તમારો અભિપ્રાય શું હશે એવા વિજ્ઞાની/ecologist માટે જેમના એક ખોટા આંકલન/રિસર્ચે 40,000 હાથીઓના જીવ હરી લીધા? સ્વાભાવિક છે અભિપ્રાય નકારાત્મક જ હશે પરંતુ પશ્ચાતાપરૂપે તેમણે જે શોધ કરી તે કમાલની છે. વાત થઇ રહી છે એક સ્પેશ્યલ વ્યક્તિની જેમનું નામ છે Allan Savory કે જેઓ ઝિમ્બાબ્વેના છે. તેમની સ્ટોરી જાણતાં પહેલાં આપણે થોડું બેકગ્રાઉન્ડમાં જવું પડશે.
-
આપણે જાણીએ છીએ કે દુનિયાની જમીન ધીમેધીમે રસહીન/ઉજ્જડ થઇ રહી છે. જેનું કારણ છે...ખેતી. કઇરીતે? ચાલો જોઇએ...જમીનની અંદર અને બહાર જે biological activities(જૈવિક પ્રવૃત્તિઓ) હતી તે મનુષ્યોના આગમન બાદ/ મનુષ્યોના હસ્તક્ષેપ બાદ/ મનુષ્યોના જમીનને ખેડવાથી ધીમેધીમે ખતમ થઇ રહી છે. કઇરીતે જુઓ...જમીનનું બંધારણ કાર્બનને આભારી છે. કાર્બન જમીનનો મુખ્ય હિસ્સો છે. કાર્બન ન કેવળ જમીનનું માળખું રચે છે બલ્કે માટીમાં પાણીને શોષે પણ છે. મતલબ જે જમીનમાં કાર્બન વધુ છે તે વધુ પાણી શોષી શકે છે અને જેમાં ઓછો કાર્બન તે ઓછું પાણી શોષી શકે છે(ઉદાહરણ તરીકે રણ...રણમાં ગમે તેટલો વરસાદ પડે વ્યર્થ છે કેમકે રેતીમાં કાર્બન ખુબજ નહીંવત માત્રામાં હોય છે). કાર્બન જમીન માટે ખુબજ જરૂરી છે પરંતુ આપણે કાર્બનને જમીનમાંથી મુક્ત કરી વાતાવરણમાં ઠાલવી રહ્યાં છીએ.
-
કાર્બન બે પ્રકારના હોય છે. (1) Organic(સેન્દ્રિય) carbon (2) Inorganic carbon. ઓર્ગેનિક કાર્બનમાં તમામ વૃક્ષો, છોડવાઓ સામેલ છે, જેઓ મૃત્યુ પામે છે અને પોતાની biological life બાદ જમીનમાં સમાયને કાર્બન ઉત્પન્ન કરે છે. એજ પ્રમાણે જીવાણુઓ તેમજ સૂક્ષ્મજીવાણુઓ(microbes) જેમકે અળસિયા, બેક્ટીરિયા, આર્કિયા, ફૂગ વગેરે પણ કાર્બન જ છે. જ્યારે ઇનોર્ગેનિક કાર્બન એટલે calcium, magnesium વગેરે. તો ઓર્ગેનિક અને ઇનોર્ગેનિક બંન્ને પ્રકારના કાર્બન જમીનની અંદર મૌજૂદ હોવા પડે, તો જ જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે. આપણે ખેતી માટે હળ ચલાવી આ સુક્ષ્મજીવોને મારી અને કાર્બન વાતાવરણમાં છોડીએ છીએ.
-
હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. અમુક વર્ષો પહેલાં લગભગ બધાજ વૈજ્ઞાનિકો એવું માનતા હતાં કે જમીન ઉજ્જડ થવાનું સૌથી મોટું કારણ તે જાનવરો છે જેઓ ઘાસ વધુ ખાય છે. જેમકે ભેંસ, ઘેટાં, બકરી, ઝીબ્રા વગેરે અને આજ વિચાર હતો savory નો પણ. એમને એક ખુબ મોટા નેશનલ પાર્કના હેડ બનાવવામાં આવ્યાં. થોડાં સમય બાદ તે પાર્કની જમીન ઉજ્જડ બનવાની શરૂ થઇ ગઇ. એમણે ઘણી ગણતરી કરી, રિસર્ચ કર્યુ અને અંતે તેઓ એ નિર્ણય ઉપર પહોંચ્યા કે આ જમીનને ઉજ્જડ કરનારા હાથી છે. જો હાથીઓને નાબૂદ કરી નાંખીએ તો જમીન ફરી ફળદ્રુપ બની જશે. તેમણે તેમની રિસર્ચ ઝિમ્બાબ્વે સરકાર સમક્ષ રજૂ કરી. સરકારે અન્ય એક સ્વતંત્ર એજન્સી બનાવી કે જે તેમની રિસર્ચનું અધ્યયન કરે. તે એજન્સીએ ફાઇનલી કહ્યું કે ડો. એલનની વાત બિલકુલ સાચી છે. પરિણામે 40 હજાર હાથીઓને મારી નાંખવામાં આવ્યાં. પરંતુ...થોડા સમય બાદ ડો. એલને જોયું કે જમીન તો હજીપણ ઉજ્જડ થઇ રહી છે. તેમને પોતાની ભૂલનો સુપેરે એહસાસ થઇ ગયો અને પછી તેમણે કમાલ કરી.
