11 સપ્ટેમ્બર 2023 ના દિવસે લિબિયામાં વિનાશક પૂર આવ્યું જેમાં અંદાજે 20,000 થી વધુ લોકોના મૃત્યુ થયા(કેટલાક તો હજીપણ લાપતા છે). જેનું કારણ ત્યાં આવેલ તોફાને એટલું બધુ પાણી વરસાદરૂપે વરસાવ્યું કે પાણીના બે ડેમ ધ્વસ્ત થઇ ગયા. તેમના ધ્વસ્ત થવાના કારણે નજીકના શહેર derna માં અંદાજે 30 મિલિયન ઘન મીટર જેટલું પાણી ફરી વળ્યુ. પરંતુ!! સવાલ એ ઉદભવે છે કે આખરે તોફાને લોકોને એટલો પણ મોકો ન આપ્યો કે તેઓ પોતાના જીવ બચાવી શકે?
-
લિબિયામાં(આપણી તુલનાએ) આમ તો ખુબ ઓછો વરસાદ પડે છે. derna ક્ષેત્રની વાત કરીએ તો અહીં સમગ્ર વર્ષનો સરેરાશ વરસાદ લગભગ 9 ઇંચ આસપાસ રહે છે પરંતુ પૂર પહેલાં ત્યાં ફક્ત ચોવીસ કલાકમાં જ 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. જરા વિચારો!! ફક્ત ચોવીસ કલાકમાં જ સમગ્ર વર્ષ કરતા લગભગ બમણો વરસાદ પડ્યો. આ એજ તોફાન હતું જેણે પહેલાં ગ્રીસ, બલ્ગેરિયા અને તુર્કીમાં તબાહી મચાવી. નિષ્ણાંતોનું કહેવું છે કે આ તોફાને લિબિયામાં જે તબાહી મચાવી છે તેના માટે બે કારણો જવાબદાર છે. (1) climate change (2) લિબિયાનું પોતાનું ગૃહયુદ્ધ. બંન્ને મુદ્દાને વિગતવાર સમજીએ...
-
પૂરનું કુદરતી કારણ એક તોફાન બન્યું જેનું નામ છે Daniel. ડેનિયલ એક લો પ્રેશર સિસ્ટમ છે. સામાન્યપણે એટલાન્ટિક મહાસાગરમાં નિર્માણ પામતા ઘણાં તોફાનોને મોરોક્કોમાં મૌજૂદ એટલાસ પર્વતમાળા રોકી દે છે અને અલ્જેરિયા, લિબિયા જેવા દેશોને તેમની સામે રક્ષણ આપે છે(જુઓ નીચેની ઇમેજ). પરંતુ!! ક્લાઇમેટ ચેન્જના કારણે હવે ત્યાંનું વાતાવરણ બગડવા માંડ્યું છે પરિણામે તોફાનો વિકરાળ બનતા જાય છે અને તેમને નાથવામાં આ પર્વતમાળા હવે વામણી પુરવાર થઇ રહી છે. કઇરીતે તે જુઓ...
-
આ તોફાન એક સાધારણ તોફાન જ હતું પછી તે એક બ્લોક સાથે ટકરાયું જેને ઓમેગા બ્લોક કહે છે(જુઓ નીચેની ઇમેજ). આ એક વિશાળ weather structure છે અર્થાત હવામાનનું એક એવું માળખું જેની નજીક જો કોઇ તોફાન ગયુ તો તે માળખું તે તોફાનને વિરાટ સ્વરૂપ આપી દે છે. આ સંરચના યુરોપ ઉપર સ્થિત છે. તેમાં બંન્ને તરફના નીચાણવાળા ભાગ ઠંડા વિસ્તારો છે જ્યારે મધ્ય ભાગ સૂકો તેમજ ગરમ છે. તાપમાનનો તફાવત તોફાનોને કદાવર તેમજ ખતરનાક બનાવે છે. આ બ્લોક ધીમેધીમે ખસે છે. તેની ખસવાની ગતિ ઘણી ધીમી છે પરંતુ જો કોઇ તોફાન તેની અડફેટે ચઢી ગયું તો તે ખુબ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તેમાંથી પસાર થઇ જાય છે.
-
લિબિયામાં પૂર વડે થયેલ તબાહીનું બીજું કારણ ત્યાંનું ગૃહયુદ્ધ છે. આ ગૃહયુદ્ધમાં ત્યાંની ઘણી રાષ્ટ્રીય સંપત્તિઓને નુકસાન થયું જેમકે ડેમ, એરપોર્ટ વગેરે. ઉપરથી ઘણાં દેશોએ લિબિયા ઉપર વિવિધ પ્રતિબંધો લગાવ્યા હતાં. ફળસ્વરૂપ નુકસાન પામેલ સંપત્તિઓની મરમ્મત માટે તેઓ પૈસા ન ફાળવી શક્યાં. પરિણામ નજર સામે છે 20,000 થી વધુ લોકોના મૃત્યુ.



No comments:
Post a Comment