મોબાઇલ ફોન થોડાં મોંઘા થયા છે તેમજ નવા મોડલોનું લોન્ચિંગ પાછળ ઠેલાઇ રહ્યું છે. આ માટે જવાબદાર છે Chip Shortage. જી હાં, ફિલહાલ દુનિયામાં ચિપની અછત છે અને આ અછત મોબાઇલ સિવાય અન્ય ઉદ્યોગો માટે પણ શિરદર્દ બની છે. ચાલો સમજીએ સઘળી ઘટનાને.
-
ચિપને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. (1) Storage chip (2) Power chip (3) Logic chip. મેમરી કાર્ડ, SSD, RAM વગેરે સ્ટોરેજ ચિપમાં આવે છે. પાવર ચિપ ગાડીઓમાં(મુખ્યત્વે કારમાં) વપરાય છે. જ્યારે તમે કારમાં ખુબ વધુ acceleration/deceleration કરો છો ત્યારે તમને અચાનક ઝટકો ન વાગે તે માટે તેમાં intelligent control અર્થે ચિપ લગાડવામાં આવે છે. ફોનના પ્રોસેસર, કમ્પ્યુટરના ગ્રાફીક કાર્ડ, CPU વગેરે લોજીક ચિપમાં આવે છે.
-
ઓનલાઇન શિક્ષણ, વર્ક ફ્રોમ હોમ જેવા વિવિધ કારણોસર ચિપની સપ્લાય કરતાં ડિમાન્ડ ખુબ વધી ગઇ છે. સામાન્યરીતે એક થી દોઢ અઠવાડિયામાં મળનારી ચિપનો ડિલિવરી સમય અત્યારે લગભગ 26 અઠવાડિયાનો છે. તમને થશે કે એમા શું વળી મોટી વાત, પ્રોડક્સન વધારી દો!! વાત એટલી સરળ પણ નથી જેટલી દેખાય છે. દુનિયામાં ચિપ બનાવનાર કંપનીઓમાં મુખ્ય બે જ કંપનીઓ પાસે 95% જેટલો માર્કેટ શેર છે. આ બે કંપનીઓ છે....તાઇવાનની TSMC અને કોરિયાની samsung. આ કંપનીઓ પાસે પહેલેથી જ ઓર્ડર એટલા બધા જથ્થાબંધ માત્રામાં છે કે નવા ઓર્ડરની તો વાત જ જવા દો. તો શું આપણી ડિમાન્ડ એકદમથી અચાનક વધી ગઇ? જી નહીં, અહીં ઘણાં કારણો ભેગા થયા છે. જેમકે કોરોના મહામારી દરમિયાન લોકોને એક વાત સુપેરે સમજાઇ ગઇ કે આપણું ભવિષ્ય ડિજીટલ થવાનું છે. લોકો એક જ જગ્યાએ બેસીને કામ નહીં કરશે. તો આ વાતને ધ્યાનમાં રાખીને ગુગલ, અમેઝોન, ફેસબુક જેવી કંપનીઓએ પોતાના ડેટા સેન્ટરોને અન્ય સ્થળે ખસેડવા તેમજ સાથેસાથે નવા ડેટા સેન્ટર બનાવવા માટે પણ ખુબ રોકાણ કર્યું છે, કે જેમાં અઢળક ચિપ લાગશે અને આ માટે તેમણે બલ્કમાં ઓર્ડરો આપી દીધાં છે.
-
અત્યારે 5G ની બોલબાલા છે. આ 5G માટે માળખું તો બનાવવું પડશે ને? આ માળખા માટે પણ અઢળક ચિપની જરૂર છે. બીજું, હાલમાં જે કાર બનવા માંડી છે તેમાં feature વધવા માંડ્યા છે. 2018 સુધીની ગાડીઓમાં એટલી intelligent system આપવામા નહોતી આવતી. પરંતુ!! ત્યારપછી ગાડીઓમાં સ્માર્ટ વસ્તુઓની બોલબાલા ખુબજ વધી ગઇ છે. આ બધી સ્માર્ટ વસ્તુઓને કંટ્રોલ કરવા માટે પણ ચિપની જરૂરિયાત ઉભી થઇ. ત્રીજું, અન્ય ચિપ બનાવનાર કંપનીઓ જેમકે Media Tek, Qualcomm, Nvidia, Intel વગેરે Samsung અને TSMC ઉપર ખુબજ નિર્ભર છે. આ બંન્ને કંપનીઓ પણ લોકડાઉન થી પ્રભાવિત થઇ. વધુમાં જાણી લો કે ચિપના ઉત્પાદનમાં પાણીની ખુબ જરૂર પડે છે. ચિપ ઉત્પાદનમાં સૌથી મોટી કંપની TSMC કે જે સમગ્ર દુનિયાની 53.9% જેટલી ચિપનું નિર્માણ કરે છે, તે તાઇવાનમાં સ્થિત છે. તાઇવાનમાં પાણીની ખુબ મોટી તંગી છે. છેલ્લા 56 વર્ષમાં આવી તંગી તાઇવાને જોઇ નથી. માટે ત્યાંની સરકારે કંપનીની જે જરૂરિયાત હતી તેના કરતાં 20% પાણી તેને ઓછું આપ્યું. જેની સીધી અસર ઉત્પાદન ઉપર થઇ.
-
આ chip shortage ની અસરે ઘણાં ક્ષેત્રોને પ્રભાવિત કર્યા છે. ઓટોમોબાઇલની જ વાત કરીએ તો ઘણી કંપનીઓના પ્લાન્ટમાં ગાડીઓ તૈયાર થઇને પડી છે, ફક્ત તેમાં ચિપ જ નથી. 2021 માં સમગ્ર દુનિયામાં ઓટોમોબાઇલ સેક્ટરને લગભગ 61 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.
-
હવે સવાલ એ ઉદભવે છે કે આ chip shortage ક્યાંસુધી ચાલશે? TSMC નો રિપોર્ટ કહે છે કે 2022 ના અંત અથવા 2023 ની શરૂઆત સુધીમાં સ્થિતિ નોર્મલ થઇ શકે છે, જો કોરોનાની વધુ લહેર ન આવી તો!! ભવિષ્યમાં આવું સંકટ ન આવે તે માટે અમેરિકાએ 37 બિલિયન ડોલરનું રોકાણ ચિપ ઉત્પાદનમાં કર્યું છે. Intel પોતાના નવા પ્લાન્ટ પાછળ 20 બિલિયન ડોલરનું રોકાણ કરી ચૂક્યું છે. સેમસંગ 2023 માં અમેરિકામાં પોતાનો નવો પ્લાન્ટ ઉભો કરવા જઇ રહ્યું છે. જે અંતર્ગત તેણે 17 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. TSMC એ લગભગ 100 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે પોતાના ઉત્પાદનને વધારવા માટે. ટૂંકમાં ચિપ ઉત્પાદન માટે અમેરિકામાં મોટાપાયે રોકાણ થઇ રહ્યું છે.
No comments:
Post a Comment