
જો તમે ગિટારના તાર(string) ને સ્પર્શ કરો તો તમારા હાથના સ્પર્શ(energy) થી ગિટારની સ્ટ્રિંગ ઝડપથી વાઇબ્રેટ/કંપન કરવા લાગશે. આજ પ્રમાણે જો તમે કોઇ શાંત તળાવમાં પથ્થર નાંખશો, તો સપાટી ઉપર ઉત્પન્ન થયેલ પાણીની લહેર/તરંગને જોઇ શકશો. અહીં ગિટાર સ્ટ્રિંગ અને તળાવના ઉદાહરણ ફક્ત સપાટી સાથે જોડાયેલ તરંગોની જાણકારી અર્થે આપ્યા છે. હવે આ પરિકલ્પનાને એક ડગલું આગળ વધારતા એક એવા અદ્રશ્ય "ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ" ની કલ્પના કરો જે આપણી ચારેતરફ અને બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તો મૂળભૂત સ્તરે એક ફોટોન શું છે? જવાબ છે....ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં ઉત્પન્ન એક હલચલ/તરંગ.
-
બ્રહ્માંડમાં ત્રિપરિમાણીય(3rd dimensional) અદ્રશ્ય કપડાં જેવી સંરચનાની કલ્પના આપણાં મગજ માટે થોડી કઠીન છે પરંતુ આ અદ્રશ્ય ફિલ્ડ વાસ્તવિક છે અને તેની પરખ માટે આપણે ભૌતિકીમાં કોઇ પીએચડી કરવાની જરૂર નથી. એક ખીલીને ચુંબકની નજીક લઇ જાઓ. તમે જોશો કે દૂરથી પણ, વગર કોઇ ભૌતિક સંપર્કે ચુંબક ખીલીને આકર્ષિત કરવામાં સક્ષમ છે. જેનું કારણ ચુંબકની અદ્રશ્ય ઇલેક્ટ્રો-મેગ્નેટિક રેખાઓ છે. જે ચુંબકમાંથી નીકળી તેની આસપાસ મૌજૂદ સ્પેસટાઇમમાં ફેલાયેલ હોય છે. અંતર વધતા આ ઇલેક્ટ્રો-મેગ્નેટિક ફિલ્ડ કમજોર થતું જાય છે.
-
આજ પ્રમાણે ઇલેક્ટ્રોન, ક્વાર્ક, ગ્લુઓન વગેરે સઘળા મૂળભૂત કણોને તેમના સંબંધિત ફિલ્ડમાં ઉઠી રહેલ વાઇબ્રેશનના રૂપે જાણી શકાય છે. અર્થાત એક ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન ફિલ્ડમાં એક તરંગ તથા એક ક્વાર્ક એ બીજું કંઇનહીં બલ્કે ક્વાર્ક ફિલ્ડમાં ઉઠી રહેલ તરંગ છે. આ સઘળા મૂળભૂત ફિલ્ડ આપસમાં ગૂંથાયેલ છે તેઓમાં ઉત્પન્ન થતી પરસ્પર હલચલો(fluctuations) આપણને પદાર્થ તથા બળના રૂપમાં દેખાય છે.
-
જે પ્રમાણે દૂરથી શાંત દેખાતા સમુદ્રની નજીક જવાથી આપણે જળની સપાટી ઉપર ઉઠી રહેલ તરંગો/મોજાં/હલચલોને જોઇ શકીએ છીએ, એજ પ્રમાણે મૂળભૂત સ્તરે આ ક્વાન્ટમ ફિલ્ડ ક્યારેય પૂર્ણરૂપે શાંત નથી હોતી. સ્પેસટાઇમને સૂક્ષ્મસ્તરે magnify કરવાથી આપણે જોઇ શકીએ છીએ કે શૂન્યાવકાશ(vacuum)માં પણ ઉર્જાના સૂક્ષ્મ પેકેટ્સ(particles-anti particles pair) લગાતાર અસ્તિત્વમાં આવે છે અને તુરંતજ આપસમા ટકરાઇને નષ્ટ થઇ જાય છે (જુઓ નીચેની GIF). આ ક્ષણિક કણોને virtual particles કહેવાય છે. એમનું પ્રાગટ્ય તથા લોપ એટલું શીઘ્ર હોય છે કે ગણનાઓમાં તેમના અસ્તિત્વને નજરઅંદાજ કરવું પ્રયોગના પરિણામ ઉપર કોઇ ઉલ્લેખનીય પ્રભાવ નથી પાડતું. છતાં, આ virtual particles વાસ્તવિક છે અને પ્રયોગોમાં તેમનું અસ્તિત્વ પ્રમાણિત છે. સરળ શબ્દોમાં કહીએ તો આ સ્પેસમાં રહેલ એવી ઉર્જા છે જે અનિશ્ચિતતાના સિદ્ધાંતના કારણે ક્યારેય શૂન્ય નથી થઇ શકતી. એટલામાટે આ quantum fluctuation બ્રહ્માંડમાં હર જગ્યાએ મૌજૂદ છે.
