Thursday, January 28, 2021

Digital Singularity



Digital Singularity એટલેકે ચેતનયુક્ત મશીન શું શક્ય છે? મતલબ શું મશીનોમાં ચેતનાનો સંચાર કરી શકાય? ખબર છે તમારો જવાબ 'ના' જ હશે, પરંતુ આ વિષયક આખી શ્રેણી તમારા જવાબને ફેરવિચાર કરવા મજબુર કરશે. શ્રેણી બેશક સંભાવનાઓ ઉપર આધારિત છે પરંતુ તેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો પણ સમાવેશ છે. જે અંતર્ગત ચેતના, વિચાર, નૈતિકતા, અનુભૂતિ વગેરે ભૌતિક છે કે અભૌતિક? જેવા મુદ્દાઓ વિષે ચર્ચા કરીશું.
-
જૂન 12, 2014....રોમાંચથી ભરપુર તે ગૌરવશાળી દિવસ હતો, જ્યારે 29 વર્ષીય જૂલિયાનો પિન્ટોએ ફુટબોલને કિક મારીને 2014માં બ્રાઝીલમાં રમાયેલ ફુટબોલ વિશ્વકપનો શુભારંભ કર્યો હતો(જુઓ મુખ્ય ઇમેજ). જો તમે એમ વિચારતા હો કે આ ઘટનામાં "ગૌરવશાળી" જેવું શું છે? તો આપને જણાવી દઇએ કે કિક મારનાર જૂલિયાનો પેરાલિસિસનો શિકાર છે અને ચાલવામાં અસમર્થ છે. વૈજ્ઞાનિકોએ એક એવી ચિપ જૂલિયાનોના માથામાં ફીટ કરી હતી જે તેના મગજમાં ઉઠી રહેલ વિચારોના electrical impulse ને ડિકોડ કરી રોબોટિક સૂટમાં મૌજૂદ કમ્પ્યુટર સુધી પહોંચાડતી હતી. કમ્પ્યુટર આ આદેશો અનુસાર સૂટમાં મૌજૂદ હાઇડ્રોલિક્સને નિર્દેશિત કરતુ હતું. આ રીતે જુલિયાનો ફક્ત પોતાના "વિચારો" ના સહારે મશીનને નિર્દેશ આપવામાં સક્ષ્મ હતો અને આ વિલક્ષણ સૂટને પહેરીને લગાવેલ કિક બાદ શારીરિકરૂપે લાચાર લોકોની ઉમ્મીદો પણ સંભાવનાઓના ગગનમાં વિહરવા માંડી છે.
-
હવે એક ક્ષણ માટે વિચારો કે.....એક કમ્પ્યુટર તમારા મગજમાં ચાલી રહેલ વિચારોને વાંચવામાં કઇરીતે સક્ષમ હોઇ શકે જ્યાંસુધી તમારા વિચારો ખુદ ભૌતિક ન હો? ઘણાં પ્રયોગોમાં વૈજ્ઞાનિકોએ દર્શાવ્યુ છે કે આપણાં મગજમાં વિચાર ન્યૂરોન્સના એક ખાસ ક્રમમાં પરસ્પર સંપર્કથી ઉત્પન્ન થાય છે. પ્રત્યેક વિચાર માટે ન્યૂરોન્સના સંપર્કનો પેટર્ન અલગ હોય છે. આ પેટર્નની છણાવટ પહેલાં આપણે મગજની કેટલીક મૂળભૂત વાતો જાણી લઇએ. આપણું મગજ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું હોય છે. (1) સેરેબ્રમ(Cerebrum):- 75% થી અધિક દ્રવ્યમાન ધરાવનાર આ આપણાં મગજનો સૌથી ઉપરી અને મોટો હિસ્સો છે જેને નિયોકોર્ટેક્સ પણ કહે છે. આજ હિસ્સામાં ભાષા, સ્વબોધ, ભાવનાઓ તથા તર્કશીલતા જેવી પ્રક્રિયાઓ સંપન્ન થાય છે. આજ એ હિસ્સો છે જ્યાં વિચારો ઉત્પન્ન થાય છે. (2) સેરિબેલમ(Cerebellum):- આ મગજનો મધ્ય ભાગ છે. આ ભાગમાં આપણે બેલેન્સ, કોઓર્ડિનેશન તથા મુવમેન્ટથી સંબંધિત મોટર ફંકશનને ન્યાય આપીએ છીએ. (3) બ્રેન સ્ટેમ(Brain Stem):- કરોડરજ્જુથી જોડાયેલ આ ભાગ મગજનો સૌથી નીચેનો ભાગ છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં સૌપ્રથમ ઉત્પન્ન થયેલ મગજના આ ભાગ વડે શ્વાસ લેવો, હ્રદયના ધબકારા અકબંધ રાખવા વગેરે કાર્યો સંપન્ન થાય છે.