-
કલ્પના કરો તે સમયની જ્યારે જમીન ઉપર મોટાં-મોટાં ઘાસના મેદાનો હતાં. ઘાસ ચરનારા જાનવરો મોટાં-મોટાં ટોળાઓમાં તે મેદાનોમાં વિહરી રહ્યાં હતાં. તે જાનવરો ટોળાઓમાં એટલા માટે વિચરણ કરતાં હતાં કેમકે તેમનો શિકાર વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓ કરતાં હતાં. માટે સમુહમાં રહેવું ફાયદાકારક હતું. બીજું, તેઓ એક જગ્યાએ સ્થિર રહી ચરતા નહોતા. હિંસક પ્રાણીઓનો ખૌફ તેમને સતત સ્થાનાંતરિત કરવા મજબૂર કરતો હતો. તો જ્યાંથી તેઓ પસાર થતાં હતાં, ત્યાંના ઘાસને તેઓ ઢાળી દેતા હતાં/વિખેરી નાંખતા હતાં. પણ...પણ...ત્યાંનું વાવેતર નાબૂદ નહોતું થતું. હાં તેમના હલન-ચલનના કારણે થોડું ઓછું જરૂર થતું હતું. પરંતુ!! સાથેસાથે તેમના વેસ્ટના કારણે જે તે જમીનની અંદર મૌજૂદ કાર્બન આધારિત સૂક્ષ્મજીવોને અઢળક પોષણ મળતુ હતું. પરિણામે તે જગ્યાની જમીન વધુ ફળદ્રુપ બનતી હતી. આજ વાત savory ને સ્પર્શી ગઇ.
-
તેમણે ઘણી મથામણ બાદ એ જાણ્યું કે જો જાનવરોને અમુક નિશ્ચિત સમયાંતરે જમીન ઉપર ચરાવવામાં આવે(જેને periodic trampling કહે છે), તો જમીન ફળદ્રુપ થવાનું શરૂ કરી દે છે. આજ કારણ છે કે જ્યાં પણ ચરનારા જાનવરો હોય છે ત્યાંની જમીન લીલીછમ હોય છે. આ મુદ્દે વિશેષ પ્રકાશ પાડવા તેમણે બે પુસ્તકો લખ્યા(જુઓ નીચેની ઇમેજ-1,2). આ પુસ્તકોમાં તેમણે જણાવ્યું કે જો તમારી પાસે ચરનારા જાનવરો હોય અને તેમના ચરવાના પ્રકાર, ચરવાનો સમય નક્કી કરીને કોઇપણ ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવી શકો છો. કેમકે આ પધ્ધતિથી ઉગતી વનસ્પતિ પોતાની બાયોલોજીકલ લાઇફ પૂરી કરે છે, તેમનો નાશ પણ પોતાની બાયોલોજીકલ લાઇફના નિયમો મુજબ થાય છે. તેમજ તેમનું પુન:નિર્માણ પણ બાયોલોજીકલ લાઇફ સાઇકલ અંતર્ગત જ થાય છે.
ઉપરોક્ત મુદ્દાને તેમણે પ્રેક્ટિકલી સાબિત પણ કરી બતાવ્યો છે અને તેમના આ કોન્સેપ્ટને લઇને ફિલહાલ સમગ્ર આફ્રિકામાં કેવીરીતે કાર્ય થઇ રહ્યું છે તેની ઇમેજ જુઓ(નીચેની ઇમેજ-3,4,5). આ સિસ્ટમ અંતર્ગત લગભગ ત્યાં 400% જેટલી હરીયાળી વધી જવા પામી છે. આ પુસ્તકોને વાંચવા જોઇએ તેમજ ગુજરાતીમાં તેમનું ભાષાંતર થવું જોઇએ અને આ મિકેનિઝમને ખેડૂતો સુધી પહોંચાડવું જોઇએ. જેથી આપણે વગર કોઇ પૈસા ખર્ચ્યે આપણી જમીનને ફળદ્રુપ બનાવી શકીએ.
તો કહેવાનો મતલબ છે કે એક વ્યક્તિએ 40 હજાર હાથીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ શીખ્યું કે આપણે પ્રકૃતિથી કેટ-કેટલું શીખી શકીએ છીએ.
No comments:
Post a Comment