Tuesday, June 29, 2021

Third wave??



શું કોરોનાની ત્રીજી લહેર આવશે? અગર આવશે તો કોના પ્રતાપે? એથી આગળ વધીએ તો શું ચોથી લહેર પણ આવશે? વેલ, પ્રશ્નો ખુબજ ચર્ચા માંગી લે એવા છે. તો ચાલો નજર કરીએ ઉપરોક્ત પ્રશ્નોના કારણો ઉપર(યાદરહે આ પોષ્ટમાં આપણે વૈજ્ઞાનિક કારણો નહીં પરંતુ વ્યાપારી કારણો ઉપર ફોકસ કરીશું).
-
May 2020, અમેરિકાએ એસ્ટ્રાજેનેકાને 1.2 બિલિયન ડોલર(રૂપીયામાં રૂપાંતર જાતે કરી લેવું) આપ્યાં, જેથી તે કોરોના રસીના રિસર્ચને વધુ ઝડપી બનાવી શકે. બદલામાં એસ્ટ્રાજેનેકા અમેરિકાને ત્રીસ કરોડ ડોઝ આપશે(જો રસી બિલકુલ સુરક્ષિત રહી અને સર્વે સુરક્ષા પ્રોટોકોલને સફળતાપૂર્વક પાર પાડ્યા તો!!!). may મહિનાના શરૂઆતમાં U.K. એ પણ એસ્ટ્રાજેનેકા સાથે 9 કરોડ ડોઝ માટે એક ડીલ ઉપર હસ્તાક્ષર કર્યાં. એક એવી ડીલ જેમાં દેશ ડાયરેક્ટ કંપની સાથે ડીલ કરે છે, જેને આપણે bilateral deal કહીએ છીએ. 2020 માં ઘણાં દેશોએ આવી ડીલ કરી હતી. આવી ડીલ થકી જે અબજો રૂપીયા વેક્સિન બનાવનાર કંપની પાસે જાય છે, તેની મદદથી તે કંપનીને આટલાં ઓછા સમયમાં રસી બનાવવામાં મદદ મળી છે. પણ.....તે પૈસા ઉપર એ પણ નિર્ભર કરે છે કે રસી ક્યારે અને ક્યાં જશે?? આ સૌથી અગત્યનો તેમજ લાખ રૂપીયાનો મુદ્દો છે.
-
ફાઇઝર બાયોટેક કંપની ચાલુ વર્ષના અંત સુધી જેટલાં પણ ડોઝ બનાવશે તેના 96% ડોઝ ઓલરેડી વેચાઇ ગયા છે અને moderna ના ડોઝ 100% વેચાઇ ગયા છે. જરા વિચારો!! એવા દેશો જેમાં દુનિયાની ફક્ત 16% વસ્તી છે, તેમણે રસી બનાવનાર કંપનીઓ પાસેથી અડધાથી પણ વધુ ડોઝ પહેલેથી ખરીદી લીધાં છે. મતલબ વિકસિત દેશોને રસી મળશે અને ગરીબ દેશોને નહીં. કહેવાનું તાત્પર્ય કે ગરીબ રાષ્ટ્રોના નાગરિકોએ થોડાં વધુ મરવું પડશે, જ્યાંસુધી સઘળા વિકસિત દેશોના નાગરિકોનું રસીકરણ ન થઇ જાય અથવા તો ત્રીજી લહેરની રાહ જોવી રહી.
-
બ્રાઝિલ અને ભારતમાં હેલ્થ સિસ્ટમ ઘણીજ ખરાબ છે. સામે છેડે અમેરિકા જેવા વિકસિત દેશો ખુબજ ઝડપથી રસીકરણ કરી રહ્યાં છે. Duke Global Health Innovation Center ના ડાયરેક્ટર ક્રિષ્ના ઉદય કુમારનું કહેવું છે કે આ રીતે મહામારીનો સમય ઘણો લંબાઇ જશે અને બની શકે કે આપણને વધુ લહેર વેઠવાનો વારો આવે, તેમજ નવાં-નવાં વેરિઅન્ટ પણ જોવાના મળે?
-
2009 માં WHO એ સ્વાઇન ફ્લૂને મહામારી જાહેર કરી હતી. પોતાની વેક્સિન ડીલને secure કર્યા બાદ નવ દેશો....ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ફ્રાન્સ, ઇટાલી, ન્યૂઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ અને બ્રિટને WHO ને 120 મિલિયન ડોઝ ગરીબ દેશો માટે આપ્યાં હતાં. પણ ક્યારે?? તેમણે ફંડ ત્યારે આપવાનું શરૂ કર્યું જ્યારે તેમને જાણ થઇ ચૂકી હતી કે સ્વાઇન ફ્લૂની મહામારી એટલી બધી ગંભીર નથી જેટલી તેઓ શરૂઆતમાં વિચારી રહ્યાં હતાં. અહીં જે સમસ્યા છે તે વેક્સિન માર્કેટથી શરૂ થઇ જાય છે. વેક્સિનના ડેવલોપમેન્ટથી લઇને તેના ઉત્પાદન અને વિતરણ સુધી એક આખી મલ્ટિ સ્ટેપ પ્રક્રિયા હોય છે, પરંતુ bilateral deal ના કારણે ધનિક દેશો સીધા ઉત્પાદન લાઇનમાં ઘૂસ મારી જાય છે. હાં, અહીં એક મહત્વની વાત ઉપર પણ નજર કરી લેવા જેવી છે કે...આ ધનિક દેશો જેટલું એડવાન્સ રોકાણ કરે છે તે એક જુગાર જેવું હોય છે. અગર રસી નિષ્ફળ નીવડી તો સઘળો પૈસો બરબાદ થઇ જાય છે. તેથી આ જોખમને ઓછું કરવા માટે વિવિધ દેશોએ ઘણાં વિકલ્પો અખત્યાર કર્યા.
-

