આપણે પ્રતિવર્ષ લગભગ 30 અબજ ટન co2 વાતાવરણમાં ઠાલવીએ છીએ કે જે પ્રાકૃતિકરૂપે વાતાવરણમાં મૌજૂદ 780 અબજ ટન co2 થી ઘણો ઓછો છે(છતાં ચિંતાજનક છે). પરંતુ પ્રકૃતિએ કેટલીક એવી વ્યવસ્થા બનાવી છે જેનાથી અનાવશ્યક co2 નું અવશોષણ થઇને પર્યાવરણમાં સંતુલન જળવાય રહે. ઉદાહરણ તરીકે....વાતાવરણમાં મૌજૂદ co2 નો ઉપયોગ કરી વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. તે ઓક્સિજનનો ઉપયોગ જીવો શ્વસનમાં કરી co2 ને બહાર કાઢે છે, જેથી સંતુલન જળવાયેલ રહે છે. પરંતુ આપણે શહેરીકરણ માટે લગાતાર વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યાં છીએ અને વાતાવરણમાં પ્રતિવર્ષ વધારાનો co2 પણ ઠાલવી રહ્યાં છીએ. તો સ્વાભાવિક છે કે પરિણામો ઘાતક જ હોવાના.
-
છેલ્લાં સો વર્ષોમાં માનવીય હસ્તક્ષેપના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન લગભગ 1 ડીગ્રી જેટલું વધી ગયું છે. એક ડીગ્રી સાંભળવામાં કદાચ વધુ ન લાગે તો એટલું જાણી લ્યો કે પૃથ્વી ઉપર આવેલ શીતયુગ અને સામાન્ય યુગના તાપમાનના અંતરની જો વાત કરીએ તો તે લગભગ 3 થી 5 ડીગ્રી માત્ર હોય છે. પૃથ્વીના સરેરાશ તાપમાન સાથે થોડીઘણી પણ છેડછાડ કેટલી હદે વિનાશનું કારણ બની શકે તે આપણે ફરી ક્યારેક જોઇશું.
-
ગરમ થવાથી ક્ષેત્રફળનો ફેલાવો એ જળનો એક સહજ ગુણ છે. પૃથ્વીના ગરમ થવાથી સમુદ્રોનું પાણી ગરમ થઇને ફેલાય રહ્યું છે. ધ્રુવો ઉપર મૌજૂદ બરફ લગાતાર પીગળી રહ્યો છે. આ બધા કારણવશ પ્રતિવર્ષ સમુદ્રોનું જળસ્તર 3 મિલિમીટર જેટલું વધી રહ્યું છે. અગર ધ્રુવો ઉપર વર્તમાનમાં મૌજૂદ સમસ્ત બરફ પીગળી જાય તો સમુદ્રોનું જળસ્તર લગભગ 70 મીટર જેટલું વધી જવા પામે. ત્યારે સમુદ્રી કિનારે વસેલા મહાનગરોનું શું થશે? આપણે પ્રદુષણ ઓકી રહ્યાં છીએ. જેના કારણે ઉત્તરી ધ્રુવની સ્નો લાઇન છેલ્લાં ત્રીસ વર્ષની અંદર 1.1 કિ.મી પાછળ જઇ ચૂકી છે. ગુગલ અર્થનું, અર્થ એન્જીન ખોલી તેમાં હિસ્ટોરીકલ ઇમેજ ચેક કરશો તો આ બાબતની પુષ્ટી થઇ જશે. મતલબ એટલો બરફ પીગળી ચૂક્યો છે. રીપોર્ટ કહે છે કે 2050 સુધી મુંબઇ, કરાચી, સિંગાપોર, માલદીવ, ન્યૂયોર્ક, શંઘાઇ, બિજીંગ, હોંગકોંગ જેવા દરિયા નજીકના શહેરોમાંથી આશરે 40 કરોડ લોકોને સ્થળાંતર કરવા પડશે. જરા વિચારો આ સ્થળાંતર, રાજ્યોની તેમજ ઘણાં દેશોની સરહદોની સંપૂર્ણ પરિભાષા બદલી નાંખશે. એક રેફ્યુજીને હાલની તારીખે કોઇ આશરો આપવા તૈયાર નથી ત્યારે 40 કરોડ રેફ્યુજીઓને ક્યાં સમાવશો? કોઇ સમજાવશે?
-
ગ્લોબલ વોર્મિંગના કારણે વાવાઝોડાં તથા દુકાળની ઘટનાઓ લગાતાર વધી રહી છે અને આનો સબંધ અર્થવ્યવસ્થા સાથે પણ છે. એક વાવાઝોડું અથવા દુકાળ કોઇપણ દેશની અર્થવ્યવસ્થાને અબજો રૂપીયાનો ચૂનો લગાડવા માટે પર્યાપ્ત છે. પર્યાવરણતંત્રમાં એક મામૂલી ફેરફાર પણ એક ક્રિયા-પ્રતિક્રિયા શ્રૃંખલાને જન્મ આપી જીવનનો વિનાશ કરી શકે છે. ઉદાહરણ તરીકે....પૃથ્વીને ફક્ત 1 ડીગ્રી ગરમ કરવાથી સમુદ્રોમાંથી અધિક જળબાષ્પ વાતાવરણમાં જશે. અગાઉ જોઇ ગયા એમ જળબાષ્પ ગ્રીન હાઉસ પ્રભાવ ધરાવે છે. મતલબ વાતાવરણમાં અધિક જળનું પહોંચવું પૃથ્વીને વધુ ગરમ કરશે. અધિક ગરમી મતલબ અધિક જળબાષ્પ મતલબ અધિક ગ્લોબલ વોર્મિંગ અને આ ચક્ર ત્યાંસુધી ચાલતું રહેશે જ્યાંસુધી સમુદ્રોનું નામોનિશાન મટી નહીં જાય.
-
ગ્લોબલ વોર્મિંગ કોઇ ખુબસુરત ગ્રહને કેટલી હદે નર્ક સમાન બનાવી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ ફક્ત 2.6 કરોડ કિલોમીટર દૂર શુક્ર ગ્રહ છે. શુક્રનું તાપમાન લગભગ 480 ડીગ્રી જેટલું છે. આશ્ચર્યની વાત છે કે સૂર્યથી શુક્ર અને પૃથ્વીનું અંતર લગભગ સરખું જ છે, છતાં શુક્ર આટલો બધો ગરમ કેમ છે? જવાબ છે ગ્રીનહાઉસ ઇફેક્ટ!!! શુક્રનું વાતાવરણ લગભગ 96% કાર્બનડાયોક્સાઇડ વડે બનેલું છે. પરિણામસ્વરૂપ એસિડ વર્ષા, 200 કિ.મી/કલાકની ઝડપે ચાલતા વિનાશકારી તોફાનો, સીસાને પણ ધ્વસ્ત કરવા સક્ષમ એવું પ્રચંડ તાપમાન શુક્રની નિયતિ બની ગઇ છે. આ ગ્રહ આપણાં માટે એક ચેતવણી છે કે કઇરીતે બ્રહ્માંડમાં એક જેવી પરિસ્થિતિઓમાં મૌજૂદ હોવા છતાં, વાતાવરણમાં બદલાવ એક ખુબસુરત ગ્રહને નર્ક બનાવવા માટે કાફી છે. પૃથ્વીરૂપી આ ગ્રહ આપણને મળેલ એક વિરાસત છે જેને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખવું માનવતાના ધોરણે આપણું કર્તવ્ય છે.

No comments:
Post a Comment