-
નિંદ્રાવસ્થા દરમિયાન પણ આપણો હાથ કોઇ ગરમ વસ્તુને સ્પર્શે તો આપણે તુરંત હાથ હટાવી લઇએ છીએ. જેનું કારણ છે....આપણી ત્વચામાં મૌજૂદ સ્પર્શસંબંધી ન્યૂરોન્સ ખતરાનું સિગ્નલ સેરેબ્રમને નહીં પરંતુ બ્રેન સ્ટેમને મોકલે છે અને બ્રેન સ્ટેમને કાર્ય કરવા માટે આપણાં ચેતન આદેશોની જરૂર નથી હોતી. અર્થાત જેને આપણે "અવચેતન મન" કહીએ છીએ તે બીજું કંઇ નહીં પણ આપણાં મગજનો તે ભાગ હોય છે જે માનવ વિકાસના ઇતિહાસમાં સૌથી પહેલાં વિકસિત થયો હતો અને નિરંતર શરીરની સુરક્ષા પ્રતિ સજાગ રહે છે.
-
આપણું મગજ અને કરોડરજ્જુ સાથે મળીને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું નિર્માણ કરે છે. શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સૂચનાઓનું વહન કરનારી વિશેષ કોષિકાઓને ન્યૂરોન કહેવાય છે. મગજમાં લગભગ 86 અબજ ન્યૂરોન હોય છે. ન્યૂરોન્સ ત્રણ પ્રકારના હોય છે......સેન્સરી, ઇન્ટરકનેક્ટ અને મોટર ન્યૂરોન્સ. સેન્સરી ન્યૂરોન્સ ઇન્દ્રીયોથી ડેટા ગ્રહણ કરવાનું કાર્ય કરે છે, ઇન્ટરકનેક્ટીંગ ન્યૂરોન્સ આ ડેટાને આગળ વધારવાનું(વહન કરવાનું) કાર્ય કરે છે અને મોટર ન્યૂરોન્સ શરીરની માંસપેશીઓને નિયંત્રિત કરે છે. ન્યૂરોનની સંરચનાના પણ ત્રણ ભાગ હોય છે.....મુખ્ય કોષિકા(Soma), ડેંડ્રાઇટ(Dendrite) અને એક્સોન(Axon).
