડેનોસિન ટ્રાઇ ફોસ્ફેટ) અણુઓના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે અને જ્યારે આ પ્રક્રિયા શરીરની બહાર થાય છે ત્યારે તે ગરમી, પ્રકાશ અને ધ્વનિના તરંગો અને કણોના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે.
-
તો અનિરુદ્ધ આચાર્યનું આ વિધાન કે, એક તોલા ઘી બાળવાથી એક ટન ઓક્સિજન ઉત્પન્ન થાય છે તે સંપૂર્ણપણે ખોટું છે. છતાંય ખબર નથી પડતી કે, આવા-આવા ગપગોળા ફેલાવનાર બાવાઓને આપણી ગાંડી-ઘેલી જનતા શા માટે માથે લઇને ફરે છે?
.jpg)
No comments:
Post a Comment