-
આ અત્યારસુધીનું વિવરણ હવે પછીની બાબતને સમજવા માટેની પુર્વભુમિકા હતી. હવે વાત કરીએ ચાર મૂળભૂત બળોમાંથી એક એવા ઇલેક્ટ્રો-મેગ્નેટિક ફોર્સની. આપણને ખબર છે કે જેમજેમ ખીલી તથા ચુંબકને નજીક લાવતા જઇએ, તેમતેમ બંન્ને વચ્ચે મેગ્નેટિક આકર્ષણ વધતુ જાય છે અને અંતર વધતા આકર્ષણ ઓછું થતું જાય છે. આને આ રીતે પણ કહી શકાય કે....ઇલેક્ટ્રો-મેગ્નેટિક ફોર્સ બે પિંડો વચ્ચેના અંતરના વ્યસ્તપ્રમાણમાં હોય છે. અર્થાત અંતર ઘટતાં આ બળ શક્તિશાળી થતું જાય છે અને અંતર વધતા આ ફોર્સની શક્તિ કમજોર થતી જાય છે. પણ શા માટે? કહેવાનો મતલબ અંતરમાં એવું તે શું દાટ્યું છે/એવી તે શું ખાસ વાત છે કે તેના વધવાથી આ ફોર્સ નબળુ પડી જાય છે? આનો જવાબ Quantum Fluctuations માં છુપાયો છે.
-
વાસ્તવમાં, જ્યારે આપણે કોઇ ઇલેક્ટ્રોનને એક મીટરના અંતરે થી જોઇ રહ્યાં હોઇએ છીએ તો તેનો એક અર્થ એવો પણ થાય કે આપણાં અને ઇલેક્ટ્રોન વચ્ચે એક મીટરનો સ્પેસટાઇમ એવો છે જે લગાતાર ઉઠી રહેલ quantum fluctuations થી ભરેલો છે. ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોમેગ્નેટિક રેખાઓને આપણાં સુધી પહોંચતા આ હલચલોથી ભરેલાં સાબુના ફીણ સમાન ક્વાન્ટમ ફોમ(foam) ને પાર કરવું પડે છે. આ quantum fluctuations ઇલેક્ટ્રોનના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની શક્તિને બિલકુલ એજ પ્રમાણે અવરોધે છે જે પ્રમાણે ગાઢ ધુમ્મસ ટોર્ચના પ્રકાશને અવરોધે છે. તો અંતર ઘટતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની શક્તિ શા માટે વધે છે? સ્વાભાવિક છે કે અંતર ઘટતાં ફિલ્ડને બાધિત કરનારા quantum fluctuations ની સંખ્યા પણ ઓછી હોવાની. આને આ મુજબ પણ કહી શકાય કે....બેહદ સૂક્ષ્મ સ્તર ઉપર ઇલેક્ટ્રોનનું અવલોકન કરવાથી quantum fluctuations ના કારણે બાધિત ઇલેક્ટ્રિક ફોર્સ અધિકથી અધિક દ્રશ્ય તથા શક્તિશાળી થતી જાય છે.
