Saturday, August 19, 2023

Future Space Technology

 


 

આવનાર દસ વર્ષની અંદર સ્પેસમાં શું થશે?

-

જો આપણે નાસાની વાત કરીએ તો, નાસાએ જ્યારે સ્પેસમાં ટેકનોલોજીનો વિકાસ કરવાનું વિચાર્યું, તો ઘણી એવી ટેકનોલોજી હતી જેનો પ્રાઇવેટ ક્ષેત્રમાં વ્યાપક ઉપયોગ થયો. ઉદાહરણ સિલિકોન વેલીનું લઇએ તો....સિલિકોન વેલીએ નાસા થકી high definition કેમેરા બનાવવાનું શીખ્યું. આજ કેમેરાનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં પણ ફિલહાલ થઇ રહ્યો છે. આજે આપણે વિવિધ imaging techniques વિષે જાણીએ છીએ, ઉદાહરણ તરીકે...MRI, PET, functional સ્કેન વગેરે. સઘળી ટેકનોલોજી યા તો નાસા દ્વારા આવી છે અથવા તો નાસાએ તેમને સુધાર કરવામાં આપણી મદદ કરી છે. જો સૂક્ષ્મ લેવલે જઇએ તો, કોષની ભીતરની માહિતી જાણવા વપરાતા માઇક્રોસ્કોપ પણ નાસાની દેન છે. નાસાની રિસર્ચને કારણે આજે ડબ્બામાં પેક કરેલ દૂધમાં ફેટી એસિડ(fatty acid) નું કુદરતી ઉત્પાદન આપણે હાંસિલ કરી શક્યા છીએ.

-

તો થઇ નાસાની વાત પરંતુ હવે ઘણી પ્રાઇવેટ કંપનીઓએ પણ સ્પેસ પ્રોગ્રામમાં જંપલાવ્યું છે. પરિણામે એવો અંદાજો છે કે આવનારા થોડાં વર્ષમાં સ્પેસ ઉદ્યોગ લગભગ 300 બિલિયન ડોલરના આંકડાને ઓવરટેક કરી જશે. તેથી વધુને વધુ અબજપતિઓ ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યાં છે. તેમનું વિઝન શું છે? કેવી-કેવી ટેકનોલોજીઓ આવી રહી છે તેમજ આપણે એટલેકે ઇસરોનું યોગદાન કેવુંક છે? ચાલો નજર કરીએ....

-

મનુષ્યોનું આવનાર દસ વર્ષનું લક્ષ્ય ઓછામાં ઓછું ચંદ્ર અને મંગળ ઉપર માનવવસ્તિ માટે બેઝ ઉભો કરવાનું છે. જો તમે હજી પણ એવું સમજી રહ્યાં હોય કે સ્પેસ પ્રોગ્રામને કેવળ સરકારી સંસ્થાઓ આગળ ધપાવી શકે તો તે તમારી ગલતફેહમી છે. એક ઉદાહરણ જોઇએ....આઇફોનનું જે બેઝ મોડેલ હતું તે સરકારના ભંડોળ દ્વારા સંચાલિત હતું. ત્યારબાદ ખાનગી કંપનીએ તેને હસ્તગત કરી તેમાં ટેકનોલોજીના નવા પ્રાણ ફૂંક્યાં. તો કહેવાનો મતલબ સરકાર આને દૂર સુધી નથી લઇ જઇ શકતી. તેથી ખાનગી ક્ષેત્રએ આમાં ઝંપલાવવું પડે છે.

-

તમે એરપોર્ટનું નામ તો સાંભળ્યું હશે પરંતુ શું સ્પેસપોર્ટનું નામ સાંભળ્યું છે? જી હાં, અમેરિકા સ્થિત સ્પેસપોર્ટ મારફતે ફ્લાઇટ સ્પેસ તરફ જાય છે(જુઓ નીચેની ઇમેજ). સ્પેસપોર્ટ Virgin Galactic કંપનીએ બનાવ્યું છે તેમજ તેનો ઉદ્દેશ્ય ફિલહાલ પ્રવાસનનો છે. 2019 માં સંપૂર્ણ થયેલ સ્પેસપોર્ટે 2020 થી ફ્લાઇટ શરૂ કરી દીધી છે. મુદ્દાને વિગતવાર સમજવા માટે virgin galactic spaceport લખી ગુગલમાં સર્ચ કરાવો એટલે સઘળી માહિતી(વિડીયો સહિત) પ્રસ્તુત થઇ જશે.



-

હવે આપણે માનવ અંગો સ્પેસમાં બનાવવા જઇ રહ્યાં છે. Techshot નામક એક કંપની છે જેણે કાર્ય આરંભી દીધું છે. માનવ અંગોને સ્પેસમાં શા માટે બનાવવા જોઇએ? કેમકે ત્યાં ગ્રેવિટિ ખુબજ ઓછી છે. તો? તેથી શું?? આને સમજવા એક ઉદાહરણ પાણીનું લઇએ. પૃથ્વી ઉપર પાણીને જે વસ્તુ/સાધનમાં નાંખશો તો તે જેતે વસ્તુનો આકાર આપોઆપ ધારણ કરી લેશે. જેમકે કોઇ ચોરસ વસ્તુમાં પાણીને નાંખ્યું તો તે ચોરસ બની જશે, ગોળ વસ્તુમાં નાંખ્યું તો તે ગોળ બની જશે વગેરે પણ સ્પેસમાં પાણીનો પોતાનો આકાર છે અને તેમાં રહેલ ઘટકો પણ એકબીજામાં દખલઅંદાજી કરતા નથી. એક ખુબજ મહત્વની વસ્તુ છે કે સ્પેસમાં forces ઘણાં ઓછા હોય છે. એટલામાટે ત્યાં જટિલ સંરચના બનાવવી ઘણી આસાન છે. બિલકુલ એવી રીતે Zblan નામક કંપનીએ ફાઇબર ઓપ્ટિક્સને replace કરવા માટે સ્પેસમાં કેબલ બનાવી નાંખ્યા છે જેનું નિર્માણ પૃથ્વી ઉપર કરવું લગભગ-લગભગ અશક્ય હતું.

-

ઉદાહરણો તો અઢળક છે પરંતુ હવે આપણે આવીએ ઇસરો ઉપર...ઇસરોએ દેશ માટે જે કર્યુ છે તે એક મિસાલ છે. કઇરીતે? વાંચો આગળ...ભારતમાં લગભગ 15 કરોડ ખેડૂત છે અને તેમની આજીવિકા ખેતી ઉપર નિર્ભર છે. ઇસરોની સેટેલાઇટ્સ ખેડૂતોને હવામાનની આગોતરી જાણકારી પહોંચાડી તેમના પાકને બરબાદ થતાં બચાવે છે. ભારતમાં લગભગ 90 કરોડ લોકો ગામડાઓમાં રહે છે, તેમના સુધી મેડિકલ સુવિધાઓ ટેલિમેડિસિન દ્વારા પહોંચાડવામાં આવે છે જેમાં ઇસરોની મુખ્ય ભુમિકા છે. ઇસરોએ મોકલેલ સેટેલાઇટ્સની મદદ વડે ગ્રામ્ય વિસ્તારના બાળકો ઓનલાઇન શિક્ષણ લઇ શકે છે. ટૂંકમાં ઇસરો કેવળ એક સ્પેસ એજન્સી નથી પરંતુ ભારતની જરૂરિયાત છે.

 

No comments:

Post a Comment