Saturday, August 6, 2022

Cloud Brightening

 


 

માનવીય હસ્તક્ષેપના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી ગયું છે. પ્રતિવર્ષ સમુદ્રોનું જળસ્તર 3 મિલિમીટર જેટલું વધી રહ્યું છે. અગર ધ્રુવો ઉપર વર્તમાનમાં મૌજૂદ સમસ્ત બરફ પીગળી જાય તો સમુદ્રોનું જળસ્તર લગભગ 70 મીટર જેટલું વધી જવા પામે. ત્યારે સમુદ્રી કિનારે વસેલા મહાનગરોનું શું થશે? રીપોર્ટ કહે છે કે 2050 સુધી મુંબઇ, કરાચી, સિંગાપોર, માલદીવ, ન્યૂયોર્ક, શંઘાઇ, બિજીંગ, હોંગકોંગ જેવા દરિયા નજીકના શહેરોમાંથી આશરે 40 કરોડ લોકોને સ્થળાંતર કરવા પડશે. જરા વિચારો સ્થળાંતર, રાજ્યોની તેમજ ઘણાં દેશોની સરહદોની સંપૂર્ણ પરિભાષા બદલી નાંખશે. એક રેફ્યુજીને હાલની તારીખે કોઇ આશરો આપવા તૈયાર નથી ત્યારે 40 કરોડ રેફ્યુજીઓને ક્યાં સમાવશો? કોઇ સમજાવશે?

-

મુદ્દાને થોડો twist કરીએ. શું આપણે એવી કોઇ ટેકનોલોજી અપનાવવી નહીં જોઇએ, જે ગ્લેશિયરને પીઘળતા રોકે? રિસર્ચમાં વાત સામે આવી છે કે ગ્લેશિયર પીઘળતા તેમની નીચે મૌજૂદ મિથેન ગેસ બહાર નીકળવાનું શરૂ થઇ જાય છે. યાદરહે, મિથેન ગેસ એક ગ્રીનહાઉસ ગેસ છે. જે પૃથ્વીના તાપમાનને વધારે છે. તકલીફનું નિવારણ છે....વાદળ. કેમકે ધરતી ઉપર આવતા સૂર્યના જેટલા પણ રેડિયેશન છે તેના 31% ને વાદળ પાછા રવાના કરી દે છે સ્પેસમાં. સિવાય 20% ને આપણું વાતાવરણ શોષી લે છે. બાકીના 49% રેડિયેશન જમીન સાથે ટકરાયને infrared રેડિયેશનમાં પરિવર્તિત થઇ જાય છે એટલેકે ગરમી ઉત્પન્ન કરે છે.

-

જો આપણે 31% રેડિયેશનને(કે જે વાદળ પરાવર્તિત કરે છે) કોઇરીતે વધારી શકીએ તો આપણી પૃથ્વીનું સરેરાશ તાપમાન નીચું આવશે. વિચાર આપણને આવ્યો કેવીરીતે? જ્યારે આપણે કેટલીક સેટેલાઇટ ઇમેજ જોઇ ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યાં-જ્યાંથી વિમાનો પસાર થાય છે ત્યાંના વાદળો ઘણાં પરાવર્તિત(reflective) થઇ જાય છે. કેમકે જ્યાંથી વિમાનો પસાર થાય છે ત્યાં તેમના exhaust દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ જેવા અન્ય રસાયણો નીકળે છે. જે વાદળની reflectivity ને વધારી દે છે. આજ વાત વૈજ્ઞાનિકોને સ્પર્શી ગઇ અને તેમણે વિચાર્યું કે વાદળની reflectivity ને વધારીએ તો?

-

વાદળોને પરાવર્તિત બનાવવા માટેના ઘણાં રસ્તા છે. જેમકે...તેમની પહોળાઇ વધારી દો અથવા તેની અંદર મૌજૂદ પાણીની માત્રા વધારી દો વગેરે. પાણીની માત્રા વધારવાનો મતલબ એવો નથી કે પાણીના ટીપાંની સાઇઝ મોટી કરી દઇએ બલ્કે રિસર્ચ જણાવે છે કે જે વાદળમાં પાણીના ટીપાં નાના હોય તે વાદળ વધુ પરાવર્તિત હોય છે. માટે આપણે aerosol નો ઉપયોગ કરવો પડશે. aerosol એવો સુક્ષ્મ કણ હોય છે જે વાતાવરણમાં મૌજૂદ હોય છે અને તેની આસપાસ પાણીનું બિંદુ બને છે. ટૂંકમાં એરોસોલ વાદળો માટે એક બીજ(seed)નું કાર્ય કરે છે. જેટલાં એરોસોલ વધુ એટલાં ટીપાંની સાઇઝ નાની.

-

હવે સવાલ ઉદભવે છે કે એરોસોલને વાદળ સુધી પહોંચાડવું કઇરીતે? જવાબ છે...પ્રદૂષણ. જ્યાં પ્રદૂષણ વધુ હોય ત્યાં એરોસોલ વધુ હોય છે. એક વિમાનના એકઝોસ્ટમાં પણ એરોસોલ હોય છે. તેથી ત્યાં આસપાસના વાદળો વધુ પરાવર્તિત થઇ જાય છે. પરંતુ!! સમુદ્રો ઉપરનું વાતાવરણ ઘણું સ્વચ્છ હોય છે તેથી ત્યાં એરોસોલ લગભગ ગેરહાજર હોય છે. જેના કારણે ત્યાંના વાદળો વધુ પરાવર્તિત નથી હોતાં. સમુદ્રોએ પૃથ્વીનો મોટો ભાગ રોક્યો છે માટે આપણે કંઇક એવું કરવું પડશે જેના કારણે ત્યાંના વાદળો પરાવર્તિત થાય. જેથી સમુદ્રો ઉપર પડનારી ગરમી ઓછી થાય.

-

માટે ઘણી યુનિવર્સિટિઓ રિસર્ચ કરી રહી છે. સમગ્ર પ્રોજેક્ટને Marine Cloud Brightening Project કહે છે. સમુદ્રી વાતાવરણમાં એરોસોલની માત્રા વધારવા માટે આપણે વિવિધ પ્રકારના તરતા ઓટોમાઇઝરનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છીએ(જુઓ નીચેની ઇમેજ). જે સમુદ્રોના પાણીમાં મૌજૂદ મીઠા(salt) ના કણોને નાના ટીપાંમાં ભરી વાતાવરણમાં સ્પ્રે કરશે. 2020માં ઓસ્ટ્રેલિયામાં એક પ્રયોગ થઇ પણ ચૂક્યો છે. પરંતુ!! ઘણાં એવા વિસ્તારો પણ છે જ્યાં દૂર સુધી કોઇ સમુદ્ર નથી. શું ત્યાં પણ ટેકનિકનો ઉપયોગ થશે? ખબર નથી પરંતુ રિસર્ચ ઘણું કરાઇ રહ્યું છે.

 


 

No comments:

Post a Comment