-
પણ....પણ....આજ ઉપમા જ્યારે આપણે અન્ય ફોર્સ જેમકે સ્ટ્રોંગ અને વીક ફોર્સ ઉપર લાગુ કરવાની કોશિશ કરીએ તો એકદમ ઉલ્ટું ચિત્ર પ્રાપ્ત થાય છે. quantum fluctuations વાસ્તવમાં સ્ટ્રોંગ અને વીક ફોર્સને બાધિત કરવાની જગ્યાએ વધારે છે. સરળ શબ્દોમાં કહીએ તો સૂક્ષ્મ સ્તરે સ્ટ્રોંગ અને વીક ફોર્સ ઉત્તરોતર કમજોર થતા જાય છે. આ વિરોધાભાસને આ રીતે પણ કહી શકાય કે બેહદ સૂક્ષ્મ સ્તરે એટલેકે લગભગ 10^-29 સેન્ટીમીટરે જોવાથી બ્રહ્માંડના ત્રણ મૂળભૂત બળ(ઇલેક્ટ્રોમેગ્નેટિક, સ્ટ્રોંગ અને વીક ફોર્સ) શક્તિ તથા ગુણધર્મોમાં બિલકુલ એક જેવા પ્રતિત થાય છે.
-
સરળ શબ્દોમાં, જો તમારો આકાર સંકોચીને 10^-29 સેન્ટીમીટર કરી નાંખવામાં આવે તો તમે જોશો કે બહોળા સ્તરે જે ત્રણ બળ તમને અલગ-અલગ દેખાય છે, સૂક્ષ્મ સ્તરે તેઓ એક એકીકૃત બળના ત્રણ અલગ-અલગ પ્રાગટ્ય સ્વરૂપ છે. શું આજ બાબત મૂળભૂત પદાર્થ કણોને પણ લાગુ પડે છે? શું એવું હોઇ શકે કે સમસ્ત પદાર્થ અને બળવાહક કણો મૂળરૂપે એકજ વસ્તુ છે જે સ્થૂળ રૂપે આપણને ભિન્ન-ભિન્ન કણોના રૂપમાં દેખાય છે? જી હાં! સ્ટ્રિંગ સિદ્ધાંતની મૂળ અવધારણા એજ કહે છે કે બ્રહ્માંડ મૂળરૂપે રબરબેન્ડ સમાન ધાગારૂપી સ્ટ્રિંગથી નિર્મિત છે. અર્થાત જ્યાં ક્વાન્ટમ વિજ્ઞાન પદાર્થકણ જેવાકે ઇલેક્ટ્રોનને એક શૂન્યપરિમાણીય બિન્દુરૂપી કણ(point particle) માને છે ત્યાં સ્ટ્રિંગ સિદ્ધાંતનું માનવું છે કે જો તમે ઇલેક્ટ્રોનને બેહદ નજીકથી એટલેકે 10^-33 સેન્ટીમીટરના અંતરેથી જુઓ તો તમને દેખાશે કે ઇલેક્ટ્રોન વાસ્તવમાં કોઇ બિન્દુ નહીં પરંતુ લગાતાર વાઇબ્રેટ કરી રહેલ એક સ્ટ્રિંગ/તંતુ થી નિર્મિત છે. આ સ્ટ્રિંગ ખુલ્લી અથવા બંધ બંન્ને આકારમાં હોઇ શકે છે. સાથેસાથે સ્પેસટાઇમમાં નિરંતર ગતિમાન આ સ્ટ્રિંગ્સ આપસમાં જોડાઇ પણ શકે છે તથા એક સ્ટ્રિંગ, બે નાની સ્ટ્રિંગ્સમાં વિભક્ત પણ થઇ શકે છે(જુઓ નીચેની ઇમેજ). જે પ્રમાણે એક વાયોલિનનો તાર કંપન દ્વારા અનેક સંગીતના સૂરોને જન્માવે છે, એજ પ્રમાણે આ ઉર્જા તંતુ કંપન દ્વારા અલગ-અલગ ચાર્જ-દ્રવ્યમાન વાળા વિભિન્ન કણોને જન્મ આપે છે. સરળ શબ્દોમાં, એક ઇલેક્ટ્રોન અથવા ક્વાર્ક અથવા ફોટોન હરેકનો સ્ત્રોત એકસમાન એટલેકે સ્ટ્રિંગ્સ હોય છે પરંતુ તેમના ગુણધર્મોના તફાવતનું એકમાત્ર કારણ સ્ટ્રિંગ્સ દ્વારા ઉત્પન્ન કંપન વિધિઓનું ભિન્ન-ભિન્ન હોવું છે.

-
સ્ટ્રિંગ થીઅરીના ઇતિહાસની વાત કરીએ તો 70 ના દાયકામાં સ્ટ્રોંગ ન્યૂક્લિયર ફોર્સના ગુણધર્મોનું અધ્યયન કરતી વેળા વૈજ્ઞાનિકોએ મહેસુસ કર્યું કે અગર સ્ટ્રોંગ ન્યૂક્લિયરના બળવાહક કણ "ગ્લુઓન" ને એક બિન્દુરૂપી કણની જગ્યાએ જો કંપન કરતી સ્ટ્રિંગ સમજીએ તો આ ભિન્ન સ્થિતિ સ્ટ્રોંગ ફોર્સના સઘળા ગુણધર્મોની વ્યાખ્યા કરવામાં સફળ હતી. તુરંત જ આ સ્ટ્રિંગ થીઅરીના ગણિતિય ઢાંચામાં વૈજ્ઞાનિકોને એક એવી વસ્તુ સંજોગવસાત પ્રાપ્ત થઇ જેને નજરઅંદાજ કરવું મુશ્કેલ હતું. શું હતી એ વસ્તુ? તેને જાણવા માટે આપણે સૌપ્રથમ Spin નો અર્થ સમજવો જરૂરી છે.
-

આપણે જાણીએ છીએ પૃથ્વી જેવા ગ્રહો સૂર્યની ચારેતરફ પરિક્રમા કરવાની સાથેસાથે પોતાની ધરી ઉપર પણ ફરે(પરિભ્રમણ) અથવા સ્પિન કરે છે. ક્લાસિકલ ફિઝિક્સના આણ્વિક મોડલમાં પરમાણુની તુલના સૂર્યમંડળ સાથે કરી શકાય છે. જેમાં ઇલેક્ટ્રોન નાભિની ચારેતરફ ગતિ કરે છે. તો શું ઇલેક્ટ્રોન પૃથ્વી સમાન પોતાની ધરી ઉપર ફરે છે? ક્વાન્ટમ વિજ્ઞાનની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોન પરિમાણરહિત એક બિન્દુ માત્ર છે. એટલામાટે ઇલેક્ટ્રોનના સંદર્ભે સ્પિન જેવા ગુણધર્મનું અસ્તિત્વ અસંભવ પ્રતિત થાય છે. સ્વાભાવિક છે કે એક પરિમાણરહિત બિન્દુ આખરે ફરી કઇરીતે શકે? આ પ્રચલિત માન્યતાના ગઢના કાંકરા પણ જલ્દીથી ખરી ગયાં. 1925 માં ડચ વૈજ્ઞાનિકો George Uhlenbeck અને Samuel Goudsmit એ દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન દ્વારા પ્રકાશનું અવશોષણ તથા ઉત્સર્જનની પ્રક્રિયાની વ્યાખ્યા ત્યારેજ સંભવ છે જ્યારે એવું માની લેવામાં આવે કે ઇલેક્ટ્રોન સ્વયં 'ચુંબકીય ગુણો' થી યુક્ત છે અને આ ચુંબકત્વ ત્યારેજ સંભવ છે જ્યારે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ફરતો હોય.
-
આ આધારે જોર્જ અને સેમ્યુઅલે દાવો કર્યો કે ઇલેક્ટ્રોન નાભિના ચક્કર લગાવવાની સાથેસાથે પૃથ્વી સમાન પોતાની ધરી ઉપર પણ ફરે છે. પરંતુ પૃથ્વીની પરિભ્રમણ ગતિ સ્થિર નથી. પ્રતિવર્ષ ઓછી થઇ રહી છે જેના કારણે પ્રત્યેક દિવસની અવધિ સમય સાથે વધી રહી છે. તો શું ઇલેક્ટ્રોનના સ્પિનમાં પણ સમય સાથે કોઇ બદલાવ આવે છે? જવાબ છે.....નહીં! આપણી ગણતરીઓ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની સ્પિન સમય સાથે અપરિવર્તનશીલ હોય છે. પરિણામે કહી શકાય કે દળ/ચાર્જ ના સમાન જ સ્પિન પણ ઇલેક્ટ્રોનનો મૂળભૂત ગુણધર્મ છે.
