Wednesday, December 28, 2022

The Stoning of Soraya M.

 


 

સત્ય ઘટના પર આધારિત એક બહેતરીન ઇરાની ફિલ્મ. જેમાં M નો મતલબ છે Manutchehri. ભદ્ર પરિવારની એક મહિલા સોરાયા(Soraya Manutchehri) ને લગ્નેત્તર સંબંધ હોવાના ખોટા આરોપમાં પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારવાની અમાનવીય સજા આપવામાં આવી હતી. ફિલ્મ લગભગ 114 મિનિટની છે પરંતુ છેલ્લી 50 મિનિટમાં સજાને અમલમાં મૂકવાની તૈયારીરૂપે ફિલ્મ...સાહિત્યના લગભગ સઘળા રસ એકસાથે દર્શાવે છે. ઇરાનના દુર્ભાગ્ય અને ઇરાની મહિલાઓના સદભાગ્યે એક ફ્રેન્ચ-ઇરાની પત્રકાર Freidoune Sahebjam ઘટનાના બીજા દિવસે અચાનક સંજોગવશ તે સ્થળે પહોંચે છે જ્યાં સોરાયાની કાકી તેને ટેપ રેકોર્ડર ઉપર સઘળી દાસ્તાન કહે છે.

-

પત્રકાર ફ્રાન્સ પાછો ફરે છે તેમજ ત્રણ વર્ષની અંદર સદીઓથી ચાલી આવેલ લગ્નેત્તર સંબંધોને સામાજીક નૈતિક અપરાધ માની મહિલાઓને પથ્થર મારી અને મોતને ઘાટ ઉતારવાની ક્રૂર પ્રણાલી સાથે જોડાયેલ ઘટનાને એક પુસ્તક "La Femme Lapidee" સ્વરૂપે પ્રગટ કરે છે. એક વર્ષમાં બેસ્ટ સેલર બનેલ પુસ્તકનું અંગ્રેજીમાં the stoning of soraya m. a story of injustice in iran તરીકે પ્રખ્યાત અમેરિકી અનુવાદક Richard seaver દ્વારા ભાષાંતર કરવામાં આવે છે. તે સાથે ઇસ્લામિક દેશોમાં રહેલ પ્રથા ઉપર દુનિયાભરમાં તહેલકો મચી જાય છે. ફળસ્વરૂપ સોરાયાના મૃત્યુના લગભગ 27 વર્ષ પછી, ઇરાનમાં પ્રથા પર કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જો કે ઘણાં દેશોમાં સ્ટોનિંગ આજે પણ કાયદેસર રીતે માન્ય છે.

-

હવે થોડું વિશ્લેષણ.... (1) તમે પોતે નક્કી કરો કે આવા ધર્મો કેટલા આદરને પાત્ર છે? જેમાં એક સ્ત્રી ઉપર ખોટો આરોપ લગાડવામાં આવે ત્યારે તેણે ખુદે પોતાને નિર્દોષ સાબિત કરવાની હોય છે અને જો તે પોતાની નિર્દોષતા સાબિત કરી શકે તો તેને છાતી સુધી જમીનમાં દાટી, તેની ઉપર પ્રથમ નવ પથ્થર તેના પિતા, પતિ અને પુત્ર દ્વારા મરાવડાવવામાં આવે છે. જે પિતાએ તેને લાડ કોરથી મોટી કરી હોય, જે પતિએ તેને ભરપૂર પ્રેમ આપ્યો હોય, જે પુત્રને તેણે પોતાના હાથે ખવડાવ્યો હોય...તેઓ તેની સાથે આવું વર્તન કરવા માટે લાચાર છે કેમકે તેમનો ધર્મ તેમને આવું કરવાની ફરજ પાડે છે. (2) જે કોઇપણ ધર્મ સ્ત્રીઓને ઉતરતી કક્ષાનો માનતો હોય, સ્ત્રીઓએ એવો ધર્મ તાત્કાલિક છોડી દેવો જોઇએ. (3) મહિલાઓ માટે શિક્ષણ કેટલું મહત્વનું છે તે ઘટનાથી ખબર પડે છે કે પત્રકારને સઘળી કહાણી ઇરાની મહિલા દ્વારા અંગ્રેજીમાં કહેવામાં આવી હતી. કિસ્સામાં બે બાબતો દેખાય છે. પ્રથમ કે...80 ના દાયકામાં પણ ઇરાનમાં મહિલાઓ શિક્ષણ ગ્રહણ કરી શકતી હતી. બીજું, તે સમયે ઇરાનમાં સ્ત્રી શિક્ષણ માત્ર ભદ્ર વર્ગ માટે શક્ય હતું.

-

અહીં જો કોઇની ધાર્મિક લાગણી દુભાઇ હોય તો, તેણે કહાણી વાંચવી/જોવી જોઇએ. તમે તમારી લાગણીઓ ઉપર શરમ કરવા સિવાય બીજું કંઇ કરી નહીં શકો.

નોટ:- ફિલ્મ યુટ્યુબ ઉપર અંગ્રેજી સબટાઇટલ્સ સાથે ઉપલબ્ધ છે.

 


No comments:

Post a Comment