Tuesday, October 11, 2022

ધાતુના છોડ

 

શું તમે ક્યારેય એવો છોડ જોયો છે, જેના પાંદડાઓ ઉપર ધાતુ(metal) લાગતી હોય? તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આવા છોડવાઓ અસ્તિત્વ ધરાવે છે અને હવે તેમની કાયદેસર ખેતી થઇ રહી છે કે જેઓ પોતાના પાંદડાઓમાં ધાતુઓનો સંગ્રહ કરે છે.
-
વાતની શરૂઆત કરીએ એક ટાપુ(island) નો ઉલ્લેખ કરીને કે જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ઘણો નજીક છે. જેનું નામ છે New Caledonia. હકિકતે આ ક્ષેત્ર નાનાં-નાનાં ટાપુઓનો સમુહ છે. અહીં છોડવાઓની 3000 પ્રજાતિઓ છે. આ પ્રજાતિઓ દુનિયાની અન્ય પ્રજાતિઓથી અલગ છે. હકિકતે આ ક્ષેત્રમાં ખુબજ મોટા પ્રમાણમાં નિકલ મળી આવે છે. એમ કહો કે નિકલના પ્રતાપે આ ક્ષેત્ર માલામાલ છે. કેમકે નિકલ ઘણી મોંઘી ધાતુ છે. તેને કાટ નથી લાગતો માટે તેનો બેટરીઓમાં, ઇલેક્ટ્રોપ્લેટીંગ વગરેમાં વ્યાપક પ્રમાણમાં વપરાશ થાય છે. તો આ બધા કારણોસર ત્યાં નિકલને કાઢવા તેમજ પ્રોસેસ કરવા માટે ફેક્ટરીઓ અને ખાણકામ સુરંગો બનાવવામાં આવી છે(જુઓ નીચેની ઇમેજ). જાણીને નવાઇ લાગશે કે સમગ્ર દુનિયાનું 10% નિકલ અહીંથી નીકળે છે. અહીં 7.1 મિલિયન ટન નિકલ મૌજૂદ છે.


-
હવે આવીએ મુખ્ય મુદ્દા ઉપર. અહીંના વૃક્ષોની છાલની પાછળ લીલા કલરનું એક ઘટ્ટ પ્રવાહી મળી આવે છે(જુઓ નીચેની ઇમેજ). જેને સામાન્ય ભાષામાં SAP કહે છે. આ લીલો કલર નિકલનો છે. નિકલનું શુધ્ધ સ્વરૂપ લીલાશ પડતું હોય છે. આ વાત વૈજ્ઞાનિકો માટે ખુબજ અચરજપૂર્ણ હતી કે નિકલ એક ઝેરીલી ધાતુ હોય છે, તો વૃક્ષો આને શોષી કઇરીતે જીવિત રહી શકે છે? ત્યાંના વૃક્ષોની અંદર નિકલની માત્રા 20 થી 25% જેટલી હોય છે. આવા વૃક્ષોને Hyper Accumulator Plants કહેવામા આવે છે. આ વૃક્ષો જમીનમાં મૌજૂદ ધાતુઓને ખેંચી ધીમેધીમે ઉપર તરફ ધકેલે છે. અહીં ઘણું રિસર્ચ થઇ રહ્યું છે. આ રિસર્ચને phytomining તરફ લઇ જવાઇ રહી છે. અર્થાત જમીનની ધાતુને વૃક્ષો મારફત ઉપર લાવવું. આ સઘળા કાર્યમાં જે સૌથી એક્ટિવ વૈજ્ઞાનિક કાર્ય કરી રહ્યાં છે તેમનું નામ છે Anthony Van Dar Ent. તેઓ University of Queensland માં કાર્યરત છે.


-
હવે સવાલ એ ઉદભવે છે કે ધાતુ જ્યારે તે વૃક્ષોના કોષ(cell) માં દાખલ થાય છે ત્યારે કોષ મૃત્યુ કેમ નથી પામતો? અધ્યયન બાદ ખબર પડી કે ધાતુ વૃક્ષના તે ભાગમાં નથી જતું જે કેષોમાં ક્લોરોફિલ મૌજૂદ હોય(યાદરહે ક્લોરોફિલ વૃક્ષોની food factory છે). બલ્કે તે કોષની ઉપર અને નીચેની દિવાલ પર એકઠું થાય છે. વૃક્ષોની food factory અકબંધ રહેવાના કારણે તેઓનો ઉછેર થતો રહે છે. કેમકે તેમની food factory અને metal factory બંન્ને અલગ-અલગ હોય છે અને તેમનો આપસમાં કોઇજ સબંધ નથી હોતો. આ વૃક્ષો ઘણી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તેમજ ઇકોફ્રેન્ડલી હોવાના કારણે વાતાવરણને પણ નુકસાનકર્તા નથી.
-

યુરોપ ખંડનો એક દેશ જેનું નામ છે Albania. ખુબજ ગરીબ રાષ્ટ્ર છે. ગરીબીનું એક મહત્વનું કારણ છે...ત્યાંની જમીન. ત્યાંની ઘણીખરી જમીનમાં કોઇ જાતની ખેતી નથી થતી એટલેકે ઉજ્જડ છે. જેના કારણે ત્યાં ઉદ્યોગો પણ વિકસિત થઇ શક્યાં નથી. ઘણાં દાયકાઓ સુધી લોકો પરેશાન રહ્યાં કે એવું તે શું છે ત્યાંની જમીનમાં કે કોઇ ખેતપેદાશો થતી નથી? જેના બી વાવો તે તબાહ થઇ જાય? ઘણાં સમય સુધી નિરૂત્તર રહેલાં પ્રશ્નનો જવાબ, જેમજેમ વિજ્ઞાને પ્રગતિ કરી તેમતેમ મળતો ગયો.

-

અધ્યયન કરતા ખબર પડી કે ત્યાંની જમીનમાં તો મોટાપાયે ધાતુઓ(metals) મૌજૂદ છે અને તે પણ heavy metals. આવા ભારે ધાતુઓની હાજરીમાં લગભગ કોઇપણ છોડવાઓ જન્મી નથી શકતાં. પરંતુ!! અહીં એક એવો છોડ પ્રચુર માત્રામાં મળી આવતો હતો જેનો કોઇજ ફાયદો હતો. જેની ઉપર કોઇ ફળ લાગતું હતું, તેની કોઇ વેલ્યુ છે, ત્યાંસુધી કે આને કોઇ જાનવર પણ ખાવાનું પસંદ નહોતા કરતાં છતાં ઠેરઠેર તે આપમેળે ઉગી નીકળતો હતો. તેનું નામ છે Alyssum Murale(જુઓ નીચેની ઇમેજ).



-

રિસર્ચમાં સામે આવ્યું કે, છોડમાં 20 થી 25% જેટલું નિકલ સામેલ હતું. વૈજ્ઞાનિકો અચંબિત થઇ ગયા અને તેમને આખરે જણાયું કે છોડ તો બહુ ઉપયોગી છે. કોઇપણ જાતના ખાણકામ વગર છોડવાઓ જમીનમાં રહેલ ધાતુને શોષીને આપણને સપાટી ઉપર ઉપલબ્ધ કરાવતા હતાં. પછી તેમણે ગણતરી કરીને અંતે તારણ આપ્યું કે જો તમારે 100 કિ.ગ્રા. નિકલ મેળવવું હોય તો છોડવાઓને એક હેક્ટરમાં વાવો(શરત છે કે તે જમીનમાં નિકલ મૌજૂદ હોવું પડે). આને ટેસ્ટ કરવા માટે વિવિધ પ્રકારના સાયન્ટિફિક X-Ray ડિટેક્ટર્સ બનાવવામાં આવ્યા(જુઓ નીચેની ઇમેજ).



-

અત્યારસુધી આપણે છોડવાઓની એવી 721 પ્રજાતિઓને ઓળખી શક્યા છીએ કે જેઓ hyper accumulators છે. મતલબ તેઓ ધાતુઓને પોતાનામાં ગ્રહણ કરી શકે છે. હવે ઘણાંના મનમાં સવાલ ઉદભશે કે શું આજ પ્રમાણે સોનું(gold) ને પણ વગર ખાણકામે સપાટી ઉપર લાવી શકાય? જી હાં, બિલકુલ લાવી શકાય પરંતુ તે માટે ઘણી રિસર્ચ થવી બાકી છે. ફિલહાલ આની ઉપર કાર્ય કરી રહ્યાં છે ફ્રાન્સના એક વૈજ્ઞાનિક જેમનું નામ છે....Guillaume Echevarria. તેમણે ઓલરેડી એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ છે....Agromining: Farming for metals. પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે કઇરીતે આપણે એવા છોડવાઓ લગાવી શકીએ જેઓ જમીનમાંથી ધાતુને ખેંચી શકે!

-

મજેદાર વાત છે કે, પ્લેટિનમ(કે જે એક ખુબજ કિંમતી ધાતુ છે) ને અગર આપણે mining(ખાણકામ) કરીને બહાર કાઢીએ તેના કરતા 100 ગણું વધુ પ્લેટિનમ ખેતી દ્વારા મેળવી શકીએ છીએ. ખાણકામ દ્વારા ઘણાં ગેસ વાતાવરણમાં ભળે છે જે ગ્લોબલ વોર્મિંગ વધારે છે. ટૂંકમાં phytomining ખાણકામ કરતા તદ્દન અલગ ટેકનોલોજી છે. અંતમાં, શું આપણી યુનિવર્સિટીઓએ પ્રકારની રિસર્ચ કરવી જોઇએ? ક્યાંસુધી આપણે શાસ્ત્રોમાંથી ખોબલે-ખોબલે મિથ્યા જ્ઞાન કાઢતા રહીશું?

No comments:

Post a Comment