Friday, October 2, 2020

માદા

 દિકરીઓ ઉપર અત્યાચાર/બળાત્કારના સમાચારો વાંચી તમને દુ:ખ તો ઘણું થતું હશે. નહીં? મને પણ થાય છે. તો આપણે જે નથી કરી શકતાં એના વિષે વિચારવાનું ફિલહાલ છોડી દો. જેમકે કાયદો, પોલીસ, રાજનીતિ વગેરે. આ બધુ મારી-તમારી હદની બહાર છે(આનો મતલબ એવો નથી કે અવાજ ન ઉઠાવવો જોઇએ પરંતુ અહીં વાત પ્રાથમિકતા માંગી લેતી બાબતની છે). હવે વિચારો....કે તમે જ્યાં છો ત્યાંથી એવા કયા પ્રયાસો કરી શકો છો, જે કોઇ દિકરીને ગૌરવપૂર્ણ જીવન અપાવી શકે?

- સ્ત્રી કોઇપણ હો અંતે તે એક માદા જ હોય છે. ક્યારેય વિચાર્યું છે કે શા માટે વહુ માથું ઓઢે છે અને દિકરી નહીં? એટલામાટે કે આપણી દિકરી જો જાણકારી વગર ક્યાંક રહે તો તે પણ માદા થઇ જાય છે. એજ પ્રમાણે પારકી દિકરી જે તમારા ઘરની વહુ છે તે પણ માદા જ છે અને સબંધોની મર્યાદા બની રહે એટલે જરૂરી છે કે તે પડદામાંજ રહે(કેમકે તે તેના ઘરથી દૂર છે). સઘળી મેટર શાસક અને શોષિતની છે, સત્તાવાન અને સત્તાહીનની છે. એક પુરૂષ બોસ હોય તો તે સ્ત્રી કર્મચારીની છેડતી કરી શકે છે પરંતુ અગર એક સ્ત્રી બોસ હોય તો શું પુરૂષ કર્મચારી તેની છેડતી કરી શકે? નહીં કેમકે બોસની સત્તાને તમે પડકારી નહીં શકો. તો ફરીફરીને વાત ત્યાંજ આવે છે......સત્તા, અને સત્તા તો સમાજે પુરૂષોને સોંપી છે. એકપુરૂષ વગર કંઇ કર્યે પણ સત્તાવાન હોય છે. ભણવામાં ઠોઠ ભાઇને બાઇક, પોકેટમની, પેટ્રોલ અને મોડે સુધી ઘરની બહાર રહેવાની આઝાદી. જ્યારે ભણતી હોશિયાર દિકરીના ભાગે ઘરના કામ અને દુનિયાની ત્રાંસી નજરો. કમાતા દિકરાના બધા ગુના માફ અને કામ કરતી દિકરી/વહુને પરિવારની ઇજ્જતથી લઇને રહેણીકરણીના હજારો નિયંત્રણો. અહીંથી જ ભેદભાવ શરૂ થાય છે. પુરૂષ આપોઆપ સત્તાનો અધિકારી થઇ જાય છે. પરંપરાની નજરો વડે તે એવું જોતો/મહેસુસ કરતો થઇ જાય કે સ્ત્રી સામાજીક, સાંસ્કૃતિક અને શારીરિક દ્રષ્ટિએ કમજોર હોય છે અને જે કમજોર હશે તે પીડિત હશે, ભોગવા યોગ્ય હશે. ટૂંકમાં પોતપોતાના ઘરોમાં જ જુઓ....ઘરની મહિલાઓ માટે તમે શું વિચારો છો? મિત્ર, રાજુ કહે છે તેમ.....ક્યાંક આપણાં હોકાયંત્રની સોય ખોટી દિશા તો નથી બનાવતી ને?

No comments:

Post a Comment