-
સ્પિન નામક ગુણ ઇલેક્ટ્રોન સુધીજ સિમિત ન રહીને સઘળા પદાર્થ અને બળવાહક કણો ઉપર પણ લાગુ પડે છે. ઇલેક્ટ્રોન સહિત સઘળા પદાર્થ કણો જેવાકે ક્વાર્ક-ન્યૂટ્રિનો વગેરેની સ્પિન ½ હોય છે. અહીં ½ નો અર્થ ક્વાન્ટમ માપક પધ્ધતિથી છે કે કયા કણની સ્પિન કેટલી તીવ્ર છે. વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે ગ્રેવિટિ સિવાયના ત્રણેય ફોર્સના બળવાહક કણો ક્રમશ: ફોટોન, ગ્લુઓન તથા W & Z બોસોનની સ્પિન 1 હોય છે. હવે ગ્રેવિટિની વાત કરીએ....બેશક ગ્રેવિટિવાહક કણ 'ગ્રેવિટોન' ને હજુસુધી વૈજ્ઞાનિકો શોધી નથી શક્યાં પરંતુ સ્ટ્રિંગ થીઅરીના અસ્તિત્વમાં આવ્યા પહેલાંથી જ ગણિતિય આંકલનના સહારે વૈજ્ઞાનિકો એ બતાવવામાં સક્ષમ હતાં કે ગ્રેવિટોન, Spin-2 વાળો એક દળરહિત કણ હોવો જોઇએ.
-
સ્ટ્રિંગ થીઅરીના પ્રારંભિક સ્વરૂપમાં ઘણી ખામીઓ હતી. જેમકે.....આ થીઅરી બળવાહક કણોની વ્યાખ્યા તો કરતી હતી પરંતુ તેમાં પદાર્થ કણોની વ્યાખ્યાનો સમાવેશ ન હતો. આ સિવાય આ થીઅરી ટેકયોન જેવા કણોના અસ્તિત્વની પરિકલ્પના કરતી હતી. જેનું દળ થીઅરી અનુસાર કાલ્પનિક હોવું જોઇએ તથા ઝડપ પ્રકાશવેગ કરતા પણ વધુ હોવી જોઇએ. આ બધી વિસંગતિઓ છતાં આ થીઅરીમાં એક ચીજ એવી હતી જેને નજરઅંદાજ કરવું વૈજ્ઞાનિકો માટે ઘણું કઠિન હતું. એ ચીજ હતી......દ્રવ્યમાનરહિત, સ્પિન-2 કણની ભવિષ્યવાણી કે જેના સઘળા ગુણધર્મ બિલકુલ 'ગ્રેવિટોન' જેવા જ હતાં.
-
કોઇપણ સ્ટ્રિંગ દ્વારા ઉત્પન્ન કરાયેલ વાઇબ્રેશનલ ઉર્જાનો સીધો સબંધ સ્ટ્રિંગમાં રહેલ તણાવ(tension) સાથે હોય છે. જેટલો વધુ તણાવ તેટલીજ વધુ ઉર્જા તે સ્ટ્રિંગને વાઇબ્રેશન કરાવવા માટે જોઇએ. ઉદાહરણ તરીકે....એક પિયાનો(piano) ના તાર વાયોલિનની તુલનાએ અધિક તણાવથી ખેંચાયેલા હોય છે. માટે પિયાનોના તારને કંપન કરાવવા માટે વાયોલિનની તુલનાએ અધિક ઉર્જાની આવશ્યકતા હોય છે. પરિણામે પિયાનોમાંથી નીકળેલ સ્વર-લહેરો પણ એજ અનુપાતમાં શક્તિશાળી હોય છે.
-
California Institute of Technology ના જોન સ્વાર્જ તથા તેમના સહયોગીઓએ 1974 માં પ્રતિપાદિત કર્યું હતું કે ગ્રેવિટોનની શક્તિ સ્ટ્રિંગના તણાવના વ્યસ્તપ્રમાણમાં હોય છે. વૈજ્ઞાનિક ગણનાઓમાં જોવા મળ્યું કે એક સામાન્ય સ્ટ્રિંગમાં મૌજૂદ તણાવ લગભગ 10^39 ટન હોય છે. મતલબ આ સ્ટ્રિંગ્સ અવિશ્વસનીયરૂપે બેહદ કઠોર છે. ક્વાન્ટમ થીઅરીના આધારે આપણે જાણીએ છીએ કે આ સ્ટ્રિંગ્સ ગમે તે સંખ્યામાં કંપન નથી કરતી પરંતુ એક ન્યૂનત્તમ ઉર્જા(વાઇબ્રેશન) ના ગણોત્તરમાં જ કંપન કરી શકે છે. જેનો એક આશ્ચર્યજનક પ્રભાવ એવો પણ નીકળે છે કે એક સ્ટ્રિંગ દ્વારા ઉત્પન્ન થતું ન્યૂનત્તમ કંપન પણ એક પ્રોટોનથી લગભગ 10^19 ગણા ભારે કણોને ઉત્પન્ન કરે છે. અહીં સવાલ એ ઉદભવે છે કે જો એક સ્ટ્રિંગ પ્રોટોન કરતાં અબજો ગણા ભારે કણોને જ જન્મ આપી શકતી હોય તો પ્રોટોન-ઇલેક્ટ્રોન જેવા હળવા કણોનું અસ્તિત્વ શા માટે છે? જવાબ quantum fluctuations માં છુપાયો છે.
