આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની ભૂમિના લોકો છીએ જ્યાં 'संशयात्मा विनश्यति' અને 'श्रद्धावान लभते ज्ञानम्' આપણને વારસામાં મળેલા છે. અર્થાત શંકા રાખવાથી વિનાશ થાય છે અને શ્રદ્ધા રાખવાથી જ્ઞાન મળે છે. આ બે બાબતોની સાથે આધુનિક જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ કઇરીતે રાખવો? લોકોમાં વિજ્ઞાન ઉપર સંદેહ પહેલા કરતા વધ્યો છે અને આ કારણે લોકો ભ્રમિત પણ થાય છે.
-
જેમકે કોરોનાની રસી લેવી અથવા ન લેવી, એ માત્ર વ્યક્તિગત નિર્ણય ગણી શકાય નહીં. રસી જ્યારે કોઇ વ્યક્તિને આપવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ અને સમાજ બંન્ને સ્તરે કાર્ય કરે છે. વ્યક્તિમાં તે જે તે રોગને થતો અટકાવે છે અને આ પ્રમાણે સમાજમાં તે રોગને ફેલાતો અટકાવે છે. સમાજમાં વ્યક્તિગત રસીકરણને કારણે રોગના ફેલાવામાં આવનારી બાધાને વિજ્ઞાનની ભાષામાં 'હર્ડ ઇમ્યુનિટી' કહે છે. મતલબ મોટી સંખ્યામાં લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે ત્યારે સમાજમાં તે રોગ ફેલાતો અટકે છે. આવા સંજોગોમાં જ્યારે કોઇ વ્યક્તિ 'મારૂં શરીર, મારી મરજી' નો રાગ આલાપે છે ત્યારે તે સામાજીક સ્તરે ઘણું નુકસાન કરી રહ્યો હોય છે. આ દરેકે સમજવાની જરૂર છે.
-
લોકો તર્કના માધ્યમથી સમસ્યાઓનું સમાધાન નથી શોધતા બલ્કે તેઓ એ વાતો ઉપર ભરોસો મૂકે છે જે તેમને સાચી પ્રતીત થાય. પરંતુ!! વિજ્ઞાન કેવળ પ્રતીતિના સ્તરે તથ્યને સત્ય માનવાની મનાઇ કરે છે. તમે જે જુઓ છો અથવા અનુભવો છો તે ખોટું પણ હોય શકે છે. આવી સ્થિતિમાં દ્રષ્ટિ કે અનુભવથી ઉપર ઉઠી સત્ય શોધવાની અને સમજવાની જરૂર છે પરંતુ જ્યારે વિજ્ઞાન અને બજારની સાંઠગાંઠ થાય છે ત્યારે સામાન્ય માણસનો વિજ્ઞાન ઉપર એવો વિશ્વાસ નથી રહેતો જેવો સમાજના સ્વસ્થ સંચાલન માટે જરૂરી છે.
-
વિજ્ઞાનની કસોટીઓ આજે પહેલા કરતા વધુ મોંઘી બની છે. આવી સ્થિતિમાં સરકાર અથવા ખાનગી કંપનીઓ દ્વારા વૈજ્ઞાનિક સંશોધન માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વધતા જતા ખાનગીકરણના યુગમાં વિજ્ઞાનના વિકાસની જવાબદારી જે રીતે ધીમેધીમે ખાનગી ક્ષેત્ર તરફ જઇ રહી છે, તેનાથી લોકોના મનમાં વૈજ્ઞાનિક સંશોધનના ઇરાદા અંગે શંકાઓ થવી સ્વાભાવિક છે. કોરોનાની રસી હોય કે ઘૂંટણનું પ્રત્યારોપણ, લોકો સારવારની દરેક આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિ પર શંકા કરે છે.
