"મુઝકો યારો માફ કરના, મૈં નશે મેં હું અબ તો મુમકિન હૈ બહેકના, મૈં નશે મેં હું"
મદિરાપાન કર્યા બાદ લોકો બહેકી શું કામ જાય છે? વ્યવસ્થિત ચાલી નથી શકતાં, બોલી નથી શકતાં, એકની એક વાતનું પુનરાવર્તન કરે, દિલદાર બની પૈસા લૂંટાવી દે છે, શરમ-સંકોચ નેવે મુકી દે છે વગેરે. વધુમાં સવારે ઉઠ્યા બાદ કંઇજ યાદ નથી રહેતું તેમજ યુરિન માટે ઘણીવખત જવું પડતું હોય છે. આવું શા માટે થાય છે? મદિરા એવું તે શું જાદુ કરે છે કે વ્યક્તિની જ્યોગ્રાફી બદલાઇ જાય છે? બીજું, આલ્કોહોલ થોડી માત્રામાં લેવામાં આવે તો ફાયદાકારક છે. શું આ સાચું છે? ચાલો વિગતવાર જોઇએ......
-
આલ્કોહોલ પેટમાં જઇ લોહીમાં ભળી શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે. આપણાં મગજમાં brain cells(મગજના કોષો)ની વચ્ચે ઇલેક્ટ્રીકલ સિગ્નલની આવન-જાવનને કારણેજ આપણે બોલી શકીએ, રડી શકીએ કે કંઇપણ વિચારી શકીએ છીએ. આ ઇલેક્ટ્રીકલ સિગ્નલ મગજના કોષો મધ્યે ન્યુરોટ્રાન્સમીટરને કારણે વહે છે. આ ન્યુરોટ્રાન્સમીટર બે પ્રકારના હોય છે. (1) GABA(gamma aminobutyric acid) કે જે ઇલેક્ટ્રીકલ સિગ્નલને ધીમા કરે છે. (2) Glutamate કે જે ઇલેક્ટ્રીકલ સિગ્નલને ઝડપી કરે છે. જ્યારે આલ્કોહોલ મગજમાં પહોંચે છે ત્યારે તે મગજના કોષો ઉપર GABA ની અસર વધારી દે છે અને Glutamate ની અસર ઓછી કરી નાંખે છે. પરિણામે કોષો મધ્યેના ઇલેક્ટ્રીકલ સિગ્નલ ધીમા થઇ જાય છે. સરળ ભાષામાં મગજના વિવિધ ભાગો શિથિલ થવા માંડે છે.
-
જેમકે....અગર આલ્કોહોલ મગજના Cerebellum હિસ્સાને અસર કરે તો આપ લથડાવા માંડો છો કેમકે તેનું કામ જ સ્નાયુની હલનચલનને નિયંત્રણમાં રાખવાનું હોય છે(જુઓ નીચેની ઇમેજ-1). અગર આલ્કોહોલ મગજના Frontal Lobe હિસ્સાને અસર કરે તો જીભ થોથવાવા માંડે છે(જુઓ નીચેની ઇમેજ-2). અગર આલ્કોહોલ મગજના Hippocampus હિસ્સાને અસર કરે તો આપ એકની એક વાત ઘણીવાર દોહરાવવા માંડો છો તેમજ કંઇપણ યાદ રાખવું મુશ્કેલ થઇ જાય છે. કેમકે તેનું કાર્ય મેમરી સંબંધિત છે(જુઓ નીચેની ઇમેજ-3). અગર આલ્કોહોલ મગજના સંપૂર્ણ Cerebral Cortex હિસ્સાને અસર કરે તો આપ ડર, શરમ, વિચારને નેવે મુકી દો છો.
-
જ્યારે શરીરમાં પાણીની અછત હોય છે ત્યારે આપણાં મગજની Pituitary Gland માંથી એક હાર્મોન નીકળે છે જેને ADH(Anti Diuretic Harmone) કહે છે. જેનું કાર્ય કિડનીમાં જઇ શરીરને ફરી કિડનીમાંથી પાણી શોષવામાં મદદ કરવાનું હોય છે(જુઓ નીચેની ઇમેજ-4,5). પરંતુ જ્યારે આપ આલ્કોહોલ વધુ માત્રામાં લ્યો છો ત્યારે આલ્કોહોલ Pituitary Gland માંથી ADH ને નીકળતા રોકી દે છે. જેના કારણે શરીર કિડનીમાંથી પાણી નથી શોષી શકતું. પરિણામે પાણી મૂત્રમાર્ગે શરીરની બહાર યુરિનરૂપે નીકળવા માંડે છે. આથીજ આલ્કોહોલનું સેવન કરનારે વારંવાર યુરિન માટે જવું પડે છે તેમજ શરીરમાં ઉભી થતી પાણીની અછતને કારણે તરસ પણ વધુ લાગે છે.
-
જ્યારે આપ વધુ આલ્કોહોલનું સેવન કરો છો ત્યારે તે વધુ આલ્કોહોલના liver માં જવાથી એક હાનિકારક રસાયણ Acetaldehyde ની માત્રા liver માં વધવા માંડે છે. આ હાનિકારક રસાયણને તોડનાર એક એન્ટી ઓક્સિડન્ટ Glutathione ની liver માં માત્રા ઘટવા માંડે છે. જેના કારણે વધુ આલ્કોહોલના સેવન બાદ ઘણાંને માથાનો દુખાવો તેમજ ઉલ્ટી થવા માંડે છે. લાંબા સમયસુધી આ હાનિકારક રસાયણના liver માં જમા થવાથી liver ખરાબ પણ થઇ શકે છે. આલ્કોહોલ ફેફસામાં પણ જાય છે. જ્યાંથી તે કાર્બનડાયોક્સાઇડ સાથે ભળી ફેફસામાંથી બહાર આવવા માંડે છે. જેના કારણે આલ્કોહોલ સેવન કરનાર વ્યકિતના મોં અને નાકમાંથી આલ્કોહોલની દુર્ગંધ આવે છે.
-
આલ્કોહોલનું સેવન કરવાથી મગજમાં ડોપામાઇન અને સેરેટોનિન નામના કેમિકલો પણ નીકળે છે. જે વ્યક્તિને થોડા સમય માટે ખુશી, આનંદનો એહસાસ કરાવે છે અને કોઇપણ પ્રકારના દર્દ(શારીરિક અથવા માનસિક)ની અનુભૂતિ ઓછી થઇ જાય છે. અંતે.....આલ્કોહોલને થોડી માત્રામાં લેવામાં આવે તો તે એટલી ખરાબ ચીજ પણ નથી. કેમકે કેટલાંક સંશોધનો બતાવે છે કે આલ્કોહોલની સિમિત માત્રાથી HDL એટલેકે good કોલેસ્ટ્રોલ વધે છે અને LDL એટલેકે bad કોલેસ્ટ્રોલ ઘટે છે. બીયરમાં મૌજૂદ એક રસાયણ Xanthohumol મગજના brain cells ને મરતા અટકાવે છે. તેમજ રેડ વાઇનમાં મૌજૂદ એક રસાયણ Ellagic Acid ચરબીના કોષોની વૃદ્ધિને ધીમા કરવામાં મદદરૂપ થાય છે.






No comments:
Post a Comment