ધારોકે તમારા મોબાઇલનું વજન 200 ગ્રામ છે. હવે તમે કોઇ movie ડાઉનલોડ કરો છો, તો શું તમારા મોબાઇલનું વજન વધી ગયું હશે? જવાબ છે....હાં..પરંતુ વજનનો તે વધારો એટલો સુક્ષ્મ હશે કે તેને આપણે માપી નથી શકતાં. કહેવાનો ભાવાર્થ છે કે આજસુધી એવી કોઇ ટેકનિક ઉપલબ્ધ નથી કે જે આટલાં સુક્ષ્મ વજનના ફેરફારને માપી શકે.
-
જ્યારે કોઇક ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં ડેટાને સ્ટોર કરવામાં આવે છે, તો તે ડેટા તેની મેમરી ડ્રાઇવમાં સંગ્રહિત થાય છે. આ ડ્રાઇવમાં ઘણાં બધા ટ્રાન્ઝિસ્ટર લાગેલ હોય છે, કે જે ઇલેક્ટ્રોનના આવવાથી અથવા જવાથી જે સિગ્નલ મળે છે તેની ઉપર કાર્ય કરે છે. ઉંડાણમાં ન ઉતરી ફક્ત એટલું સમજી લઇએ કે જ્યારે પણ ઉપકરણમાં માહિતી સ્ટોર થાય તો ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જવા પામે અને આપણે સૌ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું વજન હોય છે. જે લગભગ 9.109×10^−31 કિ.ગ્રા જેટલું હોય છે.
-
અમેરિકાના પ્રોફેસર John .D.
Kubiatowicz એ ગણતરી કરી હતી કે, 3GB ની એક કિંડલ જ્યારે સંપૂર્ણપણે ચોપડીઓ વડે ભરાય જાય છે ત્યારે તેનું વજન 10^−18 ગ્રામ જેટલું વધી જાય છે. આ આંકડો ખુબજ નાનો છે. મોટાપાયે ઇન્ટરનેટના વજનની ગણતરીનું કામ Russell Seitz એ કર્યું. ઇન્ટરનેટ એ ઘણાં બધા સર્વરોનું સંગ્રહ સ્થાન છે, કે જે એક તાંતણે જોડાયેલા હોય છે. રસેલે અંદાજો લગાવ્યો કે દુનિયાભરમાં લગભગ 7.5 કરોડ થી 10 કરોડ જેટલાં સર્વરો હોય શકે છે. આ સંખ્યા ફિલહાલ તો વધી ગઇ હશે કેમકે તેમણે ગણતરી 2006 માં કરી હતી. 2006 પછી અત્યારસુધી કોઇપણ સ્ટડી આ વિષયક થઇ નથી. માટે આપણે આ ગણતરીને ધ્યાનમાં રાખીને જ આગળ વધીએ.
-
આ બધાજ સર્વરોને કાર્ય કરવા માટે લગભગ 40 બિલિયન watt વીજળીની જરૂર પડે છે. આપણે જાણીએ છીએ કે કરંટ એ બીજું કંઇ નહીં પણ motion of electron(ઇલેક્ટ્રોનની ગતિ) છે. કુલ વીજળીની ખપત અને તે ખપતમાં કેટલાં ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે તેના આધારે રસેલે અંદાજો લગાવ્યો કે ઇન્ટરનેટનું કુલ વજન 50 ગ્રામ છે. અર્થાત સઘળા ઇન્ટરનેટ ઉપર લગભગ 50 ગ્રામ જેટલાં ઇલેક્ટ્રોન ગતિ કરી રહ્યાં છે.
-
આ તો વાત થઇ તે ઇલેક્ટ્રોનની જેટલી વીજળી આપણને ઇન્ટરનેટને ચલાવવા માટે જોઇએ. પરંતુ!! સઘળા ઇન્ટરનેટનું વજન એટલેકે તેમાં રહેલ કુલ ડેટાનું વજન કેટલું? અસલ મજેદાર સવાલ આ છે. જ્યારે તમે કોઇ એવરેજ સાઇઝનો ઇમેલ કે જેમાં ફક્ત લખાણ હો(કોઇપણ ફોટો અથવા વીડિઓ મૌજૂદ ન હો), તે મેસેજને રીસીવ કરનાર કમ્પ્યુટર અથવા મોબાઇલમાં લગભગ 80 લાખ જેટલાં ઇલેક્ટ્રોન્સ વધી જાય છે અને ઇન્ટરનેટ ઉપર તો અઢળક ડેટા મૌજૂદ છે. હવે ઇન્ટરનેટ ઉપર કેટલો ડેટા મૌજૂદ છે તેની જાણકારી તો કોઇને જ નથી પરંતુ ભૂતપૂર્વ ગુગલના CEO...'Eric Schmidt' એ અંદાજો લગાવ્યો હતો કે ઇન્ટરનેટ ઉપર લગભગ 50 લાખ ટેરા બાઇટ જેટલી માહિતી ઉપલબ્ધ છે(એક અંદાજો 44 ઝેટા બાઇટનો પણ છે પરંતુ અહીં આપણે schmidt ના અંદાજા અનુસાર ચાલીએ). આપણે જાણીએ છીએ કે એક બાઇટમાં કેટલાં ઇલેક્ટ્રોન હોય છે અને આપણને એ પણ ખબર છે કે એક ઇલેક્ટ્રોનનું વજન કેટલું હોય છે. તો ગણતરી કરતાં જાણ થઇ કે સઘળા ડેટાનું વજન લગભગ 6 માઇક્રોગ્રામ જેટલું છે. જી હાં, એક ગ્રામ કરતાં પણ ઓછું.
No comments:
Post a Comment