આજે આપણે એક દિલચશ્પ પ્રયોગ અંગે વાત કરવા જઇ રહ્યાં છીએ. આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ ઉંદરના ડીએનએ માં ફક્ત એક જીનને બદલી તેને માનવીય જીન બનાવ્યું. આ પ્રયોગના પરિણામો આશ્ચર્યજનક હતાં. સમગ્ર રિસર્ચ yoko tajima અને તેમના સભ્યોએ મળીને કરી(રિસર્ચની લિંક નીચે મૌજૂદ છે). ઘટના શું બની તે વિગતવાર જોઇએ...
https://www.nature.com/articles/s41467-025-56579-2
આ જીન NOVA1 નામક પ્રોટીનને ઉત્પન્ન કરે છે. અન્ય પ્રોટીન્સની જેમ આ પ્રોટીન પણ મગજની કાર્યપદ્ધતિમાં મહત્વનો કિરદાર અદા કરે છે. વૈજ્ઞાનિકોના મતે આ એજ પ્રોટીન છે જે મનુષ્યોના વિચારોને શબ્દોમાં રૂપાંતરિત કરે છે. આ પ્રોટીન RNA ના પરમાણુ સાથે જોડાયેલ હોય છે. વૈજ્ઞાનિકોએ આની ઉપર ઘણું અધ્યયન કર્યું(હજી પણ અધ્યયન ચાલુ જ છે). આ પ્રોટીનમાં થોડી પણ ગરબડી વિવિધ મગજની બીમારીઓનું કારણ બની શકે છે. NOVA1 ને એક માસ્ટર જીન રેગ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે કેમકે તે ઘણાં અન્ય જીન્સને નિયંત્રિત કરે છે.
-
જ્યારે આ જીન બને છે ત્યારે તે ન્યુરોન્સની અંદર RNA ને rearrange(પુન:સંગઠિત) કરે છે. જેના કારણે ન્યુરોનની કાર્યપદ્ધતિ બદલાઇ જાય છે. બે વર્ષ પહેલાના એક અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું કે, આ જીન મગજના hypothalamus ના કેટલાક ભાગોને પણ નિયંત્રિત કરે છે(રિસર્ચની લિંક નીચે મૌજૂદ છે). આ રિસર્ચ તો ત્યાંસુધી કહે છે કે, આ જીન ન્યુરોનની diversity ને પણ વધારે છે. ખેર! વિષય ઘણો ગહન થતો જાય છે માટે આપણે હવે તારણ ઉપર આવીએ...
https://www.cell.com/cell-reports/fulltext/S2211-1247(23)00061-X
આ જીન, ફક્ત મનુષ્યો માટે જ નહીં પરંતુ તમામ સ્તનધારીઓ માટે મહત્વપૂર્ણ છે કેમકે આ બુનિયાદી જીન છે જે સઘળા સ્તનધારીઓમાં મૌજૂદ હોય છે. વૈજ્ઞાનિકોના મતે આ જ કારણ છે કે, ઘણા સ્તનધારીઓ એક જેવું વર્તન દાખવે છે તેમજ તેમના મગજનું બંધારણ પણ આપસમાં એકબીજા સાથે ઘણું મળતું હોય છે. પણ....પણ....માનવી અને અન્ય સ્તનધારીઓના જીનમાં એક નાનકડો તફાવત મૌજૂદ છે અને તે એ કે...માનવી અને અન્ય સ્તનધારીઓના NOVA1 માં એક એમિનો એસિડ અલગ છે. વાત થોડી ટેકનિકલ છે, તેથી એક લીટીમાં પતાવી દઇએ...સામાન્ય સ્તનધારીઓમાં 197 ન્યુક્લિયોટાઇડ ઉપર મળતું isoleucine એમિનો એસિડ મનુષ્યોમાં valine એમિનો એસિડમાં રૂપાંતરિત થઇ ચૂક્યું છે(જુઓ નીચેની ઇમેજ).
-
આ બદલાવે મોટા ફેરફારો માનવીમાં લાવી દીધાં(ખાસ કરીને બોલવા સંબંધિત) એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. માનવું કેમ? ચોક્કસપણે કેમ નહીં? કેમકે FOX P2 નામક એક અન્ય જીનની ભૂમિકા પણ બોલવા અને ભાષા શીખવા સંબંધિત ભૂતકાળમાં મળી આવી હતી. તેથી આ મુદ્દો હજી ચર્ચાસ્પદ જ છે. હવે નવી રિસર્ચમાં શું સામે આવ્યું છે તે જુઓ(રિસર્ચની લિંક નીચે મૌજૂદ છે)....
https://www.nature.com/articles/s41467-025-56579-2
વૈજ્ઞાનિકોએ કેટલાક ઉંદરોના બચ્ચામાં બોલવા સંબંધિત જીનમાં એવા ફેરફારો કર્યાં જેથી તે જીન માનવી જેવા થઇ જાય પરંતુ પરિણામ ખુબ હેરતઅંગેજ મળ્યું. તે ઉંદરો ખુબજ ઉંચા અવાજે ચીસો પાડવા માંડ્યાં. તેમની આ ચીસો એવા અલ્ટ્રાસોનિક અવાજો સ્વરૂપે હતી કે, જેમની frequency ઘણી ઉચ્ચ હતી. અચરજપૂર્ણ વાત તો એ હતી કે, આટલી બુલંદ અવાજો ધરાવતા ઉંદરોને પણ નોર્મલ ઉંદરોની માતાઓ નજરઅંદાજ કરી રહી હતી. સામાન્યપણે બચ્ચાઓના અવાજને ઉંદરોની માતાઓ સચોટતા સાથે સાંભળી તુરંત એક્શન લે છે પરંતુ આ કેસમાં એવું ન બન્યું. હજી આશ્ચર્યજનક વાત એ છે કે, આ બચ્ચાઓ જ્યારે મોટા થયા ત્યારે પણ અન્ય ઉંદરો સાથે ભળી ન શક્યાં(જાણે એમની ગુફ્તેગુમાં ખલેલ પડ્યો હોય!).
-
ટૂંકમાં આ રિસર્ચ એવો અંગુલિનિર્દેશ કરે છે કે, આ જ એ જીન હોય શકે છે જેણે મનુષ્યોને વાચા આપી હોય? યાદરહે, મનુષ્યોમાં NOVA 1 કેવળ બોલવા સુધી જ સિમિત નથી પરંતુ તે શીખવાની કળાને પણ અસર કરે છે. તો શું આજ એ જીન નથી ને, જે આપણને મનુષ્ય બનાવે છે? ખેર, રિસર્ચ હજી ચાલુ છે.