-
હવે જોઇએ કે ન્યૂરોન્સ આપસમાં વાતચીત કઇરીતે કરે છે? વેલ, ટેકનિકલી મુદ્દો થોડો જટિલ છે માટે આપણે ભીતરમાં ન જઇને કેવળ ઉપરથી સમજી લઇએ. ન્યૂરોન ચાહે કોઇપણ હો, કાર્યપધ્ધતિ બધાની સરખી હોય છે. સેન્સરી ન્યૂરોન પ્રાપ્ત ડેટા જેમકે પ્રકાશ કિરણો અથવા ધ્વનિ તરંગોની ફ્રિકવન્સી તથા પિચને ડિકોડ કરી ન્યૂરોટ્રાન્સમીટર વડે ઇલેક્ટ્રોકેમિકલ સિગ્નલના રૂપે આગળ વધારે છે. આ ન્યૂરોટ્રાન્સમીટર બીજા ન્યૂરોન્સની ડેંડ્રાઇટ ઉપર સ્થાપિત થઇ એક્શન પોટેન્શિયલને જાગૃત કરે છે. એક્શન પોટેન્શિયલ બાદ ન્યૂરોન્સ આજ સૂચનાને નવા ન્યૂરોટ્રાન્સમીટરના રૂપમાં આગળ વધારે છે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ડેંડ્રાઇટ...ફાઇબર તંતુઓ વડે બનેલ એક એવી પેચીદી જાળ છે, જે કોઇપણ ન્યૂરોનને એક સમયમાં દસ હજારથી લઇને એક લાખ અન્ય ન્યૂરોન્સ સાથે જોડે છે. અર્થાત કોઇપણ ન્યૂરોન એકસાથે દસ હજારથી લઇને એક લાખ અન્ય ન્યૂરોન્સથી સિગ્નલ ગ્રહણ પણ કરી શકે છે તેમજ રવાના પણ કરી શકે છે. મગજમાં લગભગ 1000 અબજ એવા બિંદુઓ હોય છે જ્યાં 86 અબજ ન્યૂરોન્સ આપસમાં જોડાય છે. આ સંધિ બિંદુઓને કનેક્શન અથવા સિનેપ્સ પણ કહે છે(જુઓ નીચેની ઇમેજ). આ સિનેપ્સિસ વિભિન્ન ન્યૂરોન્સમાં સંગ્રહિત પેટર્ન્સના આદાનપ્રદાન અને યાદો(memory)ના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

****************Digital Immortality****************
ડિજીટલ અમરતાની સરળ વ્યાખ્યા એ છે કે, એક દિવસ આપણે આપણી ચેતનાને કમ્પ્યુટરમાં અપલોડ કરી ડિજીટલરૂપે અમર થઇ શકીશું. અર્થાત આપણાં શરીર મરી જશે પરંતુ આપણી ચેતના કમ્પ્યુટર અથવા રોબોટમાં હંમેશા માટે સુરક્ષિત રહેશે. આ વિષયમાં આગળ વધતા પહેલાં આપણે "ચેતના" વિશે વાત કરીશું.
-
આપણાં માટે આ સારી વાત છે કે આપણે એવા યુગના સાક્ષી છીએ જ્યાં બુદ્ધિમાન મશીનો આપણી આસપાસ ભર્યા પડ્યા છે. આજે આ મશીનો આપણું ખાવાનું ગરમ કરે છે, કપડાં ધુવે છે, શરીરની બીમારીઓને શોધે છે, ટ્રાફિકની વચ્ચે કાર હંકારે છે અને અંતરિક્ષ યાનોને બ્રહ્માંડમાં અન્ય ગ્રહો સુધી પહોંચાડે છે. આપણાંમાંથી લગભગ કોઇજ એવું કહી ન શકે કે આ મશીનો બુદ્ધિશાળી નથી પરંતુ શું આપણાંમાંથી કોઇ એવું છે જે....જોવા, સાંભળવા, શીખવા અને જટિલ સમસ્યાઓને હલ કરવામાં સક્ષમ આ મશીનોની અંદર કોઇ પ્રકારની જીવાત્મા અથવા ચેતનાની સંભાવના વ્યક્ત કરે? જવાબ 'ના' જ હશે. એટલા માટે કેમકે આ મશીનો આપણી જેમ દુ:ખ, દર્દ, ભય, ખુશીનો અનુભવ નથી કરી શકતાં. તેમજ નૈતિક મૂલ્યો, સ્વબોધને પણ નથી સમજતા. એટલા માટે અનુભૂતિ, નૈતિકતા, સ્વાતંત્ર્ય-સ્વબોધને આપણે કોઇ પરમ ચેતના અથવા જીવાત્માથી ઉત્પન્ન એક અભૌતિક ગુણ માનીએ છીએ.
