વીસમી શતાબ્દીના પ્રારંભમાં જ્યારે આઇનસ્ટાઇન સાપેક્ષતાવાદના પેપર લખી રહ્યાં હતાં ત્યારે તેઓ જાણતા ન હતાં કે આ પેપરના શબ્દોમાંથી નીકળેલ એક અડધા ઇંચનું જાદુઇ સમીકરણ
માનવતાને મહાવિનાશના એવા હથિયારો પકડાવી દેશે જેના પ્રતાપે માનવી પોતાના તથા સમગ્ર પૃથ્વીના અસ્તિત્વને ભૂંસી નાંખવાની સ્થિતિએ પહોંચી જશે.
-
એક પરમાણુ બોમ્બ કેટલો વિનાશ વેરશે, તે ઘણી વસ્તુઓ ઉપર નિર્ભર કરે છે. જેમકે...બોમ્બ નાંખતી વખતનું મૌસમ, બોમ્બ નાંખવાની જગ્યા, બોમ્બ જમીન ઉપર ફૂટશે કે આકાશમાં વગેરે. એક પરમાણુ બોમ્બની 35% ઉર્જા ઉષ્મા સ્વરૂપે હોય છે. ઉદાહરણ તરીકે...એક મેગાટન ક્ષમતાવાળા(હિરોશિમા ઉપર નંખાયેલ બોમ્બથી 80 ગણો વધુ શક્તિશાળી) પરમાણુ બોમ્બની વાત કરીએ તો, તેના વિસ્ફોટથી ઉત્પન્ન થયેલ ચમક દિવસે 21 કિલોમીટર દૂર તથા રાત્રે 85 કિલોમીટર દૂર સુધી મૌજૂદ કોઇપણ વ્યક્તિને અંધ કરી નાંખવા માટે પર્યાપ્ત હશે. વિસ્ફોટના સ્થાનથી લગભગ 10 કિલોમીટર વ્યાસના ક્ષેત્રનું તાપમાન લગભગ ત્રણ લાખ ડીગ્રી જેટલું થઇ જશે કે જે, તે ક્ષેત્રમાં મૌજૂદ જીવિત માનવના શરીરને મૂળભૂત કણોમાં વિખંડિત કરવામાં સક્ષમ હશે. વિસ્ફોટ થકી ઉદભવેલ શક્તિશાળી આઘાત તરંગો બધી દિશાઓમાં ફેલાઇ તે ક્ષેત્રમાં મૌજૂદ સઘળી ઇમારતોને જમીનદોસ્ત કરી નાંખશે.
-
વિસ્ફોટથી ઉત્પન્ન શક્તિશાળી ગામા-અલ્ટ્રાવાયોલેટ તરંગો મનુષ્યોના શરીરમાં મૌજૂદ DNA ને નુકસાન પહોંચાડી આવનાર પેઢી માટે અસાધ્ય રોગોનું કારણ બનશે. જે મનુષ્યો આ વિસ્ફોટથી યેનકેન પ્રકારે બચી જશે, તેમની માટે ચિંતાનો વિષય radioactive fall out હશે. વિસ્ફોટના કારણે હવામાં ભળેલ રેડિયોએક્ટિવ ધૂળકણ સેંકડો કિલોમીટરની યાત્રા કરી અન્ય શહેરો ઉપર ફરી વળશે. આ fall out નો સંપર્ક માનવ જીવન માટે બેહદ ખતરનાક છે. એક મેગાટન બોમ્બ વિસ્ફોટથી ઉદભવેલ fall out લગભગ બે અઠવાડિયા સુધી અસ્તિત્વમાં રહેશે અને ત્યાંસુધી નાગરિકોએ જીવન સુરક્ષિત રાખવા માટે પોતાના ઘરોમાં કેદ થઇને રહેવું પડશે.
-
આ વાત ફક્ત એક મેગાટન ક્ષમતાવાળા પરમાણુ બોમ્બની થઇ રહી છે. આજે દુનિયામાં આનાથી પણ લાખો ગણી વધુ ક્ષમતાવાળા પરમાણુ બોમ્બ વિકસિત થઇ ચૂક્યાં છે. કેવળ અમેરિકા અને રશિયા પાસે સંયુક્તરૂપે આજે 15000 થી વધુ પરમાણુ બોમ્બ મૌજૂદ છે. આજે દુનિયાની અડધાથી વધુ જનસંખ્યા લગભગ 4400 શહેરોમાં વસે છે. અર્થાત અગર અમેરિકા અને રશિયા ધારે તો દુનિયાના પ્રમુખ શહેરોને નષ્ટ કરી શકે છે, છતાં તેમની પાસે 10000 થી વધુ બોમ્બ શેષ બચશે. દુનિયા આજે આણ્વિક હથિયારોના ઢગલા ઉપર બેઠી છે. એક મામૂલી તણખો આ ઢગલામાં આગ લગાવી માનવતાનો વિનાશ કરવા માટે પર્યાપ્ત છે. હર દેશ પાસે આણ્વિક હથિયારો વિકસિત કરવા માટેના પોતાના કારણો છે. આજે જ્યારે દનિયામાં હજારો પરમાણુ બોમ્બ મૌજૂદ છે ત્યારે દુર્ઘટના થવી પણ સામાન્ય વાત છે.
