Saturday, June 17, 2023

તાળું અને ચાવી

 


 

તાળું અને ચાવી કઇરીતે કાર્ય કરે છે? પહેલાં એક દિલચશ્પ સવાલ....જથ્થાબંધ માત્રામાં કોઇપણ વસ્તુનું ઉત્પાદન કરવું સહેલું હોય છે, ભલે તે પેન હોય, મોબાઇલ હોય, કાર હોય કે વિમાન. તેમના વિવિધ ભાગોને એસેમ્બલ કરો, પેક કરો અને રવાના કરો. આવું એટલા માટે શક્ય છે કેમકે તેમની ડિઝાઇન સરખી હોય છે. પરંતુ!! તાળા અને ચાવી બધા અલગ હોય છે કેમકે જરૂરી છે કે બે તાળા અને ચાવી એકજેવા હો, નહીંતર તેમનો અર્થ નહીં રહે. માટે તાળા-ચાવી બનાવનાર કંપનીનું જથ્થાબંધ માત્રામાં પ્રોડક્સન કરવું તે પણ અલગ-અલગ તાળા-ચાવી સાથે(પાછા તાળા-ચાવી સસ્તા પણ હોય છે), તેમને કઇરીતે પરવડતું હશે? ક્યારેય વિચાર્યુ છે ખરૂં?

-

તાળા-ચાવી ઘણાં પ્રકારના હોય છે પરંતુ આપણે અહીં જનરલ અને વ્યાપક ઉપયોગમાં લેવાતા તાળા-ચાવીની વાત કરીશું. સૌપ્રથમ એક વાત યાદ રાખી લો, હર તાળું-ચાવી યુનિક નથી હોતું. જો એક કંપનીના 3125 તાળા લઇએ તો તેમાંથી બે તાળા એવા હશે જેમની ચાવીઓ સરખી હશે. સ્વાભાવિક છે કે કોઇ એક કંપનીના 3125 તાળા તો ખરીદશે નહીં. 3125 ની સંખ્યા ક્યાંથી આવી? આની ચર્ચા પહેલા જાણી લઇએ કે તાળું-ચાવી કાર્ય કઇરીતે કરે છે?

-

ચાવીને ધ્યાનથી જુઓ. તેમાં તમને થોડાં ખાડા અને ટેકરા દેખાશે(જુઓ નીચેની ઇમેજ-1), જેમાં ખાડા મહત્વના છે. ધ્યાનથી જોતા ખબર પડશે કે હર ખાડાની ઊંડાઇ અલગ-અલગ છે. આજ વસ્તુ એક ચાવીને બીજી ચાવીથી અલગ પાડે છે. તાળા-ચાવીની કાર્યપધ્ધતિ માટે નીચેની GIF ઇમેજ જુઓ. તાળામાં સૌથી ઉપર સ્પ્રિંગ હોય છે. તેની નીચે સરખા કદની પીન હોય છે પરંતુ સૌથી નીચે જે પીન હોય છે તેમની લંબાઇ અલગ-અલગ હોય છે અને પીન હર તાળાની અલગ હોય છે. તો થાય છે કંઇક એવું કે નીચેની પીનની લંબાઇ અલગ હોવાના કારણે એક ખાસ ચાવી તે પીનના ઉપરી ભાગ એટલેકે તાળાની મધ્ય લાઇનને બરાબર કરી નાંખે છે. પરિણામે ચાવી ફરી શકે છે અને તાળું ખુલી જાય છે. હવે જો કોઇ બીજી ચાવી નાંખવામાં આવે તો, ખાંચાઓની અલગ લંબાઇને કારણે પીન ઉપર-નીચે રહી જવા પામે જેથી તાળું ખુલી નથી શકતું(જુઓ નીચેની ઇમેજ-2).








-

માટે કંપનીએ કેવળ નીચેની પીનના ભાગ અલગ બનાવવા પડે છે. બાકી બધા તાળાના સમગ્ર પાર્ટ સરખા હોય છે. પીન હોય છે પાંચ તો પછી હર તાળાની ચાવી કઇરીતે અલગ હોય છે? અહીં ખાડાની ઊંડાઇ ભાગ ભજવે છે. એક નોર્મલ તાળામાં પાંચ વિવિધ ઊંડાઇનો એક ખાડો બનાવી શકાય છે. એક ખાડાની પાંચ વિવિધ ઊંડાઇ તો પાંચ ખાડાની પાંચ વિવિધ ઊંડાઇ સાથેના કુલ શક્ય combination કેટલાં? 5X5X5X5X5=3125. કંપનીના કોમ્પ્યુટરને એક તાળા-ચાવીની ડિઝાઇન ફાઇનલ કરવા માટે ફક્ત ચાર સેકન્ડનો સમય લાગે છે. આશા છે સઘળી વાત સમજાઇ ગઇ હશે.

 


1 comment: