માણસની મૂળભૂત ત્રણ જરૂરિયાતો છે જેની વગર જીવવું કઠિન છે......રોટી, કપડા અને મકાન. પરંતુ હવે તેમાં એક ચીજનો ઉમેરો થઇ ચૂક્યો છે અને તે છે મોબાઇલ. સમયે-સમયે મોબાઇલ રેડિએશનની આડઅસરો વિષે મીડિયામાં દાવાઓ-પ્રતિદાવાઓ થતાં રહે છે. શું મોબાઇલ રેડિએશન જીવલેણ છે? અગર હાં, તો પછી તેની ઉપર પાબંદી કેમ નથી લાગતી? થોડું વિશ્લેષણ કરીએ.
-
અક્ષયકુમાર અને રજનીકાંત અભિનિત ફિલ્મ 2.0 માં બતાવવામાં આવ્યું છે કે આપણાં મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશન પક્ષીઓ માટે ખતરનાક છે અને આ રેડિએશનના કારણે પક્ષીઓ મૃત્યુ પામી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે પક્ષીઓની વસ્તીમાં ઘટાડો થયો છે તેનું કારણ મોબાઇલની વધતી સંખ્યા, મોબાઇલ ટાવરો તેમજ તેમાંથી નીકળતા રેડિએશન જ છે. પરંતુ આ વાતોમાં સચ્ચાઇ કેટલી છે? આ ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તેની કોઇ સાયન્ટિફિક સાબિતી ખરી?
-
સૌપ્રથમ તો એ જાણીએ કે મોબાઇલ રેડિએશન શું છે? પૃથ્વી ઉપર જેટલાં પણ રેડિએશન છે તેને ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. આ ગ્રુપના સંગ્રહને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ કહેવાય છે(જુઓ ઇમેજ). જેમાં રેડિયોવેવ, માઇક્રોવેવ, વિઝિબલ લાઇટ, એક્ષ-રે વગેરે હોય છે(જી હાં, વિઝિબલ લાઇટ જેના થકી જ આપણે બધુ જોઇ શકીએ છીએ તે પણ રેડિએશન જ છે). બધાયની ફ્રિકવન્સી અને એનર્જી અલગ-અલગ હોય છે. આપણાં મોબાઇલ રેડિયોવેવની ફ્રિકવન્સી ઉપર કાર્ય કરે છે. રેડિયોવેવની ફ્રિકવન્સી ખુબજ ઓછી હોય છે. જેના કારણે તેની ઉર્જા(energy) પણ ખુબજ ઓછી હોય છે. જ્યારે બીજીતરફ ગામા-રે અને એક્ષ-રે ખુબજ વધુ એનર્જીવાળા રેડિએશન હોય છે. માટેજ કહેવાય છે કે જ્યાંસુધી જરૂર ન હોય ત્યાંસુધી એક્ષ-રે ન કરાવવું જોઇએ. કેમકે વધુ પડતુ એક્ષ-રે DNA ને પણ ડેમેજ કરી શકે છે.
-
હવે આપ અંદાજો લગાવી શકો છો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં રેડિયોવેવ કરતાં તો વિઝિબલ લાઇટની ફ્રિકવન્સી અને એનર્જી વધુ છે. તો શું ઘરે આપણે જે લાઇટમાં રહીએ છીએ તેનાથી નુકસાન થાય છે? હરગીઝ નહીં. તો પછી રેડિયોવેવની તો વાત જ શું કરવી? ટૂંકમાં મોબાઇલ રેડિએશન સહેજપણ ખતરારૂપ નથી. એક મજેદાર વાત....ઘણાં વિચારે છે કે જેઓ મોબાઇલ ટાવરની નજીક રહે છે તેમને એટલું જ વધુ રેડિએશન સહન કરવું પડે છે. પરંતુ હકિકત એ છે કે મોબાઇલ ટાવર જેટલો તમારી પાસે હશે, તમારો ફોન એટલું જ રેડિએશન ઓછું ઉત્સર્જીત કરશે સિગ્નલ મેળવવા માટે. એજ રીતે ટાવર જેટલો દૂર એટલું રેડિએશન વધુ.
-
આમ
છતાં સરકારે હર મોબાઇલ માટે એક SAR વેલ્યુ નક્કી કરી છે. SAR વેલ્યુનો મતલબ છે કે તમારો ફોન કેટલું રેડિએશન ઉત્સર્જીત કરે છે. કોઇપણ મોબાઇલની SAR વેલ્યુ જાણવાની રીત છે......*#07# ડાયલ કરો.

No comments:
Post a Comment