ઓગસ્ટ 1921, અમેરિકાનું એક રોજીંદુ અખબાર MIAMI NEWS માં એક કોલમ લખાઇ, જેનું ટાઇટલ હતું.....100 years from now. જેને Moses Folsom એ લખી હતી. હવે જો કે ટાઇટલ ઉપરથી જ ખબર પડી જાય છે કે તેમાં સો વર્ષ પછીની દુનિયાની કલ્પના કરવામાં આવી હતી.
-
એ લેખ મુજબ, સો વર્ષ પછી....લગભગ હરએક ઇમારતને પથ્થરને બદલે સિમેન્ટથી બનાવવામાં આવશે, ત્યાં આપમેળે ચાલવાવાળી લિફ્ટ(elevator) હશે; મોટા મોટા શહેરોને ભોંયરા અને બોગદા વડે જોડવામાં આવશે અને લોકો આની મધ્યે અવિશ્વસનીય ઝડપે મુસાફરી કરશે; મનોરંજન માટે આપણે ટોકિઝ અને કોન્સર્ટ હોલમાં નહીં જવું પડે, બલ્કે મનોરંજન ખુદ આપણાં ઘરે સામે ચાલીને આવશે; આપણે આપણાં ઘરના તાપમાનને આપણી સહુલિયત પ્રમાણે નિયંત્રિત કરી શકીશું; આપણી ગાડીઓના પૈંડા પણ વીજળીથી ચાલશે; પુસ્તકને વાંચવાની જરૂર નહીં પડે, બલ્કે પુસ્તક ખુદ પોતાને વાંચીને સંભળાવશે; 2021 ના મનુષ્ય માટે સમુદ્ર કોઇ મોટો અવરોધ ન હશે, તે ગમે ત્યારે સમુદ્રની ઉપરથી ઉડાન ભરી ગમે ત્યાં જઇ શકશે વગેરે વગેરે. આજના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો, ઉપરોક્ત આગાહીમાંથી લગભગ બધીજ આગાહીઓ બિલકુલ સાચી સાબિત થઇ છે. આજે આપણે જે દુનિયામાં જીવી રહ્યાં છીએ તે 1921 ની દુનિયાના માનવો માટે એક સપનું જ હતું. પણ....પણ....આ તો થઇ માનવ વિકાસની વાત, હવે વાત કરીએ વ્યથાની...
-
1921 માં માનવ વસ્તી લગભગ 190 કરોડ હતી, કે જે આજે 750 કરોડના આંકડાને વટાવી ગઇ છે. અર્થાત તે સમયે જેટલી જમીન(land area) ઉપર એક વ્યક્તિ રહેતો હતો, આજે તેટલીજ જમીન ઉપર લગભગ છ વ્યક્તિ રહે છે. આજે દુનિયાનો કુલ વન વિસ્તાર(forest area) લગભગ 30% જેટલો છે, જે 1921 માં લગભગ 45% જેટલો હતો. ભારતની જ વાત કરીએ તો, 1920 માં ભારતનો વન વિસ્તાર લગભગ 50% હતો જે હાલમાં 25% કરતા પણ ઓછો છે. મતલબ છેલ્લાં સો વર્ષોમાં વનનાબૂદી(Deforestation) ખુબ મોટા પાયે થઇ છે. 1921 માં કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન(emission) લગભગ 3.52 બિલિયન મેટ્રિક ટન હતું, જે આજે 36.44 બિલિયન મેટ્રિક ટન ઉપર પહોંચી ચૂક્યૂ છે. મતલબ છેલ્લાં સો વર્ષોમાં carbon emission દસ ગણું વધી ચૂક્યૂ છે. આ આંકડો કેટલો ભયજનક છે તેનો અંદાજો એ વાતે લગાવી શકો કે....1921 માં જેટલી કાર સમગ્ર દુનિયામાં હતી, તેટલી આજે એક-બે મોટા શહેરોમાં જ જોવા મળશે.
-
WHO નો રીપોર્ટ કહે છે કે હરવર્ષ લગભગ 70 લાખ લોકો air pollution ના કારણે પોતાનો જીવ ગુમાવે છે. મતલબ છેલ્લાં દોઢ વર્ષથી ચાલતી કોરોના મહામારીમાં પણ આટલી જાનહાની નથી થઇ. 1921 માં પૃથ્વીનું સરેરાશ તાપમાન લગભગ 13.83 ડિગ્રી સે. હતું, કે જે આજે 15.0 ડિગ્રી સે. જેટલું પહોંચી ચૂક્યૂ છે. આ ફરક તમને કદાચિત મામૂલી જણાશે પરંતુ આટલો તફાવત ખુબજ....ખુબજ....ભયજનક છે. તેની આડઅસર વિષે લખવા બેસીએ તો પાનાં-ના-પાનાં ભરાય જાય. છતાં ટૂંકમાં....પ્રદુષણને કારણે જે તે ક્ષેત્રમાં તાપમાનનો તફાવત ખુબ વધી જવા પામે. જેમકે કોઇ દિવસ તાપમાન 30 ડિગ્રી તો કોઇક દિવસ 45 ડિગ્રી જેટલી છલાંગ લગાવી દે છે. છેલ્લાં સો વર્ષોમાં અલગ-અલગ જગ્યાએ 30 થી 85% જેટલો બરફ પીગળી ચૂક્યો છે. સો વર્ષની અંદર આપણે પૃથ્વીની અનેક વનસ્પતિ તેમજ સજીવોની પ્રજાતિઓને નષ્ટ કરી ચૂક્યા છે.
-
ખેર! આ સઘળી બાબતો આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આવનારા સો વર્ષોમાં આપણને કેવાં-કેવાં ફેરફારો જોવા મળશે? અત્યારસુધી આપણે આપણી પૃથ્વીને લઇને, વાતાવરણને લઇને ગંભીર નથી જ રહ્યાં. શું ખબર! આવનારા સો વર્ષોમાં આપણે મનુષ્યો આ પૃથ્વી ઉપર જીવિત પણ હોઇશું કે નહીં?

No comments:
Post a Comment