-
એક દ્રષ્ટાંત....1961, 23 જાન્યુઆરીના દિવસે 4 મેગાટન ક્ષમતાના એક પરમાણુ બોમ્બને લઇ જતું એક અમેરિકન વિમાન B-52 પોતાનું નિયંત્રણ ગુમાવી ઉત્તર કેરોલિના પ્રાંતમાં ખાબક્યું. બોમ્બ વિસ્ફોટની પ્રક્રિયા શરૂ થઇ ગઇ. સદનસીબે માત્ર એક સેફ્ટી સ્વિચ એવી હતી જે ચાલુ થવાની રહી ગઇ. ઘટના તો જો કે ટળી ગઇ પરંતુ જો આ વિસ્ફોટ થઇ ગયો હોત તો તે દિવસે કેરોલિનાનો ઇતિહાસ અને ભૂગોળ સદાય માટે બદલાઇ ગયો હોત. કેમકે આ બોમ્બ હિરોશિમા ઉપર નંખાયેલ બોમ્બ કરતા 260 ગણો શક્તિશાળી હતો.
-
આ તો થઇ આણ્વિક હથિયારો વડે થતી ખુંવારીની વાત પરંતુ વૈજ્ઞાનિકો અનુસાર અસલ ખતરો આણ્વિક યુદ્ધ નહીં પણ યુદ્ધ પછી આવનારો શિતયુગ છે(Nuclear Winter). આણ્વિક યુદ્ધનું સૌથી ગંભીર પરિણામ પૃથ્વીની મૌસમ(ઋતુઓ) માં બદલાવ હશે. એવું અનુમાન છે કે 100 નાના પરમાણુ બોમ્બનો પ્રયોગ લગભગ 11 અબજ પાઉન્ડ રાખ અને ધૂળને વાતાવરણમાં ઠાલવી દેશે. આ રાખ સૂર્યના કિરણોથી ગરમ થઇ ઉંચે ચઢવા માંડશે અને પૃથ્વીના પરિભ્રમણને કારણે વાતાવરણમાં ચાદરરૂપે ફેલાઇ સૂર્યના કિરણોને પૃથ્વી સુધી પહોંચતા રોકશે. આનાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. એક ડિગ્રી ભલે સાંભળવામાં વધુ ના લાગતું હોય પરંતુ એટલું યાદરાખો કે પૃથ્વીના પર્યાવરણમાં નાનો અમસ્તો બદલાવ વિનાશનું કેટલું મોટું કારણ બની શકે, તેના પ્રત્યક્ષ ઉદાહરણો મૌજૂદ છે.
-
સન 1815, ઇન્ડોનેશિયામાં તમ્બોરા જ્વાળામુખી ફાટ્યો. એક લાખ લોકોના જીવન છીનવી લીધા બાદ જ્વાળામુખીથી લગભગ 36 ઘન-માઇલ રાખ અને ધૂળના વાદળો વાતાવરણમાં ફેલાઇ ગયા. જેના કારણે પૃથ્વીનું તાપમાન ફક્ત અડધો ડિગ્રી ઓછું થઇ ગયું હતું. આ ઘટના પછીનું વર્ષ એટલેકે 1816, ઇતિહાસમાં Year without Summer ના રૂપે નોંધાયેલ છે. આયરલેન્ડમાં મહામારીઓથી 65 હજાર લોકો મૃત્યુ પામ્યાં. ઇંગ્લેન્ડ જેવા દેશોમાં ઉનાળાની ઋતુ જ ન આવી. ઉનાળામાં પણ લોકોની સવાર હિમવર્ષા વડે થતી હતી. ખેતીનું ચક્ર નષ્ટ થવાથી જગત ત્રાહિમામ પોકારી ગયું. સમગ્ર દુનિયામાં લાખો લોકો મરી ગયા અને આ બધુ પૃથ્વીનું તાપમાન કેવળ અડધો ડિગ્રી ઘટી જવાના કારણે થયું. જો આજે એક અપેક્ષાકૃત નાનું પરમાણુ યુદ્ધ પણ થશે તો વૈજ્ઞાનિકોનું આંકલન છે કે આના પર્યાવરણ ઉપર ઘણા દુષ્પ્રભાવો જોવા મળશે, જેનું પરિણામ કોઇ દેશે નહીં બલ્કે સંપૂર્ણ માનવતાએ વેઠવું પડશે.
-
પોષ્ટ લખવા પાછળનો ઉદ્દેશ્ય જીવનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવાનો છે. આપણે એ સમજવું પડશે કે જે વિજ્ઞાને આપણાં ઘરોને વીજળી વડે ઝળહળતા કર્યા; મોબાઇલ, ફ્રીજ, કમ્પ્યુટર, સેટેલાઇટ વડે આપણું જીવન સુગમ બનાવ્યું છે તે જ વિજ્ઞાન આપણા અંતની ગાથા લખવામાં પણ સક્ષમ છે. એક માચીસની દિવાસળી જો કોઇના ઘરનો ચૂલો સળગાવી શકે છે, તો તે જ દિવાસળી કોઇનું ઘર પણ સળગાવી શકે છે. ટાઇટન-2 મિસાઇલનો આવિષ્કાર માનવીએ આણ્વિક હથિયારોના પરિવહન માટે કર્યો હતો અને આજ ટાઇટન મિસાઇલે પછીથી તે અંતરિક્ષ યાત્રીઓને સ્પેસમાં પહોંચાડયા જેમણે ચંદ્ર ઉપર માનવતાના પગલાની પ્રથમ છાપ અંકિત કરી.
-
આજે આપણે જે કંઇ વિજ્ઞાન થકી શીખીએ છીએ, તે એક ચાવી સમાન છે. આજ ચાવી ખોટાં હાથોમાં જવાથી નરકનો દરવાજો પણ ખોલી શકે છે. વિજ્ઞાન આપણને એ નથી કહેતું કે ચાવીનો ઉપયોગ કઇરીતે કરવાનો છે? આ નિર્ણય આપણે સ્વયં કરવાનો છે. આપણે એટલેકે હોમો સેપિયન્સે.
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment