સામાન્ય માણસને એવી ગેરસમજણ હોય છે કે આપણાં ટેલિસ્કોપ અંતરિક્ષને સ્કેન કરી બીજા ગ્રહોની તસવીરો ખેંચવામાં વ્યસ્ત રહે છે, કે જે સાચું નથી. કોઇપણ ટેલિસ્કોપ એક સમયે અંતરિક્ષના એક બેહદ નાના હિસ્સાને જ જોઇ શકવામાં સક્ષમ હોય છે. ઉદાહરણ તરીકે, કેપલર ટેલિસ્કોપનો ફિલ્ડ ઓફ વ્યુ લગભગ 115 વર્ગ ડિગ્રી છે કે જે અંતરિક્ષનો 0.25 પ્રતિશત હિસ્સો માત્ર છે. અંતરિક્ષના હર ભાગને એક સમયે સ્કેન કરવા માટે આપણને કેપલર જેવા 400 ટેલિસ્કોપની આવશ્યક્તા હશે. અહીં એક પ્રશ્ન ઉદભવે છે કે ટેલિસ્કોપ કેટલી સૂક્ષ્મતાથી જોવા માટે સક્ષમ છે? આ પ્રશ્નને બહેતર રૂપે સમજવા માટે એક અન્ય પ્રશ્ન ઉપર નજર કરીએ....શું આપણે પૃથ્વી ઉપર મૌજૂદ કોઇ ટેલિસ્કોપ વડે આર્મસ્ટ્રોંગ દ્વારા ચંદ્ર ઉપર લગાડેલ અમેરિકન ઝંડાને જોઇ શકીએ છીએ?
-
પ્રકાશની wavelength(તરંગલંબાઇ) ને લેન્સના આકાર વડે ભાગાકાર કરવાથી કોઇપણ ટેલિસ્કોપનું resolution જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, આપણી આંખોને દેખાતા વિઝિબલ લાઇટ સ્પેક્ટ્રમના વેવલેન્થની રેન્જ 400 થી 700 નેનોમીટર હોય છે. ગણતરીની સુવિધા ખાતર તેને સરેરાશ 600 નેનોમીટર માની લઇએ. લગભગ 540 કિલોમીટરની ઉંચાઇએ પૃથ્વીની કક્ષામાં સ્થિત આપણાં બેહતરીન ઓપ્ટિકલ ટેલિસ્કોપ હબલના દર્પણ(લેન્સ) નો વ્યાસ 2.4 મીટર છે. આ પ્રમાણે 600 નેનોમીટર(0.000000600 મીટર) ને 2.4 સાથે ભાગાકાર કરવાથી આપણને હબલનું એંગ્યુલર રિઝોલ્યુશન 2.5e-7 મળે છે.
-
આ એંગ્યુલર રિઝોલ્યુશન સાથે 384000 કિલોમીટર દૂર(ચંદ્રનું સરેરાશ અંતર) જોઇ શકાતી સૂક્ષ્મતમ વસ્તુના આકારની ગણતરી એક સરળ સૂત્ર Tangent(R)=x/d વડે કરી શકાય છે. અહીં R એ એંગ્યુલર રિઝોલ્યુશન, d એ ચંદ્રનું અંતર અને x એ હબલને દેખાતો કોઇપણ ચીજનો સુક્ષ્મતમ આકાર છે. તો આ સૂત્ર વડે ગણતરી કરતાં ખબર પડે કે હબલ ચંદ્ર ઉપર મૌજૂદ 96 મીટરથી મોટી વસ્તુઓને જોવા માટે જ સક્ષમ છે. 4 ફૂટ પહોળા ઝંડાને પૃથ્વી ઉપરથી જોવા માટે આપણને કમ સે કમ 200 મીટર વ્યાસવાળુ ટેલિસ્કોપ જોઇએ. તેમજ અન્ય આકાશગંગાઓમાં મૌજૂદ ગ્રહોની જમીનને જોવા માટે આપણે સૂર્યમંડળના આકારનું ટેલિસ્કોપ બનાવવું પડશે. જે ફિલહાલ આપણી ટેકનિકલ ક્ષમતા બહારની વાત છે.
-
આ સિવાય બીજા ગ્રહોને જોવામાં સૌથી મોટી અડચણ જે તે ગ્રહોના તારાઓ હોય છે. જે રીતે દિવસના અજવાળામાં સૂર્યપ્રકાશને કારણે આપણે નજીકના ગ્રહોને પણ નથી જોઇ શકતાં. બિલકુલ એજરીતે બીજા સૂર્યમંડળોના ગ્રહો પોતાના સૂર્યોની આભામાં ખોવાઇને આપણાં માટે લગભગ અદ્રશ્ય રહે છે. તેમને જોવાનો પ્રયત્ન કરવો કંઇક એવું છે માનો દિલ્હીમાં બેઠેલ કોઇ વ્યક્તિ દૂરબીન વડે પેરિસના એફિલ ટાવર નીચે લાગેલ કોઇક હેલોજન બલ્બ તળે મંડરાતા મચ્છરને જોવાનો પ્રયાસ કરી રહ્યો હોય. તો પછી સવાલ એ ઉઠે છે કે વૈજ્ઞાનિકો એવા ગ્રહોને કઇરીતે શોધે છે? અલગ-અલગ રીતો છે જેની ચર્ચા ફરી ક્યારેક.
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment