Wednesday, November 5, 2025

વૈજ્ઞાનિક અભિગમ

 



 

રૂઢિચુસ્તો કહેતા હોય છે કે, પશ્ચિમી દેશોએ આપણું સઘળું જ્ઞાન લૂંટી વિકાસ કર્યો અને આપણને ધારાવી ઝૂપડપટ્ટી પધરાવી દીધી. હાં, ભૂતકાળમાં આપણી પાસે વિકાસના કાર્યોના અઢળક ડેટા મળે છે જેમકે....સિંધુ સભ્યતાની એડવાન્સ નગર રચના, તેમાં મળેલ વજનના માપીયા વગેરે જે વાતનો ઈશારો કરે છે કે, આપણે ત્યાં વિજ્ઞાન તે સમયે ઘણું એડવાન્સ હતું. પણ....પણ....પછી એવું તે શું થયું કે, આપણે સેંકડો વર્ષ પાછળ જતા રહ્યાં અને તેઓ આગળ નીકળી ગયા? જવાબ છે....મિથ્યાભિમાન અને ધાર્મિક જડતા.

-

યાદરહે, વિજ્ઞાન કોઇ પશ્ચિમી દેશોનો ઇજારો નથી બલ્કે માનવ સર્જીત રચના છે જેને હર વ્યક્તિ હાંસિલ કરી શકે છે. વિજ્ઞાનની એક ખાસ વાત છે કે, તે કોઇપણ દાવાને સાબિતી વગર સ્વીકારતું નથી ભલે તે વાત ગમે તેટલી પુરાણી હો અથવા ગમે તેટલી મશહુર કેમ હો પરંતુ આપણે સાબિતી વગર સ્વીકારી લીધું. ઇસરોના વૈજ્ઞાનિકો(વૈજ્ઞાનિક અભિગમ વગરના) પણ પૂજા-પાઠ, મંદિર, ચોઘડિયા જેવી વાહિયાત વાતોમાં વિશ્વાસ ધરાવતા હોય, સ્કૂલો/મદ્રેસાઓ વગેરેમાં પ્રાર્થના/ઇબાદત નો અલગથી સમય ફાળવ્યો હોય, તે દેશોની આવનાર પેઢીને ઇશ્વર/અલ્લાહ સિવાય કોઇ બચાવી નહીં શકે.

-

વિજ્ઞાન કેવળ જાણવાનું સાધન નથી બલ્કે પરખવાનો/ચકાસવાનો સિદ્ધાંત છે. શું વિજ્ઞાન કેવળ સફેદ કોટ પહેરી લેબમાં કામ કરતા વૈજ્ઞાનિકોને કહેવાય? યા ફક્ત સ્કૂલોમાં ભણાવવામાં આવે છે તેને કહેવાય? અથવા તે પણ વિજ્ઞાન છે કે જે ખેડૂતોને વાદળની પેટર્ન જોઇને વિચારવા મજબૂર કરે છે કે આજે વરસાદ થશે? બિલકુલ બધી વસ્તુ વિજ્ઞાન અંતર્ગત આવે છે ખરી પરંતુ વિજ્ઞાનનો બુનિયાદી પાયો છે....સવાલ ઉઠાવો, વિચારો, પ્રયોગ/અવલોકન કરો અને પરિણામ હાંસિલ કરો.

-

હવે સવાલ ઉઠે છે કે....શું હર જ્ઞાન વિજ્ઞાન હોય છે? જી નહીં, હજી આપણે એવી સદીઓથી ચાલતી આવેલ વાતોને માનીએ છીએ જેનો કોઇ પુરાવો નથી. ઉદાહરણ તરીકે....શું જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર એક છે? બિલકુલ નહીં, જ્યોતિષશાસ્ત્ર આધાર પુરાવા વિનાનું એક બકવાસ શાસ્ત્ર છે જ્યારે ખગોળશાસ્ત્રની લગભગ વાતો સાબિત થયેલ છે. બીજું ઉદાહરણ....alchemy અને chemistry વચ્ચેનું છે. પુરાણા લોકો સમજતા હતા કે, સામાન્ય ધાતુને સોનું બનાવી શકાય છે કે જે ખોટું હતું. પછી આવ્યા Roger Bacon, Al-Razi અને Robert Boyle જેમણે alchemy ને chemistry માં બદલી નાંખ્યું. છે વિજ્ઞાનની તાકાત.

-

ત્રીજું ઉદાહરણ....જો કોઇ બાળક બીમાર પડ્યું તો આપણે હંમેશા એવું કહીએ છીએ કે, તેને નજર લાગી ગઇ. આપણું કોઇ કાર્ય બગડ્યું તો કહીએ કે...કોઇની બદ-દુઆ લાગી. બધી બાબતોનો વિજ્ઞાન સાથે કોઇ સંબંધ નથી. જો સંબંધ સાબિત કરવો હોય તો, તમારે ડેટા એકઠો કરવો પડશે અને સાબિત કરવું પડશે કે, કોઇની બદ-દુઆથી કોઇ વ્યક્તિ બીમાર પડી શકે કે જે અશક્ય છે.

-

વધુમાં, ઘણાં મિત્રો કહેતા હોય છે કે, આપણું વૈદિક વિજ્ઞાન અને પશ્ચિમી વિજ્ઞાન..... ભાઇ થોભો જરા! ધર્મ અને જાતિની જેમ વિજ્ઞાનના પણ તમે ભાગલા પાડશો? કોઇપણ સાબિત થયેલ થીઅરી હો જે તમારા અભિપ્રાય સાથે મેળ નથી ખાતી, તેને પશ્ચિમી વિજ્ઞાન કહી દેશો? અરે ભાઇ! છે તો વિજ્ઞાન ને! તો પછી સ્વીકારવામાં વાંધો શું છે? અહીંના ઘણા વિજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓને તેમણે સ્વીકાર્યા છે ને! તો પછી તમે શા માટે એવી જડતા પકડી રાખી છે કે, બધુ તો અમારા શાસ્ત્રોમાં પહેલાથી મૌજૂદ હતું. હસતા રહેવું સારી વાત છે પરંતુ હાસ્યાસ્પદ બનવું જોઇએ.

-

જો આપણે સવાલ નહીં ઉઠાવીશું, તો આવી વર્ષોથી ચાલતી આવેલ માન્યતાઓને ચેલેન્જ નહીં કરી શકીશું અને આજ કારણ છે કે, આપણા સમાજમાં સવાલ ઉઠાવવાની પ્રક્રિયાને મૃતપાય કરી નાંખવામાં આવી છે જેથી આવી માન્યતાઓ આગળ વધતી રહે. માટે હર એવી અસામાન્ય લાગતી વાત ઉપર સવાલ ઉઠાવો. માનવીના ગુણને વૈજ્ઞાનિક અભિગમ કહે છે.

 


No comments:

Post a Comment