જુઓ મુખ્ય ઇમેજ....આ ઇમેજમાં તમને શું દેખાય છે? લગભગ બધા જ કહેશે કે, એક જંગલી પાડો દેખાય છે. વાત સાચી છે પરંતુ અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, પાડો સંપૂર્ણ તસવીરનો ફક્ત 4% જ હિસ્સો છે. તસવીરના મોટા ભાગના હિસ્સામાં વનસ્પતિ જ છે. તેથી આ તસવીરને જંગલી પાડાની તસવીર ન કહીને વનસ્પતિની તસવીર કહીશું તો ખોટું નથી. તો પછી એવું તે શું કારણ છે કે પહેલી નજરે આપણને તસવીરમાં કેવળ જંગલી પાડો જ દેખાય છે? આને plant blindness કહે છે અને તેનું મુખ્ય કારણ છે....ઉત્ક્રાંતિ(evolution).
-
જે વસ્તુથી આપણને ખતરો મહેસુસ થાય, આપણું મગજ બીજું બધું સાઇડમાં મૂકી સૌપ્રથમ તેને લગતા સિગ્નલોને પ્રાધાન્ય આપે છે અને તેને પ્રોસેસ કરે છે. હવે મુખ્ય ઇમેજમાં કેવળ જંગલી પાડો જ એક એવી વસ્તુ છે જે ડરની લાગણી ઉત્પન્ન કરવા સક્ષમ છે. પહાડ અને વનસ્પતિથી આપણને કોઇ જ ખતરો નથી. કેમ? કેમકે તેઓ હલનચલન નથી કરી શકતાં. ટૂંકમાં એવા વિડીયો જેમાં હલનચલન(motion) હો અથવા એવી તસવીરો જેમાં motion ઉત્પન્ન કરનાર વસ્તુનો અંદેશો હો, આપણું મગજ તુરંત અલર્ટ મોડમાં આવી જાય છે. આ અલર્ટનેસ(સાવધપણું) એક લાંબા સમયગાળા પછી આપણને હાંસિલ થઇ છે. જેનો ફાયદો એ છે કે, આપણે પોતાને શિકારીઓથી બચાવી શકીએ છીએ.
-
એવું નથી કે...કેવળ જીવિત વસ્તુઓની ઇમેજ જ આપણને ધ્યાનાકર્ષક લાગે છે, બલ્કે નિર્જીવ વસ્તુઓ પણ આપણને ધ્યાનાકર્ષક લાગે છે. જુઓ નીચેની ઇમેજ, જેમાં કોઇ જીવિત વસ્તુ નથી કેવળ વનસ્પતિ અને ફૂલો જ છે. છતાં, તમારી નજર ફૂલોથી સજાવેલ ત્રણ બતકો ઉપર જ જશે કેમકે ભલે તે વસ્તુઓ જીવિત નથી પરંતુ તેમના દેખાવની છાપ એક જીવિત વસ્તુ તરીકેની આપણા મગજમાં પેઢી દર પેઢી અંકિત થયેલ છે. આ plant blindness ને જ આભારી છે.
-
plant blindness વિષે આજથી લગભગ વીસ વર્ષ પહેલાં બે વનસ્પતિશાસ્ત્રીઓ (botanists) ....Wandersee અને Schussler એ લોકોનું ધ્યાન દોર્યું. તેઓના મતાનુસાર plant
blindness એક એવી ઘટના છે જેમાં કોઇ વ્યક્તિ પોતાની આસપાસ મૌજૂદ વનસ્પતિઓને નિહાળવા છતાં તેમને અવગણે છે કેમકે તેને તેઓની લગીરેય માહિતી નથી હોતી. ખેર! આની ઉપર ઘણું રિસર્ચ થઇ રહ્યું છે. છતાં, ઘણાં વનસ્પતિશાસ્ત્રીઓનું કહેવું છે કે, હાલની પરિસ્થિતિમાં plant
blindness ખુબ વધી ગયું છે જેનું કારણ...લોકો શહેરોમાં સ્થળાંતર કરી રહ્યાં છે, તેથી તેઓ પાસે કુદરત સાથે રહેવાનો સમય જ નથી બચ્યો. આ અંગે જેમજેમ વિસ્તૃત માહિતી આવતી જશે, આપણે ચર્ચા કરતા રહીશું.


No comments:
Post a Comment