એક વર્ષ પહેલાં, અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના રહેવાસી જોસેફ કોટ્સને કહેવામાં આવ્યું હતું કે તેમણે ફક્ત એક જ વસ્તુ નક્કી કરવાની છે.....શું તેઓ ઘરે મરવા માંગે છે કે હોસ્પિટલમાં? કોટ્સ તે સમયે 37 વર્ષના હતા અને ઘણા મહિનાઓથી POEMS સિન્ડ્રોમ (Polyneuropathy, Organomegaly, Endocrinopathy,
Monoclonal protein and Skin changes Syndrome) નામના દુર્લભ રક્ત વિકારથી પીડાતા હતા.
-
જેના કારણે તેમના હાથ-પગ સુન્ન થઈ ગયા, તેમના હૃદયનું કદ વધી ગયું અને તેમની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું. દર થોડા દિવસે ડોકટરોને તેમના પેટમાંથી ઘણા લિટર પ્રવાહી કાઢવું પડતું હતું. આ એક પ્લાઝ્મા સેલ ડિસઓર્ડર છે જેમાં શ્વેત રક્તકણોની અનિયંત્રિત વૃદ્ધિ અને શરીરની રોગપ્રતિકારક પ્રણાલીનું નષ્ટ થઇ જવું જેવી અનેક જટિલ પ્રક્રિયાઓને કારણે ગંભીર પરેશાનીઓ ઉભી થાય છે.
-
તે એટલા બીમાર થઈ ગયા કે 'સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ' પણ કરાવી શકે એમ ન હતા કે જે તેમના રોગનો એકમાત્ર ઈલાજ હતો. કોટ્સ નિરાશા અને લગભગ હારનો અનુભવ કરી રહ્યાં હતા પરંતુ તેમની મહિલા-મિત્ર 'તારા થિયોબાલ્ડ' હાર માનવા તૈયાર ન હતી. તેથી તેણે ફિલાડેલ્ફિયાના David Fajgenbaum નામના ડોક્ટરને ઇમેઇલ કરીને મદદ માંગી જેમને તે એક વર્ષ અગાઉ દુર્લભ રોગો પરના એક પરિષદમાં મળી હતી.
-
બીજા દિવસે, Fajgenbaum એ ઇમેઇલનો જવાબ આપ્યો અને જોસેફના રોગની સારવાર માટે કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને સ્ટેરોઇડ્સના અપરંપરાગત સંયોજનનું સૂચન કર્યું જેનું પહેલાં કોઇ જ પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. થોડા અઠવાડિયામાં, આ સારવારની જોસેફ પર અસર થવા લાગી. ચાર મહિનામાં તેઓ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે પૂરતા સ્વસ્થ થઈ ગયા અને આજે તેઓ લગભગ સંપૂર્ણપણે સ્વસ્થ છે.
-
સમગ્ર પ્રસંગની ખાસ વાત એ છે કે જોસેફ કોટ્સ માટે જીવનરક્ષક દવા કોઈ ડોક્ટર કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા વિચારવામાં આવી ન હતી પરંતુ તે એક કૃત્રિમ બુદ્ધિ દ્વારા વિચારવામાં આવી હતી. પરંપરાગત પ્રયોગો સિવાયના રોગો માટે એવી દવાઓનો ઉપયોગ કરવાની શક્યતા શોધવાની પ્રક્રિયાને 'drug repurposing' કહેવામાં આવે છે. ડો. Fajgenbaum એ સૌપ્રથમ આ ટેકનિકનો ઉપયોગ પોતાનો જીવ બચાવવા માટે કર્યો હતો.
-
અહીં થાય છે શું તે જોઇએ....દરઅસલ, ઘણી દવાઓ એક કરતાં વધુ રોગો માટે ઉપયોગી થઈ શકે છે; ઉદાહરણ તરીકે....બ્લડ પ્રેશરની દવા તરીકે વિકસાવવામાં આવેલ મિનોક્સિડિલનો ઉપયોગ ખરતા વાળ અટકાવવા માટે જ્યારે ડાયાબિટીસની દવા સેમાગ્લુટાઇડનો ઉપયોગ વજન ઘટાડવા માટે થાય છે. દવાઓના આ વધારાના ગુણધર્મોને ઘણીવાર સાઇડઇફેક્ટ માની લેવામાં આવે છે. પરંતુ ક્યારેક આ જ ગુણધર્મો અન્ય કેટલાક રોગોમાં ખૂબ કારગર સાબિત થઈ શકે છે.
-
પણ...પણ...દવાઓના વિવિધ ગુણધર્મો અને વિવિધ રોગોમાં તેમના ઉપયોગી થવાની શક્યતા શોધવી એ ખૂબ જ જટિલ કાર્ય છે અને તે સંભાવના ખૂબ જ નહિવત છે કે જે ડોક્ટર પાસે આપણે હોસ્પિટલમાં આપણી સમસ્યાઓ બતાવવા જઈએ છીએ તેમણે તમામ રોગો અને દવાઓના સાહિત્યનો સંપૂર્ણ તુલનાત્મક અભ્યાસ કર્યો હોય. આ ખૂબ જ કઠિન તેમજ અસંભવ જેવી વાત છે. ટૂંકમાં એક ડોક્ટર કોઈ રોગ માટે સામાન્યપણે વપરાતી દવાઓને તો જાણતો હોઈ શકે છે પરંતુ તેનાથી સબંધ ન રાખનારી દવાઓને નથી જાણી શકતો.
-
પરંતુ!! એક કુત્રિમ બુદ્ધિમત્તા આ વાતને બખુબી જાણી શકે છે કેમકે કૃત્રિમ બુદ્ધિમત્તામાં વિશાળ સંગ્રહિત ડેટા હોય છે અને તે આ બધા ગુણધર્મો અને તેમની અસરોનો અભ્યાસ કરી શકે છે તેમજ તે એવા રોગ માટે દવા સૂચવી શકે છે જેના વિશે ડોકટરો કદાચ જાણતા ન હોય. આ માટે તે બિનપરંપરાગત અર્થાત સામાન્ય રીતે ઉપયોગમાં ન આવતી દવાની ભલામણ કરી શકે છે અને તે આ કાર્ય ચપટી વગાડતા જ કરી નાંખે છે. આ માટે તેને પુસ્તકો વાંચવાની જરૂર નથી. તે તેની અંદર સંગ્રહિત ડેટાનો તાત્કાલિક અભ્યાસ કરી અને ઉકેલ સૂચવી શકે છે. ખેર! ફિલહાલ તો AI એ એક મનુષ્યનું જીવન બચાવી લીધું છે.
નોટ:- સોર્સની લિંક નીચે મૌજૂદ છે.
.png)
No comments:
Post a Comment