Wednesday, May 5, 2021

દેશસેવા અને દેશભક્તિની સચ્ચાઇ

ખેડૂત આંદોલનની શરૂઆતમાં(દિલ્હીમાં પ્રવેશતા પહેલાં) ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત એક વાક્ય વારંવાર ઉચ્ચારતા હતાં કે(આ વાક્ય તેમણે દેશસેવા કરતાં પોલીસ અને સૈન્ય વિષયક કહ્યું હતું), "મ્હારે હી છોરે(બેટે) હૈં, મ્હારે ઉપર ગોલી થોડી હી ના ચલાવેંગે." પરંતુ જ્યારથી ખેડૂતોની કનડગત કરવામાં આવી ત્યાર પછી થી તેમણે આ વાક્ય બોલવાનું ખુબજ....ખુબજ....ઓછું કરી નાંખ્યું. હાલમાં મ્યાનમારમાં જે સૈનિકો કીડી-મકોડાની જેમ પોતાના નાગરિકોને મારી રહ્યાં છે, શું તે સૈનિકો નાગરિકોના સંતાનો નથી? હક માટે લડતાં મજૂરો, ખેડૂતો અને માનવ અધિકાર કાર્યકર્તાઓને મારવાવાળા તેમજ ખોટાં એન્કાઉન્ટર કરવાવાળા શું આકાશમાંથી ટપકે છે?  

-

પોલીસ, સૈનિક કે નોકરી કરનાર ફક્ત એકજ ચીજને જાણે છે, તે છે....ઉપરી હુકમ. ભારત ઉપર રાજ કરનારા અંગ્રેજ અધિકારીઓની સંખ્યા ક્યારેય પણ 5000 થી વધુ નથી રહીં છતાં તેઓ લગભગ 33 કરોડ લોકો ઉપર 200 વર્ષ સુધી રાજ કરતાં રહ્યાં, અસહનીય અત્યાચાર અને શોષણ કરતાં રહ્યાં(શું કોઇક સમૂહના લોકોની સંખ્યા વધારવા માટે વધુ બાળકો પેદા કરવાના ઉપદેશ આપતા લોકો માટે બોધપાઠ નથી?). અંગ્રેજ સૈનિકોની સંખ્યા પણ દેશમાં અધિકતર 20 થી 25 હજાર રહી છે. છતાં, દેશને તેના નાગરિકો વડે અને તેઓના ખર્ચે ગુલામ રાખવામાં આવ્યો. એટલુંજ નહીં, દેશના સૈનિકોએ અંગ્રેજોને બીજા ઘણાં દેશોને ગુલામ બનાવવામાં અને રાજ કરવામાં મદદ કરી હતી. "ચંદ્રસિંહ ગઢવાલી" જેવા એકલ-દોકલ કિસ્સા છે કે જેમણે અંગ્રેજોના શાસન દરમિયાન બસ્સો વર્ષના ઇતિહાસમાં ભારતીય સૈનિકમાં રહી ભારતવાસીઓ ઉપર ગોળી ચલાવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. તો જરા વિચારો!!! શું સૈન્યમાં ભરતી થવું એ દેશભક્તિ અને દેશસેવા છે?

-

હકિકતે દેશભક્તિ અને દેશસેવાનું સત્ય તો ક્યાંય વધુ કડવું છે. એપ્રિલ 13 1919, અમૃતસરના જલિયાંવાલા બાગમાં કાર્યવાહક બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરના આદેશથી ખેડૂતો ઉપર બંદૂકો વડે આડેધડ ગોળીબાર કરનારા સઘળા સૈનિકો ભારતીય હતાં. ડાયર લગભગ 60 જેટલી સૈન્ય ટુકડીઓ પોતાની સાથે લાવ્યો હતો. જેમની બનાવટ કંઇક પ્રકારની હતી....ગુરખા રાઇફલ્સ, 54 મી શિખ બટાલિયન, 59 મી સિંધ રાયફલ્સ બટાલિયન(મુખ્યત્વે બલોચ) વગેરે. દેશભક્ત અને વીર સૈનિકોએ બાગના એકમાત્ર દરવાજાને બંધ કરી પોતાના દેશના નાગરિકો ઉપર ત્યાંસુધી ગોળીઓ ચલાવ્યે રાખી જ્યાંસુધી તેમની પાસે ગોળીઓ ખતમ નહીં થઇ ગઇ. વાત આટલેથી અટકી નહીં, દેશભક્ત સૈનિકોએ ઘાયલોને ઇલાજ માટે લઇ જવાની કોશિશ કરતાં લોકોને માર્યા તેમજ વધુ ગોળીઓ મંગાવી તેમની ઉપર પણ ગોળીબાર કર્યો હતો. સરકાર દ્વારા ગઠિત વિલિયમ હંટર પરીક્ષણ સમિતિની રિપોર્ટ અનુસાર 488 લોકોના મૃત્યુ થયાં હતાં અને 1200 થી વધુ ઘાયલ થયાં હતાં. મરનારાઓમાં ઓછામાં ઓછા 18 બાળકો હતાં. પરંતુ જલિયાંવાલા બાગ શહીદ સ્મૃતિ સંસ્થાનના શોધકર્તાઓએ કિશ્વર દેસાઇ અને કુલવંત સિંહ સૂરીના નેતૃત્વમાં અઢી વર્ષની ગહન શોધ બાદ ઓછામાં ઓછા 547 લોકોના મૌતની પુષ્ટિ કરી.. ઘણાં ઇતિહાસકારો તો મૌતનો આંકડો ખુબ મોટો બતાવે છે.

-

ખેર! જો આપને એવું લાગતું હોય કે તે ગુલામ દેશની સેના હતી, તો આજના કાશ્મીર, બસ્તર અને ઉત્તર પૂર્વીય ભારત ઉપર નજર નાંખો. જામિયાની લાઇબ્રેરીમાં ઘૂસી ત્યાં વાંચી રહેલ વિદ્યાર્થીઓ ઉપર બેરહેમ લાઠીચાર્જ કરનારા કયા ગ્રહ ઉપરથી આવ્યા હતાં? રોહતકમાં નેવું-નેવું વર્ષના વૃદ્ધ ખેડૂતોના માથા લાકડીઓ વડે ફાડી લોહીલુહાણ કરનારા કોના દિકરાઓ હતાં? તર્ક તો એજ છે જે જનરલ ડાયરે હંટર આયોગ સામે આપ્યો હતો.....'વિદ્રોહીઓને સબક શીખવાડવો જરૂરી હતો, તેઓ આજ લાયક હતાં.'

-

દેશભક્તિની સાચી પરિક્ષા લેવી હોય તો એક દેશની સેનામાં બીજા દેશના લોકોની ભરતીની મંજૂરી આપી જુઓ. નેપાળ પોતાના નાગરિકોને આવી મંજૂરી આપે છે. એમના નાગરિકો મુખ્યત્વે ભારત અને બ્રિટનની સેનામાં છે અને તેઓ વફાદારીમાં પોતાના નોકરીદાતાઓ પ્રતિ દેશી સૈનિકોથી ઓછાં નથી, બલ્કે ક્યાંય વધુ વફાદાર સાબિત થયાં છે. જરા વિચારો.....જો પાકિસ્તાનની સેનામાં ભારતીયોને ભારતથી બમણું વેતન આપી અથવા ભારતીય સેનામાં પાકિસ્તાનના લોકોને પાકિસ્તાનથી બમણું વેતન આપીને ભરતી કરવામાં આવે તો???

 


 

 

 

No comments:

Post a Comment