પ્રકાશની ગતિ સ્પેસમાં 299792 કિલોમીટર/સેકન્ડ, પાણીમાં 225000 કિલોમીટર/સેકન્ડ, કાચમાં 200000 કિલોમીટર/સેકન્ડ તથા હીરામાં 124000 કિલોમીટર/સેકન્ડ હોય છે. તો શું અલગ-અલગ માધ્યમોમાં પ્રકાશની ગતિ બદલાતી રહે છે? જવાબ છે...નહીં!!
-
પ્રકાશની ઝડપ હર માધ્યમમાં હંમેશા નિશ્ચિત એટલેકે 299792 કિલોમીટર/સેકન્ડ જ હોય છે. વાસ્તવમાં બને છે એવું કે અપેક્ષાકૃત સઘન માધ્યમો જેમકે પાણીમાં પ્રવેશતા જ...પ્રકાશ પાણીના અણુઓથી ટકરાઇને અણુઓના ઇલેક્ટ્રોન્સ દ્વારા અવશોષિત થઇ જાય છે. આ ઇલેક્ટ્રોન્સ વળી નવા પ્રકાશકણોને જન્મ આપે છે. નવા પ્રકાશકણો ફરી પાછા આસપાસ મૌજૂદ ઇલેક્ટ્રોન્સ સાથે ટકરાય છે અને આ પ્રમાણે સમગ્ર પ્રક્રિયા પુનરાવર્તિત થતી રહે છે. અણુઓથી ટકરાઇ Absorption and Emission(શોષણ અને ઉત્સર્જન) ની પ્રક્રિયાના કારણે થયેલ time delay ના લીધે આપણને પ્રકાશગતિ ઓછી હોવાનું પ્રતિત થાય છે. વાસ્તવમાં પ્રકાશકણ એટલે કે ફોટોન, અણુઓ મધ્યે હંમેશા એક જ ગતિ એટલેકે 299792 કિલોમીટર/સેકન્ડે જ ચાલે છે.
-
સૂર્યના કેન્દ્ર, જ્યાં ન્યૂક્લિયર ફ્યૂઝનની પ્રક્રિયા વડે આ ફોટોન્સનો જન્મ થાય છે...ત્યાંથી સૂર્યની સપાટી સુધી આવતા આ ફોટોન્સને સરેરાશ 5000000000000000000000 ઇલેક્ટ્રોન્સથી ટકરાવુ પડે છે. પરિણામસ્વરૂપ સૂર્યના કેન્દ્રથી સપાટી સુધીનું લગભગ સાત લાખ કિલોમીટરનું અંતર કાપવામાં આ ફોટોન્સને લગભગ 10 લાખ વર્ષનો સમય લાગે છે. એકવખત સૂર્યની સપાટી પર પહોંચ્યા બાદ, આ ફોટોન્સ અવકાશમાં ચારેતરફ મુક્ત સફરે નીકળી જાય છે. પરંતુ!! સૂર્યમાંથી ચારેતરફ નીકળેલ સરેરાશ 50 કરોડ ફોટોન્સમાંથી એક ફોટોન એવો હોય છે જેની યાત્રા આશરે 500 સેકન્ડ બાદ પૃથ્વી ઉપર સ્થિત તમારી આંખો સાથે અથડાઇને સમાપ્ત થાય છે.
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment