આપણે પૃથ્વીની સ્પેસમાંથી લીધેલ તસવીરો જોતા રહ્યાં છીએ પરંતુ શું આ તસવીરો વાસ્તવિક છે? આ તસવીરોમાં મૌજૂદ પૃથ્વીની માહિતી શું સંપૂર્ણ છે? શું પૃથ્વી સ્પેસમાંથી ખરેખર આવી જ દેખાય છે? જવાબ છે....નહીં. હવે ટૂંક સમયમાં પૃથ્વીની નવી તસવીર આવી રહી છે અને આ તસવીરમાં તમને પૃથ્વી અલગ દેખાશે. જેનું કારણ નાસાએ મોકલેલ એક મિશન છે જેનું નામ છે....PACE(Plankton, Aerosol, Cloud, ocean Ecosystem) મિશન. આ મિશન આપણી પૃથ્વીની એવી-એવી માહિતીઓને ઉજાગર કરશે જે અત્યાર સુધી આપણાથી છુપી હતી. પૃથ્વીને નવા દ્રષ્ટિકોણથી જોવાનો આપણને મોકો મળશે. પાઠ્યપુસ્તકોમાં નવા પ્રકરણો લખાશે. આ મિશન શું કરશે? તેમજ અત્યાર સુધી સેટેલાઇટો અને વિવિધ મિશનો દ્વારા ખેંચાયેલ પૃથ્વીની તસવીર શા માટે અધુરી છે? ચાલો જાણીએ..
-
સેટેલાઇટ વડે ખેંચાયેલ તસવીરોમાં આપણને અમુક જ રંગો દેખાય છે. ઉદાહરણ તરીકે...સમુદ્રોનું પાણી ભૂરા રંગનું દેખાય છે પરંતુ સવાલ એ ઉઠે છે કે શું હર જગ્યાએ સમુદ્રોનું પાણી ભૂરા રંગનું જ હોય છે? જવાબ છે નહીં...અમુક સ્થાને પાણી muddy(કાદવવાળુ) દેખાય છે, અમુક સ્થાને લીલાશ પડતું દેખાય છે, અમુક સ્થાને રાતા રંગનું તેમજ અમુક સ્થાને પીળું પણ દેખાય છે. તો પછી સેટેલાઇટ વડે ખેંચાયેલ તસવીરોમાં પાણી ભૂરા રંગનું જ શા માટે દેખાય છે?
-
તેનું કારણ સેટેલાઇટમાં રંગોનો અભાવ છે. આને આ રીતે સમજો...માની લો, તમને આઠ કલરના ચોક આપી સ્પેસમાં મોકલી દેવામાં આવે અને કહેવામાં આવે કે, આ આઠ કલરના ચોક વડે સમગ્ર પૃથ્વીની તસવીર બનાવવાની છે. તો શું થાય? તમારા પાસે લાલ, પીળા, કાળા, સફેદ, ભૂરા વગેરે રંગોનો કેવળ એક જ ચોક છે. આ સ્થિતિમાં તમે ભૂરા રંગની જેટલી પણ છાયાઓ(shades) હશે તેને ભૂરા રંગે જ રંગશો. બિલકુલ આવું જ કાર્ય છેલ્લા વીસ વર્ષમાં મોકલેલ સેટેલાઇટ્સ સાથે થયું છે. તેમણે પૃથ્વીનો ડેટા લઇ તેના આધારે આપણને પૃથ્વીનું simplified version દેખાડ્યું. આપણી પૃથ્વી બિલકુલ પણ આવી નથી દેખાતી.
-
બસ, આ કચાશને પુરી કરવા આ મિશન સહાયરૂપ થશે. આ મિશનનું સૌથી ધારદાર શસ્ત્ર છે...Ocean Color Instrument(OCI) નામક કેમેરો(optical spectrometer)(જુઓ નીચેની ઇમેજ-1&2). આ કેમેરા પાસે હવે આઠ નહીં પરંતુ 128 રંગોના ચોક છે. આ 128 ચોક વડે તે પૃથ્વીની તસવીર બનાવશે. જેથી તે પૃથ્વીના નાના-નાના રંગોને પણ પોતાના કેનવાસ ઉપર કંડારશે. આ કેમેરો પૃથ્વીના પર્યાવરણમાં થતા ફેરફાર પણ નોંધશે, સમુદ્રોની ભીતર શું થઇ રહ્યું છે તેમજ સપાટી ઉપર શું થઇ રહ્યું છે તે પણ નોંધશે, ગ્લોબલ વોર્મિંગ ઉપર પણ બાજ નજર રાખશે.
-
જૂની સેટેલાઇટ ફક્ત લીલા, ભૂરા અને લાલ રંગના કેટલાક શેડ્સ(wavelength) ને જોઇ શકતી હતી પરંતુ આ કેમેરો પૃથ્વીથી પરાવર્તિત થયેલ કેવળ visible light ને જ નથી જોતો સાથેસાથે ultraviolet અને short wave infrared સ્પેક્ટ્રમને પણ જોઇ શકે છે(જુઓ નીચેની ઇમેજ). આ કેમેરા સિવાય પણ બીજા સાધનો આ યુનિટમાં લાગ્યા છે જેઓ પૃથ્વીના વિવિધ પેરામિટરનો અભ્યાસ કરશે અને પૃથ્વીની તદ્દન નવી તસવીરના આપણને દર્શન કરાવશે.




No comments:
Post a Comment