આજે આપણી પૃથ્વી માટે જો કોઇ સૌથી મોટો દાનવ હોય તો તે છે....ગ્લોબલ વોર્મિંગ. જો કે તેના માટે જવાબદાર, વિશ્વની સૌથી બુદ્ધિશાળી પ્રજાતિના ખ્યાલમાં રાચતા આપણે તુચ્છ મનુષ્યો છે. વેલ, હવે આવીએ છોડવાઓ તરફ....તમને વાકેફ કરાવીએ એક ડોક્ટરથી...કે જેઓ Salk Institute ના પ્રોફેસર છે અને તેમનું નામ છે Joanne Chory(જુઓ મુખ્ય ઇમેજ). તેઓ જણાવે છે કે આવનારા દસ વર્ષની અંદર આપણે કંઇક કરવું પડશે અન્યથા ગ્લોબલ વોર્મિંગ આપણને ભરખી જશે. આ માટે તેઓ જણાવે છે કે આપણે છોડવાઓ તરફ આપણું ધ્યાન દોરવું પડશે.
-
એક વૃક્ષ વાતાવરણમાંથી કાર્બનડાયોક્સાઇડ ગ્રહણ કરી પોતાનામાં સ્ટોર કરી લે છે. જ્યારે તે વૃક્ષ મૃત્યુ પામે છે ત્યારે તેમાંથી બાયોમાસ બને છે. તે બાયોમાસને આપણે સળગાવી ફરી કાર્બનડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરીએ છીએ. ફરી નવું વૃક્ષ ઉગે છે અને વાતાવરણમાંથી કાર્બનડાયોક્સાઇડને ગ્રહણ કરે છે. આ પ્રમાણે આખું ચક્ર ચાલતું રહે છે. એવું નથી કે મનુષ્યના આગમન પહેલાં કાર્બનડાયોક્સાઇડ વાતાવરણમાં ઠલવાતો નહોતો, જંગલોમાં આગ લાગતી હતી તેમજ વૃક્ષો પણ કાર્બનડાયોક્સાઇડ ઉત્પન્ન કરતાં હતાં પરંતુ મનુષ્યોના આગમન બાદ ચિત્ર બદલાઇ ગયું. કઇરીતે તે જુઓ....
-
જમીન લગભગ 727 ગીગાટન કાર્બનડાયોક્સાઇડ વાતાવરણમાં ઠાલવતી હતી પરંતુ વૃક્ષો વધુ હોવાના કારણે 746 ગીગાટન કાર્બનડાયોક્સાઇડ પાછો વૃક્ષો મારફતે જમીનમાં શોષાતો હતો. તો આ એક એવું ઇકોસિસ્ટમ હતું જે વ્યવસ્થિતરૂપે ચાલતું હતું. પછી એન્ટ્રી થઇ માનવીની...જેણે વૃક્ષો કાપ્યા, શહેરીકરણ કર્યું, ઉદ્યોગો સ્થાપ્યા. પરિણામે વધુ કાર્બનડાયોક્સાઇડ વાતાવરણમાં ઠલવાયો. હાલમાં લગભગ 37 ગીગાટન જેટલો વધારાનો કાર્બનડાયોક્સાઇડ માનવી મુક્ત કરી રહ્યો છે. તેથી મુકત CO2 ની માત્રા 727+37=764 થઇ ગઇ કે જે શોષિત CO2 ની માત્રા 746 કરતાં 18 ગીગાટન વધી ગઇ. યાદરહે આ માત્રા એક વર્ષની છે. મતલબ આ વર્ષે 18 ગીગાટન, આવતા વર્ષે બીજા 18 ગીગાટન એમ નિરંતર હરવર્ષ વધુને વધુ CO2 વાતાવરણમાં ઠલવાઇ રહ્યો છે. જો તમે CO2 નો ગ્રાફ જોશો તો તે હંમેશા ઉપર જતો જ જોવા મળશે(જુઓ નીચેની ઇમેજ).
-
આનું એક નિવારણ એ છે કે આપણે વૃક્ષોમાં ફેરફાર કરવા પડશે. આપણે એવા વૃક્ષો વાવવાં પડશે જેના મૂળીયાં ઘણાં મોટાં અને લાંબા હોય જેથી વધુમાં વધુ CO2 તેમાં સંગ્રહિત રહે અને ઓછો CO2 વાતાવરણમાં ઠલવાય(જુઓ નીચેની ઇમેજ-1). આનું સૌથી ઉત્તમ ઉદાહરણ Mangrove નું વૃક્ષ છે(જુઓ નીચેની ઇમેજ-2). આ પ્રકારના વૃક્ષો તૈયાર કરવા માટે આપણે તેમના જીનોમ સાથે છેડછાડ કરવા પડશે. આ વૃક્ષો કાર્બનને પોલિમરના સ્વરૂપે સંગ્રહિત કરશે. પોલિમર આપણને ઘણાં છોડવાઓમાં મળે છે, જેમકે બટાકાની છાલમાં, ટામેટાની છાલમાં વગેરે. જો કોઇક રીતે આ પોલિમરનો જથ્થો વૃક્ષોમાં આપણે વધારી દઇએ તો વધુ કાર્બન વૃક્ષોમાં સંગ્રહિત રહી શકે છે.
-
આ માટે mustard ફેમિલીના એક છોડ ઉપર રિસર્ચ કરવામાં આવ્યું. આ છોડની પસંદગી એટલા માટે કરવામાં આવી કેમકે તેનો જીનોમ ઘણો નાનો છે તેથી તેમાં છેડછાડ આસાનીથી થઇ શકે છે. પરિણામ ઘણું સારૂં મળ્યું. Joanne Chory એ એવા ઘણાં છોડ બનાવ્યા છે જેમના મૂળમાં વધુ પોલિમર હોય(જુઓ નીચેની ઇમેજ). તો આ એક પ્રકાર/એક શરૂઆત છે જેના વડે આપણે ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકીએ છીએ. હજી આની ઉપર ઘણું રિસર્ચ થઇ રહ્યું છે.