શું તમે દુનિયાની સૌથી મોટી બેટરી જોઇ છે? ચર્ચા કરતા પહેલાં થોડી અલગ જાણકારી લઇ લઇએ...ચોમાસા દરમિયાન આપણે ત્યાં સારો એવો વરસાદ પડે છે પરંતુ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેની સચોટ વ્યવસ્થા આપણી પાસે નથી. આ કારણે ઉનાળા જેવી ઋતુ કે જેમાં પાણીની ઉપલબ્ધતા ખુબજ નજીવી હોય તેમાં પાણીની તીવ્ર અછત વર્તાય છે. માટે પાણીનો સંગ્રહ અતિઆવશ્યક છે. બિલકુલ આવુ જ વીજળીના સંગ્રહ માટે પણ કહી શકાય. કેમકે આપણે વીજળીને જોઇએ તેવી માત્રામાં સંગ્રહિત નથી કરી શકતાં. જો આપણને eco friendly વીજળી જોઇતી હોય તો, આપણે અશ્મિજન્ય બળતણનો વપરાશ બંધ કરવો પડશે.
-
આ પ્રકારના બળતણને જો આપણે બંધ કરીશું કે જેઓ ચોવીસ કલાક કાર્યરત રહે છે અને આપણને દિવસ-રાત સતત વીજળી ઉપલબ્ધ કરાવે છે, તો આપણે સ્થળાંતર કરવું પડશે renewable energy તરફ. અર્થાત આપણે શિફ્ટ થવું પડશે સોલાર પેનલ અને વિન્ડ-મિલ તરફ. આનો ફાયદો એ છે કે આ ટેકનિક વાતાવરણીય નુકસાનકારક નથી પરંતુ વાદળ આવી ગયા ત્યારે શું? રાત્રિના અંધકારમાં શું કરીશું? બિલકુલ એજ પ્રમાણે હવાની ગતિ એકદમ ધીમી થઇ જાય, ત્યારે પવનચક્કીને શું ધૂપબત્તી કરવી?
-
કહેવાનો મતલબ renewable energy ને આપણે, ન તો 24X7 ઉત્પન્ન કરી શકીએ છીએ ન તો ઉપયોગ. ચાલો માની લઇએ કે મુંબઇ જેવા શહેર માટેની વીજળી ખપત માટે આપણે એટલી માત્રામાં સોલાર પેનલ લગાવી દીધી કે જે મુંબઇની ચોવીસ કલાકની વીજળી ખપત પુરી કરી શકે પરંતુ સવાલ એ છે કે દિવસે તો કોઇ વાંધો નહીં આવે પરંતુ રાત્રિ માટેની વીજળીને સંગ્રહિત તો કરવી પડશે ને!! કેમકે સોલાર પેનલ રાત્રે તો વીજળી ઉત્પન્ન કરતી નથી. ટૂંકમાં દિવસ દરમિયાન ઉત્પન્ન થયેલ વીજળીને સ્ટોર તો કરવી પડશે ને? તેને સ્ટોર ક્યાં કરીશું? આટલી વિશાળકાય બેટરીઓ ક્યાંથી લાવીશું? કહેવાનો મતલબ તેને સંગ્રહિત કરવી ખુબજ જરૂરી છે.
-
હવે આનો તોડ વૈજ્ઞાનિકોએ કાઢી લીધો છે potential energy વડે. તેની ફોર્મ્યુલા છે...P.E=mgh. જેમાં h એટલે height(ઉંચાઇ) છે. અર્થાત જેમજેમ આપણે ઉંચાઇ વધારતા જઇએ તેમતેમ જે તે પદાર્થની potential energy(સંગ્રહિત ઉર્જા) વધતી જશે. એક વાત કહો...નદીમાં ઉર્જા વધુ હશે કે ઉંચાઇ ઉપરથી પડતા ધોધમાં કે જ્યાં પાવર પ્લાન્ટ લાગ્યા હોય? સ્વાભાવિક છે ધોધમાં વધુ હશે કેમકે તેની ઉંચાઇ વધુ છે.
-
માટે જો કોઇક રીતે પાણીને આપણે ઉંચાઇ ઉપર લઇ જઇએ તો તેમાં potential energy ને કેદ કરી શકાય અને પછી આપણી સગવડતા અનુસાર તે જ પાણીને ફરી નીચે વહેવડાવી તેમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય. ઘણાં દેશોએ આ દિશામાં કાર્ય કરવાનું શરૂ કરી પણ દીધું છે. જેમાં સૌથી મોખરે છે ચીન. ફિલહાલ ચીન 36390 મેગા-વોટ જેટલી ઉર્જા આ રીતે ઉંચાઇ ઉપર તળાવો બનાવીને તેમાં સંગ્રહ કરે છે. 29912 મેગા-વોટ સાથે અમેરિકા બીજા નંબરે છે. ચીન હજી આ પ્રકારના મોટા-મોટા પાવર સ્ટોરેજ સ્ટેશનો બનાવી રહ્યું છે(જુઓ મુખ્ય ઇમેજ).
-
હવે અહીં સવાલ ઉભો થાય કે પાણીને ઉપર ચઢાવવા માટે પણ તો પમ્પની જરૂર પડશે અને તેમાં પણ વીજળીની જરૂર તો પડશે જ! જી બિલકુલ, તે જ વીજળી એકરીતે પાણીમાં ઉર્જા સ્વરૂપે કેદ થઇ ગઇ. પરંતુ!! અહીં યાદરહે કે આ સઘળું કાર્ય આપણે દિવસ દરમિયાન એટલેકે સોલાર એનર્જી ઉપલબ્ધ હોય ત્યારે કરવાનું હોય છે. છતાં, તેની કાર્યક્ષમતા 80% જેટલી છે. અર્થાત પાણીને ઉપર મોકલવા માટે જો 100 યુનિટની જરૂર પડી તો, જ્યારે પાણી નીચે આવશે તો આપણને 80 યુનિટ મળશે. ટૂંકમાં સઘળું યુનિટ ફાયદાકારક છે.

No comments:
Post a Comment