-
હવે પ્રશ્ન એ ઉઠે છે કે આપણી ચેતના, વિચાર અને અનુભૂતિ સંપૂર્ણપણે અભૌતિક પ્રતિત થાય છે તો આખરે અભૌતિક પ્રતિત થનારી ચેતનાને ભૌતિક રૂપે કોઇ કમ્પ્યુટરમાં અપલોડ કેવીરીતે કરી શકાય? વેલ, જરા વિચારો.....પૃથ્વી પોતાની ધરી ઉપર 1670 કિ.મી/કલાકની ઝડપે ફરી રહી છે અને સાથેસાથે અંતરિક્ષમાં પ્રત્યેક સેકન્ડે 30 કિ.મીના વેગે આગળ પણ વધે છે તો શું આપણે આ ગતિનો અનુભવ કરી શકીએ છીએ? જવાબ છે----નહીં. જો હું તમને કહું કે તમે ખુરશીમાંથી ઉભા થઇને ચાલવાનું શરૂ કરો તો તમારો સમય મારી તુલનાએ ધીમો વહેશે તથા તમારો ચહેરો વાસ્તવમાં અબજો પરમાણુઓનો નૃત્ય કરતો સમૂહ છે અથવા તમારા કાનમાં સંભળાય રહેલ પ્રત્યેક અવાજ હવાના અણુઓનું કંપન છે તો આપની પ્રતિક્રિયા શું હશે? કહેવાનો મતલબ છે કે દુનિયામાં ઘણું એવું ઘટિત થાય છે જે તમને મહેસુસ તો થતું નથી છતાં થઇ રહ્યું હોય છે. માટે હવે પછીની બાબતોને વાંચતી વખતે પ્રચલિત માન્યતાઓને ત્યજી, ખુલ્લા મને હર મુદ્દાઓ ઉપર મનન કરજો. કેમકે હવે માનવ વ્યવ્હારથી સંબંધિત કેટલીક ઘટનાઓનું વિવરણ તમારી સમક્ષ પ્રસ્તુત થશે. ધ્યાનથી વાંચો.
-
60 ના દાયકામાં અમેરિકી વૈજ્ઞાનિક રોજર સ્પેરીએ split-brain પ્રયોગો કર્યાં. જેના માટે તેમને 1981માં ચિકિત્સાના નોબલ પુરષ્કારથી સમ્માનિત કરાયા. આપણું મગજ જનરલી બે ગોળાર્ધોમાં વહેંચાયેલું છે.....ડાબુ અને જમણું. આપણું જમણું મગજ શરીરના ડાબા ભાગોને અને ડાબુ મગજ શરીરના જમણાં ભાગોને નિયંત્રિત કરે છે. Corpus Callosum નામક લગભગ 25 કરોડ ન્યૂરોન્સ બંડલો વડે બનેલ સંરચના બંન્ને ગોળાર્ધો વચ્ચે સંદેશ આદાન-પ્રદાનનું કાર્ય કરે છે. ઇજા થવાથી કે કોઇક બીમારીવશ મગજની સુરક્ષા હેતુ આ Corpus Callosum ને કાપી નાંખવું ઘણી વખત ડોક્ટરો માટે અંતિમ વિકલ્પ બની રહે છે અને જ્યારે આવું બને છે ત્યારે એવા પ્રભાવો ઉત્પન્ન થાય છે, જે પ્રથમ નજરે વિચલિત કરનારા પ્રતિત થાય છે પરંતુ આપણને ચેતના વિષે ઘણું બધુ કહી જાય છે.
