મિત્રો, જો હું તમને કહું કે, હવે ભવિષ્યમાં....જ્વાળામુખી, ધરતીકંપ, સુનામી જેવી કુદરતી આફતોમાં જાનહાનિની શક્યતા લગભગ નહિવત હશે, તો શું તમે આ વાત સાચી માનશો? ભલે નહીં માનો પરંતુ આ વાત હકિકત બનવા જઇ રહી છે. કઇરીતે? વાંચો....
-
NISAR(Nasa Isro Synthetic
Aperture Radar), એ એક સેટેલાઇટ છે જે નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન છે. તેનું સ્પેસક્રાફ્ટ નાસાએ બનાવ્યું છે અને તે ભારત આવી પહોચ્યું છે. તેમજ ખૂબ ટૂંક સમયમાં તેને ઇસરોના gslv mark-2 દ્વારા અવકાશમાં રવાના કરવામાં આવશે. આ પ્રક્ષેપણ ખુબજ ઐતિહાસિક છે. કેમ? તેના બે કારણો છે...(1) આ મિશન નાસા અને ઇસરોનું સંયુક્ત મિશન છે. (2) આ મિશન પૃથ્વીના અવલોકન ઉપગ્રહ(Earth observation satellite) ની શ્રેણીમાં આજ સુધીનું સૌથી મોંઘુ અને મહત્વાકાંક્ષી મિશન છે. આ NISAR શું છે? શું કરી શકે છે? તેમજ તેને કેમ આટલું મહત્વ અપાઇ રહ્યું છે? તેના ઉદ્દેશ્યને જાણી તમારી આંખો પહોળી થઇ જશે. તો ચાલો શરૂ કરીએ રોમાંચક સફર...
-
સમગ્ર મુદ્દાને સમજવા માટે સૌપ્રથમ તમારે નીચે મૌજૂદ એક વિડીયો જોવો પડશે(વિડીયો નાસાની વેબસાઇટ ઉપરથી લેવામાં આવ્યો છે). તેમાં થોડી હલનચલન જોવા મળે છે, જેમાં એક પહાડ જેવી સંરચનાની ઉંચાઇમાં વધઘટ દેખાશે. તેનું જ્યારે અવલોકન કરવામાં આવ્યું તો ખબર પડી કે, 1992 થી 2001(જુઓ વિડીયોની નીચે મૌજૂદ ટાઇમલાઇન) સુધીનો ડેટા એવું કહી રહ્યો છે કે..આ જે ધરતીનો ભાગ છે તે ક્યારેક 10 સેન્ટિમીટર નીચે ચાલ્યો જાય છે, તો ક્યારેક 15 સેન્ટિમીટર ઉપર તરફ ઉઠે છે(જુઓ ઉપરી ડાબી બાજુ મૌજૂદ range displacement). આનો સ્પષ્ટ મતલબ એવો થાય કે...જો ધરતીની સપાટી નીચે જાય અથવા ઉપર ઉઠે છે, તો તેને વાંચી/અધ્યયન કરી શકાય છે. આ ટેકનોલોજીને InSAR(Interferometry Synthetic Aperture Radar) કહે છે.
-
જે સેટેલાઇટ આપણે લોન્ચ કરવા જઇ રહ્યાં છીએ, તે આ સઘળી બાબતોને પૃથ્વીથી 700 કિલોમીટર ઉપરથી આરામથી જાણી શકે છે. તેનાથી ફાયદો શું થશે? volcanic eruption(જ્વાળામુખી ફાટી નીકળવો), ધરતીકંપ, સુનામી અથવા ધરતીની નીચે કોઇ ચહલ-પહલ થઇ રહી છે, તેને અગાઉથી જાણી શકીશું અને પ્રત્યુત્તરરૂપે એક અલાર્મ(ચેતવણી) ઉત્પન્ન કરી શકીશું.
