ગત પોષ્ટમાં આપણે એક eco-engineer વિશે વાત કરી હતી. તો ચાલો તેના વિષયક વિસ્તૃત માહિતી મેળવી લઇએ....
-
પાણીની અછતને ઓછી કરવી હોય, નદીના પાણીને સમુદ્રમાં જતું ઓછું કરવું હોય, નદીના પાણીને સ્વચ્છ રાખવું હોય, પૂરના સંકટને ટાળવું હોય, નદીઓમાં માછીમારી વધારવી હોય, નદીઓની આસપાસ આખું ઇકોસિસ્ટમ ઉભું કરવું હોય તો.....પ્રકૃતિમાં પ્રાણી સ્વરૂપે એક એન્જિનિયર, એક હીરો, એક સંકટમોચન મૌજૂદ છે. જેનું નામ છે...બીવર(Beaver).
-
આ બીવર નદીઓમાં લાકડીઓ વડે નાના-નાના બંધ બાંધી પાણી માટે અવરોધ ઉત્પન્ન કરે છે(જુઓ નીચેની ઇમેજ-1). જેથી કાંપ, પથ્થર રોકાઇને ત્યાંથી સ્વચ્છ પાણી આગળ વધે છે. ટૂંકમાં આ અવરોધો ફિલ્ટરનું કામ કરે છે. બીજુ, આ અવરોધોને કારણે પાણી આસપાસ ફેલાઇને ત્યાં wetlands બનવા માંડે છે(જુઓ નીચેની ઇમેજ-2 અને 3). wetlands એક અલગ પ્રકારની ઇકોસિસ્ટમ છે જેમાં વિવિધ પ્રકારના જાનવરો રહેતા હોય છે. પાણીના ભરાવાના કારણે ત્યાં માછલીઓ ઇંડા મુકવાનું શરૂ કરે છે. આ માછલીઓને બીવર શોખથી આરોગે છે તથા અન્ય પક્ષીઓ અને જીવો પણ અહીં વસવાનું શરૂ કરે છે.
-
હવે 2011 માં થયેલ એક સ્ટડી તરફ જઇએ જેને Devon Wildlife Trust એ otter(england) નદી ઉપર કરી. નદીનો 7.4 એકર જેટલો વિસ્તાર પસંદ કરાયો અને તેમાં કેટલાક બીવરને છોડવામાં આવ્યા. થોડાં સમય બાદ આ વિસ્તારના એક મીટર સ્કવેરમાં લગભગ 56 લિટર પાણી વધુ સંગ્રહિત થયું. પાંચ વર્ષમાં બીવરે 13 ડેમ બનાવી અને લગભગ 10 લાખ લિટર વધુ પાણી સ્ટોર કરી આ ક્ષેત્રને હરિયાળો બનાવી દીધો.
-
જો આ બીવરને આપણે ત્યાં લાવવામાં આવે તો, આપણને પણ આવા જબરદસ્ત પરિણામો ન મળે? બિલકુલ મળે પરંતુ....કુદરત આપણને જણાવે છે કે જે વૃક્ષ, જે જાનવર જે ક્ષેત્રનું છે તેનો કોઇને કોઇ ઉદ્દેશ્ય જરૂર હોય છે. જો તેમને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તો મોટું સંકટ ઊભું થાય છે. ઇતિહાસમાં આના ઘણા દાખલાઓ મૌજૂદ છે. ઉદાહરણ તરીકે....ઓસ્ટ્રેલિયામાં ઇમ્પોર્ટ કરાયેલ ઝેરી દેડકા ત્યાંની રાષ્ટ્રીય સમસ્યા બની ગયા હતાં. બિલકુલ એજ પ્રમાણે બીવરને આપણે ત્યાં લાવવું હિતાવહ નથી કેમકે તેમની વસ્તીને અંકુશમાં રાખનાર વરૂ આપણે ત્યાં પર્યાપ્ત માત્રામાં નથી.
-
તો પછી આપણે ત્યાં બીવરની અવેજીમાં એવું કોઇ પ્રાણી ખરું જે તેના જેવું કાર્ય કરી શકે? બિલકુલ છે અને તેનું નામ છે....otter(જળબિલાડી). આ પણ બીવર જેવું કાર્ય કરી શકે છે પરંતુ તકલીફ એ છે કે, આ પ્રાણીના અસ્તિત્વ સામે ખતરો છે. રુંવાટી માટે તેનો પુષ્કળ શિકાર થાય છે. તો આ પ્રાણીને બચાવવાની તાતી જરૂર છે. ફક્ત આ પ્રાણી જ નહીં પરંતુ ઘણા એવા પ્રાણીઓને બચાવવાની જરૂર છે જેઓ wetland/ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકે છે અને પાણીની તંગીથી આપણને બચાવી શકે છે. એકવખત જો આવા પ્રાણી નામશેષ થઇ ગયા પછી હાથ ઘસવા સિવાય કોઇ ચારો નથી આપણી પાસે. ખબર નથી પડતી કે, આ વિષયક સરકારી થિંક ટેન્ક શું કરે છે?




No comments:
Post a Comment