Saturday, July 23, 2022

Brain death and Coma

 


 

હોસ્પિટલમાં લવાયેલ મૂર્છિત/અચેત વ્યક્તિ કોમામાં પણ હોય શકે છે અથવા બ્રેન ડેડ પણ હોય શકે છે. ફક્ત બે પરિસ્થિતિઓ નહીં જેમાં ડોક્ટરોએ તફાવત કરવાનો હોય પરંતુ વ્યક્તિ વેજીટેટિવ અવસ્થા(vegetative state)માં પણ હોય શકે છે, લોક્ડ-ઇન-સિન્ડ્રોમમાં પણ. દરેક એકબીજાને મળતી અવસ્થાઓ છે. જે કોમામાં છે, વેજીટેટિવ અવસ્થામાં છે, લોક્ડ-ઇન-સિન્ડ્રોમમાં છે, તે હજી પણ જીવિત છે પરંતુ જે બ્રેન ડેડ છે, તેનું સંપૂર્ણ મગજ સદાય માટે મૃત થઇ ચૂક્યૂં છે અને તે પુનર્જીવિત નહીં થઇ શકે.

-

સવાલ છે કે, બ્રેન ડેડ વ્યક્તિની ઓળખાણ ડોક્ટરો કેવીરીતે કરે છે? આનો વિસ્તૃત ઉત્તર તો ઘણો લાંબો છે. છતાં, થોડાં મુખ્ય મુદ્દા જોઇ લઇએ...સૌપ્રથમ સુનિશ્ચિત કરવું પડે કે દર્દીના શરીરનું તાપમાન સામાન્ય છે કે નહીં? સાથેસાથે પણ જાણવું જરૂરી છે કે તે વ્યક્તિ કોઇ દવાના પ્રભાવમાં તો નથીને? કેમકે જો તેના શરીરનું તાપમાન ઓછું છે અને તે કોઇક દવાના પ્રભાવ હેઠળ છે તો તપાસ દરમિયાન તે રિફલેક્સ ઓછું પ્રદર્શિત કરશે જેથી દર્દી બ્રેન ડેડ હોવાનો ભ્રમ ઉત્પન્ન થાય છે. રિફલેક્સ શું છે?

-

મગજમાંથી ખાસ પ્રકારની તંત્રિકાઓ નીકળે છે જેને cranial nerves કહે છે. તંત્રિકાઓને કારણે આપણે સઘળા રિફલેક્સ પ્રદર્શિત કરી શકીએ છીએ. જેમકે કોઇ મોઢામાં આંગળી નાંખે તો આપણને ઉબકા(ઉલટી) ની અનુભૂતિ થાય છે. આંખ ઉપર કોઇક વસ્તુનો સ્પર્શ થવાથી પાંપણ બંધ થઇ જાય છે. બધુ cranial nerve થી સંચાલિત છે અને cranial nerve રિફલેક્સની શ્રેણીમાં આવે છે. આપણાં શરીરમાં બાર(12) cranial nerve છે અને તેમના થી નિર્મિત અનેક cranial-nerve- reflex થાય છે. જેમની ડોક્ટરો દ્વારા ચકાસણી કરવામાં આવે છે. બ્રેન ડેડ વ્યક્તિ એકપણ cranial-nerve-reflex પ્રદર્શિત નથી કરતો.

-

વ્યક્તિ વેન્ટિલેટર ઉપર છે. વેન્ટિલેટરના કારણે તેના લોહીમાં ઓક્સિજનની માત્રા જળવાઇ રહે છે અને કાર્બનડાયોક્સાઇડનો બહાર નિકાલ કરાઇ રહ્યો છે. વેન્ટિલેટર દરઅસલ કુત્રિમ ફેફસાની ગરજ સારે છે. હવે ડોક્ટર તેને વેન્ટિલેટર ઉપરથી હટાવી દે છે. તે વ્યક્તિ પોતે તો શ્વાસ લઇ નથી શકતો માટે તેના લોહીમાં કાર્બનડાયોક્સાઇડની માત્રા વધવા માંડે છે. માત્રા એક નિશ્ચિત સીમા થી જ્યારે વધવા માંડે છે ત્યારે વ્યક્તિના મગજનું શ્વસન-કેન્દ્ર ફેફસાને શ્વાસ લેવાનો આદેશ આપે છે. પરંતુ!! જો વ્યક્તિ બ્રેન ડેડ હોય તો તેનું શ્વસન-કેન્દ્ર પણ મૃત હોવાનું ને? સ્થિતિમાં લોહીમાં કાર્બનડાયોક્સાઇડની માત્રા વધતી જાય છે છતાં વ્યક્તિ શ્વાસ લેવાનો કોઇ પ્રયત્ન નથી કરતો. સાથેસાથે તે વ્યક્તિનું EEG(electroencephalogram) કોઇ હિલચાલ પ્રદર્શિત નથી કરતું. EEG એક પરીક્ષણ છે જે મગજની વિદ્યુત ગતિવિધિને માપે છે. તમામ પરીક્ષણોમાં થોડો સમય લાગે છે અને તે પછી જો ડોક્ટરોને મગજમાં જીવનના કોઇ ચિહ્ન મળે તો તેઓ વ્યક્તિને બ્રેન ડેડ ઘોષિત કરે છે. બ્રેન ડેડનો અર્થ મૃત્યુ સમજવો જોઇએ. સામાન્ય લોકોએ એવો ભ્રમ રાખવો જોઇએ કે તેમાં કેવળ મગજનું મૃત્યુ થાય છે.

