અંતરિક્ષમાં દૂર સ્થિત ગ્રહોને જોવામાં સૌથી મોટી અડચણ તે ગ્રહોના યજમાન તારાઓ હોય છે. જેવી રીતે દિવસના અજવાળામાં સૂર્યના તીવ્ર પ્રકાશના કારણે આપણે અન્ય તારાઓ અથવા આપણી નજીકના ગ્રહોને નથી જોઇ શકતાં, એજ પ્રમાણે અન્ય સૌરમંડળોમાં મૌજૂદ ગ્રહ પોતાના યજમાન તારાની પ્રચંડ આભામાં ખોવાઇ આપણાં માટે લગભગ અદ્રશ્ય થઇ જાય છે. હજારો પ્રકાશવર્ષ દૂર તારાઓની નજીક મૌજૂદ ગ્રહોને જોવાનો પ્રયાસ કરવું કંઇક એવું છે માનો દિલ્હીમાં બેઠેલ કોઇ શખ્સ દૂરબીન વડે પેરિસના એફિલ ટાવરની નીચે લાગેલ કોઇક હેલોઝન બલ્બ પાસે મંડરાતા મચ્છરને જોવાનો પ્રયાસ કરી રહ્યો હોય. હવે જ્યારે આપણે દૂરસ્થ ગ્રહોને સીધી નજરે જોવામાં સક્ષમ નથી તો પછી તે ગ્રહોને વૈજ્ઞાનિકો કઇરીતે શોધે છે? આ રહી કેટલીક ટેકનિકો.....
-
Transit:- સૂર્યગ્રહણની ઘટનામાં આપણો ચંદ્ર સૂર્યની સામે આવી તેના પ્રકાશને અવરોધે છે. આજ પ્રમાણે અન્ય સૌરમંડળોમાં મૌજૂદ ગ્રહ જો પોતાના યજમાન તારાને ચક્કર મારતી વખતે સંજોગવશાત આપણાં અને તે તારાની વચ્ચે આવી જાય, તો તારાના પ્રકાશમાં થયેલ ઘટાડાનું અધ્યયન કરી આપણને તે ગ્રહ વિશે માહિતી મળી જાય છે. અત્યારસુધી આ ટેકનિક વડે સૌથી વધુ લગભગ 3034 થી વધુ ગ્રહોને શોધી શકાયા છે.
-
Radial Velocity:- એક ભમરડાને ફેરવીને છોડી દો. તમે જોશો કે પોતાની ગતિ ખોઇને જમીન ઉપર પડતાં પહેલાં ભમરડો ફરતી વખતે ગોળ-ગોળ લહેરાવા માંડે છે(લથડીયા ખાય છે). પ્રદોલન યુક્ત આ પ્રકંપિત ગતિને Wobble કહે છે. એક તારો પોતાના અધિક દળના કારણે નાના પિંડોને પોતાની આસપાસ ચક્કર મારવા માટે મજબૂર કરે છે તો સામે છેડે ભલે નગણ્ય તો નગણ્ય, નાના પિંડોની ગ્રેવિટિ પણ તે તારા ઉપર થોડીઘણી અસર દેખાડી તેને પોતાની ધરી ઉપર ધ્રુજાવે છે. તારાઓના આ પ્રકંપનના અધ્યયન વડે અત્યારસુધી 727 થી વધુ ગ્રહો શોધાયા છે.
-
Gravitational
Microlensing:- ગ્રેવિટિ પ્રકાશને પણ આકર્ષિત કરે છે. કોઇ તારાના પ્રકાશને આપણાં સુધી આવવાના માર્ગમાં જો કોઇ અદ્રશ્ય ગ્રહ મૌજૂદ હોય તો તે ગ્રહની ગ્રેવિટિથી પ્રકાશના માર્ગમાં આવેલ વિચલનનું અધ્યયન કરીને પણ આપણે જે તે ગ્રહની ઉપસ્થિતિનો અંદાજો લગાવી શકીએ છીએ. આ વિધિથી અત્યારસુધી 73 થી વધુ ગ્રહોને શોધી શકાયા છે.
નોટ:- અત્યારસુધી સીધા અવલોકન વડે માત્ર 44 ગ્રહોની જ શોધ થઇ શકી છે.
No comments:
Post a Comment