ઘણાં દેશોએ કોઇ એક સપ્લાયરમાં રોકાણ કરીને વિવિધ સપ્લાયરોમાં કર્યું. તેથી જો કોઇ એક સપ્લાયર તરફથી મુશ્કેલી પડે તો બીજા અન્ય વિકલ્પો પણ મૌજૂદ રહે. વાત તો જોકે યોગ્ય છે પરંતુ આમ કરવા જતાં એક વિચિત્ર પરિસ્થિતિ ઉત્પન્ન થઇ. જો હરેક કંપની(કે જેમાં વિવિધ દેશોએ રોકાણ કર્યું છે) રસી બનાવવામાં સફળ થઇ તો જે તે દેશને એટલા બધા ડોઝ મળી જશે કે તેમના દેશની વસ્તીનું ઘણીવાર રસીકરણ કરી શકાય. જુઓ નીચેની ઇમેજ...માર્ચ 2021 સુધી કેનેડાએ ત્રીસ કરોડથી પણ વધુ ડોઝને secure કરી લીધાં હતાં, કે જે એમની વસ્તીને લગભગ પાંચ વખત રસીકરણ કરી શકે છે. જે ડીલ અમેરિકાએ કરી છે તેનાથી અમેરિકાની વસ્તીને બે થી વધુ વખત રસીકરણ કરી શકાય એમ છે.


-

અમેરિકાએ એસ્ટ્રાજેનેકા પાસેથી ત્રીસ કરોડ ડોઝ ગયા વર્ષે secure કરી લીધા હતાં. પરંતુ એપ્રિલ સુધી તેમના ડોઝને દેશમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં નહોતી આવી. દરમિયાન મોડેર્ના અને ફાઇઝરના જેટલાં ડોઝ અમેરિકાએ ખરીદ્યા હતાં તેનાથી લગભગ તેઓની સંપૂર્ણ વસ્તી કવર થઇ જશે. પરંતુ!! ત્યારપછી પણ એસ્ટ્રાજેનેકા પાસેથી જે ડોઝ આવશે તે લગભગ-લગભગ અમેરિકા પાસે એકસ્ટ્રા પડ્યા રહેશે. હવે મોટા ભાગના દેશોને પ્રકારના multiple high risk પરવડી શકે એમ નથી. માટે તે દેશો વેક્સિનના approval ની રાહ જુવે છે, પરંતુ ત્યાંસુધી કંપની પાસે દેશો માટે ઉપલબ્ધ ડોઝ હોતા નથી. ઉદાહરણ તરીકે....પેરૂએ એસ્ટ્રાજેનેકા સાથે bilateral deal કરી પરંતુ તેમને સપ્ટેમ્બર સુધી એકેય ડોઝ નહીં મળે.

