Saturday, January 1, 2022

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો ખૂટતો ભાગ

 



 

આપણું મીડિયા ભારતીય ભાષાઓમાં બનેલ નોંધપાત્ર ફિલ્મો ઉપર ચર્ચા કરવાને બદલે બોલીવુડને મળેલ જૂજ અભિનય પુરસ્કારો અને તેમના પાછળની રાજનીતિ ઉપર ચર્ચા કરવામાં ઉલઝાયેલું રહે છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે હંમેશા લાઇમલાઇટથી અળગો રહી જાય છે. તે ભાગ છે....નોન ફીચર ફિલ્મ શ્રેણીના પુરસ્કાર. જેમાં ઘણી કમાલની ડોક્યુમેન્ટ્રી, પ્રાયોગિક ફિલ્મો અને લઘુ એનિમેશન ફિલ્મોને પુરસ્કૃત કરવામાં આવે છે. આપણે હજીસુધી નોન ફીચર ફિલ્મોને લોકપ્રિય વૃત્તમાં સરળતાથી સ્વીકારી શક્યા નથી પરંતુ એક એવું ક્ષેત્ર છે જ્યાં વિશ્વ સિનેમામાં કમાલના રોમાંચક કાર્યો થઇ રહ્યાં છે.

-

ઉદાહરણ તરીકે...વિશ્વ સિનેમાનું સૌથી ઝળહળતું નામ, બ્રિટિશ ફિલ્મ નિર્દેશક આસિફ કાપડિયાની દસ્તાવેજી ફિલ્મો જુઓ. એમના પરિચય માટે જાણી લો કે, આસિફ કાપડિયા હતાં જેમણે નેવું ના દાયકામાં લોકપ્રિય હિન્દી સિનેમામાંથી હીરો બનવા માટે 'અનફિટ' કહી હડધૂત કરાયેલા અવિસ્મરણીય અભિનેતા ઇરફાન ખાનને 2001 માં પોતાની ફિલ્મ ' વોરિયર' માં લીડિંગ હીરો તરીકે બ્રેક આપ્યો અને તેમને વિશ્વ સ્તરે ઓળખ અપાવી. તેમની મોટર રેસિંગના ચેમ્પિઅન ખેલાડી એયર્ટન સેન્ના ઉપર બનાવેલ "સેન્ના", પોપ સિંગર એમી વાઇનહાઉસ ઉપર બનાવેલ "એમી" અને આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર ડિએગો મેરાડોના ઉપર બનાવેલ ડોક્યુમેન્ટ્રી જુઓ. કાપડિયા...સફળતાને વરેલા, ખુબજ ચાહના પામનાર પરંતુ ત્રાસરૂપી જીંદગી જીવેલા વ્યક્તિઓની કથા કહેવામાં ખુબજ પાવરધા નિર્દેશક છે.

-

વર્ષના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મનો પ્રતિષ્ઠિત એવોર્ડ હેમંત ગાબા નિર્દેશિત ડોક્યુમેન્ટ્રી 'એન ઇન્જીનિયર્ડ ડ્રીમ' ને મળ્યો છે. ફિલ્મ હર માં-બાપે જોવા જેવી છે જેઓ સંતાનોને કોચિંગ ક્લાસમાં મોકલવા માંગે છે. પહેલા હેમંત 'Shuttlecock boys' જેવી નાના બજેટની પરંતુ મોટી મહત્વકાંક્ષાઓથી પૂર્ણ ફિલ્મ બનાવી ચૂક્યા છે. 'એન ઇન્જીનિયર્ડ ડ્રીમ' કોટા શહેરની કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં ભણી રહેલ ચાર તરૂણ છાત્રોની કહાની છે. એમનું જીવન, એમનો તનાવ, એમની મહત્વકાંક્ષાઓ અને તેમના ડરને તેમણે ખુબ સચોટ રીતે દર્શાવી છે. ફિલ્મને 2014 માં આવેલ યુવા નિર્દેશક અભય કુમાર દ્વારા નિર્દેશિત, મેડિકલ કેમ્પસની ભીતર બનાવેલ શાનદાર દસ્તાવેજી ફિલ્મ 'પ્લેસિબો' ની સાથે મુકી શકો.

-

ટૂંકમાં કહેવાનો ભાવાર્થ....આપણે આપણી રુચિઓના દરવાજા થોડા વધુ ખોલવા પડશે અને આશા છે કે રાષ્ટ્રીય પુરસ્કારનો એવોર્ડ આવી ફિલ્મોને વધુ દર્શકો સુધી લઇ જાય.

 


No comments:

Post a Comment