-
પ્રથમ ઉદાહરણ---split-brain પ્રક્રિયામાંથી પસાર થયેલ કોઇ વ્યક્તિની સામે ટેબલ ઉપર એક ચમચી મુકો અને વ્યકતિની ડાબી આંખ ઉપર પટ્ટી બાંધી દો. હવે જમણી આંખ વડે વ્યક્તિને ચમચી બતાવો અને પુછો કે આ શું છે? તે વ્યક્તિ તુરંત જ કહેશે કે ચમચી. સાચી વાત. હવે પ્રયોગને ઉલટાવી નાંખો. મતલબ જમણી આંખ ઉપર પટ્ટી બાંધી દો અને ડાબી આંખ વડે વ્યક્તિને ચમચી બતાવો અને પુછો કે આ શું છે? જાણો છો તે વ્યક્તિ શું કહેશે? ટેબલ ઉપર કંઇજ નથી. ઇવન કે તે ચમચીને તેના હાથમાં મુકી દઇએ તો પણ તે હાથમાં ચમચીને જોવા છતાં ઉત્તર આપવામાં સક્ષમ ન હશે. ભલે તે વ્યક્તિ શરમ અનુભવે છતાં તે જાણી જ નહીં શકે કે તેના સાથે આ વિચિત્ર રમત બીજું કોઇ નહીં પરંતુ તેના મગજમાં મૌજૂદ "બે ભિન્ન ચેતનાઓ" રમી રહી છે.
-
આ ઘટનાનું સ્પષ્ટીકરણ એ છે કે.....આપણી ભાષા અને બોલી સાથે જોડાયેલ ગતિવિધિઓ મગજના ડાબા ભાગ દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે વ્યક્તિની ડાબી આંખને ચમચી દેખાય છે તો તેના સિગ્નલ મગજના જમણા ભાગ સુધી પહોંચે છે. પરંતુ ભાષણ સંબંધિત ડાબો ભાગ એ વાતે બેખબર રહે છે મગજના જમણા ભાગને શું દેખાઇ રહ્યું છે? કેમકે જમણી આંખ ઉપર તો પટ્ટી બાંધેલ છે.
-
વ્યક્તિમાં બે ભિન્ન ચેતનાઓની પુષ્ટિ ઘણી રીતે થઇ શકે છે. જો હું તમને કહું કે તમારા બંન્ને હાથ વડે એકસાથે, એકજ સમયે સર્કલ દોરો. તમે દોરી લેશો. બિલકુલ એજ પ્રમાણે બંન્ને હાથ વડે C, I, U જેવા અંગ્રેજી મૂળાક્ષરો લખવાનું કહું તો નિસંદેહ તમે તે કાર્ય પણ કરી શકશો. પરંતુ જો હું તમને કહું કે એકસાથે એક હાથ વડે E અને બીજા હાથ વડે R લખો, તો ગમે તેટલી કોશિશ કરો તમે નહીં લખી શકો. તમે ત્યાંસુધી જ બંન્ને હાથો વડે એકસાથે લખી શકો જ્યાંસુધી અક્ષર અથવા આકૃતિ એકબીજા સાથે મળતી હો. અગર બંન્ને અક્ષર એકબીજાથી ભિન્ન છે તો તમારી ચેતના બંન્ને હાથોના મોટર ન્યૂરોન્સ વચ્ચે સમન્વય સ્થાપિત કરવામાં ગોથું ખાય જાય છે. પરંતુ split-brain લોકોમાં મૌજૂદ બે ભિન્ન ચેતનાઓ સ્વતંત્રરૂપે પ્રત્યેક હાથને નિર્દેશિત કરે છે. એટલા માટે તેઓ બંન્ને હાથો વડે કંઇપણ લખવામાં સક્ષમ હોય છે. split-brain લોકોને એ વાતનો ક્યારેય અંદાજો નથી આવતો કે તેમની અંદર બે સ્વતંત્ર મન અસ્તિત્વ ધરાવે છે. અહીં પ્રશ્ન એ પણ ઉઠે છે કે અગર ભૌતિક મગજની સંરચનામાં પરિવર્તનથી માણસની અભૌતિક પ્રતિત થતી ચેતના બે ભાગમાં વહેંચાય શકતી હોય તો એવું કેમ ન માનવું કે ચેતના સ્વયં ભૌતિક પ્રક્રિયાઓનું પરિણામ છે?