-
જ્યારે આ સ્ટ્રિંગ્સ ધ્રુજે છે તો ઉત્પન્ન તરંગો સીધા આપણાં સુધી નથી પહોંચતા બલ્કે આપસમાં ટકરાયને એકબીજાને કાપે છે અને અંતે એટલા ક્ષીણ થઇ જાય છે કે તેમની ઉર્જા આપણી ચારેતરફ મૌજૂદ પદાર્થકણો સમકક્ષ રહી જવા પામે. અર્થાત એક સ્ટ્રિંગથી ઉત્પન્ન થયેલ મૂળભૂત સંગીત બેહદ પ્રચંડ ઉર્જાવાન હોય છે પરંતુ આસપાસ મૌજૂદ બીજા કંપનોથી ટકરાઇને પોતાની ઉર્જા ખોતુ અંતે બેહદ ઓછું દળવાળા પ્રોટોનરૂપે સ્થૂળ વિશ્વમાં પ્રગટ થાય છે. એક ટોપ ક્વાર્કનું દળ પ્રોટોનથી 189 ગણું હોય છે. અગર સ્ટ્રિંગ થીઅરીના આધારે આનું વર્ણન કરવું હોય તો કેવીરીતે કરશો? આ કંઇક એવું છે કે તમને 10 લાખ-અબજ રૂપીયા આપીને કહેવામાં આવે કે તમારે એક દિવસમાં એ પ્રકારે ખરીદી કરવાની છે કે દિવસના અંતે તમારી પાસે 189 રૂપીયા શેષ વધે. સ્ટ્રિંગ થીઅરીનું ગણિત બેહદ જટિલ છે અને આ થીઅરી ફિલહાલ પોતાની શૈશવ અવસ્થામાં છે. આજ કારણ છે કે વૈજ્ઞાનિકો હજીસુધી આ થીઅરીના માત્ર અનુમાનિત સમીકરણો જ શોધી શક્યા છે.
-
છતાં સમય જતાં સ્ટ્રિંગ થીઅરીની વિસંગતિઓના નિરાકરણ બાદ સુપરસ્ટ્રિંગ સિદ્ધાંતના આગમને ઘણી સંભાવનાઓ જગાડી છે. આ નવા સુપરસ્ટ્રિંગ સિદ્ધાંતમાં ટેકયોન જેવા કણોનો સમાવેશ નથી તથા આ સિદ્ધાંત બળવાહક કણોની સાથેસાથે પદાર્થકણોનો પણ સમાવેશ કરે છે.
-
જ્યાં રિલેટિવિટીએ સ્પેસટાઇમના પરિપ્રેક્ષ્યમાં મનુષ્યના પ્રચલિત વિશ્વાસોને ધ્વસ્ત કરી નાંખ્યાં, ત્યાં ક્વાન્ટમ વિજ્ઞાને આણ્વિક સ્તરના બ્રહ્માંડના સબંધે આપણાં સઘળા વિશ્વાસોના મૂળીયા હલાવી નાંખ્યાં હતાં. વિજ્ઞાન આપણને નિરંતર એ દર્શાવી રહ્યું છે કે બ્રહ્માંડની મૂળ પ્રકૃતિ, માનવ મનની સુખદ કલ્પનાઓથી જોજનો દૂર છે. અગર સ્ટ્રિંગ થીઅરી સાચી છે તો બ્રહ્માંડના મૂળ ઢાંચાના સંદર્ભમાં માનવીય દ્રષ્ટિકોણ શીઘ્ર એક અન્ય યુગાંતરી પરિવર્તનનો સાક્ષાત્કાર કરશે.
(મિત્ર વિજય દ્વારા)
No comments:
Post a Comment