-
થોડું દ્રષ્ટાંત સાથે સમજીએ....તમે કોઇપણ રણની ઇમેજ સર્ચ કરાવીને જુઓ, તમને શું દેખાશે? ફક્ત રેતી...રેતી...અને રેતી. હવે નીચેની ઇમેજ જુઓ. શું દેખાય છે? તમને થશે આમાં તો કેવળ પહાડ, વાદળ જેવી આકૃતિઓ નજરે ચઢે છે. બીજું કંઇ નહીં. બસ, આજ કમાલ છે નવી ટેકનોલોજીની. આ ઇમેજ રણની જ છે, ફરક માત્ર એટલો છે કે તેને SAR દ્વારા લેવામાં આવી છે. હવે તેની ખાસિયત જુઓ..dry stream bed તરફથી જે ઘાટ્ટી લાઇનો દેખાઇ રહી છે, તે વાસ્તવમાં ત્યાં ભૂતકાળમાં કોઇક નદી વહેતી હોવાના સંકેત છે. અર્થાત આ ટેકનિક રેતીની નીચે(તેનો ભૂતકાળ) પણ જોઇ શકે છે. હજી નહીં સમજાયું હોય તો એક વધુ ઉદાહરણ જોઇએ...
-
જુઓ નીચેની ઇમેજ-1, કે જે એક નોર્મલ સેટેલાઇટ ઇમેજ છે. જેમાં એક ઘાટ્ટું જંગલ દેખાય છે. વચ્ચેથી એક નદી વહે છે અને અમુક જગ્યાએ નદીના ફાંટા દેખાય છે. ઓકે, હવે તે જ જંગલની નીચેની ઇમેજ-2 જુઓ...જેમાં પીળા કલરના કેટલાક ભાગો સ્પષ્ટ દેખાય છે. શું છે આ? વેલ, આ ભાગોમાં પાણી ભર્યું છે જેને ઘટાદાર જંગલ ઓથે નોર્મલ સેટેલાઇટ જોઇ નથી શકતું. છે ને કમાલ!! આવા ઘણા ઉદાહરણો છે પરંતુ ફિલહાલ અહીં અટકીએ. હવે તેની કાર્યપધ્ધતિ સમજીએ...
-
સામાન્ય સેટેલાઇટમાં passive સેન્સર્સનો ઉપયોગ થાય છે, કે જે ધરતી તરફથી આવેલ માહિતીને પકડે છે. ઉદાહરણ તરીકે...સૂર્યપ્રકાશ ધરતીને ટકરાયો, તે પરાવર્તિત થયો અને તેને સેટેલાઇટે ઝીલ્યો/કબજે કર્યો. હવે ધારોકે વચ્ચે વાદળ આવી ગયા, તો માહિતીનો લોપ થશે અર્થાત ઘણી મર્યાદિત માહિતી સેટેલાઇટ સુધી પહોંચશે. પરંતુ!! SAR માં આપણે સક્રિય(actively) ડેટા એકત્રિત કરીએ છીએ. કઇરીતે? તે જુઓ...
-
સેટેલાઇટ અમુક તરંગલંબાઇ(wavelength) ના સિગ્નલો પૃથ્વી તરફ મોકલે છે અને પછી પાછા તેને પકડે છે. આ એવી તરંગલંબાઇ છે જેને વાદળો પણ નથી રોકી શકતાં. માટે દિવસ હોય કે રાત, વાદળ હોય કે ન હોય આ સેટેલાઇટને કોઇ ફરક પડતો નથી. તેની ટેકનિકલ કાર્યપધ્ધતિ એક પોષ્ટમાં સમજાવવી શક્ય નથી. માટે જે મિત્રોને જાણવાની ઉત્સુકતા હોય તેઓ માટે નાસાની વેબસાઇટ ઉપર સઘળી માહિતી મૌજૂદ છે. આ સેટેલાઇટનો પાથ polar orbit છે અને તે 12 દિવસમાં સઘળી ધરતીની ઇમેજ ખેંચી લેશે. અર્થાત દરેક 12 દિવસ પછી આપણી પાસે ધરતીનો નવો ડેટા હશે.
-
ટૂંકમાં, પૃથ્વી ઉપર બરફ પીગળી રહ્યો છે, સુનામી, ભૂકંપ, જવાળામુખી જેવી હોનારતો આવી રહી છે તેની a to z માહિતી આપણે આ સેટેલાઇટ દ્વારા મેળવી શકીએ છીએ અને તે પણ ઘટના ના ઘણાં સમય પહેલાં.
(મનીષ પુરોહિત દ્વારા)




No comments:
Post a Comment