Monday, July 6, 2020

હોર્નેટ, મધમાખી અને ઉત્ક્રાંતિવાદ




મુખ્યત્વે જાપાનમાં મળી આવતો હોર્નેટ(Hornet) નામનો કીડો પ્રકૃતિના સૌથી ક્રૂર અને નિર્મમ શિકારીઓમાંથી એક છે. તેના મજબૂત જડબાં તેને શિકારની ચીર-ફાડ કરવા તથા તેની ત્રણ ઇંચ લાંબી પાંખ તેને 25 માઇલ/કલાકની ગતિએ ઉડીને શિકારનો પીછો કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. યુરોપમાં તેમનો મુખ્ય શિકાર મધમાખીઓ હોય છે.
-
શિકારની તલાશમાં ભટકતાં હોર્નેટ મધપૂડાને જોઇ તેની નજીક ફેરોમોન નામના રસાયણના ટીપાંનો છંટકાવ કરે છે. જે શિકાર માટે ઘૂમતા અન્ય હોર્નેટ માટે આમંત્રણપત્રિકા હોય છે. થોડીજ ક્ષણોમાં 20-30 હોર્નેટની ફૌજ મધમાખીઓની આબાદીને ધવસ્ત કરવા માટે તૈયાર હોય છે. સંખ્યામાં ત્રીસ હજાર આસપાસ હોવા છતાં મધમાખીઓના ભાગ્યમાં હોર્નેટ દ્વારા મૃત્યુ લખેલું હોય છે. પ્રતિ મિનિટ 40 મધમાખીઓને યમલોક પહોંચાડતા હોર્નેટ માટે ફક્ત થોડા કલાકોનો ખેલ હોય છે. થોડાજ સમયમાં મધપૂડામાં મૌજૂદ હરએક મધમાખી મરી ચૂકી હોય છે અને મધપૂડો તેમના વેરવિખેર થયેલા શારીરિક અવશેષોથી ખદબદતો હોય છે. થોડા દિવસો સુધી હોર્નેટની ફૌજ મધપૂડામાં રહી આરામથી મધમાખીઓના અવશેષોને આરોગીને સમય વ્યતિત કરે છે અને થોડા દિવસ પછી મૃત્યુના દૂતો ફરી પોતાનો આતંક વર્તાવા નવા શિકારની તલાશમાં નીકળી પડે છે.
-
પરંતુ આશ્ચર્યજનક રીતે જાપાનમાં મળી આવતી મધમાખીઓ હોર્નેટ સામે સમર્પણ કરતાં પોતાના જીવન માટે સંઘર્ષ કરે છે. જાપાનમાં જ્યારે હોર્નેટ મધપૂડાને ધ્વસ્ત કરવા હેતુ તેની અંદર પ્રવેશે છે, ત્યારે મધમાખીઓ ઝૂંડમાં એક દડારૂપી ગોળ કવચ બનાવી હોર્નેટને પોતાના શિકંજામાં કસી લે છે(જુઓ મુખ્ય ઇમેજ). મધમાખીઓના સતત થનગનતા પેટના કારણે દડાની અંદરનું તાપમાન ઝડપથી વધી 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. મધમાખીઓ તાપમાને આરામથી જીવિત રહી શકે છે, પરંતુ હોર્નેટ થોડીજ મિનિટોમાં મૃત્યુ પામે છે. રીતે મધમાખીઓ આપસી સહયોગ અને તાલમેલ વડે પોતાની સુરક્ષા કરવામાં સફળ થઇ જાય છે.
-
અહીં સંદેશ સ્પષ્ટ છે કે જાપાન, જ્યાં હોર્નેટ ઘણાં સમયથી મૌજૂદ છે, ત્યાંની મધમાખીઓએ ક્રૂર શિકારીઓથી બચવા એક પ્રતિરોધી વ્યવ્હાર વિકસિત કરી લીધો, પરંતુ યુરોપિયન ક્ષેત્ર જ્યાં હોર્નેટ થોડા સમય પહેલાંજ પહોંચ્યાં, ત્યાંની મધમાખીઓએ હોર્નેટથી બચાવનો કોઇ ઉપાય અખત્યાર કરવો પડશે અન્યથા વિલુપ્ત થવા માટે તૈયાર રહેવુ પડશે. ઉદાહરણ દર્શાવે છે કે જે જીવ પોતાની પરિસ્થિતિ અનુસાર સ્વયંને ઢાળી શકે તે જીવિત રહી શકે છે અન્યથા વિલુપ્ત થવું એજ તેની નિયતિ છે. ફરી ડાર્વિનબાબુ 100% માર્કે ઉત્તીર્ણ.....

(વિજય દ્વારા)

No comments:

Post a Comment