-
હવે નૈતિકતાની વાત કરીએ....જો નૈતિકતાની ઉત્પત્તિ અભૌતિક ગણાતી ચેતના વડે થાય છે, તો એવું માનવું પડે કે મગજ સાથે થયેલ કોઇ છેડછાડથી નૈતિક મૂલ્ય પ્રભાવિત ન થવા જોઇએ. ઉદાહરણ તરીકે જેસિકા નામક એક મહિલા પોતાની મિત્ર મિશેલને મળવા તેના ઘરે જાય છે. થોડી વાતચીત બાદ ચા પીવાનું નક્કી થાય છે પરંતુ જેસિકા કહે છે કે ચા હું બનાવીશ. મંજૂરી મળ્યા બાદ જેસિકા રસોડામાં પહોંચે છે. જ્યાં એક સફેદ પાઉડરવાળા ડબ્બા ઉપર "poison(ઝેર)" લખ્યું હોય છે. વાસ્તવમાં તેમાં ખાંડનો પાઉડર જ હોય છે. જો કે આ વાતની જેસિકાને ખબર નથી. જેસિકા ઝેર વાંચ્યા છતાં આ પાઉડર વડે ચા બનાવી મિશેલ સામે પ્રસ્તુત કરે છે. હવે જો આપને પુછવામાં આવે કે શું જેસિકાએ યોગ્ય કર્યું? બેશક આપનો જવાબ 'ના' જ હશે. બિલકુલ આજ પ્રયોગ હાવર્ડના સંશોધકોએ કેટલાંક લોકો ઉપર કર્યો હતો અને સૌ કોઇનો જવાબ પણ આજ હતો કે જેસિકાએ એક અનૈતિક કાર્ય કર્યું.
-
વૈજ્ઞાનિકોનું માનવું છે કે ટેમ્પોરોપેરિટલ જંકશન નામનો મગજનો ભાગ આપણી માનસિકતા અને સાચા-ખોટાથી સંબંધિત નિર્ણયોને નિર્દેશિત કરે છે. પ્રયોગના પછીના ચરણમાં વૈજ્ઞાનિકોએ ચુંબકીય તરંગો પ્રવાહિત કરી આ ભાગની ન્યૂરોન ગતિવિધિઓને બાધિત કરી પ્રયોગમાં સામેલ લોકોને પ્રશ્ન ફરી પુછ્યો. આ વખતે સૌનો જવાબ બદલાઇ ગયો. સર્વેનું કહેવું હતું કે જેસિકાએ કંઇજ ખોટું નથી કર્યું. જર્નલ સાયન્સમાં 2009માં છપાયેલ એક શોધ અનુસાર ફ્રેંચ વૈજ્ઞાનિકોએ લોકોના મગજના વિભિન્ન હિસ્સાઓમાં ઇલેક્ટ્રિસિટી પ્રવાહિત કરી તેઓમાં ભય, ખુશી, ગમ જેવી વિશુધ્ધ ભાવનાઓ તેમજ ઘણી ઇચ્છાઓને જાગૃત કરી દેખાડી. લોકોએ ભયનો અનુભવ કર્યો કારણ પુછ્યુ તો તેમણે કહ્યું ખબર નથી. હસવાનું કારણ પુછવામાં આવ્યું, સરખો જ જવાબ મળ્યો ખબર નથી.
