લગભગ 1300 વર્ષ પહેલાં ધરતી ઉપર એક ખુબજ મોટું તોફાન આવ્યું. યાદરહે, આ તોફાન ધરતી ઉપર નહોતું ઉદભવ્યું પરંતુ સ્પેસમાંથી આવ્યું હતું. આ મેગ્નેટિક તોફાન હતું. આ તોફાનના 200 વર્ષ પછી, આના કરતા પણ શક્તિશાળી (60 ગણું તાકતવર) તોફાન પૃથ્વી પર ત્રાટક્યું. બંન્ને તોફાનોએ ધરતી ઉપર ઘણા બદલાવો લાવ્યા જેની ચર્ચા પછી, પરંતુ સવાલ એ ઉઠે છે કે....આખરે 1300 વર્ષ પહેલાંની ઘટનાનો અણસાર આપણને કઇરીતે આવ્યો?
-
તેનો જવાબ છે...પૃથ્વી ઉપર પણ ઘણી એવી વસ્તુઓ મૌજૂદ છે, જે આવી ઘટનાની તારીખને રેકોર્ડ કરી લે છે જેમકે એન્ટાર્કટિકામાં રહેલ કેટલાક સ્થાનો તથા વૃક્ષો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આજસુધી આવા છ તોફાનો પૃથ્વી સાથે ટકરાઇ ચૂક્યાં છે. અહીં નોંધવાલાયક વાત એ છે કે...આ સઘળા તોફાનો પૃથ્વીના જૂજ હજાર વર્ષના સમયગાળામાં જ આવી જાય છે. જો પૃથ્વીની સમગ્ર આવરદાને આવરી લઇએ તો, આવા કેટલાય તોફાનો પૃથ્વી ઉપર ત્રાટક્યા હશે. ખેર! આ તોફાનોને મિયાકી ઇવેન્ટ કહે છે. તમને થતું હશે કે આ તોફાનો સૂર્યમાંથી આવ્યા હશે! પરંતુ એવું નથી. આ તોફાનો સૂર્યમાંથી આવનારા તોફાનોથી તદ્દન ભિન્ન હતાં. તેથી તારણ એવું નીકળ્યું કે આ તોફાનો deep space માંથી આવ્યા હતાં કેમકે આવા તોફાનો બાબતે હજીપણ આપણે સચોટ નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મિયાકી ઇવેન્ટ લગભગ દર હજાર વર્ષે એકવખત પૃથ્વી ઉપર જરૂર ઘટે છે. ભલે ને ઘટે, આપણને શું તકલીફ છે? અત્યારસુધી ન હતી પરંતુ હવે છે. કેમ? વાંચો આગળ...
-
આવા જેટલા તોફાનો પૃથ્વી સાથે ટકરાયા છે, તે સમયે માનવી પાસે અદ્યતન ટેકનોલોજી ન હતી પરંતુ હવે છે. તેથી આવી ઘટનાઓ ટેકનોલોજીકલ તબાહી લાવશે. આપણી સેટેલાઇટો નષ્ટ પામશે, દૂરસંચાર(Communication system)નું સઘળુ માળખું નેસ્તોનાબૂદ થશે, ગ્રીડ સ્ટેશનો નાશ પામશે પરિણામે એક સ્થાનથી અન્ય સ્થાન સુધી વીજળી પહોંચાડવું લગભગ અશક્ય થઇ જશે. મોબાઇલ બંધ, ઇન્ટરનેટ બંધ, GPS બંધ, વિમાનો-જહાજોની મુસાફરી બંધ. ટૂંકમાં કેટલાય વર્ષ આપણે અંધકાર યુગમાં વિતાવવા પડશે(અહીં કોઇ કલ્કિ અવતાર ઉધ્ધાર કરવા આવવાનો નથી, એ વાત સુપેરે સમજી લ્યો). ટૂંકમાં, માનવી જેટલી પ્રગતિ કરી ચૂક્યો છે, તે જ પ્રગતિ હવે બૂમરેંગ સાબિત થઇ રહી છે.
-
હવે અહીં બે સવાલ ઉદભવે છે....(1) આપણી પૃથ્વી ઉપર મિયાકી ઇવેન્ટ થયા તેના સબૂતો ક્યાં છે? (2) આ તોફાનો સ્પેસમાં ક્યાંથી આવી રહ્યાં છે? પ્રથમ સવાલનો જવાબ...આવી ઘટનાઓ કઇરીતે વૃક્ષોમાં કેદ થઇ જાય છે તે જુઓ...જ્યારે પૃથ્વી ઉપર બહારથી કોસ્મિક રેડિએશન આવે છે ત્યારે તે પૃથ્વીના વાતાવરણને ટકરાય છે અને અહીં તેઓની રચના(composition) બદલાઇ જાય છે. બહારથી આવતા high energy charge
particle માં પ્રોટોન્સ હોય છે અને તે પ્રોટોન્સ પૃથ્વીના વાતાવરણમાં મૌજૂદ નાઇટ્રોજન સાથે ટકરાય છે(યાદરહે પૃથ્વીનું વાતાવરણ નાઇટ્રોજન વડે બન્યું છે). પરિણામે કાર્બન C-14 ઉત્પન્ન થાય છે(જુઓ નીચેની ઇમેજ).