-

અહીં સવાલ ઉઠે છે કે શું ઉત્પાદન કાર્ય ઉપર અગ્રિમતાની લીટી દોર્યા વિના રસી બનાવનાર કંપની સુધી પૈસા પહોંચાડી શકાય છે? આનો જવાબ છે....હાં. middle man ના રૂપે દેશો અને રસી બનાવનાર કંપનીઓ વચ્ચે એક પ્રોગ્રામ બનાવવામાં આવી રહ્યો છે. જેનું નામ છે COVAX. આનો મુખ્ય ઉદ્દેશ્ય 92 ગરીબ અને મધ્યમ દેશોને રસીની જોગવાઇ કરાવવાની છે. પ્રક્રિયામાં ધનિક દેશો ફંડ સીધુ કંપનીઓને નહીં આપીને COVAX ને આપશે અને COVAX નક્કી કરશે કે કઇરીતે તે ફંડનો ઉપયોગ અલગ-અલગ રસી ઉત્પાદક કંપનીઓ મધ્યે કરશે? ટૂંકમાં એક multilateral system છે જેમાં દેશોને bilateral ની તુલનાએ ઘણું ઓછું જોખમ છે.

-

આજ COVAX ગરીબ અને મધ્યમ દેશો માટે ડોઝની ખરીદી કરશે. જેના માટેના નાણાં યા તો ધનિક દેશો આપશે અથવા કોઇક ચેરિટિના પૈસાનો ઉપયોગ કરાશે. તો પ્રક્રિયા માટે અત્યારસુધી ફક્ત અમેરિકાએ લગભગ ચાર બિલિયન ડોલરનું ફંડ COVAX ને આપ્યું છે, જેથી COVAX ગરીબ દેશો માટે રસી ખરીદી શકે. COVAX ની ઇચ્છા છે કે વધુમાં વધુ દેશો તેઓ સાથે જોડાય પરંતુ તકલીફ અહીં ઉભી થઇ કે જ્યાંસુધી COVAX નો ઉદભવ થાય ત્યાંસુધી અથવા તેના પહેલાંથી ઘણાં દેશોએ ઉત્પાદકો સાથે bilateral deal કરી લીધી છે. માટે તેમના માટે COVAX અર્થહીન છે. આજ કારણે COVAX ને સઘળા દેશો સુધી રસી પહોંચાડવા માટે જેટલા ફંડની જરૂર હતી, તેટલું ફંડ તેમના સુધી પહોંચ્યું નથી.

-

અહીં ધનિક દેશો COVAX સાથે જોડાય અને પોતાની bilateral deal ને પણ અકબંધ રાખી શકે છે. પરંતુ સ્વાભાવિક છે કે તે દેશોએ પોતાની જરૂરિયાત કરતાં ક્યાંય વધુ પૈસા ખર્ચ કરવા પડશે. માટે હવે તેઓ જે પૈસા આપશે તે લગભગ એકસ્ટ્રા હશે(તેમના માટે). પરંતુ અગર બહોળા સ્તરે જોઇએ તો અહીં વાત થઇ રહી છે માનવતાની. ક્યાં તો તેઓ ડીલમાં હિસ્સો લઇને પોતાના પૈસા બચાવી શકે છે, જેનાથી ગરીબ દેશોના કેટલાંક વધુ લાખ લોકો મૃત્યુ પામશે અથવા તો તેઓ વધુ રોકાણ કરી લાખો લોકોના જીવ બચાવી શકે છે. જો આવું થઇ જાય તો શાયદ જે ત્રીજી લહેરથી આપણે ડરી રહ્યાં છીએ તેનું કદાચિત આગમન નહીં થાય? સાથે અમેરિકા અને બ્રિટને COVAX ને એવી બાંહેધરી આપી છે કે જેવી તેમની જરૂરિયાત મુજબના ડોઝ તેમની પાસે આવી જશે તો વધેલ જેટલાં પણ ડોઝ છે તેને તેઓ COVAX ને દાન કરી દેશે.

-

પરંતુ!!! હાલ સુધી ફક્ત બે દેશોએ માટે અગ્રિમતા દર્શાવી છે. બીજા ઘણાં દેશોએ પહેલ કરવી પડશે. રસીની અછત આજ bilateral deal ના કારણે વધી છે(યાદરહે અહીં વર્લ્ડ લેવલે વાત થઇ રહી છે). કોઇ નવી વાત નથી. સઘળો જરૂરિયાતનો સામાન સૌપ્રથમ ધનિકો પાસે જાય છે ત્યારબાદ ગરીબો પાસે આવે છે. પણ.... મહામારી છે અને તે ત્યાંસુધી નામશેષ નહીં થાય જ્યાંસુધી જગતની સર્વે વસ્તી તેને ટક્કર આપવા સક્ષમ નહીં થાય. જ્યાંસુધી નહીં થાય ત્યાંસુધી third wave, fourth wave, fifth wave....આવતી રહેશે.