-

ઘણીવાર લોકો કોમા અને બ્રેન ડેડને એક વસ્તુ માનવાની ભૂલ કરે છે. તેઓ વિચારે છે કે જે કોમામાં છે તે બ્રેન ડેડ પણ છે. જી નહીં, બંન્ને વસ્તુ ભિન્ન છે. કોમામાં રહેલ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. તે વ્યક્તિ સમય જતાં કોમામાંથી બહાર નીકળી ભાનમાં પણ આવી શકે છે અથવા તેનું મૃત્યુ પણ થઇ શકે છે. અર્થાત કોમામાંથી પરત ફરી પણ શકાય છે અને નહીં પણ. પરંતુ!! બ્રેન ડેડ એટલેકે મસ્તિષ્ક-મૃત્યુથી પરત ફરવું સંભવ નથી. જેનું બ્રેન ડેડ થઇ ગયું, તેનું મૃત્યુ થઇ ચૂક્યું છે. તો પછી બ્રેન ડેથમાં 'બ્રેન' લગાડવાની જરૂર શું છે? શું જૂનો શબ્દ ડેથ(મૃત્યુ) અપૂરતો હતો કે આપણે આ નવો શબ્દ 'બ્રેન ડેથ' લઇ આવ્યા? જવાબ છે આજના સમયમાં કેવળ મૃત્યુ શબ્દ બિલકુલ અપર્યાપ્ત છે. અઢળક લોકો આજે ઘર કે સડક ઉપર નહીં પરંતુ હોસ્પિટલોમાં મૃત્યુ પામે છે. તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમને શ્વાસ લેવા માટે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે, ઘણી દવાઓ આપવામાં આવે છે. જેના કારણે તેમનું હ્રદય ધબકતું રહે છે.

-

આઇસીયુમાં દાખલ કોમાના દર્દીઓને ડોક્ટરો દ્વારા નિયમિત તપાસવામાં આવે છે. કયા ડોક્ટરો? ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એટલેકે ઇન્ટેન્સિવિસ્ટ. જેઓ આઇસીયુ સંભાળે છે. તેઓ નક્કી કરી શકે છે કે દર્દી હજુપણ કોમામાં છે કે પછી બ્રેન ડેડ થઇ ચૂકી છે. જો કોમામાં હોય તો તે હજીપણ જીવિત છે માટે તેને બચાવવાના પ્રયત્નો કરતા રહેવા જોઇએ. શક્ય છે કે તે કોમામાંથી બહાર આવી જાય! પરંતુ જો તે બ્રેન ડેડ છે, તો પછી ગમે તે કરો, તે ફરી જીવિત નહીં થાય. આવા વ્યક્તિને વેન્ટિલેટર અને દવાઓના ઉપચારથી મુક્તિ આપવી જોઇએ. હાં, જો તે વ્યક્તિએ જીવિત અવસ્થામાં અંગદાનની ઇચ્છા જાહેર કરી હોય તો વેન્ટિલેટર વડે તેનું હ્રદય ધબકતું રાખવું પડે કેમકે આજ સમય છે કે જ્યારે તેના અંગો કાઢી શકાય. જેથી જરૂરિયાતમંદ વ્યક્તિમાં તે અંગોનું પ્રત્યારોપણ થઇ શકે.

-

ટૂંકમાં, મગજના મૃત્યુ પછી પણ અન્ય અવયવોને મેડિકલ સહાયતાથી કાર્યરત રાખી શકાય પરંતુ તેને જીવવું નથી કહેવાતું. મગજનું મૃત્યુ અર્થાત વ્યક્તિનું મૃત્યુ. બ્રેન ડેડ વ્યક્તિની કિડની મૂત્ર બનાવી શકે છે, હ્રદય ધબકતું રહી શકે છે, લીવર રક્તશુદ્ધિ કરી શકે છે, ફેફસા વેન્ટિલેટરની મદદથી ઓક્સિજન લઇ શકે છે. જો બધુ થઇ શકતું હોય તો ગર્ભાશયમાં બાળકની વૃદ્ધિ પણ થઇ શકે છે. આખરે ગર્ભાશય અને તેમાં રહેલું બાળક પણ માતાનું એક અંગ છે ને!

-

કોમા અને બ્રેન-ડેથ વચ્ચે તફાવત કરવો કાયદાકીય રીતે પણ જરૂરી છે. કોમામાં રહેલ વ્યક્તિને હોસ્પિટલના આઇસીયુ માંથી રજા આપવી તેને મૃત્યુ તરફ ધકેલવા જેવું કામ છે. કોમામાં રહેલ વ્યક્તિના અંગો કાઢી શકાતા નથી કેમકે તે જીવિત છે. પરંતુ!! બ્રેન ડેડ થયેલ વ્યક્તિના અંગો કાઢી શકાય છે કે જેની તેણે જીવતા જીવત ઇચ્છા વ્યક્ત કરી હતી.

 


 

No comments:

Post a Comment