-
આ C-14 પૃથ્વી ઉપર લગભગ મળતો નથી. કેમ? કેમકે તે અસ્થિર છે. કઇરીતે તે જુઓ...પૃથ્વી ઉપર સામાન્યપણે કાર્બનના ત્રણ આઇસોટોપ અસ્તિતત્વ ધરાવે છે, જેમાંથી બે આઇસોટોપ C-12 અને C-13 સ્થિર છે જ્યારે C-14 અસ્થિર છે. તેમની સંરચના જુઓ(જુઓ નીચેની ઇમેજ)...C-12 માં છ પ્રોટોન, છ ન્યુટ્રોન અને છ ઇલેક્ટ્રોન છે અર્થાત સ્થિર છે. C-13 માં છ પ્રોટોન, સાત ન્યુટ્રોન અને છ ઇલેક્ટ્રોન છે અર્થાત થોડો અસ્થિર કહી શકાય પરંતુ ઓવરઓલ તેની ગણતરી સ્થિરમાં કરી શકાય. પણ....C-14 માં છ પ્રોટોન, આઠ ન્યુટ્રોન અને છ ઇલેક્ટ્રોન છે અર્થાત તે પોતાના વધારાના ન્યુટ્રોનને ત્યજવા માંગે છે જેથી પોતે સ્થિર થઇ શકે. આ કારણે તે રેડિયોએક્ટિવ તત્વ છે. ટૂંકમાં આ એક ઘડિયાળ છે જેના કાંટા નિયમિત પણે સ્થિર થવા માટે ચાલતા રહે છે.
-
હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ...આપણી પૃથ્વી ઉપર C-12, 99% મૌજૂદ છે અર્થાત હરેક જીવોની શરીર રચના સિવાય પણ ઘણી વસ્તુઓ આના વડે બની છે. 1% વસ્તુઓ C-13 વડે બની છે જ્યારે C-14 ના કેવળ દુર્લભ ક્યાંક-ક્યાંક નિશાન મૌજૂદ છે. પરંતુ!! જ્યારે જૂના વૃક્ષોને કાપવામાં આવ્યા, તો તેમાં C-14 ના અંશો મળી આવ્યા. જાપાનની એક વૈજ્ઞાનિક જેનું નામ "ફુસા મિયાકી" છે, તેઓ વૃક્ષોની ઉંમરને લગતી રેખાઓ ઉપર કાર્ય કરે છે. તેમણે એક હેરતનાક સંશોધન કર્યું.
-
જ્યારે વૃક્ષોને કાપવામાં આવે ત્યારે તેઓની અંદર વિવિધ સર્કલ મૌજૂદ હોય છે, જે વૃક્ષોની કુંડળી હોય છે જેમકે તે વૃક્ષની ઉંમર કેટલી છે? દુકાળ ક્યારે પડ્યો હતો? જે તે ક્ષેત્રમાં આગ ક્યારે લાગી હતી? વગેરે વગેરે(જુઓ નીચેની ઇમેજ). ફુસા મિયાકી એ જોયું કે વૃક્ષોની અંદર એક સમય એવો આવ્યો જ્યારે C-14 ની માત્રા ખુબ જ વધી ગઇ. હવે તે ઘણી હેરાન થઇ કે C-14 તો પૃથ્વી ઉપર લગભગ અસ્તિત્વ જ નથી ધરાવતું તો પછી આ તત્વ આવ્યું ક્યાંથી?
-
અંદાજો એવો છે કે, આ તોફાનો સુપરનોવા તરફથી આવી રહ્યાં હોઇ શકે છે. તો પછી સવાલ એ ઉઠે છે કે, તે અમુક સમયાંતરે જ કેમ આવે છે? આનો જવાબ આપણને ખબર નથી. જો કે આ અંદાજો પણ કેવળ ધારણાં જ છે. પરંતુ!! એટલું ચોક્કસ કે, હવે જો આ ઘટના ઘટી તો મનુષ્યએ ઘણો લાંબો સમય અંધકાર યુગમાં વિતાવવો પડશે. તેથીજ આ ઇવેન્ટને જાણવું જરૂરી થઇ પડે છે.




No comments:
Post a Comment