-
માહિતી તબીબી ક્ષેત્રની હોય કે અન્ય ક્ષેત્રની, ઇન્ટરનેટ દ્વારા ઘણા લોકો સુધી પહોંચી રહી છે પરંતુ મોટાભાગના લોકો ઇન્ટરનેટ પરથી માહિતી મેળવતી વખતે સ્ત્રોતની યોગ્યતા તપાસતા નથી. તેઓ સમાચાર તો વાંચે છે પરંતું શું અને કેવીરીતે વાંચવું તે જાણતા નથી. બીજી તરફ ઇન્ટરનેટ પણ ચતુરાઇથી એજ સમાચાર વાચકો સુધી પહોંચાડે છે, જે તેમની ઇચ્છા મુજબના હોય. આવી સ્થિતિમાં, માહિતીના સબંધમાં એક પ્રકારનો પૂર્વગ્રહ જન્મ લે છે. જેને confirmation bias કહે છે. આ પૂર્વગ્રહના કારણે આપણે ફક્ત તે જ સમાચાર, માહિતી અને તથ્યો ઉપર ભરોસો કરીએ છીએ જે આપણી પૂર્વ-સ્થાપિત માન્યતાઓ સાથે સુસંગત હોય. જે પણ સમાચાર, માહિતી અને તથ્યો આપણી માન્યતાઓને હચમચાવી નાખે છે, તેને આપણે નકારીએ છીએ.
-
બજાર સાથેની સાંઠગાંઠને કારણે આધુનિક ચિકિત્સા પધ્ધતિની છબી કલંકિત થઇ છે એમાં કોઇ શંકા નથી. લોકો જ્યારે વિજ્ઞાનના પ્રતિનિધિને બજારના ખોળામાં બેઠેલો જુએ છે ત્યારે તેઓનો વિશ્વાસ માત્ર વૈજ્ઞાનિક જ નહીં પરંતુ સમગ્ર વિજ્ઞાન અને વિજ્ઞાનચિંતનમાંથી ઉઠવા માંડે છે. આ એક ખતરનાક સ્થિતિ છે જેના અનેક સ્વરૂપો આજે આપણને આખી દુનિયામાં નાના-મોટાં સ્તરે જોવા મળે છે.
-
આપણે સમજવું પડશે કે વિજ્ઞાનમાં કોઇ એક વ્યક્તિ સત્ય સ્થાપિત કરી શકતી નથી. એક આખી શોધ-શ્રૃંખલા હર વૈજ્ઞાનિક સત્યને વારંવાર ચકાસે છે અને જ્યારે તે અસત્ય હોવાનું જણાય છે ત્યારે તેને દ્ઢપૂર્વક ખારિજ કરવામાં ક્ષણભરનો વિચાર નથી કરતી. વિજ્ઞાનને પોતાના સત્યો પ્રતિ કોઇ પૂર્વાગ્રહ નથી, વિજ્ઞાન ત્યાંસુધી જ તેમની સાથે રહે છે જ્યાંસુધી તેઓ પરીક્ષણમાં સાચા સાબિત થતાં હોય. આવી સ્થિતિમાં કોઇ એક વ્યક્તિ દ્વારા કંઇપણ ઘોષિત કરવાથી કે નકારવાથી, કંઇપણ સાબિત નથી થતું.
-
માટે વૈજ્ઞાનિક સમાજે જનતા સાથે સીધો, સ્પષ્ટ અને સત્યપૂર્ણ સંવાદ સ્થાપિત કરવો જોઇએ. તેણે એ અહેસાસ કરાવવો જોઇએ કે તે જનપ્રતિનિધિ છે, લોકોનો શુભેચ્છક છે. તેના માટે બજારના હિત પ્રાથમિક નથી, ભલે તેને આર્થિક સંસાધનો બજાર ઉપલબ્ધ કરાવતા હોય. વૈજ્ઞાનિક સત્યોને ચકાસવા માટે લોકોએ પણ ભાવનાત્મક પૂર્વગ્રહોમાં ફસાવું જોઇએ નહીં, અન્યથા તેઓ પોતાનું જ મોટું નુકસાન કરશે.
(સ્કંદ દ્વારા)

No comments:
Post a Comment