લાવા અને માઇક્રોમેક્સ જેવી ભારતીય ફોન બનાવતી કંપનીની જાહેરાતો CCPA(Central Consumer Protection Authority) ની એકપણ શરતોને પાળતી નથી. અહીં સવાલ એ ઉભો થાય છે કે, કેમ આપણા દેશની tech કંપનીઓને આવા કાર્યો કરવા પડે છે પોતાના ઉત્પાદનોને વેચવા માટે? જે કંપનીએ(માઇક્રોમેક્સે) 2014-2015 માં સેમસંગ જેવી જાયન્ટ કંપનીને પણ પછાળી નાંખી હતી, તે શા માટે આજે નકલી ફોન બનાવી/ ભારત માતા કી જય બોલીને પોતાના ફોનને વેચવા માંગે છે? આવી પડતીનું કારણ શું? વાત આટલેથી અટકતી નથી પરંતુ શરૂ થાય છે. મુકેશ અંબાણી જેવા માલેતુજારને jio ની સફળતા બાદ પુરતી તક હતી કે, તેઓ આ નામનો ઉપયોગ કરી એક full fledged સ્માર્ટફોન કંપની તૈયાર કરી શકતા હતાં પરંતુ તેમણે ન કરી. કેમ? મૂરખ છે તેઓ? ધંધો કરતા નથી આવડતું તેમને?
-
ચાલો થોડાં ઉદાહરણો જોઇ લઇએ....બોલપેનનો તો તમે ઉપયોગ કર્યો જ હશે? તેને બોલપેન એટલા માટે કહેવામાં આવે છે કેમકે તેના ટોચના ભાગે એક બોલ લાગ્યો હોય છે જે લખાણ દરમિયાન ફરતો રહે છે. આ બાબતથી તો આપ વાકેફ હશો જ પરંતુ શાયદ એ બાબતની જાણ કદાચિત આપને નહીં હોય કે આ અગ્રભાગને બનાવવા માટે જે મશીનની જરૂર પડે છે તે સમગ્ર દુનિયામાં અત્યારસુધી ફક્ત એક જ કંપની બનાવતી હતી. કેટલાય વર્ષોની રિસર્ચ બાદ 2017 માં ચાઇના ફાઇનલી આ મશીન બનાવવામાં સફળ થયું.
-
બીજો દાખલો...સમગ્ર દુનિયાની કરન્સી..ભલે તે ડોલર હો, યુરો હો કે રૂપીયા હો, તેને છાપવા માટેની 85% શાહી એક જ કંપનીમાંથી આવે છે. આવી ઘણી બાબતો છે જે સાબિત કરે છે કે રોજીંદા જીવનમાં જે નાની-નાની વસ્તુઓનો ઉપયોગ આપણે કરીએ છીએ તેનું ઉત્પાદન કેટલું કઠીન છે. ઇલોન મસ્કનું કહેવું છે કે ઉત્પાદન સાંભળવામાં જેટલું સહેલું લાગે છે, તે તેટલું જ મુશ્કેલભર્યુ છે. ભારત ઉત્પાદન ક્ષેત્રે ફિલહાલ(2021 ના ડેટા અનુસાર) બીજા નંબરે બિરાજમાન છે પરંતુ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક વચ્ચેનો તફાવત ખુબજ મોટો છે. જો કે આમાં પણ હરખાવા જેવું નથી કેમકે આપણે બીજા નંબરે એટલા માટે નથી કે આપણે કાબેલ છીએ પરંતુ એટલા માટે છીએ કેમકે આપણી વસ્તી વધુ છે. સાંભળવામાં ભલે કઠોર લાગતુ હોય પરંતુ આ નગ્ન સત્ય છે. તો આટલા પછાતપણાનું કારણ શું? ચાલો ટેકનિકલી સમજીએ....
-
એક સ્માર્ટ ફોનને બનાવવા માટે 700 થી વધુ વસ્તુઓ(components) ની જરૂર પડે છે અને તેમાંથી કેટલી વસ્તુઓ ભારતમાં બને છે? ફક્ત 40...અને તેમાંથી પણ મોટાભાગની વસ્તુઓનો ઉપયોગ ભારતીય બનાવટની સ્માર્ટ ફોન બનાવતી કંપનીઓ(જેવી કે karbonn, jio, micromax) જ કરતી નથી. કેમ? કેમકે તેમની ગુણવત્તા જ ઉતરતી કક્ષાની છે. યાદરહે એક વ્યવસાય(business) હંમેશા પૈસા કમાવવા માટે બને છે, સમાજસેવા માટે ચેરિટિ હોય છે અને ધંધાકીય દ્રષ્ટિએ ભારતમાં ઉત્પાદન કરવું ખુબજ કઠિન છે. કેમ? વાંચો આગળ...
-
ઉત્પાદનનો મતલબ કેવળ એ નથી કે તમારે સામાન બનાવવો છે, પરંતુ તેનો અર્થ એવો છે કે તમારે વધુમાં વધુ સામાન બનાવવો જેથી હરએક યુનિટની પડતર કિંમત લઘુત્તમ રાખી શકાય. પણ...આ જે આવડત(optimization) છે તે જ મહત્વની છે અને આજ વસ્તુ ચાઇનાએ ખુબજ બહેતરીન રીતે કરી છે. એક વ્યવસ્થિત ઉત્પાદન સિસ્ટમને તૈયાર કરવા માટે જ તમને ઓછામાં ઓછો ચાર થી પાંચ વર્ષનો સમય જોઇએ. ત્યારપછી કર્મચારીઓને તે ઉત્પાદન અંતર્ગત તાલીમ આપવી વગેરે જેવી પળોજણ માંથી પસાર થવું એના કરતા સારૂં છે કે તમે સીધેસીધો સામાન ચાઇનાથી મંગાવી લ્યો!
-
બીજું કારણ, આપણે ઘણાં મોડા પડ્યાં. અવનવી ડિઝાઇન કરવાનું કાર્ય પહેલેથી જ ખુબ પડકારરૂપ છે, તેમાં વધુ પડકારોનો તડકો લગાવે છે...પેટન્ટ. લગભગ હરેક વસ્તુમાં વિદેશી કંપનીઓએ પેટન્ટ કરાવી રાખી છે(અને આપણે હજી શાસ્ત્રોમાંથી વિજ્ઞાન શોધવામાં જ રમમાણ છીએ). ઉદાહરણ તરીકે....એપલ કંપની પાસે જ લગભગ 72054, vivo પાસે 27151, xiaomi પાસે 34077 અને સેમસંગ પાસે સૌથી વધુ 90416 જેટલાં પેટન્ટ છે. અહીં આપણે lava અને micromax કંપનીના પેટન્ટને જોડી દઇએ તો કેટલાં થાય? ફક્ત 6....માટે આ ભારતીય કંપનીઓ ધારે તો પણ કંઇ નવું કરી નથી શકતી અને આનું સૌથી મોટું કારણ છે...કુશળ/કાબેલ ઇજનેરનો અભાવ. જો કે આના અન્ય કારણો પણ છે જેની ઉપર ચર્ચા કરવી જ વ્યર્થ છે, છતાં ફક્ત નામ થકી ઓળખી લ્યો...unstable tax regime, no R&D culture, lack of practical knowledge, lack of skilled labour, lack of investment in R&D, lack of transparency in the system).
-
national employability
report અનુસાર હરવર્ષ 80% જેટલાં ઇજનેરો જેઓ કોલેજોમાંથી નીકળે છે, તેઓ રોજગારીયોગ્ય નથી હોતાં અને બચેલ 20% પણ એવા કોઇ તીસમારખાં નથી હોતાં. હરવર્ષ જે 15 લાખ ઇજનેરો માર્કેટમાં ઠલવાય છે તેમાંથી કેવળ 1.5% જ એવા છે જેઓ હકિકતે કામનાં છે. યાદરહે કોઇપણ ક્ષેત્રમાં અગર કોઇ ચીજ મર્યાદિત માત્રામાં હો, તો તેની કિંમત આપોઆપ વધી જવા પામે. પરિણામે આ લોકોને વધુ વેતનની ઓફર કરીને વિદેશી કંપનીઓ ઉઠાવી જાય છે. અંતે આપણી સ્વદેશી કંપનીઓ પાસે પોતાનો નફો કાઢ્યા બાદ એટલાં પૈસા જ નથી બચતા કે આવા લોકોને હાયર કરી શકે. જો કે આની માટે જવાબદાર છે....આપણાં દેશમાં R&D કલ્ચર જ નથી. સરકારી નીતિની તો વાત જ જવા દો પરંતુ સામાજીક દ્રષ્ટિએ પણ જોઇએ તો...ધારોકે તમે ભણીને રિસર્ચ તરફ વળવા માંગો છો તો, ઘરવાળા તુરંત કહેશે જો તું આવા કાર્યો કરશે તો અમે છોકરીવાળાને શું જવાબ આપીશું? આના કરતા બહેતર છે કે તું કોઇ કંપનીમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થા.
-
આટલા વિઘ્નો પાર કર્યા પછી જ્યારે તમે, તમારી ફાઇનલ પ્રોડક્ટ બનાવો છો જે કોઇપણ પેટન્ટને અવરોધતી નથી પરંતુ તેના component માટે જ્યારે ઓર્ડર કરવા જાઓ છો ત્યારે માર્ગમાં ત્રીજી અડચણ આવીને ઉભી રહે છે....supply chain. આપણી પૃથ્વી ઉપર કુલ 118 તત્વો છે. અગર સ્માર્ટ ફોનની જ વાત કરીએ તો, આ 118 માંથી ફોનમાં 75 તત્વોનો ઉપયોગ થાય છે. આ તત્વોનો ઉપયોગ કરી કેટલાંક એવા જટિલ components હોય છે જેને દુનિયાની અમુક જ કંપનીઓ બનાવતી હોય છે, જેમકે ચિપ. જેને સમગ્ર જગતમાં મુખ્યત્વે ફક્ત બે જ કંપનીઓ બનાવે છે. તેઓ પહેલેથી જ દુનિયાની સ્થાપિત કંપનીઓને સમયસર વસ્તુ પહોંચાડી નથી શકતી. ટૂંકમાં આ બધી કંપનીઓનો એકમેક જોડે supply chain નો સંબંધ છે. આ chain માં કોઇ નવી કંપનીએ અચાનક એન્ટ્રી કરવી મતલબ લોઢાના ચણાં ચાવવાં.
-
ફાઇનલી છેલ્લાં પોઇન્ટ(economics)ને જોઇ લઇએ. હવે એ વાત ભૂલી જાઓ કે તમે ફોન બનાવી પૈસા કમાઇ શકો છો. વાત કરીએ ભારતીય બજારની...તો અહીં 80% માર્કેટ 12000 થી નીચેના ફોનનું છે અને આ શ્રેણીમાં ભારતીય કંપનીઓનો માર્કેટ શેર કેટલો છે? પૂરો..1%. બજેટ ફોનની સૌથી મોટી દુવિધા એ છે કે તમારે જો નફો રળવો હોય તો, અઢળક માત્રામાં ફોન વેચવા પડશે(1% માર્કેટ શેરમાં તમે કેટલાં ફોન વેચશો?). વાત કરીએ પ્રીમિયમ ફોનની તો...જો ભારતીય કંપનીઓ 50,000 ઉપરના ફોન બનાવે તો તમે આ રેન્જમાં બ્રાન્ડેડ ફોન લેશો કે ઇન્ડિયન? એટલા માટેજ મુકેશ અંબાણી આ સ્માર્ટ ફોન ઉત્પાદનના માર્કેટમાં ઉતરવા નથી માંગતાં. કેમકે તેમને ખબર છે કે અહીં નફો છે સાથેસાથે શિરદર્દ પણ અનેક ગણું છે.
-
ઇન શોર્ટ, ભારતીય કંપનીઓને માર્કેટમાં ટકી રહેવા માટે પોતાનો નફો કાઢતાં, પોતાના રોકાણકારોને ફાયદો કરાવવો એજ એમનું સૌથી મોટું ધ્યેય હોય છે. જેના માટે તેમણે નાછૂટકે ઉપર જણાવ્યા મુજબ એવી દેશભક્તિની લાગણી દર્શાવતી જાહેરાતો બતાવવી પડે છે.

No comments:
Post a Comment