Saturday, May 10, 2025

River Engineering

 



 

માનવ ઇતિહાસમાં સૌપ્રથમ વખત એવી ઘટના બની છે, જેમાં મનુષ્યએ નદીનું વહેણ જાણીજોઇને બદલી નાંખ્યું છે(જુઓ નીચેની ઇમેજ). વાત થઇ રહી છે Cumbria(England) સ્થિત Swindale Beck નદીની. પ્રોજેક્ટ દુનિયામાં ઘણા ઇનામો જીતી ચૂક્યો છે. હવે પ્રોજેક્ટ પાછળનું લોજીક જોઇ લઇએ....



-

પ્રકૃતિમાં લગભગ જેટલી પણ નદીઓ છે તેમના માર્ગ મરોડદાર(curvy) છે(જુઓ એમેઝોન નદીના માર્ગની ઇમેજ નીચે). પરંતુ! જેમજેમ માનવીએ નદીઓની આસપાસ વસવાટ શરૂ કર્યો અને ડેમ બનાવવાના શરૂ કર્યા, ત્યારથી નદીઓના માર્ગ સીધા થવાના શરૂ થઇ ગયા. જ્યારે નદીનો માર્ગ સીધો થાય છે ત્યારે તેના કેટલાક ગેરફાયદા થાય છે. તેનો પ્રવાહ ખુબ વધી જાય છે, પરિણામે પાણી સડસડાટ વહી જાય છે. નદીમાં પાણી સંગ્રહિત નથી રહી શકતું અને નદી છીછરી થવા માંડે છે. આની ગંભીર અસર પૂર દરમિયાન થાય છે. સીધા વહેણવાળી નદીઓ પૂર દરમિયાન ખુબ ખાના-ખરાબી સર્જે છે.



-

સઘળી બાબતોનો અભ્યાસ કરી Royal Society for the Protection of Birds(RSPB) નામક એક સંસ્થાએ નદીનું વહેણ બદલી નાંખ્યું છે. પ્રોજેક્ટ ઉપર 2,60,000 USD નો ખર્ચ થયો. નદી પરના સઘળા ડેમ દૂર કરવામાં આવ્યા. અમુક ઠેકાણે ખોદકામ કરીને નદીને ઊંડી પણ બનાવવામાં આવી.

-

હવે આના ફાયદા જોઇએ....નદીનું વહેણ બદલવાથી તેનો પ્રવાહ ઓછો થયો અને તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધી ગઇ. ફરી જુઓ એમેઝોન નદીનો માર્ગ....જો નદી સીધી હોત, તો શું આટલું પાણી તે સંગ્રહિત કરી શકી હોત? ક્યારેય નહીં. પ્રવાહ ઘટવાથી કાંપ(sediment) અને નાના-નાના પથ્થર, રેતી અમુક જગ્યાએ નીચે બેસવાના શરૂ થઇ ગયા. ફળસ્વરૂપ પાણી ઘણું ચોખ્ખું થઇ ગયું.

-

પાણી સ્વચ્છ થયું, જથ્થો વધ્યો, નદીની ઊંડાઇ વધી....પરિણામે salmon, trout જેવી માછલીઓ આવીને ત્યાં ઇંડા મુકવા માંડી. માછલીઓ ઉપર નભતા વન્યજીવો આવવા માંડ્યાં. નદીના કિનારે વૃક્ષો ઉગવાના શરૂ થઇ ગયા કેમકે પહેલાં પૂરના પાણી કિનારેના સઘળા વૃક્ષોને ઉખેડીને લઇ જતાં હતાં પરંતુ હવે ત્યાં પૂર આવવાના બંધ થઇ ગયા. વન્યજીવન વિકસિત થયું. એવા-એવા પક્ષીઓ અને જાનવરો ત્યાં આવવા માંડ્યા જે પહેલાં ત્યાં હતાં.

-

સાથેસાથે તેમણે એક eco-engineer ને ત્યાં છોડી દીધો. eco-engineer લાકડા, ઘાસ, પાંદડા વગેરેની સહાયથી નદીમાં નાના-નાના કુદરતી ડેમનું નિર્માણ કરે છે. જે અંતે પાણીને અવરોધવામાં મદદરૂપ થાય છે. ટૂંકમાં eco-engineer ના આવવાથી એક આખું ઇકોસિસ્ટમ ઉભું થઇ ગયું અને ઇંગ્લેન્ડને ખુબજ જબરદસ્ત પ્રકારના રિઝલ્ટ મળ્યા.

 

નોટ:- eco-engineer વિશે વિસ્તૃતમાં જાણકારી આવનારી પોષ્ટમાં જોઇશું.

 


No comments:

Post a Comment