-
અહીં સવાલ એ ઉઠે છે કે મગજમાં મૌજૂદ ન્યૂરોન્સની જાળ સાથે છેડછાડ કરવાથી જો અભૌતિક નૈતિક મૂલ્ય, કર્મ સ્વાતંત્ર્ય, વિચારવાનું સ્તર પ્રભાવિત થઇ શકતું હોય તો કેમ ન માનવું કે ચેતના સ્વયં ભૌતિક પ્રક્રિયાઓથી ઉત્પન્ન એક પ્રભાવ છે. અગર અનુભૂતિઓ વિશુધ્ધ અભૌતિક છે, તો novacaine ના એક ઇન્જેકશન માત્રથી વિશુધ્ધ પ્રતિત થતાં દર્દની અનુભૂતિ કેમ બંધ થઇ જાય છે? જો સ્વબોધનો એહસાસ અભૌતિક ગુણ છે તો આલ્કોહોલના ચાર ઘૂંટડા ગળા નીચે ઉતારતા જ આ અભૌતિક ગુણ રફુચક્કર કેમ થઇ જાય છે? આલ્કોહોલ ફક્ત એટલુંજ કરે છે કે તે શરીરમાં ગયા બાદ મગજની કોષિકાઓ એટલેકે ન્યૂરોન્સના ફાયરિંગને રોકી દે છે. જેનાથી તેઓની વચ્ચે પરસ્પર સંપર્ક અવરોધાય છે. પરિણામે આપણી અભૌતિક પ્રતિત થતી ચેતના વિલુપ્ત થવા માંડે છે.
-
જો આપણે શક્તિશાળી માઇક્રોસ્કોપની મદદથી કોઇક કોષિકાને સ્કેન કરીએ તો આપણને શંય જોવા મળશે? આપણે જોશું કે કોષિકા પ્રોટીન વડે બની છે, પ્રોટીન એમિનો એસિડથી, એમિનો એસિડ વિભિન્ન પરમાણુઓ વડે અને પરમાણુ ઇલેક્ટ્રોન-પ્રોટોન વગેરેથી બન્યું છે. તો સવાલ એ ઉઠે છે કે કોષિકાનો કયો ભાગ જીવિત કહેવાશે? જવાબ છે....કોઇ નહીં. જો બ્રહ્માંડની હર ચીજ મૃત પ્રતિત થનારા પરમાણુઓ વડે બની છે, તો એવો ભ્રમ થવો સ્વાભાવિક છે કે કોઇ પરમ ચેતના/ અભૌતિક શક્તિ જટિલ જૈવિક પ્રક્રિયાઓને નિર્દેશિત કરે છે. પરંતુ શું આવું છે ખરૂં? ચાલો, સિક્કાની બીજી બાજું ઉપર મનન કરીએ.
-

જો તમે પલળેલાં કપડાંનું માઇક્રોસ્કોપ વડે અધ્યયન કરો, તો તમે જોશો કે કપડું H2O અર્થાત ઓક્સિજન અને હાઇડ્રોજનના અણુઓ વડે તરબતર છે. જેમજેમ તમે સુક્ષ્મતા તરફ આગળ વધશો, જળ ગાયબ થતું જશે અને અંતે ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુઓ શેષ રહી જશે. સ્વતંત્રરૂપે ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુઓ આપણને દૈનિક જીવનમાં દેખાતા પાણી સાથે બિલકુલ મેળ નથી ખાતા. તો પછી જળ શું છે? ફક્ત એક આભાસ, જે ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુઓની પરસ્પર ક્રિયાઓથી ઉત્પન્ન થાય છે.

-

આપણાં બ્રહ્માંડનો મૂળ સિધ્ધાંત છે કે.....પરમાણુઓની પરસ્પર ક્રિયા અને સંપર્ક કેટલાંક એવા વિશેષ પ્રભાવોને જન્મ આપે છે, જે મૂળ પરમાણુઓની પ્રકૃતિથી એકદમ ભિન્ન હોય છે. જેને ઉદ્ગમનતાનો સિદ્ધાંત(Emergence) કહેવાય છે. ઉપરના આપણાં ઉદાહરણમાં જળ અથવા ભીનાશ, ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુઓના સંપર્કથી ઉત્પન્ન એક આભાસી ગુણ છે. ચાલો સમજીએ કે આભાસી ગુણો કેવીરીતે જન્મે છે?

