કેમ દરરોજની ચેતવણીઓ છતાં હજારો લોકો ખોટાં બેન્ક કોલના ભરોસે પોતાનો પીન નંબર અથવા ઓટીપી બતાવી દે છે? કેમ લોકો કરોડો રૂપીયાના ઇનામો જીતવાની ખુશીમાં પ્રોસેસિંગ ફી ના નામે કોઇક અજાણ્યાના ખાતામાં હજારો-લાખો રૂપીયા નાંખી દે છે? કેમ લોકો પૈસા ડબલ કરવાની લાલચમાં અથવા સોનું શુધ્ધ કરવાવાળાઓ ની વાતોમાં ભોળવાઇ તેમને પોતાના સઘળા પૈસા કે સોનું આપી દે છે? કેમ લોકો બાબાઓને પોતાની સંપત્તિ, દિકરીઓ અને પત્નીઓ સોંપી દે છે? કેમ ફક્ત બાળકો જ નહીં, ઉંમરવાન વ્યક્તિઓ પણ યૌન શોષણના શિકાર બની જાય છે? કેમ સરકારોના અત્યાચારો બાવજૂદ કોઇ વિદ્રોહ નથી થાતો? કેમ લોકો ડગલે ને પગલે ખોટું બોલવાવાળા, બળાત્કારી, હત્યાઓમાં સંડોવાયેલ નેતાઓને મત આપી સત્તા ઉપર બેસાડે છે? શું કારણ છે આ બધા પાછળ?
-
કારણ સીધું-સાદું છે. આપણે આપણાં મગજનો ઉપયોગ નથી કરતાં. વાત આટલેથી અટકતી નથી પરંતુ બાળપણથી આપણાં બાળકોને પણ આપણે તેઓના મગજનો ઉપયોગ નથી કરવા દેતાં. આપણે એમને તર્કશીલ અને યુક્તિશીલ નહીં પરંતુ જડ અને મૂરખ બનાવીએ છીએ. એમને બેવકૂફીભરી વાતો સંભળાવીએ છીએ. જેમકે....હનુમાન સૂર્યને ગળી ગયાં હતાં, નબીએ ચંદ્રના બે ટૂકડાં કર્યા હતાં, ઇસુ કુંવારી કન્યાના પેટે વગર સંભોગે જનમ્યા હતાં.
-
એટલુંજ નહીં, આપણે બાળકોને અસ્તિત્વ વિહીન દેવી-દેવતાઓ સામે માથું નમાવવા-હાથ જોડવા માટે મજબૂર કરીએ છીએ. આપણી શિક્ષા કહે છે, અત્યાચારી અને મૂર્ખ....ગુરૂ, માતા-પિતા અને પતિનું પણ સમ્માન કરો! આપણે બાળકોના મગજમાં આપણો ધર્મ, રાષ્ટ્ર, ભાષા, જાતિ અને રંગની ઉચ્ચતાનો ખોટો અહમ ભરીએ છીએ. તેઓને એક નાનો નિર્ણય પણ લેવા નથી દેતાં તેમજ પોતાનું કામ પોતાને કરવાનું પણ નથી શીખવતા. આપણે પહેરવેશ, ખાણી-પીણી, ભાષા, ભક્તિ વગેરેમાં તેમને આપણી ફોટોકોપી બનાવવાની તનતોડ મહેનત કરીએ છીએ. ત્યાંસુધી કે તાર્કિક બાબતો જેવી કે ખાતા પહેલાં હાથ ધોવું અને ધુમ્રપાન તથા નશાનું સેવન ન કરવું પણ આપણે એમની ઉપર વગર સમજાવ્યે થોપી દઇએ છીએ. તો મૂળ મુદ્દો એ છે કે આપણે બાળકોને નાનપણ થીજ મૂઢ, કાયર અને અતાર્કિક બનાવીએ છીએ. જેનાથી એક કાયર, મૂરખ, અતાર્કિક, અભદ્ર, અંધભક્ત અને પરમ સ્વાર્થી સમાજ તૈયાર થાય છે અને દેશ તથા સમાજને પતનની ગર્તામાં હોમી દે છે.

No comments:
Post a Comment