1848 માં અમેરિકામાં રેલ્વે લાઇન નંખાઇ રહી હતી. પહાડોને તોડીને તેમાં રેલ્વે ટ્રેક નંખાઇ રહ્યાં હતાં. ત્યાં phineas gage નામનો એક 24 વર્ષીય યુવક કાર્ય કરી રહ્યો હતો. તેનું કાર્ય જમીનમાં બારૂદ નાંખી બાજુમાં એક temping rod(ઉભો સળીયો) ખોસી અને સુરક્ષિત અંતરે ઉભા રહી વિસ્ફોટ માટે સિગ્નલ આપવાનું હતું. સળીયો એટલા માટે ખોસવામાં આવતો હતો કે હરકોઇ જાણી શકે કે જે તે જગ્યાએ બારૂદ બિછાવેલ છે. પરંતુ!! એકવખત એવું બન્યું કે, સળીયો ખોસીને તે હજી થોડો જ દૂર ગયો અને બારૂદનો વિસ્ફોટ થયો. વિસ્ફોટનું કારણ static charge હતો. અર્થાત ઘર્ષણના કારણે static charge ઉદભવ્યો અને તેના કારણે એક સ્પાર્ક થયો જે વિસ્ફોટનું કારણ બન્યો.
-
ફળસ્વરૂપ સળીયો તેની ડાબી આંખની નીચેના ભાગેથી પ્રવેશી, માથાના ઉપરથી નીકળી અને 25 મીટર દૂર પડ્યો(જુઓ મુખ્ય ઇમેજ). તે સળીયો લગભગ એક મીટર લાંબો અને દોઢ ઇંચ પહોળો હતો. તાત્કાલિક સારવારથી તે બચી તો ગયો પણ સાથેસાથે તેના મગજના વિશ્લેષણ હેતુ એક ન્યૂરોસાયન્ટિસ્ટ dr. john martyn harlow ની નિમણુંક કરાઇ. ડોક્ટર પોતે પણ અચંબિત થઇ ગયા કે આખરે મગજમાં આટલો મોટો છેદ થવા છતાં આ વ્યક્તિ કઇરીતે જીવિત છે? તેમણે ઘણું રિસર્ચ કર્યુ અને કેટલાક રિસર્ચ પેપરો પણ પ્રકાશિત કર્યા.
-
ખેર! ત્રણ મહિના પછી phineas gage ને હોસ્પિટલમાંથી રજા અપાઇ. લોકો એવું માનવા લાગ્યા કે મગજના આ આગળના ભાગનું કોઇ મહત્વ નથી કેમકે phineas gage ના મગજના આગળના ભાગનો કેટલોક હિસ્સો તો બહાર પણ આવી ગયો હતો તેમ છતાં તે જીવિત અને સ્વસ્થ હતો તેમજ પરત નોકરી પણ કરવા માંડ્યો. મગજના આ ભાગને prefrontal cortex કહે છે(જુઓ નીચેની ઇમેજ). પરંતુ!! તેની આસપાસના લોકોને તેના વર્તનમાં ધીમેધીમે બદલાવ જોવા મળ્યો. દુર્ઘટના પહેલા તે ખુબ ઠંડા મિજાજનો, શાંત અને સરળ સ્વભાવનો હતો પરંતુ દુર્ઘટના બાદ તે impulsive(આવેશપૂર્ણ) બનવા માંડ્યો, નાની-નાની વાતોમાં ઉશ્કેરાઇ જતો. લોકો કહેવા માંડ્યા કે આ હવે પહેલા જેવો રહ્યો નથી, ક્યારેક ગુસ્સે ભરાઇ જાય તો ક્યારેક દોસ્તી પણ કરી લે, દૂરનું કંઇજ વિચારતો નથી વગેરે. અંતે તેણે નોકરી છોડવી પડી.
-
પરંતુ!! ત્રણ વર્ષ પછી તેનામાં ફરી પરિવર્તન આવવા માંડ્યું. તે પહેલા જેવો શાંત, સરળ સ્વભાવનો થવા માંડ્યો. વૈજ્ઞાનિકો પણ પરેશાન થઇ ગયા કે આવું શા માટે થયું? યાદરહે phineas gage ન્યૂરોસાયન્ટિસ્ટો માટે એક મિશાલ છે. તેની ઉપર એટલી બધી રિસર્ચ થઇ છે કે વાત જ ન પુછો. આજે પણ તેની ખોપરી(skull) મ્યુઝિયમમાં સલામત સચવાયેલી છે. તેના વિવિધ software, simulation બનાવવામાં આવે છે(જુઓ નીચેની ઇમેજ). હજીપણ તેની ઉપર રિસર્ચ થાય છે. તો સવાલ એ ઉદભવે છે કે આખરે એવું તે શું થયું કે phineas gage પોતાની લાગણીઓને કાબૂમાં ન રાખી શક્યો?