-

સ્પિન તથા ઇલેક્ટ્રિક ચાર્જ બ્રહ્માંડના પ્રત્યેક કણના મૂળભૂત ગુણ છે. વિપરીત ઇલેક્ટ્રિકલ ચાર્જના કારણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપસમાં આકર્ષિત થઇ પરમાણુની રચના કરે છે અને સ્પિન નક્કી કરે છે કે ઇલેક્ટ્રોન પ્રોટોનથી કેટલા અંતરે રહી નાભિના ચક્કર લગાવશે. ભિન્ન ઇલેક્ટ્રિક ચાર્જના કારણે હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ આપસમાં નજીક આવે છે અને જોડાઇને જળના એક અણુ (H2O) નું નિર્માણ કરે છે, કે જે દેખાવમાં અને સ્વાદમાં તેમને બનાવવાવાળા અણુથી તદ્દન ભિન્ન હોય છે. કહેવાનો મતલબ ફક્ત સ્પિન તથા ઇલેક્ટ્રિક ચાર્જ વડે ઉત્પન્ન થયેલ ક્રિયા-પ્રતિક્રિયાઓની શ્રૃંખલા સરળ અણુઓથી જટિલ સંરચનાઓને જન્મ આપી શકે છે અને ચાર્જ તથા સ્પિન પોતે શું છે? જવાબ છે......મૂળભૂત ક્વાન્ટમ ફીલ્ડમાં દ્રવ્યમાનના વિચરણ તથા પરિભ્રમણ વડે ઉત્પન્ન આભાસી પ્રભાવ.

-

તો આપણું માનવું છે કે ચેતના પણ બીજું કંઇ નહીં બલ્કે સ્પિન તથા ચાર્જના સંયુક્ત નિર્દેશનમાં કણોની પરસ્પર ક્રિયાઓથી ઉત્પન્ન એક આભાસી પ્રભાવ છે. બ્રહમાંડના સઘળા મૂળભૂત કણો મૂળભૂત સ્તરે કંપનોની સંખ્યા છે. જેને ગણિતીય ભાષામાં વ્યક્ત કરી શકાય છે. માટે સરળ શબ્દોમાં કહી શકાય કે ચેતના સ્પેસ-ટાઇમમાં વ્યક્ત મેથેમેટિકલ પેટર્ન્સનો એક સંગ્રહ માત્ર છે. હવે પ્રશ્ન ઉઠે છે કે શું મેથેમેટિકલ પેટર્ન્સને ડિકોડ તથા અપલોડ કરી કોઇ મશીનને ચેતનવંતુ બનાવી શકાય? ફિલહાલની ટેકનિક વડે નહીં પરંતુ વિષયમાં વૈજ્ઞાનિકો ઘણાં આશાવાદી છે અને જાણીને નવાઇ લાગશે કે તેમણે અમુક પડાવ પાર કરી પણ નાંખ્યા છે. હકિકતે આપણાં મગજને કોમ્પ્યુટરમાં અપલોડ કરવા માટે શું કરવું જોઇએ? કરવા માટે ફિલહાલ શું વિઘ્નો આવે છે? તે વિઘ્નોને કઇરીતે હલ કરવાં? તેમજ સંદર્ભે વૈજ્ઞાનિકોએ કેટલાં પ્રયોગો કર્યાં? તત્પુરતી અહીં શ્રેણીને અટકાવીએ છીએ અગર આપની જીજ્ઞાસા હશે તો ફરી આનો બીજો અધ્યાય અવશ્ય લખીશું.

(મિત્ર વિજય દ્વારા)


No comments:

Post a Comment