-
એ માટે આપણે prefrontal cortex ને સમજવું પડે. મગજનો આ ભાગ મનુષ્યોમાં અન્ય જાનવરોની તુલનાએ ઘણો મોટો હોય છે. ટૂંકમાં આજ ભાગ મનુષ્યોને મનુષ્ય બનાવે છે. કેમકે આ ભાગ જ લાગણીઓને કંટ્રોલ કરે છે, આના વડે જ લોજીકલ/રેશનલ થિંકિંગ થાય છે, પ્લાનિંગ-decision making થાય છે અને phineas gage નો આ ભાગનો જ કેટલોક હિસ્સો ડેમેજ થયો હતો. હવે થોડી અલગ વાત...શું તમે તમારી આસપાસ કોઇ phineas gage ને જોયો છે? શું તમારા ઘરમાં કોઇ phineas gage મૌજૂદ છે? જી હાં, તમારૂં બાળક!! તેનું વર્તન કંઇક અંશે phineas gage જેવું નથી હોતું? ક્યારેક જીદ્દી થઇ જાય છે, ક્યારેક હસવા માંડે છે, ક્યારેક રડવા માંડે છે.
-
તેનું કારણ છે phineas gage નો મગજનો સામેવાળો ભાગ(prefrontal cortex) ડેમેજ થયો હતો જ્યારે બાળકોમાં આજ ભાગ ખુબ ઓછો વિકસિત થયો હોય છે. આ ભાગ છેક ચોવીસ વર્ષે સંપૂર્ણપણે વિકસિત થાય છે. બાળકના મગજનો સૌપ્રથમ પાછળનો ભાગ વિકસિત થાય છે પછી ધીમેધીમે વિકાસ આગળ તરફ આવવા માંડે છે. જેને ટેકનિકલ ભાષામાં myelination કહે છે. કહેવાનું તાત્પર્ય બાળકો પાસે તો prefrontal cortex પુરેપુરૂ હોતુ જ નથી મતલબ તેમની સ્થિતિ તો બિલકુલ phineas gage જેવી જ થઇ. ઉપરથી આપણે તેમને એવું કહીએ છીએ કે જીદ નહીં કરવાની, ચૂપ રહેવાનું, મસ્તી નહીં કરવાની, નાની-નાની વાતોમાં શું રડવા બેસી જાય છે? આ તો એવી વાત થઇ માનો એક વ્યક્તિનો એક પગ નથી અને તેને વારંવાર એવું કહેવામાં આવે છે કે તું દોડતો કેમ નથી? જરા વિચારો...તે વ્યક્તિ કેવું મહેસુસ કરતો હશે? બિલકુલ આવું આપણે બાળકો સાથે કરીએ છીએ.
-
prefrontal cortex વિકસિત ન હોવા કારણે બાળકોનો વિચારવાનો અંદાજ આપણાથી તદ્દન ભિન્ન હોય છે. તેમને risk(જોખમ) ખુબજ ગમે છે જ્યારે આપણે જોખમથી ડરીએ છીએ, તેમને એક ટાયર ઉપર સાયકલ ચલાવવામાં thrill નજરે ચઢે છે જ્યારે આપણને તૂટેલા હાડકાં, તેમને દોસ્તી ખુબ ગમે છે જ્યારે આપણને લાગે છે કે તે બગડી જશે. કહેવાનો મતલબ અહીં પોઇન્ટ ઓફ વ્યૂનો બહુ મોટો ફરક હોય છે. આ સમયે તમે પોતાનું મગજ તે નાના બાળકો ઉપર ફીટ કરીને દુનિયાને જુઓ છો કે જે બરાબર નથી.
-
તેઓ એવા કાર્યો કરે છે જેમાં ઇજા થવાની ભરપૂર શક્યતાઓ છે પરંતુ આ તેમની જરૂરિયાત છે. તેમણે આ ઉંમરે મા-બાપની દેખરેખ હેઠળ અખતરાઓ કરવાના હોય છે કેમકે તેઓને ખબર હોય છે કે મા-બાપની દેખરેખ હેઠળ કરેલ અખતરાઓમાં જોખમ ઓછું હોય છે પરંતુ જો તેમણે આ અખતરાઓ આજે ન કર્યા તો કાલે બહારની દુનિયામાં આ અખતરાઓ તેમણે દુનિયાને સમજવા કરવા પડશે જેમાં નુકસાન વધુ હશે. આનો મતલબ હરગીઝ એવો નથી કે બાળકો જેમ કરે એમ કરવા દેવુ જોઇએ પરંતુ તેમની સાથે સમજણપૂર્વક વર્તવુ જોઇએ, કઠોરતા ન રાખવી જોઇએ બલ્કે જ્યારે તે જીદ/હેરાન કરે ત્યારે પ્રેમથી સમજાવવુ જોઇએ કે બેટા હું તારો ગુસ્સો સમજી શકું છું કેમકે જ્યારે હું પણ તારી ઉંમરનો હતો ત્યારે મારી સાથે પણ આવુ જ થતું હતું. ટૂંકમાં એમની વાત સાંભળો, સમજો અને તેનું નિરાકરણ પણ કરો.



No comments:
Post a Comment